Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

ગ્લોબલ ગુજરાતી-3
મહેસાણાની ચાલીમાં મોટો થયો, આજે અમેરિકાનો રિયલ એસ્ટેટ કિંગ:'ગુજરાતના વિકાસમાં દિલીપ બારોટનું પણ યોગદાન' એક ફાર્માસિસ્ટે કેવી રીતે USમાં એમ્પાયર ઊભું કર્યું?

અમદાવાદ11 મહિનો પેહલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

વિદેશમાં વસતા ગુજરાતીઓની કર્મભૂમિ ભલે ગમે તે દેશ હોય, પરંતુ તેમની માતૃભૂમિ તો ગુજરાત જ રહેવાની અને તેઓ પોતાની માભોમના વિકાસ માટે અથાગ પ્રયાસો કરતા હોય છે. ગુજરાતના વિકાસમાં દિલીપ બારોટનું પણ યોગદાન રહ્યું છે. દિલીપ બારોટે ગાંધીનગરમાં ઇન્ફોસિટીનો પ્રો

.

'ગ્લોબલ ગુજરાતી'માં આજે આપણે વાત કરીશું દિલીપ બારોટની. મહેસાણાની ચાલીમાં રહેતા દિલીપ બારોટ કેવી રીતે અમેરિકા ગયા? અમેરિકા જઈને તેમણે શરૂઆતમાં શું કર્યું? ડૉક્ટર બનવાની ઈચ્છા કેમ ફળીભૂત ના થઈ? અમેરિકા જતા સમયે પિતાએ કહેલા કયા શબ્દો મનમાં અંકિત થયા? દિલીપ બારોટે ગાંધીજીનું કયું સપનું અમેરિકામાં પૂરું કર્યું?

'પિતા સાથે ચાલીમાં રહેતા' પ્રોફેસર તથા લેખક એવા ચંદ્રકાંતભાઈ પટેલે દિલીપભાઈ બારોટ અંગે વાતની શરૂઆત કરતાં જણાવ્યું, 'દિલીપભાઈના પિતા સોમાભાઈ રેલવેમાં કામ કરતા. 1957થી તેઓ મહેસાણામાં તોરણવાળી માતાના મંદિરની ચાલીમાં રહેતા. આમ તો પરિવાર મૂળ વિસનગરનો છે. એક વર્ષ બાદ દિલીપભાઈનો જન્મ થયો. બે રૂમના મકાનમાં દસ વ્યક્તિ રહેતી. ટોઇલેટ પણ કોમન હતું. ચાલીની મહિલાઓ દિલીપભાઈની માતા ગોમતીબાને પોતાના નેતા માનતી. પરિવારમાં ચાર બહેનો ને ચાર ભાઈઓ. આઠ સંતાનમાંથી દિલીપભાઈ પરિવારમાં સાતમું સંતાન. પરિવારમાં સૌના લાડકા હતા. આટલું જ નહીં, દિલીપભાઈ ઘરના તમામ કામો કરતા.'

'મેડિકલમાં એડમિશન ન મળ્યું' દિલીપભાઈ વાતને આગળ વધારતાં કહે છે, 'મમ્મી સોશિયલ લીડરશિપમાં લોકપ્રિય હતાં. પછી તેઓ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જોડાયાં હતાં. મારું સ્કૂલિંગ મહેસાણામાં થયું. પછી અમદાવાદની સેન્ટ ઝેવિયર્સમાં ભણ્યા ને અમદાવાદની એલ. એમ. ફાર્મસીમાંથી બી.ફાર્મ કર્યું. ચંદ્રકાંભાઈના મતે દિલીપભાઈ નાનપણથી જ ભણવામાં ઘણા જ હોશિયાર અને હંમેશાં સ્કૂલમાં પહેલો નંબર જ લાવતા. આ જ કારણે કોલેજમાં છેક સુધી તેમને સ્કોલરશિપ મળતી રહેતી. આમ તો દિલીપભાઈ તથા બારોટ પરિવારની ઈચ્છા હતી કે તેઓ મોટા થઈને ડૉક્ટર બને. 12 સાયન્સ પછી તેમણે મેડિકલ માટે ફોર્મ ભર્યું, પરંતુ થોડાક માર્ક માટે એડમિશન મળ્યું નહીં. આ સમયે નિરાશ થવાને બદલે તેમણે ફાર્મસીમાં અભ્યાસ કરવાનું નક્કી કર્યું.'

દિલીપ બારોટ.
દિલીપ બારોટ.

'ફાર્મસીમાં હતા ને કપડાંનો વેપાર કર્યો' ચંદ્રકાંભાઈ વધુમાં જણાવે છે, 'દિલીપભાઈ કોલેજમાં હતા ત્યારે તેમણે કપડાં લે-વેચનો ધંધો કર્યો. તેઓ અમદાવાદના ભાઈકાકા હોલ આગળ શનિ-રવિ જઈને કપડાં વેચતાં. પછી દિલ્હી, મુંબઈ જઈને પણ આ કામ કરતા. ફાર્મસીનું ભણ્યા બાદ અમદાવાદમાં સેન્ડોઝ કંપનીમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવની જૉબ મળી. તેમણે ત્યાં વર્ષેક જેવું જૉબ કરી હતી.'

'પિતાની એ વાત મનમાં અંકિત થઈ ગઈ' દિલીપભાઈ કહે છે, 'અમેરિકા મારો એક મિત્ર રહેતો હતો. તેણે ત્યાં આવવાનો અતિ આગ્રહ કર્યો હતો. આ જ કારણે 1982માં માત્ર ને માત્ર મિત્રને મળવા તેઓ અમેરિકા ગયા ને થોડો સમય રહ્યા ને પછી તો અમેરિકાના જ થઈને રહી ગયા. ચંદ્રકાંતભાઈ વધુમાં જણાવે છે, દિલીપભાઈ તેમના પરિવારમાંથી વિદેશ જનારી પહેલી વ્યક્તિ હતા. એ સમયે મુંબઈથી અમેરિકાની ફ્લાઇટ જતી. ત્યારે પિતા મુંબઈ મૂકવા આવ્યા અને તેમણે દીકરાના કાનમાં એક વાત કહી હતી કે જ્યાં જાય...ત્યાં આપણા એકલાનું નહીં, પણ બીજાનુંય પેટ ભરાય એ જોજે. બીજાનું પેટ ભીખ આપવાથી નહીં, પણ રોજી મળે એવું કરવાથી જ ભરાય. પિતાના આ શબ્દો દિલીપભાઈના મનમાં અંકિત થઈ ગયા.'

'મોટેલમાં સાફસફાઈ પણ કરી' દિલીપભાઈ ઉમેરે છે, 'અમેરિકામાં ઇમિગ્રેટ તરીકે ગયો હતો. શરૂઆતમાં ન્યૂ જર્સીમાં મોટલમાં કામ કર્યું. પછી ફાર્મસીની એક્ઝામ આપી ને ત્યાં જ હૉસ્પિટલમાં કામ કરવા લાગ્યો. હૉસ્પિટલના એક સરે મને બિઝનેસમાં જવાની પ્રેરણા આપી હતી. આ જ સમયે મારા ભાઈના બે મિત્રો પણ અમેરિકામાં જ હતા અને તેમને પણ બિઝનેસમાં જ જવાની વાત કરી. આ રીતે બધાની વાત સાંભળીને મનમાં બિઝનેસ કરવો એવું નક્કી કર્યું. આ દરમિયાન ફ્લોરિડામાં પહેલી મોટેલ ખરીદી. આ મોટેલ સારી રીતે ચાલી ને નફો થયો. આ જ કારણે એકમાંથી બીજી મોટેલ લીધી. એક સમયે મારી પાસે આઠ મોટેલ હતી. મોટા ભાગની મોટેલ ફ્લોરિડામાં જ હતી. ચંદ્રકાંતભાઈ કહે છે, દિલીપ ન્યૂ જર્સીમાં આવ્યો. કોઈ સગું તો રહેતું નહોતું. તેમણે ન્યૂ જર્સીની મોટેલમાં સફાઈ સુધ્ધાં કરી છે.'

દિલીપ બારોટે અમેરિકામાં અમૃત પ્રોજેક્ટ કર્યો હતો.
દિલીપ બારોટે અમેરિકામાં અમૃત પ્રોજેક્ટ કર્યો હતો.

'બીજાને મદદ કરવા જતાં રિયલ એસ્ટેટનું શીખ્યો' વધુમાં તેઓ જણાવે છે, 'મને અમારા બેંકરે કહ્યું કે એક ઇન્ડિયન ડૉક્ટર શ્રીકુમારને બિલ્ડિંગ ખરીદવું છે, પરંતુ તેમને ખ્યાલ નથી કે કેવી રીતે આ બધી પ્રોસેસ કરવાની હોય છે. તેમને મદદ કરવા જતાં ઑફિસ બિલ્ડિંગ ખરીદ્યું. અમેરિકા આવ્યાનાં બે વર્ષ બાદ જ એટલે કે 1984ના અંતમાં લોકોને મદદ કરવા જતાં રિયલ એસ્ટેટમાં જોડાવાનું બન્યું. આ ઉપરાંત ભારતમાં જાણીતું નામ એવા એક ભાઈને ફ્લોરિડા સ્થિત પ્રોજેક્ટમાં મદદની જરૂર હતી તો તેમને મદદ કરી. બીજાને મદદ કરતાં કરતાં હું રિયલ એસ્ટેટનું શીખવા લાગ્યો. 1988માં અમેરિકામાં સેવિંગ એન્ડ લોન ક્રાઇસીસ થઈ હતી, એે સમયે ડાઉ જોન્સ માત્ર 800 પર હતો, આજે તો 47 હજારની ઉપર છે. એ વખતે કેવી રીતે ઓછા સોર્સિસમાં કામ કરવું આવડતું હોવાથી અમને વધારે તક મળી. આમ પણ કહેવાય છે કે એક સફળતા મળે એટલે એે બીજી સફળતાને ખેંચી લાવે.'

દિલીપભાઈએ અમેરિકામાં ગાંધીજીનું સપનું પૂરું કર્યું ચંદ્રકાંતભાઈએ દિલીપ બારોટને મળેલી સફળતા અંગે જણાવ્યું, 'દિલીપભાઈનો પહેલો પ્રોજેક્ટ ફ્લોરિડામાં કીવેસ્ટમાં ઓછી આવક ધરાવતા પરિવાર માટે મકાનો બાંધવાનો મળ્યો હતો. આ પ્રોજેક્ટ પૂરો થતાં જ દિલીપભાઈએ કેરેબિયન વેસ્ટ નામનો 102 ઘરનો પ્રોજેક્ટ કર્યો. આ પ્રોજેક્ટ અમેરિકાના ઇતિહાસને બદલનારો બન્યો. વર્ષો પછી આ પ્રોજેક્ટ પરથી અમેરિકાના પ્રમુખ ઓબામાએ કામદાર નીતિની જાહેરાત કરી હતી. દિલીપભાઈ ઓછી આવક ધરાવતા લોકો માટે રાહતદરે મકાનો બાંધતા અને આ મકાનમાં નાનામાં નાની જીવનજરૂરિયાતની વસ્તુઓ રહેતી. આ જ કારણે અમેરિકનાં રાજ્યોનાં ઘણાં ટાઉન તૂટતાં બચ્યાં હતાં. આ મકાનોને કારણે રોજગારી વધી અને એ રીતે તેમણે ગાંધીજીનું ગામડાં તૂટતા બચાવોનું સપનું અમેરિકામાં પૂર્ણ કરીને બતાવ્યું.'

'7000 હજારથી વધુ રેસિડેન્શિયલ યુનિટ્સ બનાવ્યા' પોતાની કંપની અંગે વાત કરતાં દિલીપભાઈ જણાવે છે, '1986માં ક્રિએટિવ ચોઇસ કરીને કંપની ઊભી કરી. આ કંપનીએ 30 વર્ષમાં 40 જેટલાં બિલ્ડિંગ્સ ને રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સ કર્યા. સાત હજારથી વધારે રેસિડેન્શિયલ યુનિટ્સ બાંધ્યા. અમૃત ઓશન પ્રોજેક્ટ્સમાં દરિયા આગળ ભવ્ય એપાર્ટમેન્ટ બનાવ્યા. અમેરિકાની દૃષ્ટિએ આ પ્રોજેક્ટ ખૂબ જ મોટો કહેવાય. ગાંધીનગરમાં 150 એકરમાં ઇન્ફોસિટી પ્રોજેક્ટ કર્યો. અમેરિકામાં આ પ્રકારના 50 પ્રોજેક્ટ કર્યા છે. સાચું કહું તો, તમારી પર છે કે તમને શેમાં રસ છે. જે બાબતમાં રસ હોય તેમાં કામ કરો અને સારા માણસો શોધો. પછી તમે આખું શહેર કે દેશ પણ બનાવી શકો છો. અમેરિકા, ભારત ઉપરાંત જમૈકામાં પણ કામ કર્યું છે. અમેરિકામાં મોટા ભાગનાં રાજ્યોમાં રિયલ એસ્ટેટનાં કામો કર્યાં છે.'

અમેરિકામાં આવેલું દિલીપ બારોટનું ઘર.
અમેરિકામાં આવેલું દિલીપ બારોટનું ઘર.

'જીવન જ બધું શીખવે છે' દિલીપભાઈને પૂછવામાં આવ્યું કે તમે ફાર્માસિસ્ટ હતા, મોટેલમાં કામ કર્યું ને પછી રિયલ એસ્ટેટમાં કેવી રીતે કામ કર્યું? તેમણે હસતાં હસતાં જવાબ આપ્યો, 'જીવન જ બધું શીખવે છે. જે વસ્તુની જવાબદારી લો અને એમાં ખંતપૂર્વક લાગેલા રહો, એટલે ધીમે ધીમે શીખી જાઓ. સાચું કહું તો... જીવન પાસેથી એકવાર શીખવાની શરૂઆત કરો તો તમને જીવનમાં ક્યારેય વાંધો આવતો નથી, કારણ કે શીખવાની કોઈ મર્યાદા નથી.'

'વાણિયાબુદ્ધિ અપનાવી વિકાસ કર્યો' ચંદ્રકાંતભાઈએ દિલીપભાઈના રિયલ એસ્ટેટના બિઝનેસ અંગે વાત કરતાં કહ્યું, 'અમેરિકામાં દિલીપભાઈએ અમૃત પ્રોજેક્ટ પામ બીચ એરિયામાં બનાવ્યો છે. અમેરિકામાં સૌથી વધારે જમીનના ભાવ આ એરિયાના છે. એક સમયે અમૃત પ્રોજેક્ટમાં એક બેડરૂમ એપાર્ટમેન્ટની કિંમત સાત-આઠ લાખ ડૉલર હતી. આ પ્રોજેક્ટમાં માત્ર ઘર નહીં, પરંતુ એક ફ્લોર પર દવાની દુકાનો, એક પર અલગ-અલગ રેસ્ટોરાં, ભાડેથી એપાર્ટમેન્ટ પણ મળે છે. દિલીપ બારોટે વાણિયાબુદ્ધિ અપનાવીને વિકાસ કર્યો છે.'

'સાહસી સ્વભાવને કારણે દિલીપ બારોટ આટલા સફળ થયા' એક ફાર્માસિસ્ટ કેવી રીતે રિયલ એસ્ટેટના બાદશાહ બન્યા તે અંગે વાત કરતાં ચંદ્રકાંતભાઈ કહે છે, 'અમેરિકામાં સેવિંગ એકાઉન્ટમાં વ્યાજદર ઘણો જ ઓછો છે. સિનિયર સિટિઝન સેવિંગ એકાઉન્ટમાં પૈસા મૂકે પણ વ્યાજ વધારે મળે નહીં. આ જ વાતને તકમાં બદલીને દિલીપભાઈએ સેવિંગ એકાઉન્ટથી વધારે વ્યાજ આપીને પૈસા ધિરાણ પર લીધા. ઓછી આવક ધરાવતા લોકો માટે મકાન બનાવવાના હોય તો સરકારી નિયમ પ્રમાણે ટેક્સ ભરવો પડે નહીં. હવે ધિરાણ કરનારને વ્યાજ વધારે મળે અને ટેક્સ ભરવો પડે નહીં એટલે તેમને બંને બાજુથી લાભ થયો. દિલીપભાઈએ નાણાં લેનાર પાસેથી 15 વર્ષે કે અમુક સમય પછી એમાઉન્ટ પરત આપવાનો કોન્ટ્રેક્ટ કરે. આ રીતે દિલીપભાઈએ રિયલ એસ્ટેટનો બિઝનેસ શરૂ કર્યો. તેઓ સાહસને કારણે જ આટલા સફળ થયા.'

'ગુજરાત ને આઇટી ઉદ્યોગના વિકાસમાં દિલીપ બારોટનું યોગદાન' ઇન્ફોસિટી પ્રોજેક્ટ અંગે વાત કરતા ચંદ્રકાંતભાઈ પટેલ કહે છે, 'ગુજરાત સરકાર સાથે રહીને દિલીપ બારોટે ઇન્ફોસિટી પ્રોજેક્ટ ગાંધીનગરમાં બનાવ્યો. આ પ્રોજેક્ટ માટે સરકાર અનેક વિદેશી કંપનીઓને મળી હતી, પરંતુ કોઈએ રસ દાખવ્યો નહોતો. ગુજરાત સરકાર હૈદરાબાદ-બેંગલુરુમાં જે રીતે આઇીનો વિકાસ થયો તે જ રીતે ગુજરાતમાં આઇટીનો વિકાસ કરવા માગતી હતી. ભારતીય કંપનીઓએ અરજી કરી હતી, પરંતુ વાટાઘાટો દરમિયાન ડિલ થઈ શકી નહીં. અંતે, દિલીપ બારોટને ફ્લોરિડામાં આ પ્રોજેક્ટની જાણ થઈ. તેઓ માતૃભૂમિ માટે કંઈક કરવા માગતા હતા. તેમણે તરત જ ટેન્ડર ભર્યું ને અંતે ગુજરાત સરકારે દિલીપભાઈની કંપની ચોઇસને આ પ્રોજેક્ટ ફાળવ્યો.ગુજરાતના વિકાસ ને આઇટી ઉદ્યોગમાં દિલીપભાઈ બારોટનો મહત્ત્વનો ફાળો છે. ઇન્ફોસિટી પાછળ દિલીપભાઈએ ઘણી જ મહેનત કરીને તેને સફળ પ્રોજેક્ટ બનાવ્યો છે. ઇન્ફોસિટીમાં સ્કૂલથી લઈ રેસ્ટોરાં-જિમ સહિતની વિવિધ સુવિધાઓ ઊભી કરી હતી. એક ફાર્માસિસ્ટ હોવા છતાં દિલીપભાઈએ રિયલ એસ્ટેટમાં કાઠું કાઢ્યું છે.'

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દિલીપ બારોટ તેમને મળ્યા એ સમયની તસવીર.
નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દિલીપ બારોટ તેમને મળ્યા એ સમયની તસવીર.

ટર્ન ઓવરની વાત કરતાં દિલીપભાઈ કહે છે, 'ટર્નઓવર સારું છે અને દિવસે દિવસે વધી રહ્યું છે. ફૅમ, મની ને પાવરથી દૂર રહો ત્યાં સુધી જીવનમાં સુખ-શાંતિ રહે. જે દિવસે સત્તા, મની ને ફૅમનો મોહ લાગ્યો તે દિવસથી મનની અંદરની પ્રસન્નતા, આનંદથી દૂર થતાં જઈએ.'

'કોરોનાકાળમાં પણ કર્મચારીઓને બોનસ આપ્યું' ચંદ્રકાંતભાઈ વધુમાં કહે છે, 'કોરોનાકાળમાં વિશ્વભરની ઘણી કંપનીઓએ કર્મચારીઓના પગારમાં ઘટાડો કર્યો, પરંતુ દિલીપભાઈએ આવું કર્યું નહોતું. ઉપરાંત બોનસ પણ આપ્યું હતું. તેમની કર્મભૂમિ અમેરિકા ને જન્મભૂમિ ગુજરાત છે. તેઓ લાઇમલાઇટ ને ફૅમથી ઘણા જ દૂર રહેવાનું પસંદ કરે છે.'

'દિલીપ બારોટ તો રિયલ એસ્ટેટ કિંગ છે' ચંદ્રકાંતભાઈએ દિલીપભાઈની પ્રશંસા કરતાં કહ્યું, 'તેઓ વગર એન્જિનિયરે રિયલ એસ્ટેટના કિંગ બન્યા. ફ્લોરિડા-જ્યોર્જિયામાં આખા વર્ષ દરમિયાન તેમની પાસે પાંચથી છ હજાર અપાર્ટમેન્ટ માલિકીના હોય છે અને તેઓ આ એપાર્ટમેન્ટ ભાડે આપે છે. આ ઉપરાંત અમેરિકાના મોટા રાજ્ય ટેક્સાસમાં કારના નંબર આપવાનું કામ દિલીપભાઈની કંપની કરે છે. છેલ્લાં દસ-બાર વર્ષથી તેઓ ટેન્ડર ભરે છે અને તેમને આ કામ મળે છે. દિલીપભાઈની કંપનીમાં 3500ની આસપાસ કર્મચારીઓ હશે. દિલીપભાઈ રિયલ એસ્ટેટ ઉપરાંત ઇટેક કરીને ગ્લોબલ આઇટી કંપની પણ ચલાવે છે. આ કંપની જમૈકા, અમેરિકા તથા ભારતમાં કાર્યરત છે. તેમણે એટલાન્ટામાં મેગ્નોલિયા 400 એપાર્ટમેન્ટનો પ્રોજેક્ટ પૂર્ણ કર્યો.'

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામા સાથે દિલીપ બારોટ
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ઓબામા સાથે દિલીપ બારોટ

'રોજ સવારે પ્રાર્થના વગર ઘરની બહાર નીકળતા નથી' ચંદ્રકાંત પટેલે દિલીપભાઈ બારોટની વાત કરતા કહ્યુ્ં, 'તેઓ ભગવાનમાં માને છે, પરંતુ કોઈ સંપ્રદાય સાથે સંકળાયેલા નથી. રોજ સવારે પ્રાર્થના કર્યા વગર ઘરની બહાર નીકળતા નથી. અઢળક સમૃદ્ધિ હોવા છતાં દિલીપભાઈનાં પત્ની ઘરે જાતે કામ કરે છે. ભારતીય સંસ્કૃતિને આ પરિવાર વરેલો છે.'

'અમેરિકા આજે પણ તકોની ધરતી' દિલીપભાઈ સ્વીકારે છે, 'અમેરિકા આજે પણ લેન્ડ ઑફ ઓર્પોચ્યુનિટી છે. જો તમને અમેરિકા આવવાની તક મળતી હોય અને તમને લાગતું હોય કે તમે તે તકને લાયક બની શકશો તો આવવું સારું છું. નાનપણમાં કવિ કલાપીની કવિતા સુંદરતા પામતા પહેલા સુંદર બનવું પડે... સાંભળી હતી. એ જ રીતે ભગવાન આપણને અઢળક તકો આપે છે પણ આપણે તે તકોને લાયક બનાવવા પ્રયાસ કરવા તૈયાર છીએ ખરાં?. કુદરતને વાંકમાં લઈએ તેના કરતાં પોતાની જાત પર ફોકસ કરીએ તો સોલ્યુશન વધારે મળીએ.'

'હ્યુમન ટ્રાફિકિંગથી અમેરિકા આવનારા લોકોનું શોષણ જ થાય છે' 'ગેરકાયદે, એટલે કે હ્યુમન ટ્રાફિકિંગથી અમેરિકા ક્યારેય આવવું નહીં. વિઝા મળતા હોય તો જ આવવું. તમારી પાસે આવડત હોય ને અમેરિકન સિસ્ટમને રિસ્પેક્ટ આપવાની તૈયારી હોય તો જ આવવું. અમેરિકાનાં કાયદા ને કલ્ચરને છેતરવા નહીં. તે છેતરીને શરૂઆતમાં કદાચ સફળતા મળી જાય, પરંતુ તે લાંબા ગાળે નુકસાન જ કરશે. જે દેશમાં રહો તે દેશના નિયમો-કાયદા માનવા જરૂરી, જો કોઈ લાલચ આપે તો પહેલા જાતને પૂછો કે કેમ ખોટા રસ્તે જાઉં છું. મહેનત કરીને સારા રસ્તે જવું. હ્યુમન ટ્રાફિકિંગથી આવેલા મોટા ભાગના લોકોનું શોષણ થાય છે. અમેરિકા આવવાના સાચા ને સીધા રસ્તા છે. એ વાત પણ એટલી જ સાચી છે કે આજે ઇન્ડિયામાં પણ ઘણી જ તકો છે. તે તકોનો લાભ લેવો જોઈએ.'

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન સાથે દિલીપ બારોટ.
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન સાથે દિલીપ બારોટ.

'ડિજિટલ નહીં, વાસ્તવિક દુનિયામાં જીવો' દિલીપભાઈ યંગસ્ટર્સને સલાહ આપતા કહે છે, 'અત્યારના યંગસ્ટર્સમાં ડિજિટલ વિશ્વને કારણે એક કાલ્પનિક દુનિયા ઊભી થઈ છે. એ એમને જીવનની વાસ્તવિકતાથી દૂર લઈ જાય છે અને તેને કારણે વાસ્તવિક દુનિયાનો આનંદ, સુખ-શાંતિ મળતી નથી. જ્યાં સુધી રિયાલિટી ચેક ના હોય ત્યાં સુધી કોઈ સમસ્યાનો ઉકેલ લાવી શકાય નહીં, કારણ કે તમે તમારી કલ્પનાની દુનિયામાં રહો છો. આજકાલ બધા, ડિજિટલી કનેક્ટેડ હોય છે, પરંતુ તે ફૅક છે. આજકાલના માણસોની કમ્યુનિકેશન સ્કીલ પણ સારી રહી નથી. પહેલા તો અમે એકબીજા સાથે વાત કરીને સમસ્યાની ચર્ચા કરતા ને પછી તેમાંથી જ ઉકેલ મળી જતો. યંગસ્ટર્સે ડિજિટલ વર્લ્ડને વધુ પડતું મહત્ત્વ આપવું જોઈએ નહીં. ટેક્નોલોજી તો જ્યારથી મનુષ્યજીવન અસ્તિત્તવમાં આવ્યું ત્યારથી જ છે. AIથી કંઈ દુનિયા બદલી જવાની નથી. તેઓ પોતાની કંપનીની વેલ્યૂ વધારવા માટે હાઇપ ઊભો કરે, પણ આપણે એ વાત સમજવાની જરૂર છે કે આપણે માણસ છીએ અને માણસ જ રહીશું. લોકોએ વાસ્તવિકતામાં માણસ તરીકે જીવવું જોઈએ.'

'નમ્ર હશો તો આત્મવિશ્વાસમાં વધારો થશે' 'હું અત્યારે યંગ હોઉં તો શું કરું. અમેરિકાની ભાષામાં કહું તો કલ્ટિવેટ ગુડ હ્યુમન બનવાનો પ્રયાસ કરું. કોઈ પણ સંબંધમાં લેવા કરતાં આપવાની ભાવના વધુ રાખો. આ ઉપરાંત વર્ક હાર્ડ ને વર્ક સ્માર્ટ. સ્માર્ટ વર્ક એટલે પ્લાનિંગ કરો, સલાહ લો, ઉતાવળિયા પગલાં ના લો. હંમેશાં નમ્રતા ને આત્મવિશ્વાસુ બનો. જે માણસ સાચા અર્થમાં નમ્ર હશે એનામાં જ આત્મવિશ્વાસ હશે. હમ જહા ખડે હૈ, લાઇન વહીં સે શુરુ હોતી હૈ... એવો ખોટો આત્મવિશ્વાસ હોવો જોઈએ નહીં.'

'સર્વન્ટ રિલેશનશિપમાં માનો' 'આજના યુવાનોને સર્વન્ટ રિલેશનશિપ અંગે સમજાવતા દિલીપભાઈ બોલે છે, અત્યારના મૂવી જોઉં છું તો ડર લાગે છે કે આટલી બધી હિંસા કેમ બતાવવામાં આવે છે. ભૂતકાળમાં જેને હિંસા કરી છે તેને પૂછો કે રાજા સમ્રાટને કેટલો પસ્તાવો થતો હતો. ચંગીઝ ખાન, એલેક્ઝાન્ડરની તો વાત જ ના પૂછો. યંગસ્ટર્સની દયા આવે કે આવુ કેમ જુએ છે. આપણે હીરો બનવાની જરૂર નથી. આપણે તો હું બનું તે જ પૂરતું છું. સારો માણસ બનું ને આસપાસના વ્યક્તિઓ ખુશ રહે એ મારા માટે અગત્યનું છે. મારી બંને દીકરીઓ શમા ને નિરા બિઝનેસમાં છે. હું સર્વન્ટ રિલેશનશિપમા માનું છું. સર્વન્ટ રિલેશનશિપ એટલે કે વ્યક્તિ પોતાની પાસે સત્તા કે પાવર ના રાખે, પરંતુ બીજાને આગળ વધવામાં ને તે અપાવવામાં પ્રયાસ કરે. ગાંધીજીએ ક્યારેય સત્તા કે પૈસાનો મોહ બતાવ્યો નહીં ને દેશને આઝાદી અપાવી. એ જ રીતે કૃષ્ણ ભગવાને સત્તા મેળવવાનો સહેજ પણ પ્રયાસ કર્યો નહીં તેમણે બીજાને જ હંમેશાં સત્તા અપાવી. યંગ સ્ટર્સે હીરોઇઝમને બદલે સર્વન્ટ લીડરશિપ પર ફોકસ કરીને લાઇફને આગળ વધારવી જોઈએ.'

ગુજરાતમાં ઇન્ફોસિટીનો પ્રોજેક્ટ કર્યો હતો.
ગુજરાતમાં ઇન્ફોસિટીનો પ્રોજેક્ટ કર્યો હતો.

'સફળતા-નિષ્ફળતા રોજિંદો ક્રમ' દિલીપભાઈ માને છે, 'સફળતા-નિષ્ફળતા રોજનો ક્રમ છે. તમે આને કેવી રીતે જુઓ છો તેના પર આધાર રાખે છે. જીવનમાં જાગૃત કે ઊંઘમાં પણ તમને કેટલીક ક્ષણો આશાભરી ને કેટલીક નિરાશામય લાગે. હું સતત નિરાશા કે હતાશામાં રહ્યો હોઉં તેવું ક્યારેય બન્યું નથી. એનું કારણ એ છે કે પેરેન્ટ્સે શીખવ્યું હતું કે આપણે ગમે તેટલા પ્રયાસો કરીએ પણ અમુક બાબતો પ્રયાસો કરતાં અમુક પરિબળોને કારણે ધાર્યું પરિણામ ના આપે તો હતાશ થવું નહીં. ફરીથી ભગવાનને પ્રાર્થના કરીને આપણી અંદર રહેલી આત્મા-પરમાત્માને ભેગી કરીને હિંમત એકઠી કરવાની ને ફરી પ્રયાસો કરીને જીવનમાં આગળ વધવાનું. મને આસપાસના લોકોમાંથી પ્રેરણા મળે છે. અમેરિકામાં આવ્યા પછી મને ઘણા બધામાંથી પ્રેરણા મળી. નેપોલિયનની બુક થિંક એન્ડ ગ્રો રિચ, અર્લ નાઇટેગલની બુક લીડ ધ ફિલ્ડ તથા ટાઇમ પાવર, પાવર હાયરિંગમાંથી ઉપરાંત ભારતમાં તો અઢળક સાહિત્યમાંથી પ્રેરણા મળી. ભાગવદ્દ ગીતા, જીવન શોધન, વિવેક સાધના, કિશોર મશરૂવાલાનાં પુસ્તકો વાંચતો હોઉં છું. ગુજરાતી સાહિત્ય એટલું સમૃદ્ધ છે કે ગુજરાતીઓને ભરપૂર જ્ઞાન મળી રહે તેમ છે. જોકે ગુજરાતીઓએ તેમાં રસ લેવો પડે અને પછી એેને અમલમાં મૂકવું પડે.'

'સમસ્યાઓને કાગળ પર લખું છું' 'મને કંઈ પણ મૂઝવણ થાય તો હું પહેલા એ જ વિચારું કે કઈ વસ્તુની મૂંઝવણ છે. તે સ્પષ્ટ ભાષામાં કાગળ પર લખી નાખું. પછી તરત જ તેનું સોલ્યુશન લખવા બેસું અને તેમાંથી જે બેસ્ટ હોય તેનો અમલ શરૂ કરું. તમે આ ટેક્નિક જીવનમાં અપનાવો તો તમને કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ સરળતાથી મળી જાય. ભગવાને આપણે સોલ્યુશન ઓરિએન્ટેડ નેચર આપ્યો છે, પરંતુ આપણે તેનો ઉપયોગ જ કરતા નથી.'

'ભારતીય હોવાનો ગર્વ' દિલીપભાઈન ગુજરાતી ને ભારતીય હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું હતું, 'મને મારા વારસા પર અભિમાન છે. બિઝનેસ ને સોશિયલી બંને રીતે ગુજરાત સાથે કનેક્ટ રહી શક્યો તે માટે ભગવાનનો આભારી છું. વર્ષે એકવાર અચૂકથી ગુજરાત આવું છું. ગુજરાતમાં મિત્રો ને પરિવાર છે. સાચું કહું તો તમે પ્રાયોરિટી નક્કી કરો કે ગુજરાત સાથે સંપર્ક રાખવો છે તો ચોક્કસથી તે કરી શકો. મારા પત્ની ગોપી ગુજરાતી છે. વિદેશમાં એવું કહેવાય કે પત્ની ગુજરાતી હોય તે નોન ગુજરાતીને પણ ગુજરાતી બનાવી દે છે. મારો એક ફ્રેન્ડ પંજાબી ને એક રાજસ્થાની છે અને તે બંનેની પત્નીઓ ગુજરાતી હોવાથી તે હવે પાક્કા ગુજરાતી બની ગયા છે. ગુજરાતી સ્ત્રીમાં એક વિશિષ્ટતા છે કે તે ભલે મોર્ડન હોય, પરંતુ તે ગુજરાતી સંસ્કૃતિને ક્યારેય ભૂલતી નથી. તેઓ ગુજરાતીપણુ છોડતા નથી. ગુજરાતની આ વિશિષ્ટતા છે.'

દિલીપ બારોટ આજે પણ પોતાના વતનને મિસ કરે છે.
દિલીપ બારોટ આજે પણ પોતાના વતનને મિસ કરે છે.

'ગુજરાત દરિયાકાંઠે છે અને સદીઓથી અલગ અલગ લોકો આવ્યા. આ જ કારણે ગુજરાતને અન્ય કલ્ચર સાથે તાલમેલ બેસાડતા સારી રીતે આવડે છે. બીજાની સારી બાબતો સ્વીકારવાની ને પોતાની સંસ્કૃતિ જાળવવાનું ગુજરાતીઓ સુપેરે જાણે છે. બીજામાં ભળી જવામાં ગુજરાતીઓને ક્યારેય વાર લાગતી નથી. આ આપણા લોહીમાં છે. અમેરિકામાં હોવા છતાં અમે આજે પણ ગુજરાતીમાં વાત કરીએ છીએ. અમારું ભોજન ગુજરાતી જ છે. દરેક ગુજરાતી તહેવાર ઊજવીએ છીએ. સાચું કહું તો, મારું ગામ વિસનગર, ગંદીખાડ મહોલ્લામાં દાદા સાથેની રમેલી રમતો, રેલવે સ્ટેશન, મંદિર, મિત્રો-ફૂડ તમામને અમેરિકામાં ઘણાં જ મિસ કરું છું.'

આવતીકાલે 'ગ્લોબલ ગુજરાતી'ના ચોથા એપિસોડમાં વાંચો, અમેરિકામાં પટેલનો દીકરો બબ્બેવાર ફ્રોડનો ભોગ બન્યો, આજે પોતાની કંપની ઊભી કરી દીધી છે....

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links