Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

ડિજિટલ ડાકુ-4
ડિજિટલ અરેસ્ટની ઇનસાઇડ વિગતો પહેલી જ વાર:વીડિયો કૉલમાં એવું તે શું થયું કે ONGCનાં મહિલા અધિકારીએ ₹1.36 કરોડ આપી દીધા?

10 મહિનો પેહલાલેખક: મિતેષ પરમાર
  • કૉપી લિંક

તારીખ: 31 મે 2025

.

અમદાવાદમાં

ONGCમાં ઉચ્ચ અધિકારી એવાં સંગમબેન (નામ બદલ્યું છે)ના મોબાઈલ પર એક કૉલ આવ્યો. સંગમબેને ફોન હાથમાં લઈ સ્ક્રીન પર જોયું. નંબર અજાણ્યો હતો છતાં તેમણે ઉપાડ્યો.

‘હેલ્લો?’ સંગમબેને કહ્યું.

‘તમારો ફોન બે કલાકમાં બંધ થઈ જશે.’ સામેથી એક સ્ત્રીનો લગભગ ધમકીભર્યો અવાજ આવ્યો.

હજુ તો સંગમબેન કશું બોલે કે રિએક્ટ કરે એ પહેલાં ફોન કટ થઈ ગયો. સંગમબેનને કશુંક અજુગતું લાગ્યું, એટલે તેમણે એ જ નંબર પર સામેથી કૉલ કર્યો. આ વખતે કોઈ પુરુષે ફોન ઉપાડ્યો.

‘આ નંબર પરથી મને હમણાં કૉલ આવેલો,’ સંગમબેને પૂછ્યું.

‘ઓકે.’ સામેથી કોઈ પુરુષે ભારેખમ અવાજમાં જવાબ વાળ્યો.

‘કોણ છો તમે? અને મારો ફોન શા માટે બંધ થઈ જશે?’ સંગમબેને સ્વાભાવિક સવાલ કર્યો.

‘જુઓ હું TRAI (ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા)માંથી રાકેશ શર્મા બોલું છું. થોડીવારમાં તમને અમારા સિનિયર ઑફિસરનો ફોન આવશે. રાહ જુઓ,’ કહીને ફરીથી ફોન કટ થઈ ગયો.

સંગમબેનની અકળામણ વધી ગઈ. આ તમામ વાતચીત, ટોન બધું જ એકદમ સ્વાભાવિક લાગતું હતું. જે નંબર પરથી કૉલ આવ્યો હતો એમાં કોઈ ‘SPAM’ કે ‘આ ફોન ઉપાડશો નહીં’ એવી ચેતવણી પણ આવી નહોતી. સંગમબેને વિચાર્યું, હવે કૉલ આવે ત્યારે વિચારીશું.

‘યુ આર અન્ડર અરેસ્ટ’

થોડીવારમાં તેમના પર એક વ્હોટ્સએપ વીડિયો કૉલ આવ્યો. સંગમબેને ઉપાડ્યો. વીડિયો કૉલનો કેમેરા ઑન થતાં જ તેમને દેખાયું કે સામે પોલીસ યુનિફોર્મમાં એક ભાઈ બેઠા હતા. તેમણે કડક અવાજે કહ્યું, ‘હું બોમ્બે CBIમાંથી વાત કરું છું. કેનેરા બેંકના એક એકાઉન્ટમાં બે કરોડ જેટલી બ્લેક મની આવી છે, જેની સાથે તમારું આધાર કાર્ડ લિંક થયેલું છે. યાને કે તમે પણ આ ફ્રોડમાં સામેલ છો, યુ આર અન્ડર અરેસ્ટ…’

***

ભણેલાં, ઉચ્ચ અધિકારીઓ પણ કેવી રીતે ડિજિટલ થાય છે?

‘ડિજિટલ અરેસ્ટ’ નામનો શબ્દપ્રયોગ છેલ્લાં બે-એક વર્ષમાં આપણે એટલી બધીવાર સાંભળ્યો છે કે આપણે લગભગ એનાથી ટેવાઈ ગયા છીએ. મોબાઇલ ફોનના માધ્યમથી પોલીસ, CBI કે ઉચ્ચ અધિકારી હોવાનું કહીને સાયબર ગુનેગારો લાખો રૂપિયા પડાવી લે એ સમાચારો હવે લગભગ રોજનો ક્રમ બની ગયા છે. આપણને કદાચ એવું લાગે કે આ પ્રકારના ફ્રોડના ભોગ બનનારા લોકો વૃદ્ધો, ઓછું ભણેલા કે ગામડાંના લોકો હશે. પરંતુ આઠ મહિના પહેલાં અમદાવાદમાં ONGC જેવી ભારત સરકારની પબ્લિક સેક્ટર કંપનીમાં ઊંચા હોદ્દે બિરાજતાં અને અત્યંત શિક્ષિત અધિકારી પણ આ જાળમાં ફસાઈ ગયાં હોવાની વાત જાણીએ ત્યારે આપણને આઘાત લાગે. સહેજે આપણને સવાલ થાય કે સાયબર ગઠિયાઓ એવી તે કેવી મોડસ ઓપરેન્ડી વાપરતા હશે, સામેની વ્યક્તિ પર એવું તે કયું વશીકરણ કરતા હશે કે તેઓ પોતાની જીવનભરની કમાણી આપી દેવા તૈયાર થઈ જાય! અહીં શરૂઆતમાં જેમની વાત કરી તે ONGCનાં ઉચ્ચાધિકારી સંગમબેને ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં પાંચ-પચ્ચીસ નહીં, બલકે પૂરા 1.36 કરોડ રૂપિયા જેટલી જંગી રકમ ગુમાવી!

કઈ રીતે ચાલે છે ડિજિટલ અરેસ્ટનો આખો ખેલ? અને શું હોય છે ગુનેગારોની મોડસ ઓપરેન્ડી? જાણીએ દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘ડિજિટલ ડાકુ’ના આજના એપિસોડમાં.

***

‘જે પૂછે એનો સીધેસીધો જવાબ આપજો’

વ્હોટ્સએપ પર આવેલા વીડિયો કૉલમાં સામે પોલીસ યુનિફોર્મ પહેરીને બેઠેલા અધિકારીએ પોતાની ઓળખાણ CBI, મુંબઈના ઑફિસર તરીકે આપી અને કેનેરા બેંકમાં ઠલવાયેલા બ્લેક મનીમાં તેમનું આધાર કાર્ડ લિંક હોવાનું કહીને ‘યુ આર અન્ડર અરેસ્ટ’ કહી દીધું, સાથોસાથ એવું પણ કહ્યું,

‘અમારા સિનિયર ઑફિસર ફોન પર તમારી પૂછપરછ કરશે. એ તમને જે પૂછે એનો સીધેસીધો જવાબ આપજો અને વિગતો માગે તો લખાવી દેજો.’

ફરીથી ફોન કટ.

બધું જ વાંચતાં-સમજતાં, ભણેલાં-ગણેલાં અને દુનિયાથી વાકેફ હોવા છતાં સંગમબેનને કંઇક ભેદી અકળામણ થવા લાગી. તેમને થયું કે આ રીતે ફ્રોડના કિસ્સા છાશવારે થતા રહે છે, પરંતુ રખે ને આ કૉલ સાચો હોય તો? ધારો કે બે કરોડ રૂપિયાના બ્લેક મનીના ફ્રોડમાં મારું આધાર કાર્ડ વપરાયું હોય અને આ ફ્રોડને કારણે મારા કરિયરને ડાઘ લાગે તો?

હવે આગળ શું કરવું? કોઇને વાત કરવી કે પડશે એવા દેવાશે એ ન્યાયે ચૂપ રહેવું? સંગમબેન આ ગડમથલમાં ફસાયેલાં હતાં ત્યાં જ ફરી પાછો તેમના મોબાઇલમાં વ્હોટ્સએપ કૉલ રણક્યો. આ વખતે ઑડિયો કૉલ હતો. સંગમબેને કૉલ રિસીવ કર્યો.

‘તમારો ફોન અમારા ટ્રેકિંગમાં જ રહેશે, ઘરમાંથી બહાર નીકળશો નહીં’

‘મારા કલીગે તમને માહિતી આપી એ પ્રમાણે તમારા વિરુદ્ધમાં અરેસ્ટ વૉરંટ નીકળ્યું છે, જેથી તમારી વધારે પૂછપરછ કરવી પડશે. તમે તમારો ફોન બંધ કરતા નહીં. તમારા મોબાઈલ ફોનનું રિચાર્જ ઓછું હોય તો તમે પહેલાં રિચાર્જ કરાવી આવો. તમારો મોબાઈલ અમારા ટ્રેકિંગમાં જ રહેશે અને તમારા ઘરમાં કોઈને આવવા ન દેતા અને તમે પણ અમને પૂછ્યા વગર ક્યાંય જતાં નહીં. તમારે કોઈનો ફોન પણ રિસીવ કરવાનો નથી.’

આ પ્રકારની વાતો સાંભળીને સંગમબહેન ગભરાઈ ગયાં. બાદમાં તે અધિકારીએ પૂછપરછ શરૂ કરી. પહેલા સવાલમાં પૂછ્યું, ‘તમારા ઘરમાં કોણ કોણ છે?’

સામે સંગમ બહેને જવાબ આપ્યો, ‘હું અને મારી મમ્મી બંને એકલાં રહીએ છીએ.’

‘તમારાં મમ્મીનો પણ નંબર આપો, તેને પણ ટ્રેકિંગમાં મૂકવો પડશે.’ સંગમ બહેને ડરતાં ડરતાં તેમનાં મમ્મીનો નંબર લખાવ્યો.

ત્યાર બાદ સામે છેડેથી કહેવાયું કે તમારે એક એપ્લિકેશન લખવી પડશે. હું તમને સમજાવું તેવી રીતે લખજો.

અધિકારીના કહ્યા મુજબ સંગમબહેને ગુજરાતીમાં રિક્વેસ્ટ એપ્લિકેશન લખીને તેમના વ્હોટ્સએપ નંબર પર મોકલી આપી, જેથી અધિકારીએ આ એપ્લિકેશન પર સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશનનો સિક્કો મારી સંગમબહેનને પરત મોકલી આપી.

સુપ્રીમ કોર્ટ બાર એસો.ના નામની એપ્લિકેશન આવી

હવે તો ‘સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન’નો સિક્કો વાગી ગયો હતો. સંગમબેનને પાક્કી ખાતરી થઇ ગઇ કે તેમના વિરુદ્ધમાં અરેસ્ટ વોરંટ નીકળ્યું છે.

ત્યાર બાદ અધિકારીએ કહ્યું, ‘જો તમારે અરેસ્ટ ન થવું હોય અને તમે ઇચ્છતાં હો કે અમે તમારી ફરિયાદનું નિરાકરણ જલદી લાવી દઈએ તો અમારી પાસે એક રસ્તો છે…’ આવું કહીને ફોન કટ કરી નાખ્યો. કોઈ ઉપાય નહીં, કોઈ ચોખવટ નહીં. સંગમબેનને બિલકુલ અધવચ્ચે સસ્પેન્સમાં લટકાવીને સામે છેડેથી ફોન કપાઈ ગયો.

‘જસ્ટિસ ગોગાઈ સાહેબ તમારી સાથે વાત કરશે’

1 જુન 2025

સંગમબહેનને ફરીથી વ્હોટ્સએપ પર એક કોલ આવ્યો. એેમાં કહેવામાં આવ્યું કે અમે તમને વ્હોટ્સએપ પર કેટલાક પ્રશ્નો લખીને મોકલીએ છીએ. એના જવાબ તમે અમને લખીને મોકલી આપો. ત્યાર બાદ બીજા દિવસે એટલે કે 2 જૂને સવારે 10:00 વાગ્યાની આસપાસ સંગમબહેનના મોબાઈલ પર ફરીથી એક વીડિયો કોલ આવ્યો, સામેથી એક વ્યક્તિએ કહ્યું કે ‘હું બોમ્બે CBIમાંથી મેનેજર બોલું છું. અમારા જજ ગોગાઈ સાહેબ તમારી સાથે વાત કરશે. તમે ફોન ચાલુ રાખજો. ત્યાર બાદ થોડીવાર પછી જજ ગોગાઈ સાહેબ સ્ક્રીન પર પ્રગટ થયા, જે કોર્ટમાં બેઠા હતા.

તેમણે સંગમ બહેનને પહેલા પૂછ્યું તમારું આધાર કાર્ડ બતાવો. વીડિયો કોલમાં કોર્ટનો બધો માહોલ જોઈને સંગમબહેન ગભરાઈ ગયાં હતાં, જેથી સંગમબહેને તેમનું આધારકાર્ડ બતાવ્યું. સામે જજ સાહેબે પૂછ્યું કે તમારા ખાતામાં પૈસા ક્યાંથી આવ્યા છે? લીગલ છે કે નહીં? આની તપાસ માટે અમે એક ઓર્ડર લખ્યો છે. આ ઓર્ડર તમને વ્હોટ્સએપ પર મળી જશે, તમે એ વાંચી લેજો.

‘રિઝર્વ બેંક તમારા ₹36 લાખનું વેરિફિકેશન કરશે’

ત્યાર બાદ સંગમબહેનને પૂછવામાં આવ્યું કે તમારા ખાતામાં કેટલા રૂપિયા પડ્યા છે? સંગમબેને જવાબ આપતાં કહ્યું કે મારા ખાતામાં 36 લાખ રૂપિયા છે.

જજે કડક અવાજે કહ્યું, ‘રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા તમારા આ રૂપિયાનું વેરિફિકેશન કરશે.’

બાદમાં આ જજે સંગમ બહેનને ડરાવીધમકાવીને ‘ઇન્ડસઇન્ડ બેંક’ના એક એકાઉન્ટની માહિતી આપી અને કહેવામાં આવ્યું કે તમે વેરિફિકેશન માટે આ ખાતામાં 36 લાખ રૂપિયા નાખી દો.

આ એકાઉન્ટ ‘એ. આર. ઈન્ફોટેક’ના નામે હતું. સંગમબહેન ગભરાઈ ગયાં હતાં એટલે તાત્કાલિક તેઓ તેમની બેંકમાં પહોંચ્યા અને RTGS મારફત ઇન્ડસઇન્ડ બેંકમાં 36 લાખ રૂપિયા એ જ ક્ષણે ટ્રાન્સફર કરાવી આપ્યા.

‘તમારી ₹35 લાખની FDનું પણ વેરિફિકેશન કરવું પડશે’

પરંતુ આ સિલસિલો અહીંથી ન અટક્યો. આ રૂપિયા ટ્રાન્સફર કર્યાના ત્રીજા દિવસે એટલે કે 3 જૂનના રોજ સંગમબેનને ફરીથી એક વ્હોટ્સએપ કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે ‘તમારી પાસે જે FD (ફિક્સ્ડ ડિપોઝિટ) છે એનું પણ વેરિફિકેશન કરવું પડશે. તમને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો એક એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ. એમાં આ પૈસા ટ્રાન્સફર કરી નાખજો.’ આવું સાંભળીને સંગમબેન ખૂબ જ ગભરાઈ ગયાં અને ફરીથી તેમની બેંકમાં ગયાં અને અને પોતાના ખાતામાંથી બેંક ઓફ મહારાષ્ટ્રવાળા ખાતામાં 35 લાખ રૂપિયા RTGS મારફત ટ્રાન્સફર કરી દીધા.

‘₹15 લાખ ટ્રાન્સફર કરી આપો’

3 જૂન બાદ 4 જૂને સંગમબહેનને ફરી એક વ્હોટ્સએપ કોલ આવ્યો અને કહેવામાં આવ્યું કે ‘તમારી પાસે બાકી રહેલી FDનું પણ વેરિફિકેશન કરવું પડશે. હાલમાં તમે ઇન્વેસ્ટિગેશનમાં છો. આની જાણ તમે કોઈને કરતા નહીં. અમે તમને બેન્ક ઓફ મહારાષ્ટ્રનું અન્ય એક ખાતું મોકલી આપીએ છીએ. એમાં તમે પૈસા ટ્રાન્સફર કરી નાખો. ગભરાયેલાં સંગમબેન ફરી પોતાની બેંકમાં ગયાં અને સામેથી આવેલા બેંક ઑફ મહારાષ્ટ્રના એકાઉન્ટ નંબરમાં બીજા 15 લાખ રૂપિયા RTGS કરી નાખ્યા.

‘તમારાં મમ્મીનું એકાઉન્ટ પણ ચેક કરવું પડશે’

આ રીતે સંગમબહેને ત્રણ દિવસમાં 86 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. પાંચ જૂનના રોજ ફરી સંગમબહેનને વ્હોટ્સએપ કોલ આવ્યો. આ વખતે તેમને કહેવામાં આવ્યું કે તમારાં મમ્મીના બેન્ક એકાઉન્ટનું પણ વેરિફિકેશન કરવું પડશે. અમે તમને યસ બેન્કનો એક એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ, જેમાં તમે રૂપિયા ટ્રાન્સફર કરી દો.

સંગમબહેન તો પહેલેથી જ ગભરાયેલાં હતાં. તેમને CBIમાંથી વોરંટ નીકળશે તેવી બીક હતી એટલે તેમનાં મમ્મીને લઈને પોતાની બેંકમાં પહોંચી ગયાં અને યસ બેન્કના એકાઉન્ટમાં બીજા 35 લાખ રૂપિયા RTGS કરી નાખ્યાં.

છ દિવસમાં સંગમ બહેને ₹1.36 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધાં!

પછી 6 જૂને સંગમબેનને વ્હોટ્સએપ કોલ પર ફરી ફોન આવ્યો. તેમને કહેવામાં આવ્યું કે તમારી મમ્મીના એકાઉન્ટમાં રહેલી બાકી FDનું પણ વેરિફિકેશન કરવું પડશે. અમે તમને મહારાષ્ટ્ર બેંકનો એકાઉન્ટ નંબર મોકલી આપીએ છીએ. એમાં તમે બીજા રૂપિયા નાખી દેજો. સંગમબહેન તેમનાં મમ્મીને લઈને ફરી પોતાની બેંકમાં ગયાં અને બીજા 15 લાખ રૂપિયા મહારાષ્ટ્ર બેંકના એકાઉન્ટ નંબર પર ટ્રાન્સફર કરી દીધા.

થોડા સમય પછી સંગમબેનને ફરીથી ફોન આવ્યો. આ વખતે તેમને કહેવામાં આવ્યું કે તમારા રૂપિયાનું વેરિફિકેશન થઈ ગયું છે. તમારા રૂપિયા કોઈ બ્લેક મની નથી. આ તમામ પૈસા તમને પાછા મળી જશે. આવું સાંભળતાં જ સંગમબેનને હાશકારો થયો.

પરંતુ અત્યારસુધીમાં સંગમબેને તે અજાણ્યા કૉલર્સ અને CBIના કથિત અધિકારીઓને 1 કરોડ ને 36 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા!

‘પૈસા પાછા જોઇતા હોય તો બીજા ₹50 લાખ ભરવા પડશે!’

હવે તેમની સમક્ષ નવો પાસો ફેંકવામાં આવ્યો. તેમને કૉલ પર કહેવામાં આવ્યું કે ‘જો આ તમામ રૂપિયા તમારે પરત લેવા હોય તો બેઇલ સિક્યોરિટી તરીકે બીજા 50 લાખ રૂપિયા ભરવા પડશે.’

ફરી પાછી આટલા બધા રૂપિયાની માગણી થતાં સંગમબહેને કહ્યું કે હવે મારી પાસે આટલા બધા રૂપિયા નથી. હું બેંકમાંથી લોન લઈને પછી તમને શાંતિથી જણાવીશ.

સંગમબહેન હેરાનપરેશાન થઈ ગયાં હતાં. એક તો તેમણે પોતાના આખા જીવનની કમાણી સમી 1 કરોડ 36 લાખ રૂપિયા જેટલી પ્રચંડ મોટી રકમ અજાણ્યા લોકોને ટ્રાન્સફર કરી દીધી હતી. હવે તેને પરત લેવા માટે બીજા 50 લાખ આપવાના હતા!

‘દીકરી, તારી સાથે બહુ મોટો ફ્રોડ થયો છે’

સંગમબેનનું એકાઉન્ટ ખાલી થઈ ગયું હતું. હતાશ થયેલાં સંગમબેને પોતાના મામાને આ સમગ્ર ઘટનાની માહિતી આપી. મામા વૃદ્ધ હતા, પરંતુ ભણેલા, હોશિયાર અને જમાનો જોયેલા હતા. તેઓ આજના ટેકનોલોજીના જમાનામાં બનતા ફ્રોડથી માહિતગાર પણ હતા. મામાએ સમગ્ર પ્રકરણ જાણીને તરત કહ્યું કે ‘દીકરી, તારી સાથે એક મોટું ફ્રોડ થયું છે. તને છેતરીને આટલી મસમોટી રકમ પડાવી લેવામાં આવી છે.’ આ સાંભળતાં જ સંગમબહેનના પગ તળેથી જમીન ખસી ગઈ. તેમની જીવનભરની મરણ મૂડી એકઝાટકે ખાલી થઈ ગઈ હતી. સંગમબેન રડવા લાગ્યાં. મામાએ તેમને હિંમત આપતાં કહ્યું, ‘આપણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવી પડશે.’

સંગમ બહેને અમદાવાદ સાયબર ક્રાઈમમાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડમાં ₹1.36 કરોડની રકમ ગુમાવી હોવાની ફરિયાદ નોંધાવી.

બંધન બેંકવાળો નિશાંત રાઠોડ કોણ હતો?

છ દિવસમાં જ આટલી મોટી રકમનો ફ્રોડ થયાની ફરિયાદ મળતાં જ અમદાવાદ સાયબર ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો. સાયબર ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર સી. ટી. દેસાઈની ટીમે તપાસ શરૂ કરી, જેમાં જાણવા મળ્યું કે 1 કરોડ 36 લાખ રૂપિયા જે અલગ અલગ એકાઉન્ટમાં ગયા છે તેમાંથી 25 લાખ રૂપિયા કોઈ નિશાંત રાઠોડના નામના ‘બંધન બેન્ક’ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે. તેના આધારે સાયબર ક્રાઇમ નિશાંત રાઠોડ સુધી પહોંચી.

નિશાંત રાઠોડની પૂછપરછ કરતાં જાણકારી મળી કે તેણે યશ પટેલના કહેવાથી વસ્ત્રાપુરમાં આવેલી બંધન બેન્કમાં કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. પોલીસે આ યશ પટેલને પણ ઉઠાવી લીધો. આ બંનેની તપાસ કરતાં સામે આવ્યું કે નિશાંત અને યશની સામે અગાઉ પણ ઓનલાઇન છેતરપિંડી બાબતે વડોદરા સાયબર ક્રાઇમમાં ગુના નોંધાયેલા છે.

વિદેશમાં બેઠેલા સાયબરમાફિયાઓ અહીં ફ્રોડ કરતા

નિશાંત અને યશ દ્વારા પોલીસ અન્ય આરોપીઓ કુલદીપ, હિતેશ, જગદીશ અને સિદ્ધરાજ સુધી પહોંચી. પોલીસની વધુ તપાસમાં જાણવા મળ્યું કે યશ પટેલે આ બેંક એકાઉન્ટ કુલદીપ, હિતેશ, જગદીશ અને સિદ્ધરાજને ઓપરેટ કરવા માટે આપ્યાં હતાં. તે એકાઉન્ટ વિદેશથી ઓપરેટ થતાં હતાં. આ લોકો વિદેશમાં બેઠેલા સાયબરમાફિયાઓને બેંક એકાઉન્ટ અને મોબાઇલ નંબર પ્રોવાઇડ કરતા હતા, જેમાં તેમને મોટું કમિશન મળતું હતું. અને જે અધિકારી કે જજ બનીને વાત કરતા હતા તે વિદેશમાં બેસીને આખું રેકેટ ચલાવતા હોય છે અને ફ્રોડના રૂપિયા USDT દ્વારા વિદેશમાં મેળવી લેતા હોય છે.

સંગમબહેનને પોતાના રૂપિયા પરત મળ્યા ખરા?

આ મામલે અમે ફરિયાદી સંગમબહેન સાથે ટેલિફોનિક વાતચીત કરી. આટલા મહિના પછી પણ તેઓ પોતાની સાથે થયેલા આ ફ્રોડના આઘાતમાંથી બહાર આવ્યાં નહોતાં, આથી તેમણે મીડિયા સાથે વધુ વિગત આપવાની ના પાડી, પરંતુ અમે તેમને મુદ્દાનો એક સવાલ પૂછ્યો, ‘ઓકે, અમે તમારી ચિંતા અને મનઃસ્થિતિ સમજીએ છીએ, પણ તમે એટલું કહી શકો કે તમારા ગયેલા રૂપિયા પરત મળ્યા કે કેમ?’

ખચકાતાં અવાજે સંગમબહેને કહ્યું કે ‘કુલ રકમમાંથી અમુક રુપિયા પરત મળ્યા છે, જ્યારે બાકીના હજી સુધી નથી મળ્યા.’

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links