Mon, Nov 23, 2026Updated 07:16 AM IST
Google Preferred Source CTA

ગુજરાત એક્સપ્લેનર
ગુજ્જુ સ્ટુડન્ટ્સમાં દુબઈ ક્રેઝ કેમ વધ્યો:ઓછી ફીમાં તગડી નોકરી ને ગોલ્ડન વિઝા મળે, એકાઉન્ટમાં ફંડ બતાવવાની ઝંઝટ નહીં

1 કલાક પેહલાલેખક: યશપાલ બક્ષી
  • કૉપી લિંક

ગુજરાતીઓ દુબઈનું નામ સાંભળે એટલે પહેલો વિચાર ફરવાનો આવે. પણ હવે દુબઈ એજ્યુકેશન હબ તરીકે ઊભરી રહ્યું છે. દુબઈ ઈન્ટરનેશનલ એકેડમી સિટીમાં ઘણા દેશોની 31 જેટલી યુનિવર્સિટીસ છે. તેમાં 3 લાખ 78 હજાર સ્ટુડન્ટ્સ ભણે છે. જેમાં 1,50,000 સ્ટુડન્ટ્સ ઈન્ડિયન છે. ત

.

સવાલ-1 : સ્ટુડન્ટ્સ દુબઈ તરફ કેમ આકર્ષાયા?

જવાબ : દુબઈની નોલેજ એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ મુજબ, અહીં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી 42% ભારતીયો છે. તેમાંના મોટાભાગના વિદ્યાર્થીઓ એવા છે, જે પહેલેથી જ પોતાના પરિવાર સાથે દુબઈમાં રહે છે. ભારતમાંથી પણ માત્ર અભ્યાસના હેતુથી દુબઈ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા બહુ મોટી છે.

દુબઈમાં આવેલું ઈન્ટરનેશનલ એકેડમિક સિટી. અહીં 31 જેટલી વિદેશની યુનિવર્સિટીસના કેમ્પસ છે.
દુબઈમાં આવેલું ઈન્ટરનેશનલ એકેડમિક સિટી. અહીં 31 જેટલી વિદેશની યુનિવર્સિટીસના કેમ્પસ છે.

સ્ટુડન્ટ્સને દુબઈમાં ભણવાનું આકર્ષણ થયું તેના કેટલાક કારણો છે. જેમ કે,

  • ભારતથી દુબઈનું અંતર વધુ નથી. ફ્લાઈટમાં 3થી 4 કલાકમાં દુબઈ પહોંચી જવાય. અહીં ભારતીય સમુદાય પણ મોટી સંખ્યામાં છે, જેના કારણે દુબઈમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને ઘરથી દૂર હોવાની લાગણી ઓછી થાય છે.
  • બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની ઘણી ટોચની યુનિવર્સિટીઓનાં કેમ્પસ દુબઈમાં છે. અહીં ઓછી ફી ભરીને સારામાં સારા કોર્સિસ કરી શકાય.
  • અમેરિકા, બ્રિટન, કેનેડા જેવા દેશોની સરખામણીમાં દુબઈમાં ટ્યુશન ફી ઓછી છે અને અહીં રહેવા-જમવાનો ખર્ચ પણ પરવડે તેવો છે.
  • દુબઈની ગણતરી દુનિયાના સૌથી સુરક્ષિત શહેરોમાંના એક તરીકે થાય છે. અહીં પબ્લિક ટ્રાન્સપોર્ટ આધુનિક છે. અહીં ક્વોલિટી લાઈફ લિવિંગ છે.
  • દુબઈમાં નોકરી મળ્યા પછી સરકારને એક રૂપિયો ય ટેક્સ આપવો પડતો નથી. આખો પગાર હાથમાં આવે છે.

સર્જક ઓવરસીસના ઈમિગ્રેશન એક્સપર્ટ નિર્મલ ટાંક કહે છે કે, દુબઈ અત્યારે ઘણું જ સારું ને મોટાપાયે એજ્યુકેશન માટે ઓપન થયું છે. તેના કારણો એ છે કે ત્યાં ટેક્સેશન નથી. તમે ત્યાં કમાણી કરતા હો તો સરકારને એક રૂપિયો પણ નથી આપવાનો. ભણીને નોકરીએ લાગો પછી આ સૌથી મોટો ફાયદો મળે. બીજું કારણ છે કે ઓસ્ટ્રેલીયન યુનિવર્સિટી વોલોંગોંગ, બ્રિટનની દે-મોનફોર્ટ યુનિવર્સિટી, લંડન યુનિવર્સિટી, કેનેડાની યુનિવર્સિટીઓ, અમેરિકાની યુનિવર્સિટીઓના હેડક્વાર્ટર દુબઈમાં આવવાના શરૂ થઈ ગયા છે.

દુબઈમાં આવેલી ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીનું કેમ્પસ
દુબઈમાં આવેલી ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીનું કેમ્પસ

ઓસ્ટ્રેલિયાની કોઈ યુનિવર્સિટીમાં ચોક્કસ સિલેબસ કરવા જાવ તો ફી વધારે હોય. દુબઈમાં એ જ યુનિવર્સિટીની બ્રાન્ચમાં, એ જ સિલેબસની વર્ષની ફી 5 થી 7 લાખ રૂપિયા ઓછી હોય. છેલ્લા બે વર્ષમાં ઘણા ગુજરાતથી ઘણા સ્ટુડન્ટ દુબઈ તરફ વળ્યા છે. કોઈપણ દેશની ત્રણ- ચાર યુનિવર્સિટીઓ છે. એવા 17 દેશોની યુનિવર્સિટીસ છે. સર્ટીફિકેટ ત્યાંનું જ આવે.

માનો કે ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા તો 17થી 18 લાખનો ખર્ચો થાય પણ દુબઈમાં એ જ યુનિવર્સિટીમાં, એ જ કોર્સમાં 12 લાખ આસપાસનો ખર્ચ થાય. વર્ષના 5- 7 લાખ બચે તો બે વર્ષના 10 થી 12 લાખ બચે. માસ્ટર્સ માટે ઘણું સારું છે. પાર્ટ ટાઈમ જોબ પણ મળી રહે છે. સ્ટડી વિઝા જ મળે છે. યુનિવર્સિટી પણ સ્ટુડન્ટ વતી વિઝા કઢાવી આપે છે. તમારે વિઝા કઢાવવાની જરૂર પણ નથી.

એસ્પાયર સ્ક્વેરના ઈમિગ્રેશન એક્સપર્ટ મૌલિક રાવલનું કહેવું છે કે દુબઈ વચ્ચે સારું એવું એક્સપ્લોર થયું હતું. પૈસે ટકે સુખી હોય તેવા પેરેન્ટ્સ તેમના બાળકો માટે પહેલો પ્રેફરન્સ દુબઈ રાખતા હતા. દુબઈ છેલ્લા બે વર્ષથી જ પોપ્યુલર થયું છે. ઘણા ગુજરાતી સ્ટુડન્ટ્સ દુબઈમાં ભણે છે.

ખાસ તો ઈન્ટરનેશનલ એક્સપોઝર મળે એટલે પેરેન્ટ્સ પોતાના છોકરાંવને દુબઈ મોકલે છે. ડ્રગ્સ કે બીજું કોઈ ન્યૂસન્સ નથી. અમે એપ્રોચ એવો કરીએ છીએ કે દુબઈ ફરવા જાવ તો સાથે સાથે કેમ્પસ જોતા આવજો. ત્યાં વિઝીટ કરીને જોઈ શકો. વાતાવરણ કેવું છે, લોકો કેવા છે, એ તમને ખ્યાલ આવે.

દુબઈમાં એજ્યુકેશન ભારત કરતાં પણ એફોર્ટેબલ છે. તમે બેંગ્લોર ભણવા જાવ ને દુબઈ ભણવા જાવ, સેઈમ કોસ્ટમાં પડે. અત્યાર સુધી લોકો એવું વિચારતા હતા કે દુબઈ શાંત અને સેઈફ છે. કોઈ હુમલો જ ન કરે. પણ ઈરાને જે રીતે અચાનક હુમલો કર્યો તેના કારણે ભારતીય સ્ટુડન્ટ્સમાં ભય થઈ ગયો. પણ અત્યારે દુબઈમાં કોઈ પ્રોબ્લેમ નથી. લોકો ફરવા જાય છે. ટુરિઝમ નોર્મલ થઈ ગયું છે. એજ્યુકેશન સારું ચાલે છે.

દુબઈ ભણવા માટે નવું હબ બનતું જાય છે, તેના ફાયદા છે ને ગેરફાયદા પણ છે.

સવાલ-2 : દુબઈમાં અભ્યાસ કરવાના ફાયદા અને ગેરફાયદા શું છે?

જવાબ : દુબઈમાં ભણવાના ફાયદા- ગેરફાયદા જાણતાં પહેલાં થોડું દુબઈ વિશે જાણી લો...

UAE એટલે યુનાઈટેડ આરબ અમિરાત્સ. આ 7 નાનકડા દેશોનું ઝૂમખું છે. અબુધાબી, દુબઈ, શારજહા, અજમાન, ઉમ્મ અલ કુવૈન, રસ અલ ખૈમાહ અને ફુજૈરાહ. આ બધા દેશોમાં દુબઈ આર્થિક સદ્ધર છે, દુનિયાના 200 દેશોના લોકો દુબઈમાં રહે છે. ત્યાં જ બિઝનેસ કરે છે ને નોકરી કરે છે.

દુનિયાભરની આંતરરાષ્ટ્રીય બેન્ક, ફાયનાન્સ, ઈન્વેસ્ટમેન્ટ અને કન્સલ્ટિંગ કંપની અને મોટી મોટી લૉ ફર્મના રિજિયોનલ હેડક્વાર્ટર દુબઈમાં છે. DIFCમાં 8 હજાર કંપની રજીસ્ટર્ડ છે. અહિયા 48 હજાર પ્રોફેશનલ્સ કામ કરે છે. જે અલગ અલગ દેશોમાંથી આવ્યા છે. દુબઈ ટેક્સ ફ્રી દેશ છે. મોટી મોટી જાયન્ટ કંપનીઓ દુબઈમાં પોતાનો વ્યાપ વધારવા માગે છે કારણ કે અહિયા ટેક્સમાં છૂટ મળે છે. ઈન્વેસ્ટમેન્ટ સેઈફ છે, દેશ પણ સુરક્ષિત છે.

દુબઈમાં એજ્યુકેશનની સાથે સ્કીલ ડેવલપમેન્ટની તક પણ મળે છે.
દુબઈમાં એજ્યુકેશનની સાથે સ્કીલ ડેવલપમેન્ટની તક પણ મળે છે.

હવે મૂળ વાત. દુબઈમાં ભણવાના ફાયદા છે તો સામે કેટલાક ગેરફાયદા પણ છે. જો તમે દુબઈ ભણવા જવા ઈચ્છતા હો તો આટલી વાત જાણવી ખાસ જરૂરી છે.

દુબઈમાં ભણવાના 3 ફાયદા

  1. ફંડ બતાવવું પડતું નથી : તમે કોઈપણ દેશમાં ભણવા કે પછી ફરવા પણ જાવ તો બેન્ક એકાઉન્ટમાં પરહેડ ચોક્કસ બેલેન્સ બતાવવી પડે છે. જો બેલેન્સ ન હોય તો જે-તે દેશના વિઝા મળતા નથી. તમે દુબઈ ફરવા જતા હોવ તો પર હેડ 1 લાખ રૂપિયા બતાવવા પડે છે. પણ દુબઈમાં એજ્યુકેશન માટે જતા હોવ તો એકાઉન્ટમાં ફંડ બતાવવાની જરૂર નથી.
  2. 10 વર્ષના ગોલ્ડન વિઝા મળે : જો તમે દુબઈમાં બે વર્ષ માસ્ટર્સનો કોર્સ કર્યો, MBA કે LAW કર્યું અથવા ટોપ યુનિવર્સિટીમાં ચાલતા 500 કોર્સમાંથી કોઈપણ કોર્સ પૂરો કરી લ્યો પછી તમારા માટે દુબઈના વિઝાના દરવાજા ખુલી જાય છે. શરત એટલી કે કોર્સમાં તમારો સ્કોર 3.8 GPA (ગ્રેડ પોઈન્ટ એવરેજ) હોવો જોઈએ. તો તમને દુબઈ સરકાર તરફથી તરત જ 10 વર્ષના ગોલ્ડન વિઝા મળી જાય છે.
  3. ગ્રોઈંગ જોબ માર્કેટ : દુબઈ એ ગ્રોઈંગ જોબ માર્કેટ છે. ભણીને બહાર નીકળો પછી તરત નોકરી મળી જાય છે. યુએઈની ઈકોનોમી બહુ મજબૂત છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઘણા લોકોએ દુબઈને સેઈફ માન્યું હતું એટલે મોટાભાગના સ્ટુડન્ટ્સ પોલેન્ડ કે યુક્રેનના બદલે દુબઈ તરફ વળ્યા છે.
દુબઈમાં એકેડમિક સિટી ક્યાં આવેલું છે તે દુબઈ હોલ્ડીંગ નામની યુટ્યુબ ચેનલ પર દર્શાવાયું છે.
દુબઈમાં એકેડમિક સિટી ક્યાં આવેલું છે તે દુબઈ હોલ્ડીંગ નામની યુટ્યુબ ચેનલ પર દર્શાવાયું છે.

દુબઈમાં ભણવાના 3 ગેરફાયદા

  1. એજ્યુકેશનનો ઓછો અનુભવ : દુબઈમાં જ્યાં યુનિવર્સિટીસ છે તે મોટાભાગની યુનિવર્સિટી છેલ્લા દાયકામાં ઊભી થઈ છે. સૌથી વધારે તો છેલ્લા ત્રણેક વર્ષમાં જ બની છે. એટલે એજ્યુકેશન ડેસ્ટિનેશન બનતાં થોડી વાર લાગશે. એકેડમિક ઈકોસિસ્ટમ હજુ ઊભી થઈ રહી છે એટલે દુબઈના કલ્ચરમાં પ્રોપર એજ્યુકેશન સિસ્ટમ સેટ થઈ નથી.
  2. પાર્ટટાઈમ જોબ્સની તકલીફ : તમે ભારતીય સ્ટુડન્ટ તરીકે કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટનમાં જાવ છો તો રૂટિન ખર્ચા માટે પાર્ટટાઈમ જોબના ઓપ્શન્સ છે. પણ દુબઈમાં આવું નથી. કદાચ પાર્ટટાઈમ જોબ મળી ગઈ તો કોઈ સારી સેલેરી મળતી નથી. 2,000થી 2,500 દીરહામ મળે છે. આપણા 50 હજાર રૂપિયા થયા. એ ત્યાં દેખાય પણ નહીં. જો તમારે પાર્ટટાઈમ જોબ સાથે દુબઈ ભણવું છે તો દુબઈ ન જવાય.
  3. એવરેજ વર્ક કલ્ચર : યુએઈમાં ટેક્સ ફ્રી સેલેરી મળે છે. લિવિંગ કોસ્ટ હાઈ નથી. ખર્ચા પરવડે તેવા છે પણ ભણ્યા પછી વર્ક કલ્ચર જોઈએ તેવું નથી. ભારત જેવું જ વર્ક કલ્ચર છે તેમ સમજી લો. તમે ભારતમાં કામ કરીને કંટાળી ગયા હો તો નોકરી દુબઈમાં ન કરાય. હા, ઓછા ખર્ચે દુબઈમાં ભણીને બીજા કોઈ દેશમાં નોકરી કરાય. પણ તમે પરણેલા છો, બાળકો છે તો યુએઈમાં રહેવા જેવું છે. સારા પગારની નોકરી મળે છે. બચત તગડી કરી શકો છો.

દુબઈમાં એજ્યુકેશન સારું છે, ખાસ કરીને ભણવાનો ખર્ચ બહુ થતો નથી.

સવાલ-3 : દુબઈમાં ભણવાનો ખર્ચ કેટલો થાય?

જવાબ : તમે ઓસ્ટ્રેલિયા ભણવા જાવ, લંડન ભણવા જાવ, અમેરિકા ભણવા જાવ તો બે વર્ષના સહેજે ય 40- 50 લાખ રૂપિયા જોઈએ. દુબઈમાં બે વર્ષમાં 20 લાખ જોઈએ. બીજા દેશો કરતાં દુબઈમાં એજ્યુકેશન ફી ઓછી છે. વિદેશની યુનિવર્સિટીઓમાં 500થી વધારે કોર્સ થાય છે.

કોઈપણ કોર્સ લઈ લો, મોટાભાગના કોર્સની ફી 40 હજાર દિરહામ (લગભગ 10 લાખ રૂપિયા)થી 80 હજાર દિરહામ (20 લાખ રૂપિયા)ની વચ્ચે છે. રહેવા-જમવાનો ખર્ચ, જેમાં ભાડું, ભોજન, ટ્રાન્સપોર્ટેશન અને એન્ટરટેઈન્મેન્ટ પણ આવી જાય. માનો કે તમે એક વર્ષની 8 લાખની ફી વાળી યુનિવર્સિટીમાં એડમિશન લીધું. તો 16 લાખ રૂપિયા ફીના બે વર્ષના થાય. રહેવા, જમવાનો ખર્ચ ગણો તો 20 લાખ જેવો થાય. લંડન કે ઓસ્ટ્રેલિયામાં આ જ ખર્ચો 40થી 45 લાખે પહોંચે.

દુબઈમાં કોર્સિસ અઢળક થાય છે. પણ સ્ટુડન્ટ્સમાં જે ફેવરિટ કોર્સિસ છે તેમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને ફાઇનાન્સ, એન્જિનિયરિંગ (સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ), ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અને કમ્પ્યુટર સાયન્સ, હોસ્પિટાલિટી અને ટૂરિઝમ મેનેજમેન્ટ, મીડિયા અને કમ્યુનિકેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ, આર્કિટેક્ચર અને અર્બન પ્લાનિંગ, લૉ અને ઈન્ટરનેશનલ રિલેશન્સ. આ સિવાય પણ પુષ્કળ કોર્સ થાય છે.

ઘણા બધા દેશની યુનિવર્સિટીઓ દુબઈના એકેડમિક સિટીમાં ખુલી ગઈ છે. સાથે સાથે ભારતની પણ IIM અમદાવાદ, બિટ્સ પિલાની જેવી ઘણી ઈન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ પણ દુબઈમાં ખુલી ગઈ છે.

સવાલ-4 : દુબઈમાં ભારતીય ઈન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ કેમ ખુલી?

જવાબ : ભારતની ઘણી ઈન્સ્ટિટ્યૂટની બ્રાન્ચ દુબઈમાં ઓપન થઈ ચૂકી છે. એટલે વિદેશથી કોઈને IIM- અમદાવાદમાં ભણવું હોય તો અમદાવાદ આવવાના બદલે દુબઈ જવાનું પસંદ કરશે. કારણ કે સ્ટુડન્ટ્સને ત્યાંની ક્વોલિટી લાઈફ સ્ટાઈલ જોઈએ છે. આ સિવાય પણ ભારતીય ઈન્સ્ટિટ્યૂટ દુબઈમાં ખુલવાના કેટલાક કારણો છે.

  • દુબઈમાં ભારતીયોની સંખ્યા : સંયુક્ત આરબ અમીરાત (UAE)માં આશરે 35 લાખ ભારતીયો રહે છે. જે UAEની કુલ વસ્તીના લગભગ 35% છે. UAEમાં પણ દુબઈમાં આ સંખ્યા વધુ છે, આના કારણે CBSE સ્કૂલો ખુલતી ગઈ. એકલા દુબઈમાં જ 80 CBSE સ્કૂલ છે.
  • ગ્લોબલ એજ્યુકેશન હબ તરીકે દુબઈનો ઉદય : દુબઈ ઇન્ટરનેશનલ એકેડેમિક સિટી (DIAC) અને નોલેજ વિલેજની સ્થાપના થયા પછી વિદેશી યુનિવર્સિટીઓ આવવા લાગી છે. 2023માં UAEએ એજ્યુકેશન સેક્ટરમાં 270 કરોડ ડોલરનું રોકાણ કર્યું. એટલે ભારતીય 25 હજાર કરોડ રૂપિયા થાય. જેમાં બહારના દેશોની યુનિવર્સિટીઓને તમામ સુવિધા આપી છે.
  • ભારત-UAE મજબૂત દ્વિપક્ષીય સંબંધો : ભારત અને UAEએ 2022માં ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા, જેના કારણે દુબઈમાં એજ્યુકેશનને પ્રોત્સાહન મળ્યું. જુલાઈ 2023માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની UAE મુલાકાત દરમિયાન IIT દિલ્હી-અબુ ધાબી કેમ્પસની સ્થાપના માટેનો કરાર થયો. IIM અમદાવાદે દુબઈ કેમ્પસ શરૂ કર્યું. દુબઈના શાસક શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મક્તૂમે 2023માં ભારતીય શિક્ષણ મોડેલની પ્રશંસા કરી.
  • UAEનું ફાયનાન્શિયલ વિઝન : દુબઈ ગ્લોબલ ટ્રેડ હબ છે. દુબઈનો ટાર્ગેટ 2030 સુધીમાં નોલેજ ઈકોનોમી ડેવલપ કરવાનો છે. તે ક્રિપ્ટો અને ફાયનાન્શિયલ ટેકનોલોજી પર ફોકસ કરે છે. તે ભવિષ્યને ધ્યાનમાં રાખીને ફ્યુચરિસ્ટિક ઈકોનોમી પર પણ ફોકસ કરે છે. દુબઈ અત્યારથી કલ્પના કરી રહ્યું છે કે 2050માં દુબઈ કેવું હશે. આના માટેનું ફ્યુચર મ્યુઝિયમ પણ બનાવ્યું છે.
  • ગ્લોબલ હબ દુબઈ : દુબઈને મિડલ ઈસ્ટની વોલ સ્ટ્રીટ પણ કહે છે. કારણ કે અહિયા દુનિયાની મોટી 5500 જેટલી ઈન્ટરનેશનલ કંપનીઓની ઓફિસો છે. ગ્લોબલ ફાયનાન્શિયલ સેન્ટર ઈન્ડેક્સમાં દુબઈ દુનિયામાં 11મા નંબરે છે. આ જ ઈન્ડેક્સમાં મિડલ ઈસ્ટમાં દુબઈ પહેલા નંબરે છે. દુબઈ દુનિયાના ચાર મોટા ફાયનાન્શિયલ હબમાં સામેલ છે. દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્શિયલ સેન્ટર એટલે DIFC મિડલ ઈસ્ટ, આફ્રિકા અને દક્ષિણ એશિયાનું સૌથી મોટું ફાયનાન્શિયલ સેન્ટર છે.
દુબઈ એકેડમિક સિટીનો બર્ડ આઈ વ્યૂ
દુબઈ એકેડમિક સિટીનો બર્ડ આઈ વ્યૂ
  • સંસ્કૃતિ અને સેફ્ટીનો સુમેળ : દુબઈમાં 200થી વધુ દેશના લોકો રહે છે અને 2023માં તે વિશ્વના સૌથી બહુસાંસ્કૃતિક શહેરોમાં ટોપ 10માં હતું. ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે દુબઈમાં અનેક મંદિરો છે. આ સમાવેશી વાતાવરણ ભારતીય શિક્ષણ માટે અનુકૂળ છે, જે નૈતિકતા, શિસ્ત અને વૈશ્વિક દૃષ્ટિકોણને જોડે છે. દુબઈ સેફ્ટી માટે સૌથી બેસ્ટ મનાય છે. ત્યાં ક્યારેય તોફાન કે છમકલાં થતાં નથી. કોઈ મોટા યુદ્ધ થતા નથી. થોડા સમય પહેલાં ઈરાને દુબઈ પર કેટલીક મિસાઈલ છોડી તે બાદ કરતાં દુબઈ હંમેશાં સેઈફ રહ્યું છે.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links