Mon, Nov 16, 2026Updated 02:28 PM IST
Google Preferred Source CTA

ડિજિટલ ડાકુ-2
‘IT જોબની લાલચે થાઇલેન્ડને બદલે મ્યાનમાર લઇ ગયા’:સાયબર ફ્રોડ અને માનવ તસ્કરીનો શૉકિંગ કેસ, ‘ફેક કૉલ સેન્ટરમાં કામ કરાવતા, શંકા જાય તો પાંચ દિવસ લટકાવી રાખતા’

10 મહિનો પેહલાલેખક: મિતેષ પરમાર
  • કૉપી લિંક

બનાવનો સમયગાળો

.

6 એપ્રિલ 2025થી 22 મે 2025

‘થાઇલેન્ડના બેંગકોકમાં આઇટી કંપનીમાં જોબનું કહીને મને ત્યાંથી લગભગ 400 કિલોમીટર દૂર લઈ ગયા. જંગલમાંથી, હોડીમાં બેસાડીને બોર્ડર ક્રોસ કરાવી દીધી અને મ્યાનમારમાં ઘુસાડી દીધા. ત્યાંના એક ગામમાં એક વિશાળ બિલ્ડિંગમાં એ લોકો નકલી કૉલ સેન્ટર ચલાવતા હતા. મારો પાસપોર્ટ, મોબાઇલ લઇને એ લોકોએ મને ત્યાં કામમાં જોતરી દીધો. અમારે અમેરિકા, કેનેડા જેવા દેશોમાં રહેતા ભારતીયો સાથે ફોન પર ચેટિંગ અને વાતચીત કરીને તેમને પૈસા રોકવા માટે લલચાવવાના એ અમારું કામ. એકવાર એ લોકો મને ફોનથી વીડિયો ઉતારતા જોઈ ગયા તો પાંચ દિવસ મને એક રૂમમાં હાથકડી બાંધીને લટકાવી રાખ્યો...’

***

વિદેશોમાં ઊંચા પગારની નોકરીની લાલચે જનારા અને અજાણ્યા કૉલ પરથી ઇન્વેસ્ટમેન્ટની લાલચ આપતા-એમાં ફસાતા લોકો સાથે કેવી હાલત થાય એનું અમદાવાદનો અનુજ (નામ બદલ્યું છે) પર્ફેક્ટ ઉદાહરણ છે. અત્યંત સાધારણ પરિવારમાંથી આવતા અનુજ સાથે જે બન્યું તેની કથા સાંભળતાં અમે પણ થથરી ઊઠ્યા. સાયબર ક્રાઇમ, વિઝા ફ્રોડ અને હ્યુમન ટ્રાફિકિંગનું કાતિલ કોકટેલ ધરાવતો આ કેસ કોઇપણ વ્યક્તિની આંખો ખોલી દેવા માટે પૂરતો છે. દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ના આજના એપિસોડમાં કોઈ વેબસિરીઝને પણ આંટે એવી આ ખોફનાક સત્યકથા જાણીએ…

***

‘અગાઉ હું દુબઈમાં કામ કરતો હતો, પરંતુ ત્યાં કોન્ટ્રેક્ટ પૂર્ણ થાય એની પહેલાં જ અમદાવાદ આવી ગયો, કારણ કે જે ભાઈ અમને ત્યાં કામ કરવા લઈ ગયા હતા તેમની કંપની સાથે કોઈ માથાકૂટ થઈ ગઈ હતી એટલે મારે પરત આવવું પડ્યું. જોકે મને ત્યાં કામ કરવાની ઈચ્છા હતી એટલે મેં મારી રીતે અન્ય કોન્ટેક્ટ લગાવ્યા હતા. મારા એક મિત્રને પણ મેં તૈયાર કરી લીધો હતો. મારી પાસે તો પાસપોર્ટ હતો, પરંતુ મારા મિત્ર પાસે પાસપોર્ટ હતો નહીં. એટલે હું અને મારો મિત્ર પાસપોર્ટ કઢાવવા 6 એપ્રિલ 2025ના રોજ વડોદરામાં આવેલી ‘જય ભોલે ટ્રાવેલ બોર્ડિંગ પાસ’ નામની દુકાને પાસપોર્ટ બાબતે પૂછપરછ કરવા ગયા. અહીં અમારી મુલાકાત ઓફિસમાં હાજર કિંજલભાઈ શાહ સાથે થઈ. કિંજલભાઈએ અમને પાસપોર્ટ કઢાવવા માટેના ડોક્યુમેન્ટ બાબતે માહિતી આપી.’

અનુજને થાઈલેન્ડ લઈ જવાનું કહી ડંકી રૂટે મ્યાનમાર લઈ જવાયો.
અનુજને થાઈલેન્ડ લઈ જવાનું કહી ડંકી રૂટે મ્યાનમાર લઈ જવાયો.

'અનુજને કિંજલ શાહે થાઈલેન્ડ જવાનું કહ્યું'

‘બીજા દિવસે હું અને મારો મિત્ર કિંજલભાઈની ઓફિસે ગયા અને તેમણે કહ્યું કે અમારે પાસપોર્ટ અર્જન્ટમાં કઢાવવાનો છે. કિંજલભાઈએ કારણ પૂછ્યું, તો સાહિલે જવાબ આપ્યો કે મને દુબઈમાં નોકરીની ઓફર મળી છે, જેમાં વર્ક પરમિટ પણ મળવાની છે. જવાબમાં કિંજલભાઈએ કહ્યું કે દુબઈ કરતાં તો થાઈલેન્ડ સારું છે. થાઈલેન્ડમાં અમારા સંપર્ક પણ ઘણા છે, જેમાં ત્યાંની કંપની દ્વારા બે વર્ષની વર્ક પરમિટ મળશે અને કંપની જ રહેવા-જમવાની સુવિધા ફ્રીમાં આપશે. તમારે કોઈપણ ચાર્જ આપવાનો નહીં, ફક્ત અહીંથી ફ્લાઇટની ટિકિટ જ કરવાની. અહીં વડોદરાથી જ અમે અભિષેકસિંહને થાઈલેન્ડના બેંગકોક ખાતે મોકલી આપ્યા છે, જે ત્યાં સેટ પણ થઈ ગયા છે. કિંજલભાઈએ અમારી વાત અભિષેકસિંહ સાથે ફોન પર કરાવી અને અમને તેમનો નંબર પણ આપ્યો.’

પોતાની વાત આગળ વધારતાં અનુજ કહે, ‘અભિષેક સાથે મોબાઇલ પર વાતચીત કરતાં તેણે જણાવ્યું કે હું છેલ્લા સાતેક મહિનાથી બેંગકોકની આઈ-ટેક કંપનીમાં ડેટા એન્ટ્રીની જોબ કરું છું. અહીં ગુજરાતના 7-8 માણસો પણ કામ કરે છે. તમે પણ અહીં આવી જાઓ, કોઈ ટેન્શન જેવું નથી. તમને તરત જ ફાવી જશે. તમારા કોઈ બીજા મિત્રોને પણ આવવું હોય તો અમને કહેજો.’

એલીએ વ્હોટ્સ એપ કોલ પર અનુજનો ઈન્ટરવ્યૂ લીધો

દસેય આંગળા ઘીમાં અને માથું કઢાઈમાં હોય એવી આ અદભુત ઑફર જોઇને અનુજે થાઇલેન્ડ જવાનું નક્કી કરી લીધું, સાથે પોતાના એક મિત્રને પણ તૈયાર કર્યો. બંનેએ પોતપોતાના પાસપોર્ટનો ફોટો અભિષેકને વ્હોટ્સએપથી મોકલી આપ્યો. ત્યાર બાદ 12 એપ્રિલ 2025ના રોજ એક અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ પર ઇન્ટરવ્યૂ માટે વીડિયો કૉલ આવ્યો. રસપ્રદ વાત એ હતી કે સામેવાળી વ્યક્તિનો કેમેરા બંધ હતો, પણ અનુજ અને તેના મિત્રના કેમેરા ઑન રખાવીને તેમનાં કરિયર, અનુભવ અને ક્વોલિફિકેશન વિશે પૂછપરછ કરી. થોડા સમયમાં તો અનુજ અને તેના મિત્રને અભિષેક તરફથી વ્હોટ્સએપ પર આઇ-ટેક કંપનીનો ઑફર લેટર પણ મોકલી આપ્યો. અભિષેકે કૉલ કરીને કહ્યું કે શરૂઆતમાં તમારે ટૂરિસ્ટ વિઝા પર આવવાનું રહેશે, પછી કંપની તરફથી વર્ક પરમિટ મળી જશે. આ સમગ્ર પ્રોસેસ, કંપનીના ડોક્યુમેન્ટ અને અભિષેકની પ્રોફેશનલ વાતો સાંભળીને અનુજ અને તેના મિત્રને પૂરેપૂરો વિશ્વાસ આવી ગયો હતો. બંનેએ 16 એપ્રિલ 2025ની અમદાવાદથી બેંગકોક જવાની બે ટિકિટ બુક કરી લીધી. નવા દેશમાં નવી નોકરી અને ઢગલાબંધ રૂપિયા કમાવાનાં સપનાં આંખોમાં આંજીને બંને મિત્રો થાઇલેન્ડ પહોંચ્યા.

17 એપ્રિલ 2025

બેંગકોક એરપોર્ટ, થાઇલેન્ડ.

હવે અહીંથી આ બંને મિત્રોનું સોનેરી સપનું દુઃસ્વપ્નમાં પલટાવાની શરૂઆત થવાની હતી, જેનો તેમને સપનેય ખ્યાલ નહોતો. અનુજ કહે છે, ‘બેંગકોક એરપોર્ટ પર પહોંચતાં અમે અભિષેકને ફોન કર્યો. અભિષેકે જણાવ્યું કે તમને થોડીવારમાં અમારી કંપની તરફથી એક ટેક્સી લેવા માટે આવશે. તમે એરપોર્ટ બહાર ઊભા રહેજો. હું તમને વેલસી નામની વ્યક્તિનો એક નંબર મોકલી આપું છું. એ નંબર પર વ્હોટ્સએપ કોલ કરીને તમે વાતચીત કરી લેજો. હું ઓફિસમાં કામમાં વ્યસ્ત હોઈશ એટલે ફોન નહીં ઉપાડી શકું. અમે એ નંબર પર સંપર્ક કરતાં વેલસીએ ફોન ઉપાડ્યો અને અમારી સાથે હિન્દીમાં વાતચીત કરીને અમને કહ્યું કે તમે એરપોર્ટની બહાર જે જગ્યાએ ઊભા છો એનો ફોટો મને મોકલી આપો. અમે ફોટો મોકલ્યો એટલે થોડીવારમાં અમારી પાસે ટેક્સી કાર આવી અને અમને અમારાં નામ પૂછ્યાં અને પછી કારમાં બેસી જવાનું કહ્યું. અમે એ ટેક્સીમાં બેઠા એ સાથે જ ટેક્સી-ડ્રાઇવરે અમને અમારો પાસપોર્ટ આપી દેવાનું જણાવ્યું. અમે તેને પાસપોર્ટ આપવાની ના પાડી અને મેં અભિષેકને ફોન કરીને આ વાત જણાવી. અભિષેકે કહ્યું કે અરે, આ તો કંપનીની ફોર્માલિટી છે. ડ્રાઇવર તમારો પાસપોર્ટ કંપની પર પહોંચીને પરત આપી દેશે, એટલે અમે અમારો પાસપોર્ટ ડ્રાઇવરને આપી દીધો.’

થાઈલેન્ડ અને મ્યાનમાર બોર્ડર પર આવતી નદી અનુજને નાવડીમાં પાર કરાવી
થાઈલેન્ડ અને મ્યાનમાર બોર્ડર પર આવતી નદી અનુજને નાવડીમાં પાર કરાવી

અનુજને બેંગકોકથી અંદાજે 400 કિલોમીટર દૂર મ્યાનમારમાં લઈ ગયા

હવે અનુજ અને તેના મિત્રએ પોતાનાં કાંડાં કાપી આપ્યાં હતાં. ટેક્સીમાં ટ્રાવેલ કરતાં કરતાં 100 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું. વચ્ચે ચા-નાસ્તા માટે ઊભા રહ્યા. મેં અભિષેકને કૉલ કર્યો, પણ તેણે ઉપાડ્યો નહીં. આમ કરતાં કરતાં બેંગકોકથી છેક 400 કિમી દૂર આવેલા તક સિટીમાં અમને લઇ ગયા. હવે અમને દાળમાં જબરદસ્ત કાળું લાગ્યું, કેમ કે અમને કહેવાયું હતું કે કંપનીની ઑફિસ બેંગકોકમાં જ છે. મેં અભિષેકને ફરી કૉલ કર્યો. આ વખતે તેણે ઉપાડ્યો. તેણે કહ્યું કે અરે.. તમે 20 કિમી જ દૂર છો. પહોંચ્યા જ સમજો, પરંતુ અમે ન પહોંચ્યા. કંપનીને બદલે અમને એક હોટલમાં રાખવામાં આવ્યા. હવે અભિષેકનો પણ કોન્ટેક્ટ નહોતો થતો. અમને લઇ આવેલા લોકોએ કહ્યું કે હવે તમારે અહીં જ રહેવું પડશે. તમારા મિત્રને જવું હોય તો જઈ શકે છે. આ તબક્કે અમને વિશ્વાસ આવી ગયો હતો કે અમારી સાથે ફ્રોડ થયો છે, એટલે મેં મારા મિત્રને પાછો મોકલી દીધો. ભારતમાં વીડિયો કૉલથી ઇન્ટરવ્યૂ લેનારા વેલસીને અમે ફોન કર્યો, તો તેણે ધમકીભરી ભાષામાં અમને કહ્યું કે હવે તો તું અહીંથી નહીં જઈ શકે. હું બરાબરનો ફસાઇ ગયો હતો.’

30 કિલોમીટર જેટલો વિસ્તાર જંગલમાં કાપ્યો

અહીંથી અનુજની વીતકકથા વધુ ભયાવહ બનતી જાય છે. ‘હોટલ પર મારા જેવા અન્ય કેટલાક લોકો પણ હતા. અમને લેવા માટે ચાર-પાંચ ગાડીઓ ભરીને ચાઇનીઝ જેવા દેખાતા લોકો આવ્યા’, અનુજ કહે છે, ‘અમને ગાડીમાં બેસાડીને 25-30 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં લઈ ગયા. અહીં અમને ગાડીમાંથી ઉતારીને અડધો કલાક બેસાડી રાખ્યા. બાદમાં બીજી ચાર-પાંચ ગાડી આવી. વધુ 15-20 કિમી દૂર લઇ જઇને ઉતાર્યા. આ રીતે ગાડીઓ બદલતાં બદલતાં આગળ વધ્યા, તેમાં એક કેનાલ આવી. આ લોકોએ નાવડી દ્વારા અમને કેનાલ ક્રોસ કરાવી. એ પછી એક ગાડીમાં બેસાડીને ‘કેકે પાર્ક’ નામના બોર્ડર ટાઉનમાં લઇ ગયા. થોડીવાર માટે અમારા પાસપોર્ટ અમને પરત આપીને ફરી પાછા જમા લઈ લીધા. આખરે અમને કહેવામાં આવ્યું કે તમે હવે મ્યાનમારમાં છો.’

છોકરીની ફેક પ્રોફાઈલ બનાવીને ઇન્વેસ્ટમેન્ટ કરવાની લાલચ આપતા

યાને કે તમને થાઇલેન્ડની જોબનું કહીને ગેરકાયદે મ્યાનમારમાં ઘુસાડવામાં આવ્યા? એ સમય યાદ કરીને ધ્રૂજતા અવાજે અનુજ કહે, ‘હા, અમને એક કંપનીનું આઇ કાર્ડ અપાયું ને કામની માહિતી પણ અપાઈ.’

ત્યાં પણ ડેટા એન્ટ્રીનું જ કામ હતું કે? અમે પૂછ્યું.

‘અરે, એ તો નકલી કૉલ સેન્ટર હતું!’ અનુજે વધુ એક ફ્રોડનો ફોડ પાડ્યો, ‘એ લોકોએ ત્યાં એક આખા વિસ્તારમાં કૉલ સેન્ટર ઊભું કરેલું. ત્યાં અનેક દેશના લોકો કામ કરતા હતા, જેમને મારી જેમ ગેરકાયદે ગોંધી રાખીને કામ કરાવવામાં આવતું હતું. ત્યાં તેમની પાસે કેનેડા, અમેરિકા જેવા દેશોમાં રહેતા નાગરિકોને ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટનું લાલચ આપીને રૂપિયા પડાવવામાં આવતા હતા. પૈસા લઈને તેમને એક નકલી એપ્લિકેશનમાં તેમની રકમ પણ દેખાડતા હતા. જોકે જેવી તે વ્યક્તિ પોતે ઈન્વેસ્ટ કરેલા રૂપિયા પરત માગે એટલે ફોન, એકાઉન્ટ અને તમામ પ્રકારનો કોન્ટેક્ટ બંધ કરી દેતા. કેટલાક લોકોને તો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર કોઈ છોકરીની ફેક પ્રોફાઈલ બનાવીને કેનેડા, US જેવા દેશોના ભારતીયો સાથે સતત ફોન પર ચેટિંગ મારફત ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે લલચાવવાનું અને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાનું કામ સોંપાયું હતું. હું જે ઓફિસમાં હતો ત્યાં જ અંદાજે 150 જેટલા લોકો કામ કરતા હતા. મોટા ભાગના લોકો એકબીજાની ભાષા પણ સમજતા નહોતા, એ લોકો ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા એકબીજાની સાથે કોમ્યુનિકેટ કરતા હતા, પરંતુ મેં એ લોકોને આ કામ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી.’

કામ કરતા તમામ લોકોનો ફોન એક સોફ્ટવેરમાં ચેક થાય

પરંતુ અનુજનો એ વિરોધ ઝાઝો ટક્યો નહીં. ‘મેં કામ કરવાની ના પાડી તો આ લોકોએ મને ધમકી આપી કે 'જો તું આ કામ નહીં કરે તો સમજી લે કે તું થાઇલેન્ડના વિઝા પર ગેરકાયદે બોર્ડર ક્રોસ કરીને મ્યાનમારમાં આવી ગયો છો. એટલે તારા પર ઓટોમેટિક ગુનો દાખલ થઈ જશે.' આવું સાંભળીને હું ગભરાઈ ગયો. મારી પાસે હવે અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. ત્યાં કામ કરવું પણ ઘણું અઘરું હતું. મારે રાત્રે 11થી સવારે 11 સુધી કામ કરવાનું રહેતું. રાત્રે ઓફિસમાં જાઓ એટલે તમારો ફોન જમા થઈ જાય, જે સવારે 11 વાગ્યે કામ પૂર્ણ થતાં પરત આપે. આખી રાત એ લોકો આપણો ફોન એક સોફ્ટવેરમાં ચેક કરે અને જુએ કે આપણે કોઈને કોઈ માહિતી તો આપી નથી ને? આપણે કરેલા કૉલ ડિલિટ કર્યા હોય તોપણ તેમને એ સોફ્ટવેરની મદદથી ખબર પડી જતી અને જો ખબર પડી જાય તો તેમની પોતાની અલગ જેલ હતી, ત્યાં કેદ કરીને સજા આપતા હતા.’

એગ્રીમેન્ટ મુજબ નિયમો તોડો તો ₹3,50,000 જેટલી દંડની રકમ ભરવાની

બીજી આઘાતજનક વાત એ હતી કે જે અભિષેકના ભરોસે અનુજ થાઇલેન્ડ ગયો હતો, તે તો ગુજરાતમાં જ બેઠો હતો! આ કંપનીમાં એ કામ કરતો જ નહોતો. અનુજે પોતાની વાત આગળ ધપાવી, ‘આ લોકોએ 19 એપ્રિલ 2025થી લઈને 22 મે 2025 સુધી મને અટકાયતમાં રાખ્યો અને મારી સાથે બીજા માણસોની ટ્રેનિંગ ચાલુ કરાવી દીધી. ટ્રેનિંગ દરમિયાન મારી પાસે એક એગ્રીમેન્ટ સાઈન કરાવ્યો, જેમાં આ ગેરકાયદે કામ કરવા માટેના નિયમો લખ્યા હતા. જો હું આ નિયમો તોડું તો મારે ₹3,50,000 જેટલી દંડની રકમ ભરપાઈ કરવાની રહેશે. આ રકમ મને અહીં લાવવાનો ખર્ચો હતો, જે આ લોકો આવી રીતે અમારી પાસેથી કઢાવતા હતા. આ કોન્ટ્રેક્ટ મેં સાઇન કર્યા પછી જ તેમણે મને રહેવા અને જમવાની સુવિધા આપી. હું મજબૂરીમાં અને બંધનમાં ત્યાં કામ કરવા લાગ્યો.’

મ્યાનમારમાં ચાલતું ફ્રોડ કોલ સેન્ટર, અહીં કેનેડા,અમેરિકા જેવા દેશોમાં રહેતા નાગરિકોને ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટની લાલચ આપીને રૂપિયા પડાવાય છે. અનુજે તેના ફોનમાં સેન્ટરનો વીડિયો લઈ લીધો હતો
મ્યાનમારમાં ચાલતું ફ્રોડ કોલ સેન્ટર, અહીં કેનેડા,અમેરિકા જેવા દેશોમાં રહેતા નાગરિકોને ક્રિપ્ટોમાં ઈન્વેસ્ટમેન્ટની લાલચ આપીને રૂપિયા પડાવાય છે. અનુજે તેના ફોનમાં સેન્ટરનો વીડિયો લઈ લીધો હતો

તો આ વિષચક્રમાંથી નીકળવા માટે તમે કોઇ પ્રયાસો કરેલા ખરા? અનુજ કહે, ‘હા, પણ મને એવું હતું હું ઘરે કોઈને ટેન્શન ન આપું અને કોઇક રીતે અહીંથી છુટકારો થાય, એે પછી જ ઘરે બધી વાત કરું, પરંતુ સમય ઘણો થઈ ગયો હતો અને હું બે મહિનાના ટૂરિસ્ટ વિઝા પર થાઇલેન્ડ આવ્યો હતો. જે એ સમય વીતી જાય તો મારે થાઈલેન્ડના ઇમિગ્રેશન કાયદા મુજબ થાઈલેન્ડની જેલમાં જવું પડે. ફાઇનલી મેં હિંમત કરીને વડોદરામાં રહેતાં મારાં બહેનને ફોન કર્યો અને બધી હકીકત જણાવી. બધું જાણીને એ લોકો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગયા, પરંતુ ત્યાંના એક પોલીસકર્મીએ એવું કહ્યું કે તમારા ભાઈને કહો કે ત્યાંથી એક વીડિયો બનાવીને અહીં મોકલે એટલે અમને વિશ્વાસ આવે. પોલીસના કહેવા પર મેં અહીં એક વીડિયો બનાવ્યો, પણ કમનસીબે હું પકડાઈ ગયો.’ 'મને એવું જ લાગતું હતું કે હું અહીં જ મરી જઇશ'

અરે બાપરે! પછી? અનુજે શૉકિંગ હકીકત જણાવી, ‘એ લોકોએ અંદર જે જેલ બનાવેલી એમાં મને પૂરી દીધો. ત્યાં એ લોકોએ મને સખત શારીરિક અને માનસિક રીતે ટોર્ચર કર્યો. સવારે પાંચ વાગ્યે એ લોકો મને હાથકડી બાંધીને હાથ ઊંચા કરાવીને એક પાઇપ સાથે લટકાવી દેતા. પછી 11-12 વાગ્યે જમવા માટે 10-15 મિનિટ માટે મારા હાથ ખોલતા અને ફરી મારા હાથ બાંધી દેતા, જે છેક સાંજે જમવા માટે હાથ ખોલતા. બાદમાં રાત્રે 10-11 વાગ્યે ઊંઘવા માટે હાથ ખોલી આપે. ફરી સવારે પાંચ વાગ્યે ઉઠાડીને આ રીતે લટકાવી દેતા. આ રીતે પાંચ દિવસ સુધી મને બેહદ ટોર્ચર કર્યો. મને એવું જ લાગતું હતું કે હું અહીં જ મરી જઇશ અને મારી લાશ પણ ઘરે નહીં પહોંચે, પરંતુ આ લોકોનો એવો નિયમ હતો કે, આ લોકો કોઈને મારતા નહોતા, પરંતુ કડક નિયમો થકી માનસિક હેરાન કરતા હતા.’

અનુજને આવી રીતના ઉપર હાથ બાંધીને હથકડીથી પાંચ દિવસ સુધી લટકાવી રાખ્યો હતો, ફક્ત જમવા માટે અને ઊંઘવા માટે હાથ ખોલતા હતા
અનુજને આવી રીતના ઉપર હાથ બાંધીને હથકડીથી પાંચ દિવસ સુધી લટકાવી રાખ્યો હતો, ફક્ત જમવા માટે અને ઊંઘવા માટે હાથ ખોલતા હતા

ઓનલાઈન 3 લાખ 50 હજાર આપ્યા ત્યારે છુકટારો થયો

તો ત્યાંથી તમારો છુટકારો કેવી રીતે થયો? ‘આખરે એ લોકોને ખ્યાલ આવી ગયો કે હું તેમને વશ નહીં થાઉં અને ત્યાં કામ પણ નહીં કરું. એટલે એ લોકોએ મને જણાવ્યું કે જો તારે અહીંથી નીકળવું હોય તો એગ્રીમેન્ટ મુજબ તારે દંડના રૂપિયા ભરવા પડશે. મેં કહ્યું કે મારી પાસે આટલી મોટી રકમ નથી, પરંતુ હું ત્યાંથી બહાર નીકળવા માટે મરણિયો થયો હતો, આથી મેં મારા એક મિત્રને ફોન કર્યો અને મારા મિત્રએ મારા સંબંધીને આ તમામ હકીકત જણાવી પછી. તેમણે સાડાત્રણ લાખ રૂપિયા ઓનલાઇન અહીં મોકલી આપ્યા, જે બાદ અહીંથી મહામુસીબતે મારો છુટકારો થયો.’

ત્યાંથી તમે સીધા ભારત આવ્યા? ‘ના’, અનુજ કહે, ‘ફરી એ જ સફર શરૂ થઈ. ત્યાંથી નીકળીને એ લોકોએ મને જંગલ પાર કરાવ્યું. મ્યાનમાર અને થાઈલેન્ડની બોર્ડરને પરની નદી ક્રોસ કરાવી. જેવા થાઇલેન્ડમાં એન્ટર થયા કે તરત જ એ લોકોએ મને ગાડીમાંથી ઉતારીને રસ્તા પર પટકી દીધો. મને કહે કે હવે તારે જ્યાં જવું હોય ત્યાં જા. મને ખબર પણ નહોતી કે હું થાઇલેન્ડના કયા વિસ્તારમાં છું. રાતનો ઘોર અંધકાર હતો. આખા રોડ પર કોઈ માણસ નહીં, કોઈ નાનકડી લાઇટ સુધ્ધાં નહોતી.’

છરી બતાવીને ધમકાવીને મારી પાસેથી બધો સામાન લૂંટી ગયા

‘અંધારામાં હું રોડ પર ચાલતો ચાલતો જતો હતો. ખબર નહીં હું કેટલું ચાલ્યો હોઇશ, પણ એક બસ સ્ટેન્ડ આવ્યું એટલે હું ઊભો રહ્યો. ત્યાં અચાનક મારી પાસે 7-8 લોકો આવી ગયા અને છરી બતાવીને ધમકાવીને મારી પાસેથી મારો બધો સામાન લૂંટી ગયા. બે બેગ ભરીને સામાનમાં મારાં 40 જોડી કપડાં, અન્ય સામાન… બધું જ લૂંટાઇ ગયું. મને વધુ આઘાત લાગ્યો. હવે મારી પાસે કશું જ નહોતું. જોકે મેં બુદ્ધિ વાપરીને મારો પાસપોર્ટ મારા બૂટમાં સંતાડી દીધો હતો, એટલે એ બચી ગયો. બીજી સારી વાત એ થઇ કે મારો મોબાઇલ બચી ગયો હતો. એટલે મેં ઇન્ડિયા ફોન કરીને મારા સંબંધી મહેશભાઈને બધી હકીકત જણાવી. તેમણે મારો વીડિયો કોલ સતત ચાલુ રખાવ્યો અને ફરી હિંમત કરીને ચાલવા લાગ્યો. ચાલતાં ચાલતાં મને એક પોલીસના કપડામાં એક ઓફિસર દેખાયા, જેમને મેં બધી હકીકત જણાવી. મારી હાલત જોઈને તથા મારી વાત સાંભળીને તે પોલીસવાળા ભાઈ અને તેમનો સ્ટાફ મારી સાથે એ જગ્યા પર આવ્યો, જ્યાં મારી સાથે લૂંટ થઈ હતી, પરંતુ ત્યાં કોઈ મળ્યું નહીં. એ લોકો ભાગી ગયા હતા. બાદમાં પોલીસને મેં મારી આપવીતી જણાવી. પછી તેમણે મને એક રૂમની વ્યવસ્થા કરી આપી, જ્યાં હું રાત્રે સૂઈ ગયો. સવાર પડતાં બસમાં બેસીને બેંગકોક આવવી નીકળી ગયો. ત્યાં પહોંચીને મેં મારા સંબંધી મહેશભાઈ પાસેથી રૂપિયા ગાવીને અમદાવાદ આવવાની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી અને 23 મે 2025ના રોજ અમદાવાદ પરત આવ્યો.’

અનુજે કહ્યું હતું, મારો નંબર બંધ આવે તો રિયોના નંબર પર સંપર્ક કરવો

એ બે મહિના દરમિયાન જ્યારે અનુજ પર આ બધું વીતી રહ્યું હતું ત્યારે અહીં ભારતમાં તેનાં માતા-પિતાને પણ દીકરો ગુમાવી બેસવાનો ફડકો પેસી ગયો હતો. અનુજનાં માતાપિતા વૃદ્ધ અને ઓછું ભણેલાં હોવાથી તેમને આ બધી બાબતે કંઈ ખબર પડતી નહતી. એટલે આ કેસમાં અનુજને મ્યાનમારથી બહાર કાઢવામાં મદદ કરનાર તેના નજીકના સંબંધી મહેશભાઈ ફરિયાદી બન્યા હતા. અમદાવાદમાં રહેતા મહેશભાઈના જણાવ્યા મુજબ, ‘15 એપ્રિલ 2025ના રોજ હું મારા ઘરે હતો. સાંજે 06:30 વાગ્યાની આસપાસ મારાં ફોઈ અને તેમનો દીકરો અનુજ મારા ઘરે આવ્યાં હતાં. આ દરમિયાન વાતચીત કરતાં અનુજે મને જણાવ્યું કે મારું અને મારા એક મિત્રનું થાઈલેન્ડના બેંગકોકમાં આવેલી આઈ.ટેક કંપનીમાં ડેટા એન્ટ્રીનું કામ કરવાનું નક્કી થયું છે. અમારી 16 એપ્રિલ 2025 તારીખની અમદાવાદથી બેંગકોક જવાની ફ્લાઈટ છે એટલે તમે મને એરપોર્ટ મૂકવા આવજો. અમારા ઘરનો દીકરો વિદેશમાં કમાવા માટે જતો હોય તો કોને ના ગમે? 16 તારીખે અમે ઘરના બધા સભ્યો અનુજ અને તેના મિત્રને અમદાવાદ એરપોર્ટ પર મૂકી આવ્યા. બેંગકોક પહોંચ્યા બાદ અનુજની મારા મોટા ભાઈ સાથે અઠવાડિયામાં 2-3 વખત મોબાઈલ પર વાતચીત થતી રહેતી હતી. આ દરમિયાન અનુજે તેની સાથે કામ કરતા કોઈ રિયોનો નંબર આપ્યો હતો અને કહ્યું હતું કે મારો નંબર કદાચ બંધ આવે તો આ રિયોના નંબર પર સંપર્ક કરવો.’

'આ જગ્યાનો વીડિયો ઉતાર્યો એટલે પાંચ દિવસની સજા મળી'

‘15 મે 2025ના રોજ મારા ઘરે મારા મોટા ભાઈ મારા ઘરે આવ્યા અને કહેવા લાગ્યા કે મારી પર અનુજના એક મિત્રનો ફોન આવ્યો છે અને કહ્યું છે કે અનુજે મને ફોન કરીને માહિતી આપી છે કે અમે અહીં બેંગકોકમાં કામ કરવા માટે આવ્યા હતા, પરંતુ આ લોકો અમને છેતરીને મ્યાનમાર દેશમાં લઈ આવ્યા છે અને અમે ફસાઈ ગયા છીએ. પરત આવવા પણ નથી દેતા. પાછું આવવા માટે આ લોકો રૂપિયા માગે છે. આ સાંભળીને અમે તાત્કાલિક અનુજને ફોન કર્યો, પરંતુ તેનો ફોન બંધ આવતો હતો. પછી મારા મોટા ભાઈએ તેના ત્યાંના મિત્ર રિયોને ફોન કર્યો તો તેણે જણાવ્યું કે અનુજે તેના ફોનમાં આ જગ્યાનો વીડિયો ઉતાર્યો હતો અને કોઈને મોકલ્યો, પણ હતો, આ બધું કરતાં તે પકડાઈ ગયો છે એટલે અનુજને પાંચ દિવસની સજા મળી છે એટલે તે કેદમાં છે. તમે કોઈ ચિંતા ન કરો. અનુજ બહાર આવશે એટલે તરત જ અમે તમારી સાથે તેની વાત કરાવીશું.’

સગાસંબંધીઓના અને મિત્રો પાસેથી તાત્કાલિક રૂપિયા લેવા પડ્યા

મહેશભાઇ આગળ વાત કરતાં કહે, ‘20 મે 2025ના રોજ મારા મોટા ભાઈના ફોન પર કોઈ અજાણ્યા નંબર પરથી વ્હોટ્સએપ કોલ આવ્યો. સામેથી અનુજનો અવાજ સંભળાયો. અમે ચોંકી ઊઠ્યા. અનુજે ગભરાતાં ગભરાતાં બધી વાત કરતાં કહ્યું કે અહીં લોકોને છેતરવાનું કામ થાય છે. અહીં લોકોને વર્ક પરમિટના નામે બોલાવે છે અને અહીં બુલાન કરીને એક ચાઈનીઝ બોસ છે. ગુજરાત સહિત અલગ અલગ જગ્યાના લોકોને બોલાવીને લોકો પાસેથી સાયબર ફ્રોડનું કામ કરાવે છે. મારે અહીં આવું કામ કરવું નહોતું અને આ લોકો વિરુદ્ધમાં ફરિયાદ કરવી હતી એટલે મેં અહીંનો વીડિયો મારા ફોનમાં ઉતાર્યો હતો, પરંતુ હું પકડાઈ ગયો અને આ લોકોએ પાંચ દિવસ સુધી કેદમાં પૂરી રાખ્યો અને મારો ફોન પણ જમા લઈ લીધો. હવે આ લોકો મને પરત આવવા દેતા નથી અને અહીં નીકળવા માટે 3 હજાર ડૉલર ભરવાનું કહે છે. આ બધું જાણ્યા બાદ અમે કહ્યું કે અહીંથી ડોલરમાં કેવી રીતના મોકલીએ? એટલે અનુજે કહ્યું કે ‘અહીં વાત કરીને તમને ફોન કરું, આટલું કહેતાં જ અનુજનો ફોન કટ થઈ ગયો અને પછી અમે ફોન કર્યો તો લાગ્યો નહીં, પછી છેક રાત્રે 12 વાગ્યે અનુજનો ફોન આવ્યો અને કહ્યું કે હું અહીંથી તમને 2 સ્કેનર મોકલું છું, જેમાં ટુકડે ટુકડે 3 હજાર ડૉલર (ભારતીય કરન્સી મુજબ 3 લાખ 50 હજાર રૂપિયા) મોકલી આપો, જેમાં 50 હજાર બોર્ડર ક્રોસ કરવા માટે આપવાના છે. મને વ્હોટ્સએપ પર સ્કેનર મળતાં જ મારા ખાતામાંથી મારાં સગાસંબંધીઓના અને મિત્રો દ્વારા ટુકટે ટુકડે 50-50 હજાર કરીને 3 લાખ 50 હજાર રૂપિયા ગૂગલ-પે દ્વારા મોકલી આપ્યા અને તેના સ્ક્રીન શોટ પણ અનુજ જે નંબરથી ફોન કરતો હતો એ નંબર પર ઉપર મોકલી આપ્યા.

અનુજ 23 મે 2025ના રોજ અમદાવાદ પહોંચ્યો

રૂપિયા મોકલ્યા પછી બીજા દિવસે એટલે કે 21 મેના રોજ અનુજનો ફોન આવ્યો અને કહેવા લાગ્યો કે મને મારો પાસપોર્ટ મળી ગયો છે. આજે સાંજે અથવા રાત્રે આ લોકો મને મ્યાનમાર બોર્ડરથી બેંગકોક મોકલી આપશે. મોડીરાત્રે અનુજ બેંગકોકના એરપોર્ટ પર પહોંચી ગયો, પરંતુ તેની પાસે અમદાવાદ પરત આવવાની ફ્લાઈટમાં ટિકિટ બુક કરવાના રૂપિયા નહોતા એટલે અમે અહીંથી અનુજને બીજા 20 હજાર રૂપિયા ઓનલાઈન મોકલ્યા અને પછી તે 17 હજારમાં બેંગકોકથી અમદાવાદની ફ્લાઈટ ટિકિટ બુક કરીને 23 મે 2025ના રોજ અમદાવાદ એરપોર્ટ પર હેમખેમ પહોંચ્યો.’

મ્યાનમારમાં બેઠેલા આરોપીઓ સુધી હજી પોલીસ પહોંચી શકી નથી

દિવ્ય ભાસ્કરે આ કેસમાં ભોગ બનેલા અનુજ સાથે સંપર્ક કર્યો હતો અને તેમની પાસેથી જ આ સમગ્ર માહિતી મેળવી હતી. હાલમાં તે અમદાવાદમાં રહે છે અને નાનુંમોટું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને તેમની વિદેશમાં જવાની હવે કોઈ જ ઈચ્છા નથી રહી. ગભરાયેલો અનુજ અમદાવાદ પહોંચી ગયો, પરંતુ પોલીસ ફરિયાદ કરવા માટે તેની હિંમત ચાલતી નહોતી. આખરે 10-12 દિવસ પછી સાયબર ક્રાઈમમાં વડોદરાની ‘જય ભોલે ટ્રાવેલ બોર્ડિંગ પાસ’માં કામ કરતા અને બેંગકોક જવાની સલાહ આપનાર કિંજલ શાહ, બેંગકોકમાં વર્ક પરમિટના નામે બોલાવનાર અભિષેક, વ્હોટ્સએપ કોલ કરીને ઈન્ટરવ્યૂ લેનાર એલી, અજાણી વ્યક્તિ વેલસી અને ત્યાંની ઓફિસમાં કામ કરતો ચાઈનીઝ બોસ બુલાન વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો, જેમાં અમદાવાદ સાયબર ક્રાઈમે વડોદરાથી કિંજલ શાહ અને અભિષેકની ધરપકડ કરી લીધી, જ્યારે મ્યાનમારમાં બેઠેલા આરોપીઓ સુધી હજી પોલીસ પહોંચી શકી નથી.

અભિષેકને અહીંથી માણસ મોકલવા માટે 1 લાખ રુપિયા કમિશન મળતું હતું

ભાસ્કરે આ કેસ ડીટેક્ટ કરનાર પોલીસ ઈન્સ્પેક્ટર પી.વી.વાઘેલા સાથે પણ વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે, અભિષેક અગાઉ અહીં મ્યાનમારમાં આ જ ફ્રોડ વાળા કોલ સેન્ટરમાં નોકરી કરીને વડોદરામાં પરત આવી ગયો હતો પરંતુ તે ત્યાં મ્યાનમાર વાળા લોકોના કોન્ટેક્ટમાં હતો અને તેને અહીંથી માણસ મોકલવા માટે 1 લાખ રુપિયા કમિશન આપવામાં આવતું હતું. જ્યારે અભિષેક અનુજ જોડે ફોન પર વાત કરતો હતો ત્યારે બરોડામાં જ હતો પરંતુ અનુજ સાથે એવી રીતના વાત કરતો હતો કે, હું બેંગકોકમાં સેટ છું તમે પણ અહીં આવી જાઓ કોઈ તકલીફ નહીં પડે. બાદમાં તે કોઈ કામ માટે દુબઈ ગયો હતો એટલે અમે તેની સામે લુક આઉટ નોટીસ જાહેર કરી પછી તે દુબઈથી પરત આવ્યો ત્યારે લખનઉ એરપોર્ટ પર તેની ધરપકડ કરી લેવાઈ. જ્યારે મ્યાનમારમાં બેઠેલા આરોપીઓ બુલાન, એલી અને વેલસી આ બધા લગભગ 100 ટકા ખોટા નામના હોય છે અને તેમની કોઈ ચોક્કસ જાણકારી પણ નથી જેમ કે, આ લોકોનો કોઈ પાસપોર્ટ ફોટો હોય અથવા કોઈ સાચો મોબાઈલ નંબર હોય તો વિદેશ મંત્રાલયમાં તેની કાર્યવાહી કરી શકાય છે. પરંતુ તેમાં આપણા દેશની તે દેશ સાથેની સંધિ કેવી છે તે જોવું પડે પછી જ કાર્યવાહી શક્ય બને છે. જેમ કે, અહીં આપણા દેશમાંથી તેમના દેશમાં જાણ કરવામાં આવે પછી ત્યાંની પોલીસ તે જગ્યા પર રેડ કરે વગેરે... આ કેસમાં ભોગ બનનારના ફોનમાંથી મ્યાનમારના આરોપીઓની કોઈ ચોક્કસ જાણકારી મળી નહતી એટલે તેમની કાર્યવાહી શક્ય નથી બની શકી. (આરોપીઓ સિવાય તમામ પાત્રોના નામ બદલ્યા છે)

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links