- Gujarati News
- Bhaskar khaas
- Global gujarati
- Global Gujarati Ramesh Patel Australia Printing Industry Success VIDEOS
ગ્લોબલ ગુજરાતી-5'ગુજરાતના વિકાસમાં 180 ડિગ્રીનો વળાંક આવ્યો':ગુજરાતમાં ટીચરની જૉબ કરી, કેન્યાનો ધમધોકાર ચાલતો બિઝનેસ છોડી ઓસ્ટ્રેલિયાની વાટ પકડી, આજે પ્રિન્ટિંગમાં નામ કમાવ્યું
- કૉપી લિંક

વિદેશની ધરતી પર જઈને સફળતા મેળવવી સહેજ પણ સહેલી નથી. અનેક પડકારો ઝીલીએ ત્યારે સફળતાનો આસ્વાદ માણવા મળે છે. 'ગ્લોબલ ગુજરાતી'ના આજના છેલ્લા એપિસોડમાં આપણે વાત કરીશું ઓસ્ટ્રેલિયામાં પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં આગવું સ્થાન જમાવનારા રમેશભાઈ પટેલની. ટીચર તરીક
ગોલ્ડમેડાલિસ્ટ રહી ચૂક્યા છે ઉત્તરસંડામાં ખેડૂત પરિવારમાં જન્મેલા રમેશભાઈના પેરેન્ટ્સ (હરમાનભાઈ ને શાંતાબેન) ખાસ ભણ્યા નહોતા, પરંતુ તેમની એવી ઈચ્છા હતી કે ત્રણ દીકરા ને બે દીકરીઓ અચૂકથી ભણે. પરિવારમાં સૌથી મોટા દીકરા એટલે રમેશભાઈ. આજે તો બંને બહેનો આ દુનિયામાં નથી. એક ભાઈ લંડનમાં ને બીજો ભાઈ ઉત્તરસંડામાં જ પાપડ ને આઇસક્રીમનો બિઝનેસ કરે છે. રમેશભાઈ કહે છે, 'મારું સ્કૂલિંગ ઉત્તરસંડામાં જ થયું. સામાન્ય રીતે હું આ વાત કોઈને કહેતો નથી, પરંતુ સ્કૂલમાં હું ગોલ્ડમેડાલિસ્ટ રહી ચૂક્યો છું. સ્કૂલ પૂરી કરીને કોમર્સ લીધું ને એક વર્ષ નડિયાદ ને પછી વિદ્યાનગરમાં ભણ્યો. બી.કોમ, એમ.કોમ સુધી ભણ્યો.'

વાતને આગળ વધારતા રમેશભાઈ જણાવે છે, 'એમ.કોમ જેવું પૂરું થયું એટલે નડિયાદમાં નવી નવી ચાલુ થયેલી ધર્મ સિંહ દેસાઇ ટેક્નિકલ હાઇસ્કૂલમાં ટીચરની નોકરી મળી ગઈ. ત્યાં બે વર્ષ જૉબ કરી. પછી બે વર્ષ જીવન વિકાસમાં કામ કર્યું. તે સમયે મેં સવારે સ્કૂલમાં નોકરી કરીને બપોર પછી બી.એડ પૂરું કર્યું. મને સ્કૂલને આગળ ભણવાની પરવાનગી આપી તો મારે એ પૂરું થઈ ગયું.'
ટીચરથી આફ્રિકાની સફર 'તમને નવાઈ લાગશે કે જેવું મારું બી.એડ પૂરું થયું એટલે હું સીધો જ આફ્રિકા પહોંચી ગયો. આફ્રિકા જવાનું એવું કોઈ ચોક્કસ કારણનહોતું, પરંતુ સારી તકો હતી. સાચું કહું તો મારે સ્કૂલમાં ટીચર તરીકે જૉબ કરવી જ નહોતી. એ જૉબ મળવી એ માત્ર સંયોગ હતો. 1981માં મારા લગ્ન કલા સાથે થયા. તેના કાકા આફ્રિકામાં હતો તો તેમણે મને ત્યાં આવવાનું કહ્યું તો મેં તરત જ આ તક ઝડપી લીધી. 1981માં જ અમે આફ્રિકા ગયા. ત્યાં કાકાની જ સ્કૂલ હતી તો ત્રણેક વર્ષ એ સ્કૂલનું મેનેજમેન્ટ સંભાળ્યું. પછી તો તેમને કહી દીધું કે સ્કૂલ ને ટીચરની જૉબ એ મારી કરિયર છે જ નહીં. પછી મેં મારો બિઝનેસ શરૂ કર્યો. મેં ઓટોમોટિવ સ્પેર પાર્ટ્સનો બિઝનેસ ચાલુ કર્યો. હું કેન્યામાં 14 વર્ષ રહ્યો. કેન્યાની વાત કરું તો નૈરોબી મેઇન સિટી અને ત્યાંથી થોડા દૂર જાવ તો એકદમ સરળ લોકો મળે. મને તો કેન્યામાં આટલા વર્ષોમાં ક્યારેય કોઈ જાતનો કડવો અનુભવ થયો નહોતો.'
'એજ્યુકેશનને કારણે આફ્રિકા છોડ્યું' રમેશભાઈ ઉમેરે છે, 'આ દરમિયાન દીકરો નીરવ ને દીકરી ક્રિશ્નાનો જન્મ થયો. હવે બાળકોના એજ્યુકેશનની વાત આવી. એવું નહોતું કે કેન્યામાં એજ્યુકેશન નહોતું, પરંતુ ત્યાં લોકલને પ્રાયોરિટી વધારે આપે એટલે મારે બહાર નીકળવું પડે તેમ હતું. તે સમયે મારો બિઝનેસ એકદમ ફર્સ્ટક્લાસ ચાલતો હતો. ત્યાં રહીને હું છોકરાઓને દુનિયાના ગમે તે દેશમાં ભણાવી શક્યો હતો. અલબત્ત, મારી ઈચ્છા પરિવાર સાથે રહે તેવી જ હતી. આ જ કારણે પછી મેં અમેરિકા, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં અઢળક તકો હતી એટલે ત્યાં થોડું રિસર્ચ કર્યું. આ બધામાં મને ઓસ્ટ્રેલિયા સૌથી વધારે ગમ્યું એટલે ત્યાં જવાનું નક્કી કર્યું.'

'ઓસ્ટ્રેલિયા તદ્દન નવું હતું' '1995માં ઓસ્ટ્રેલિયાના પર્થમાં લેન્ડ થયો. બિઝનેસ વિઝા માટે કેન્યામાં મારા બિઝનેસ ઓસ્ટ્રેલિયન એમ્બેસીમાં બતાવ્યા અને તેને કારણે હું ક્વોલિફાય થયો. ઓસ્ટ્રેલિયામાં બિઝનેસ વિઝાનો ક્રાઇટેરિયા એટલો જ હતો કે ત્યાંના લોકો માટે તક ઊભી કરવાની અને રોકાણ કરવાનું. હું આ ચેકલિસ્ટમાં ખરો ઉતરતો હતો. ઓસ્ટ્રેલિયા મારા માટે તદ્દન નવું હતું. ભાષાથી માંડીને કલ્ચર બધું જ અજાણ્યું લાગે. ત્યાં રાજકારણ, નીત-નિયમો, કાયદા, બિઝનેસની તકો, બિઝનેસની રીત.. આ બધું શીખવાનું હતું. કેન્યાના અનુભવ કરતાં ત્યાં અલગ હતું અને આ બધી બાબતો સમજતા જ મને તો નવ મહિના થયા. ત્યાંની નાનામાં નાની વાત સમજ્યો. ત્યાં શું સારું, શું નથી એ જાણ્યું ને સમજ્યું.'
'સિગારેટ કે દારૂનો બિઝનેસ કોઈ કાળે કરવો નહોતો' 'મારા મગજમાં એ નક્કી હતું કે મારે કેવા પ્રકારના બિઝનેસમાં ઝંપલાવવું છે. હા, એ વાત પણ એટલી જ સાચી કે મારે સિગારેટ્સ કે દારૂનો ધંધો કરવો નહોતો. તમે મને રૂઢિચુસ્ત કહી શકો.મને પપ્પા કે પરિવારમાંથી કોઈએ ના નહોતી પાડી, પરંતુ મારે આ પ્રકારના બિઝનેસ કરવા જ નહોતા. મેં આજ દિન સુધી ક્યારેય સ્મોકિંગ કે ડ્રિંક કર્યું નથી. મારું નક્કી હતું કે સોમથી શુક્ર સુધી કામ ને વીકેન્ડ પરિવાર સાથે પસાર કરું. મારે બિઝનેસની સાથે સાથે લાઇફ પણ એન્જોય કરવી હતી. પાછો બિઝનેસ થોડો હાઇટેક જોઈતો હતો એટલે કેપિટલ ઇન્ટેન્સિવ હોય પણ કોમ્પિટિશન ઓછી રહે.મારી પાસે ખાસ પૈસા હતા નહીં એટલે હું પાર્ટનર શોધતો હતો. કોઈક હા પાડે ને કોીક ના પાડે. તે સમય મારા માટે ઘણો જ મુશ્કેલ હતો. થોડા સમય પછી પાર્ટનર પણ મળી ગયો.'
'નાદારીના આરે આવેલો બિઝનેસ ખરીદ્યો' 'ઓસ્ટ્રેલિયા ગયો પછી ન્યૂઝ પેપરમાં એક એડ આવી હતી. પ્રિન્ટિંગ બિઝનેસ વેચવાનો હતો. આ બિઝનેસ નાદારીની સ્થિતિમાં હતું. બિઝનેસ ઘણો જ નાનો હતો. પછી તો મેં પ્રિન્ટિંગ પ્રેસ અંગે વાંચવાનું ને જાણવાનું શરૂ કર્યું. ત્યાં વકીલો ને અકાઉન્ટન્ટ્સ બિઝનેસની લિક્વિડેટ અંગે નિર્ણય લેતા હોય છે. એડિમિનિસ્ટ્રેશનમાં એ જ મેનેજ કરે. મેં તેમની સાથે વાતચીત કરવાની શરૂ કરી. એપ્રિલથી વાતચીત શરૂ થઈ કે તે સપ્ટેમ્બર સુધી ચાલી. 1995માં ચાર સપ્ટેમ્બરે મને ક્વોલિટી પ્રિન્ટિંગ પ્રેસનું પઝેશન મળ્યું.'

'પર્થમાં બિઝનેસ કરવો સરળ હશે તેમ લાગતું હતું' 'ઓસ્ટ્રેલિયા આવ્યો ને બંને બાળકોનું ભણવાનું ચાલુ થયું. મારી પહેલી પ્રાયોરિટી બાળકોનું એજ્યુકેશન જ હતું. બે-ત્રણ દિવસમાં એક અપાર્ટમેન્ટ લઈ લીધું. શરૂઆતમાં તો કાર જ નહોતી એટલે બધે જ ચાલી ચાલીને જવું પડતું. ત્યાં પાછું બધું દૂર દૂર હોય એટલે વાંધો પણ આવે. પહેલા બાળકોનું એડમિશન લઈને તેમને સેટ કર્યા પછી મેં બિઝનેસ અંગે વિચાર્યું. ઓસ્ટ્રેલિયામાં પર્થ જ કેમ આવ્યો તે પાછળનું કારણ કહું તો મને લાગ્યું કે ત્યાં બિઝનેસ કરવો સરળ રહેશે. મોટા સિટીમાં વધારે પૈસા જોઈએ અને ત્યાં સ્પર્ધા પણ વધારે હોય. પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીમાં જવાનું કારણ એવું હતું કે મારે એક પ્લેટફોર્મ જોઈતું હતું.'
'ઓસ્ટ્રેલિયામાં લેબર કાયદો કડક છે' રમેશભાઈ કહે છે, 'પ્રિન્ટિંગ મારા માટે તદ્દન નવું ફિલ્ડ હતું. મને કોઈ જાતનો અનુભવ નહોતો. મેં મારા જીવનમાં પહેલી જ વાર પ્રિન્ટિંગ મશીન જોયા હતા. પ્રિન્ટિંગ હાઇ ટેક બિઝનેસ હતો. ત્યાં લેબર લૉ ઘણા જ કડક છે એટલે એ બધું સમજવું જરૂરી હતું. 1995માં ઓસ્ટ્રેલિયા ભારતીય કમ્યુનિટીના બિઝનેસથી ખાસ પરિચિત નહોતું. ઓસ્ટ્રેલિયન સોસાયટીને તમારે સમજવી પડે અને ત્યાં તમારે અલગ અપ્રોચ રાખીને કામ કરવું પડે. તમે ત્યાં કડકાઈથી કામ ના લઈ શકો. ત્યાં બધા જ બહુ જ પ્રોફેશનલ હોય. કામ સાથે કામ. આપણા ભારતની જેમ ત્યાં કોઇ ઇમોશનલી અટેચ ન થાય. આ બધું હું ત્યાં જઈને શીખ્યો. ત્યાં લેબર યુનિયન એકદમ સ્ટ્રોંગ હોય. ઓસ્ટ્રેલિયામાં તમને નવા જુએ એટલે તમને હેરાન ને શોષણ કરવા માટે તૈયાર જ હોય.'
'10 માણસોથી બિઝનેસની શરૂઆત કરી' 'તે સમયે અમે 10 લોકોથી કામની શરૂઆત કરી હતી. ત્યાં બિઝનેસમાં નવા આવનારા સાથે લોકો ખચકાટ સાથે બિઝનેસ કરે. લોકો જલ્દીથી ક્રેડિટ પણ આપે નહીં એટલે બધું જ રોકડેથી ખરીદવું પડે. બેંક પણ નવા હોવાને કારણે પૈસા આપે નહીં. પૈસાનું પ્રેશર ઘણું જ રહેતું. પાર્ટનર હતા પણ તેમને ઓસ્ટ્રેલિયામાં જ પહેલી જ વાર મળ્યો. તે પણ મને ઓળખે નહીં. અમે બંને ભારતીય હતા બસ એ જ. તેઓ કેન્યાના હતા પણ એવી ખાસ ઓળખાણ હતી નહીં. બધી જ જગ્યાએ સાચવી સાચવીને પગલાં ભરવા પડે. કામ કરતા લોકોનો વિશ્વાસ ઊભો કરવાનો. બધાને સાથે લઈને વિશ્વાસમાં લઈને ચાલવાનું હતું. બિઝનેસ સ્ટેબલ થવામાં ખાસ્સો સમય લાગ્યો. એ વાત એટલી જ સાચી કે હું ક્યારેય પરિસ્થિતિ આગળ દબાણ અનુભવું નહીં. મન શાંત રાખીને જ બિઝનેસ કરતો. બિઝનેસ સ્કિલ, ડિપ્લોમસી, પ્લાનિંગ બધું જ કરતો. મારું નક્કી હતું કે દર પાંચ વર્ષનું પ્લાનિંગ કરવાનું. પાંચ વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જોવા માગો છો તે જ રીતે પ્લાનિંગ કરતો અને એ દિશામાં કામ કરતો.'

બિઝનેસમાં પ્રોફિટ આવાનો ક્યાંથી શરુ થયો? રમેશભાઈ કહે છે, 'જયારે કોઈ બિઝનેસ એડ્મિનિસ્ટ્રેશનમાં હોય ત્યારે એ નુકસાન કરતો બિઝનેસ છે.આ પ્રકારના બિઝનેસમાં તો પહેલું લક્ષ્ય તો બિઝનેસને સ્થિર કરવાનું જ હોય છે. એટલે કે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિમાં લાવવાનો. આ પરિસ્થિતિ લાવતા ખાસ્સો સમય લાગ્યો.પ્રિન્ટિંગ ટેક્નોલોજી ઝડપથી બદલાતી હોય છે એટલે તેની સાથે તાલમેલ બેસાડવાનો હોય. ઘણા વર્ષો સુધી અમે એક ડૉલર પણ બિઝનેસમાંથી લેતા નહોતા અને બિઝનેસને એક્સપાન કરતા. પ્રોફિટને પણ બિઝનેસમાં જ લગાડતા. પછી તો પાર્ટનર્સ સાથે પણ કોઈ વાંધો આવ્યો નહોતો. પોતાનો પ્લોટ લઈને બિલ્ડિંગ બાંધ્યું. માર્કેટમાં પણ અમારું નામ ખાસું પ્રચલિત હતું.'
'પ્રિન્ટિંગ પ્રેસને સતત અપડેટ કરી' 'વધુમાં કહું તોં, પ્રિન્ટિંગ બિઝનેસને સતત અપડેટ કર્યો ને ટેક્નોલોજી સાથે પરિવર્તન કર્યું. કારણ કે ટેક્નોલોજી આગામી પાંચ વર્ષ સુધી ફાયદાકારક હોય છે. બેઝિક ટેક્નોલોજી તો એ જ હોય, પરંતુ લેટેસ્ટ ટેક્નોલોજીમાં નવું નવું ઓટોમેશન આવતું હોય તે બિઝનેસમાં લાવો નહીં તો બીજા સાથે સ્પર્ધા કરી જ ના શકાય.100-100 વર્ષથી ચાલતા પ્રિન્ટિંગ બિઝનેસને અમારે ટક્કર આપવી એક પડકાર હતો. આ પડકારનો સામનો કરવાનો એક માત્ર રસ્તો હતો કે સારા લોકો લો ને સારા મશીન ખરીદો. પર્થમાં સૌ પહેલા ડિજિટલ મશીન અમે લાવ્યા. ડિજિટલ મશીનમાં નાના-નાના પ્રિન્ટિંગ થાય અને જથ્થાબંધ માટે ઑફસેટ પ્રિન્ટિંગ હોય. કોસ્ટમાં કેવી રીતે ઘટાડો કરી શકાય તે રીતે ડિજિટલ ને ઑફ સેટ પ્રિન્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. અમારા ત્યાં અમે ડિજિટલ પ્રિન્ટિંગ શરૂ કરનારા પહેલા હતા. કન્ટીન્યૂઅસ એટલે કે ન્યૂઝપેપર છપાતાં હોય તેવા પ્રિન્ટિંગ મશીન ઘણા જ મોટા હતા.'

'વિશ્વભરમાંથી મશીનો ખરીદ્યા' 'અમે અમારા બિઝનેસમાં અલગ-અલગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો અને અમે ડિજિટલ, સાઇન એજ, ઓફ સેટ પ્રિન્ટિંગ ઉપરાંત પેકેજિંગનું પણ કરતા થયા. અમે અલગ-અલગ બિઝનેસ એક છત નીચે કરતા . એક મશીનથી શરૂઆત કરી હતી અને આજે કેટલા મશીન છે તે સાચું કહું તો મેં ગણ્યા જ નથી. કદાચ 30 હોઈ શકે. અલગ-અલગ મશીન દુનિયાના અલગ દેશોમાંથી લાવ્યા. જાપાન, કોરિયા, જર્મની, ઇઝરાયેલ, ચીનમાંથી પણ આવ્યા છે. મશીન સપ્લાયર જ ફેક્ટરીમાં ઇન્સ્ટોલેશન કરે અને પછી તેઓ જ ટ્રેનિંગ આપે. આમ જોવા જઈએ તો ત્યાં પ્રિન્ટિંગ ઓપરેટર ત્રણ વર્ષનો યુનિવર્સિટી કોર્સ કરીને આવતા. પહેલા મશીન ઓપરેટ કરવા એટલા સહેલા નથી. અલબત્ત, હવે આ એટલું અઘરું રહ્યું નથી, કારણ કે હવે તો કમ્યપ્યુટર ને લેટેસ્ટ સોફ્ટવેર હોવાને કારણે તે જ બધું કંટ્રોલ કરે. પહેલા તો મશીન ઓપરેટેરે પોતાની ટેલેન્ટ ને આવડત મૂકવી પડી. હવે સ્પીડ, ક્વોલિટી બધું જ સોફ્ટવેરથી કંટ્રોલ થાય છે. ટર્શિયલ ટ્રેનિંગ કોર્સ બંધ થઈ ગયો છે અને તેને બદલે 15-20 દિવસની સીધી ટ્રેનિંગ જ આપવામાં આવે છે. આ ઉપરાંત કોઈ પણ મુશ્કેલી આવે તો ફોન મશીન સપ્લાયર સમજાવી દેતા હોય છે.'
'પરિસ્થિતિ સામે ક્યારેય હાર નથી માની' 'બિઝનેસમાં મારું એક જ મોટો હતો કે એવરીથિંગ ઇઝ ઇન વન રૂફ. અમારું નક્કી હતું કે બધું જ કમ્પ્યુટરરાઇઝ રાખવાનું, ગ્રાહકો સાથે કોઈ જાતની છેતરપિંડી નહીં, જો ગ્રાહકને ખબર ના પડતી હોય તો પણ અમે તેમનો ગેરફાયદો ઉઠાવ્યો નહોતો. અમે આ રીતે ગ્રાહકોમાં વિશ્વાસ ઊભો કર્યો હતો. અમારી પ્રેસનું નામ ક્વોલિટી પ્રેસ છે અને તેણે પોતાનું નામ ઇન્ડસ્ટ્રીમાં જાળવી રાખ્યું હતું. ક્વોલિટી પ્રેસ ક્યારેય છેતરપિંડી ના કરે તે ગ્રાહકોનો અટલ વિશ્વાસ છે. 8-9 લોકો સેલ્સમાં હતા અને તેઓ અલગ અલગ કસ્ટમર મેનેજ કરતા. 10 માણસોથી બિઝનેસ શરૂ કર્યો ને અત્યારે 70 માણસો છે. વિશ્વભરમાંથી ઓર્ડર આવતા. અમે આટલા વર્ષોમાં અનેક પડકારજનક પરિસ્થિતિમાંથી પસાર થયા છીએ. ક્યારેક એકદમ પ્રેશર આવી જાય, અચાનક મોટો ઓર્ડર હોય ને ડેડલાઇન બહુજ ઓછી હોય એ રીતે કામ કર્યું છે. હું ક્યારેય પરિસ્થિતિ સામે હાર્યો નથી કે નિરાશ થયો નથી. મેં હંમેશાં પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવી શકાય તેનો ઉકેલ જ શોધ્યો છે. હું એક વાત માનું છું કે પરિસ્થિતિ સામે ક્યારેય હથિયાર હેઠાં મૂકવા નહીં. વિશ્વમાં દરેકે દરેક સમસ્યા કે પરિસ્થિતિનો ઉકેલ રહેલો છે અને તમારે તેમાંથી બેસ્ટ ઉકેલ શોધવાનો છે.'

'કમ્પ્યુટર હેક કરી લેવામાં આવ્યા' 'મુશ્કેલીની વાત કરું તો, એકવાર અમારા તમામ કમ્પ્યુટર હેક કરી લેવામાં આવ્યા હતા. અમે તો ટોટલી કમ્પ્યુટરાઇઝેશન પર ચાલતા હતા તો તમામ લોકો માથે હાથ દઈને બેસી ગયા. મશીન પણ ચાલે નહીં. ખબર નથી ક્યાંથી કોઈએ હેક કર્યું હતું. ઇસ્ટ યુરોપમાંથી કદાચ હેક કરવામાં આવ્યું હતું. તેણે ખંડણી માગી. આ બધું તો ઘણું જ કોમન છે. વેસ્ટ ઓસ્ટ્રેલિયાના સરકારના હેલ્થ ડિપાર્ટમેન્ટના કમ્પ્યુટર હેક થઈ ગયેલા અને તેમણે પૈસા આપવા પડ્યા હતા. અમે પણ આનો ભોગ બન્યા અને હેકર્સે 1,50,000 ડૉલરની ડિમાન્ડ કરી હતી. કમ્પ્યુટરની ડેટાની મિરર ઇફેક્ટ હોય અને એ રીતે બે સર્વરમાં ડેટા રહેતો હોય. એ લોકોએ બંને હેક કર્યા હતા. અલબત્ત અમે એક ત્રીજું કમ્પ્યુટર પણ રાખ્યું હતું અને તેમાં તમામ ડેટા હતો. આ કમ્પ્યુટર માત્ર દિવસે ચાલે અને રાતે શટ ડાઉન કરી દેવામાં આવે. આ જ કારણે અમે એક ડૉલર પણ ચૂકવ્યો નહોતો અને અમારો ડેટા સહી સલામત અમને મળી ગયો. આ પરિસ્થિતિ ઘણી જ ભયાવહ હતી. ડેટા, અકાઉન્ટિંગ, સોફ્ટવેર, પ્રોગ્રામ્સ, મશીન બધું જ ફેઇલ થયું અને એક દિવસનો ખર્ચ 25-30 હજાર ડૉલર હતો. અમને આટલું નુકસાન થયું. અલબત્ત, મુશ્કેલીનો ઉકેલ આવ્યો તેનો આનંદ વધારે છે. અમે માત્ર સેફ્ટી માટે એક વધારાનું કમ્પ્યુટર મૂક્યું અને તેણે અમને મુસીબતમાંથી ઉગારી લીધા.'
'મશીન આવી ગયું ને બેંક લોન આપવાની ના પાડી' 'અન્ય એક પડકારની વાત કરું તો, અમે એક મશીન CTP (કમ્પ્યુટર ટુ પ્લેટ ટેક્નોલોજી)નો ઓર્ડર આપ્યો હતો. બેંકે લોન અપ્રૂવલ આપી દીધી હતી. મશીન તો આવી ગયું અને હવે પૈસા આપવાના હતાં. અમે બેંક પાસે ગયા, પરંતુ બેંક પોતાની વાત પરથી જ ફરી ગઈ. અમને બેંકે લેખિતમાં અપ્રૂવલ લેટર આપ્યો હતો પણ પછી અચાનક જ ખબર નહીં કેમ લોન રિજેક્ટ કરી દેવામાં આવી. 60 લાખ ડૉલરનું મશીન હતું. આ પરિસ્થિતિ પણ ઘણી જ ખરાબ હતી. અમારું મશીન ડેક પર આવીને પડ્યું હતું અને અમે તેને લઈ શકીએ નહીં. આ તો અમારી ક્રેડિબિલિટી પર સવાલ ઊભો થાય. અમે હાથ પર હાથ મૂકીને બેસી રહેવાના નહોતા. અમે તરત જ બીજી બેંક પાસે ગયા અને આખી પરિસ્થિતિ સમજાવી ને તે બેંકે તરત જ લોન આપી. દરેક મુસીબતનો ઉકેલ ક્યાંકને ક્યાંક રહેલો જ છે. તમે પરિસ્થિતિને કઈ રીતે જુઓ છો તે વાત મહત્ત્વની છે.'

કેટલી નેટવર્થ? રમેશભાઈ કહે છે, 'બિઝનેસ 5,00,000 ડૉલર કરતાં પણ ઓછામાં શરૂ કર્યો હતો અને આજે તો રિયલ એસ્ટેટ સહિત બિઝનેસની નેટવર્થ 20 મિલિયન ડૉલર જેટલી હશે.'
'ગુજરાત સાથે આજે પણ સંપર્ક રાખ્યો છે' ગુજરાતીપણુ કેવી રીતે સાચવી રાખ્યું તે અંગે રમેશભાઈ કહે છે, 'છેલ્લા ઘણા વર્ષોથી ભારતની બહાર છું, પરંતુ ગુજરાત સાથે આજે પણ સંપર્ક જાળવ્યો છે. કેન્યા હતો ત્યારે બે-ત્રણ વર્ષે આવતો અને ઓસ્ટ્રેલિયા આવ્યો ત્યારથી દર વર્ષે આવતો. ગુજરાતની સારી વાત એ છે કે તેઓ દુનિયાના ગમે તે ખૂણામાં રહો અને તેમની પોતાની ગુજરાતી સંસ્થા ઊભી કરી દેતા હોય છે. તેઓ ગુજરાતીપણુ સાચવવાનો પૂરતો પ્રયાસ કરે છે અને તેને બીજા દેશમાં પ્રચાર પ્રસાર પણ કરે છે. ગુજરાતીઓ ભાગ્યે જ પોતાની સંસ્કૃતિ ભૂલતો હોય છે. કેન્યામાં એલડોરેટમાં પટેલ સમાજનો પ્રેસિડન્ટ હતો. અમારી પોતાની બિલ્ડિંગ, કલ્ચરલ પ્રોગ્રામ્સ માટે પણ બિલ્ડિંગ હતી. અમે રોજ મળતા અને તમામ બાળકોથી મોટેરા સહિતના સ્પોર્ટ્સ રમતા. પર્થમાં પણ ગુજરાતી સમાજ છે. હવે ત્યાં 8-9 મંદિરો છે. મંદિરમાં વિવિધ કાર્યક્રમો થાય છે. બાળકોને ગુજરાતી શીખવવામાં આવે છે. તમે નહીં માનો મને ગુજરાતી શિરોમણી અવૉર્ડથી નવાજવામાં આવ્યો હતો. મારા બંને બાળકો કડકડાટ ગુજરાતી બોલે છે. દીકરો નીરવ આઇટી ગ્રેજ્યુએટ છે અને તે ક્વોલિટી પ્રેસનો બિઝનેસ સંભાળે છે. દીકરી ફિઝિયોથેરપિસ્ટ છે અને ઇંગ્લેન્ડમાં NHSમાં કામ કરે છે.'

'ગુજરાતનો વિકાસ થયો છે' ગુજરાતના વિકાસની વાત કરતા રમેશભાઈ જણાવે છે, '180 ડિગ્રીના વળાંક સાથે ભારત ને ગુજરાતનો વિકાસ થયો છે. એક સમયે ગામડામાં માંડ બે-ત્રણ કાર ને બે-ત્રણ બાઇક હતા. અત્યારે અમારા ઉત્તરસંડામાં રોડ ક્રોસ કરવો હોય તો આજુબાજુ જોઈને કરવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ઉત્તરસંડા સાવ નાનકડું ટાઉન છે અને ત્યાં હવે આ હદે ગાડીઓ થઈ ગઈ છે. ખેતી, પશુપાલન પરની ડિપેન્ડેન્સી હવે ઘણી જ ઓછી છે. ભારત-ગુજરાતમાં અઢળક મિત્રો છે. ઇન્ડિયામાં 4-5 મહિના રહીએ છીએ. રિટાયર્ડ તો બહુ પહેલેથી થયો હતો, પરંતુ કામ ફરી ફરીને મારી પાસે આવી જતું. એકાદ બે વર્ષથી સંપૂર્ણ રિટાયર્ડ લાઇફ જીવું છું. કામ હોય તો બોલાવે. હું જાતે નહીં આવું. તેમને મારી જરૂર હોય તો બોલાવે છે. મિત્રો સાથે મળીએ છીએ. ભાઈની ફેક્ટરીએ જાઉં. ભારતમાં વિવિધ જગ્યાએ ફરીએ, વિદેશી પ્રવાસો કરીએ. મને ક્યારેય એવું નહીં થતું કે હવે શું કરવું. મારી સ્કૂલ લાઇફ, મિત્રો, ભારતની જેમ ગમે ત્યારે ગમે તેના ઘરે જઈને મળી ન શક્યા... આ બધું મિસ કરું છું. શેરીઓમાં ફરવાની વાત અહીંયા છે, વિદેશમાં નથી. આપણી એજ્યુકેશન સિસ્ટમમાં પ્રેશરમાં કેવી રીતે કામ કરવું તે શીખવવામાં જ આવતું નથી. તકોને ઓળખતા તથા એડવેન્ચરસ એટીટ્યૂડ શીખવવામાં આવતો નથી. કામ કરે જા, પરિણામની આશા ન રાખીશ. ઘણા એવું માની લે છે કે ભગવાન બધું કરી દેશે, પરંતુ તે પરિણામ આપે, મહેનત તો આપણે જ કરવી પડે.'
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















