- Gujarati News
- Bhaskar khaas
- Hum log
- Asias Last Tribe In Caves: Survival Story
હમ લોગકેમેરા જોઈને ભાગ્યા ચોલાનાઈકન, ગુફામાં સંતાયા:માને છે ફોટો પડવાથી શક્તિ જતી રહેશે, ગુફાઓમાં રહેતી એશિયાની અંતિમ જનજાતિ, 250 જ અસ્તિત્વમાં
- કૉપી લિંક

સવારનો સમય, હળવી ધુમ્મસ, ગાઢ જંગલમાંથી અજીબોગરીબ અવાજો આવી રહ્યા છે. 5 કલાક સુધી પગપાળા ચાલ્યા પછી ખડકો પર કેટલાક લોકો દેખાય છે. નજીક પહોંચ્યા તો જોયું કે ખડકોમાં નાની-મોટી કાળી ગુફાઓ છે. અમને જોતાં જ તેમાંથી કેટલાક છુપાઈ-છુપાઈને ગુફાઓમાં જવા લાગ્યા.
થોડી વાર પછી ડરેલા-ગભરાયેલા કેટલાક લોકો અમારી નજીક આવ્યા. મેં કેમેરો કાઢ્યો તો તેઓ અજીબ હાવભાવ બતાવવા લાગ્યા. મારા સાથી બોલ્યા— આ લોકો તમને નુકસાન નહીં પહોંચાડે.
આ દરમિયાન, તેમાંથી જ એક વૃદ્ધ આગળ આવ્યા અને કેમેરા તરફ ઈશારો કરીને પોતાની ભાષામાં બોલ્યા— આને દૂર કરો, આ અમારી શક્તિ ખેંચી લેશે. મેં તરત જ કેમેરો હટાવી લીધો. આ વાત મને મારા સાથીએ સમજાવી.
પોતાના સાથી દ્વારા મેં વૃદ્ધને પૂછ્યું— તમે લોકો ગુફાઓમાં કેમ રહો છો?
વૃદ્ધ અમને પોતાની ગુફા પાસે લઈ ગયા. એક તરફ ઈશારો કરતા કહ્યું— અહીં અમારા વડીલો સૂતા (દફન) છે. અમે તેમને છોડીને નથી જતા. આ લોકો અમારી ગુફાઓના રક્ષક છે. અમે અમારા પરિવારના લોકોને પણ અહીં જ દફનાવીએ છીએ.
આ કિસ્સો છે ચોલાનાઇકન જનજાતિનો, જે 21મી સદીમાં પણ ગાઢ જંગલોની વચ્ચે ગુફાઓમાં રહે છે. આમને મળવા પહોંચ્યા હતા પર્યાવરણવિદ્ કેએ શાહજી.
દૈનિક ભાસ્કરની સિરીઝ ‘હમ લોગ'માં હું મનીષા ભલ્લા આ વખતે લાવી છું આ જ ચોલાનાઇકન જનજાતિની વાર્તા—
ચોલાનાઇકન જનજાતિના આશરે 250 લોકો જ બચ્યા છે, જેઓ કેરળના મલપ્પુરમ જિલ્લાના નીલાંબુરના જંગલોમાં વસેલા છે. જ્યારે હું તેમને મળવા જંગલ પહોંચી તો મને રોકી દેવામાં આવી. કેરળ સરકારે હાલમાં જ ચોલાનાઇકન લોકોને જંગલમાં જઈને મળવા પર સખત પ્રતિબંધ લગાવી દીધો છે.
કેએ શાહજી એ છેલ્લા વ્યક્તિ છે, જેઓ તેમની ગુફાઓ સુધી પહોંચ્યા છે. શાહજીએ ચોલાનાઇકનની ગુફાઓ અને તેમની રહેણીકરણીને નજીકથી જોઈ છે. મારી શાહજી સાથે મુલાકાત નીલાંબુર જંગલોના નાકા પર થઈ. ત્યાં જ તેમણે આખી વાર્તા સંભળાવી.

આ જંગલ વાયનાડની નજીક છે. મેં વહીવટીતંત્ર પાસે ચોલાનાઇકનની ગુફાઓ સુધી જવાની મંજૂરી માંગી, પણ અધિકારીઓ ન માન્યા. સતત પ્રયાસો કર્યા પછી વન વિભાગના અધિકારીઓએ માત્ર બે ચોલાનાઇકન પરિવારોને મળવાની મંજૂરી આપી. આ બે પરિવારો જંગલના નાકા પર રહે છે. આમને સરકારે કાચા મકાનો પણ બનાવી આપ્યા છે. બાકીના 20–25 પરિવારો જંગલમાં અંદર ગુફાઓમાં રહે છે.
મંજૂરી મળતા જ હું, મારા સાથી રામ કુમાર અને દુભાષિયા (ટ્રાન્સલેટર) બાલકૃષ્ણન સાથે વાયનાડથી નીલાંબુરના જંગલો તરફ નીકળી પડી.
રસ્તામાં બાલકૃષ્ણન જણાવે છે કે ચોલાનાઇકન બહારના લોકોથી ડરે છે, જલ્દી વાતચીત માટે તૈયાર નથી થતા. આ લોકો પહાડોને દેવતા માને છે. ઉનાળાની ઋતુમાં નદીઓના કિનારે ઝૂંપડીઓ બનાવે છે. ચોમાસા અને શિયાળામાં પાછા ગુફાઓમાં ચાલ્યા જાય છે. આ લોકો સામાન્ય રીતે જંગલની બહાર નથી આવતા.
તો પછી આ બે પરિવારો અહીં કેમ રહે છે?
ક્યારેક–ક્યારેક થોડો સામાન વગેરે લેવા માટે ચોલાનાઇકન જંગલની બહાર આવે છે. થોડા દિવસ આ કાચા મકાનોમાં રહે છે. વહીવટીતંત્ર તેમને દેખરેખ રાખે છે, જેથી કોઈ તેમને પરેશાન ન કરે. બાદમાં તેઓ જંગલની વચ્ચોવચ પોતાની ગુફાઓમાં પાછા ફરે છે.

નીલાંબુરથી આગળ આશરે 20 કિલોમીટર પછી સડક પૂરી થઈ જાય છે. આગળની સફર અહીંથી પગપાળા જ કરવી પડશે. અમે ત્રણેય પથરાળ રસ્તાઓ પરથી પસાર થઈને જંગલના નાકા પર પહોંચ્યા. અહીં ચારેય તરફ પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો છે. અચાનક બે કાચા મકાનો દેખાય છે.
ત્યારે જ બાલકૃષ્ણન કહે છે— ચોલાનાઇકનના બે પરિવારો ત્યાં જ રહી રહ્યા છે.
અમે તે ઘરો તરફ આગળ વધ્યા, તો કૂતરાઓએ ભસીને અમારું સ્વાગત કર્યું. ઘરોની નજીક પહોંચતા જ એક માણસ દેખાય છે. બાલકૃષ્ણન જણાવે છે— આ મુરગન છે. આ દરમિયાન, મુરગન પોતાના કામમાં વ્યસ્ત રહ્યો, તેણે અમારી સામે જોયું પણ નહીં.
તે જમીન પર બેઠા–બેઠા ફણસ (કઠહલ)ને ફોડીને તેના બીજ ખાઈ રહ્યો છે.
બાલકૃષ્ણનને તેની જ ભાષામાં પૂછ્યું— આ ક્યાંથી લાવ્યો?
તે જણાવે છે— જંગલમાંથી એક માણસ લઈને આવ્યો હતો. અત્યારે તે બીજા ફળ લેવા જંગલમાં ગયો છે.
આ દરમિયાન, જ્યારે હું આ વાતચીતનો વીડિયો બનાવી રહી હતી, ત્યારે મુરગન કંઈક કહેતા-કહેતા અટકી ગયો.
બાલકૃષ્ણનના થોડા સમજાવ્યા પછી મુરગન માની ગયો.
તે જણાવે છે— ઉનાળો શરૂ થવાના એક મહિના પહેલા જંગલમાંથી ફણસ લાવવામાં આવે છે. તેને ઉકાળીએ છીએ. તે પછી, તેમાં મધ અને મરચું નાખીએ છીએ. પછી તેના નાના–નાના લાડુ બનાવીને ખાઈએ છીએ.
image
ચોલાનાઇકનની જિંદગીમાં ફણસ બહુ મોટી ભૂમિકા ભજવે છે. આ તેમનો મુખ્ય ખોરાક છે.
બાલકૃષ્ણન જણાવે છે— 'તેમની પાસે દરેક બીમારીનો ઈલાજ જંગલમાં જ છે. તેઓ દરેક પ્રકારની જડી–બુટ્ટીઓ ઓળખે છે.
બાલકૃષ્ણન, મુરગનને પૂછે છે કે તમારા ત્યાં લગ્ન કેવી રીતે થાય છે?'
તે જણાવે છે— ‘જ્યારે છોકરીને છોકરો પસંદ કરી લે છે, ત્યારે અમારા મુખી (સરદાર) અને ગામના વડીલો બધાને એક જગ્યાએ બોલાવે છે. ત્યાં તેઓ તુલસીની બે માળા બનાવીને બંનેને આપે છે. છોકરો અને છોકરી એકબીજાને માળા પહેરાવે છે. આ પછી, બંને સાથે રહેવા લાગે છે. તેમને અલગથી એક ગુફા પણ આપી દેવામાં આવે છે. કોઈ પણ પ્રકારની મિજબાની (ભોજન સમારંભ) કે લેણ-દેણ થતી નથી.’
એટલામાં જ એક સ્ત્રી આવે છે. દૂબળી-પાતળી, વાંકડિયા વાળવાળી. બાલકૃષ્ણને નામ પૂછ્યું, તો બોલી બિંદુ.
મને જોતાં જ તે ગુફાની બીજી તરફ ચાલી જાય છે અને ત્યાં કંઈક સૂકવવા લાગે છે.
બાલકૃષ્ણન પાસે જઈને પૂછે છે— આ શું કરી રહી છે?
તે જણાવે છે— આ કાળા મરી છે, તેને સૂકવી રહી છું. જંગલી મધ અને કાળા મરી વેચીને થોડા-ઘણા પૈસા મળી જાય છે.
આ દરમિયાન હું તેમના ઘરમાં ડોકિયું કરું છું, તો મુરગન–બિંદુ મને બહુ ધ્યાનથી જુએ છે.

ઘરની દીવાલો ગંદી હતી અને ચારેય તરફ ધૂળ જ ધૂળ છે. નીચે ચોખા–દાળ વેરવિખેર પડ્યા છે. કદાચ એક–બે દિવસ પહેલા જ તેમને કોઈએ રાશન કીટ આપી હતી. જંગલમાંથી લાવવામાં આવેલા શાકભાજી છે અને લીંબુ પણ રાખેલા છે. રસોડામાં માત્ર 2–3 એલ્યુમિનિયમના વાસણો દેખાયા. ન મસાલા, ન મીઠું, ન તેલ.
મુરગન, બાલકૃષ્ણને જણાવે છે કે અમે જંગલમાંથી કંઈ પણ તોડીને સીધું જ ખાઈ લઈએ છીએ, રાંધતા નથી. આગમાં માછલી શેકી લઈએ છીએ અથવા ચોખા ઉકાળીને કાંજી બનાવીએ છીએ.
આ દરમિયાન, મારા સાથી રામ કુમારે મને અવાજ આપ્યો.
હું બહાર નીકળી, તો તેમણે મને ઘરની નજીકથી જ એક હળદરનો ગાંઠિયો કાઢીને આપ્યો.
કહ્યું— 'આની સુગંધ લઈ જુઓ.'

મેં સુંઘી તો, ખરેખર હળદરની આવી અદ્ભુત સુગંધ મેં પહેલા ક્યારેય અનુભવી નહોતી.
રામ કુમારે જણાવ્યું— દુનિયામાં તમને આનાથી વધુ શુદ્ધ હળદર ક્યાંય નહીં મળે. ચોલાનાઇકન આને ખાય છે. ઘા થવા પર શરીર પર લગાવે છે.
આ પછી રામ કુમારે એક ઝાડ પરથી એક પાન તોડીને આપ્યું. કહ્યું— આ તમાલપત્ર (તેજપત્તા) છે. તેની સુગંધ પણ લાજવાબ હતી.
મેં પૂછ્યું— જંગલમાં દરેક સમયે ફળ-ફૂલ હોતા નથી, એવામાં આ લોકો શું ખાય છે?
બાલકૃષ્ણન જણાવે છે— ચોલાનાઇકન જંગલમાંથી મધ એકઠું કરે છે. વાંસના લાંબા પોલા ડંડામાં ભરીને તેને હળવી આંચ પર ગરમ કરે છે. આ પછી તેને માટીમાં દબાવી દે છે. જ્યારે જંગલમાં ખાવા માટે કંઈ નથી મળતું, ત્યારે આ લોકો આ જ મધને બહાર કાઢે છે, તેમાં પાણી મેળવે છે અને ચોખા સાથે ખાઈ જાય છે.

શું, તેમના નામ પણ ખાસ હોય છે?
બાલકૃષ્ણન જણાવે છે— ‘દરેક ચોલાનાઇકનની ગુફાનું એક નામ હોય છે, તેથી ગુફાના નામથી જ પરિવાર ઓળખાય છે. આ લોકો ભલે સંખ્યામાં ઓછા છે, પણ પોતાના મુખીની દરેક વાત માને છે.’
‘કયો પરિવાર કઈ ગુફામાં રહેશે, ક્યારે જંગલમાં નવી જગ્યાએ જવાનું છે કે મધની વહેંચણી કેવી રીતે થશે, આ બધું મુખી જ નક્કી કરે છે.’
કબીલાઓ નાના–નાના જૂથોમાં જંગલોમાં અલગ-અલગ જગ્યાએ રહે છે. દરેક જૂથના એક મુખી હોય છે. આ જૂથો આપસમાં બહુ મેળ-જોળ રાખતા નથી.
શું ચોલાનાઇકન કોઈ ઉત્સવ પણ ઉજવે છે?
'દૈવઓટ્ટુ', આ તેમનો એક પરંપરાગત ઉત્સવ છે. આ સામાન્ય રીતે એપ્રિલમાં થાય છે. આ ઉત્સવ માટે દરેક પરિવાર મધ એકત્રિત કરે છે. પછી મધનો એક ભાગ પર્વત અને પૂર્વજોને અર્પણ કરે છે.
ચોલાનાઇકન આધુનિક દુનિયાના સંપર્કમાં આવ્યા પછી હવે શર્ટ-લુંગી પણ પહેરવા લાગ્યા છે.

શું તમને ખબર છે, ચોલાનાઇકન તારાઓ જોઈને હવામાનની સ્થિતિ જણાવી દે છે?
મેં પૂછ્યું— કેવી રીતે?
તેઓ જણાવે છે— આ લોકો તારાઓની સ્થિતિ અને તેમની ચમકના આધારે ચોમાસાના આગમનનો અંદાજ લગાવી લે છે. સાથે જ, પોતાની ગુફા બદલી નાખે છે. ભારે વરસાદથી બચવા માટે આ લોકો પહાડો પર આવેલી ગુફાઓમાં ચાલ્યા જાય છે.
મોત પછી માટીથી અંતર... લાશને પાંદડાં-વેલાઓથી ઢાંકે છે બાલકૃષ્ણન જણાવે છે કે જ્યારે આ લોકોમાં કોઈનું મૃત્યુ થાય છે, ત્યારે તેઓ ઊંડો ખાડો ખોદે છે. લાશને પાંદડાં અને વેલાઓથી લપેટીને તેમાં રાખે છે. તે લોકો ઉપરથી માટી નથી નાખતા. લાકડાં અને પાંદડાંથી ખાડાને ઢાંકી દે છે. તેઓ ધ્યાન રાખે છે કે માટીનો એક કણ પણ શવને ન અડવો જોઈએ.
હવે સાંજ થવા આવી છે. અમે પાછા વાયનાડ તરફ નીકળી પડીએ છીએ.

બીજા દિવસે, હું વાયનાડમાં પર્યાવરણવિદ્ કેએ શાહજીના ઘરે પહોંચું છું.
શાહજી જણાવે છે— વરસાદના દિવસો હતા. જ્યારે હું પહેલીવાર ચોલાનાઇકન લોકોની ગુફા પાસે પહોંચ્યો, તો લાગ્યું જાણે કોઈ બીજી સદીમાં આવી ગયો છું. મેં ચોલાનાઇકનની વચ્ચે રાત વિતાવી છે.
રાત્રે હાથીઓની ચિચિયારી આખા જંગલમાં ગુંજી રહી હતી. ગુફાઓની નજીક સુધી પણ કેટલાક હાથી આવી ગયા હતા, પરંતુ ચોલાનાઇકન પર આની કોઈ અસર ન થઈ. તે રાત મેં પડખા બદલી–બદલીને વિતાવી.
ચોલાનાઇકનની એક વિશેષતા તમને જણાવું. તેઓ પક્ષીઓનો કલરવ, પવનની દિશા અને વૃક્ષોના પાંદડા હલવાની રીત જોઈને જણાવી શકે છે કે વરસાદ ક્યારે આવશે અથવા જંગલમાં જોખમ કેટલું નજીક છે.
તેઓ કઈ ભાષા બોલે છે?
ચોલાનાઇકન સમુદાયની ભાષાને 'ચોલાનાઇક્કન' કહે છે. આ ભાષામાં મલયાલમ ઉપરાંત તમિલ અને કન્નડના પણ કેટલાક શબ્દો મળે છે.
શાહજીને મળીને હું વાયનાડના સ્થાનિક પત્રકાર દીપક કુમારના ઘરે પહોંચું છું. દીપક પણ ચોલાનાઇકન અને તેમની ગુફાઓને નજીકથી જોઈ ચૂક્યા છે.
કંઈક બતાવતા પહેલા તેઓ મને ચોલાનાઇકનની તસવીરો બતાવે છે.
આ પછી તેઓ કહે છે— આ લોકો પોતાના પૂર્વજોની જેમ ગુફાઓમાં જ રહેવાનું પસંદ કરે છે. સરકારે જંગલમાં તેમના માટે ઘર બનાવી આપ્યા છે, પરંતુ તે અધૂરા છે.
તેઓ જણાવે છે— ચોલાનાઇકન સમુદાયની એક સ્ત્રી ગર્ભવતી થતાં તેને વાયનાડની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, પરંતુ તે રાત્રે જ ત્યાંથી ભાગી ગઈ. ભારે અફરાતફરી મચી ગઈ. આખરે, તે જંગલમાં પોતાના લોકોની વચ્ચે મળી આવી. આવા બીજા પણ કેટલાય કિસ્સા છે.
પરંતુ સૌથી મોટું સંકટ એ છે કે જો આ જનજાતિને યોગ્ય રીતે સંભાળવામાં નહીં આવે, તો આ ‘કેવમેન’ (ગુફામાનવો) જંગલોમાં જ વિલુપ્ત થઈ જશે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















