Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

બંધ રૂમમાં મયૂરી સાથે શું થયું હતું?:પોટલામાંથી પથ્થર સાથે બાંધેલી હાલતમાં લાશ મળી, એ સાંજે ભાઇના ઘરે પહોંચ્યા હતા પ્રેમી પંખીડા

ભરૂચ2 મહિનો પેહલાલેખક: પ્રકાશ મેકવાન
  • કૉપી લિંક

નવેમ્બર, 2023 ગુજરાતમાં શિયાળાનો પગરવ ક્યારનોય થઇ ચૂક્યો હતો. ઠંડી ધીરે ધીરે જામવા લાગી હતી. આવામાં પહેલી તારીખની સવારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ઓફિસમાં રાબેતા મુજબની કામગીરી ચાલી રહી હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ ફાઇલોમાં વ્યસ્ત હતા, તો અમુક પ

.

કોન્સ્ટેબલ ધનંજયસિંહ હજુ તો પોલીસ સ્ટેશનમાં આવ્યાને એકાદ કલાક જેટલો સમય થયો હશે ત્યાં જ તેમના મોબાઇલમાં રિંગ વાગી. ધનંજયસિંહે પેન્ટના ડાબી બાજુના ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને હાથમાં લીધો અને સ્ક્રીન પર જોયું તો એક અજાણ્યો નંબર હતો. તેમને મનમાં થયું કે સવાર-સવારમાં આ અજાણ્યા નંબર પરથી કોણે ફોન કર્યો હશે? બીજું કંઇ વિચારવાના બદલે તેમણે અંગૂઠાથી સ્ક્રોલ કરીને કોલ રિસીવ કર્યો.

સામા છેડેથી ગંભીર અવાજમાં એક જ વાક્ય સંભળાયુંઃ સાહેબ, અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલા કમલમ તળાવમાં તપાસ કરજો.

કોઇ ઓળખ નહીં, કોઇ પૂર્વભૂમિકા નહીં. સામેવાળાએ આટલું બોલીને કોલ કટ કરી નાખ્યો. કોન્સ્ટેબલ ધનંજયસિંહના મનમાં અનેક વિચારો દોડવા લાગ્યા. ફોન કરનારું કોણ હતું? શા માટે આવો ફોન કર્યો હતો? કમલમ તળાવમાં એવું તો શું છે કે પોલીસે તપાસ કરવી પડે?

આ સવાલોના જવાબ તો તાત્કાલીક મળે તેમ નહોતા પણ જે બાતમી મળી હતી તેની અવગણના કરી શકાય તેમ નહોતી. ધનંજયસિંહે તરત જ પોતાના ઉપરી અધિકારીઓને આ બાતમી વિશે જાણ કરી. જ્યારે પણ આવી કોઇ બાતમી મળે ત્યારે પોલીસ તેને એકદમથી નજરઅંદાજ ન કરે. કદાચ કોઇ મોટો કેસ બહાર આવી જાય તેવી આશા સાથે તપાસ કરે.

*** વજનદાર પોટલામાં શું હતું? પોલીસના ઉપરી અધિકારીઓએ ધનંજયસિંહને મળેલી બાતમી વિશે તપાસ કરવાનું નક્કી કર્યું અને એક ટીમને ભરૂચથી અંદાજે 12 કિલોમીટર દૂર આવેલા અંકલેશ્વરના કમલમ તળાવ પર મોકલી. કમલમ તળાવ GIDCમાં આવેલું હતું. તળાવની ફરતે બગીચો પણ હતો. લોકોની અવર-જવર ત્યાં હંમેશાં રહેતી. તળાવમાં તપાસ કરવાની હતી એટલે પોલીસે ફાયર વિભાગની ટીમને પણ સાથે રાખી હતી.

ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા
ઘટના સ્થળે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પહોંચ્યા હતા

થોડી જ વારમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તળાવ પર પહોંચી ગઇ. બહારથી શાંત દેખાતા આ તળાવની અંદર કંઇક એવું રહસ્ય છૂપાયેલું હતું જેને શોધવા પોલીસે મિશન શરૂ કર્યું. પોલીસના જવાનોએ તળાવ પાસેથી પસાર થતા લોકોને રોક્યા. હવે ફાયર બ્રિગેડના જવાનોનું કામ ચાલુ થવાનું હતું. ફાયર બ્રિગેડના કેટલાક જવાનોએ સેફ્ટીનાં સાધનો સાથે તળાવમાં ઝંપલાવ્યું અને ઊંડાં પાણીમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

એકાદ કલાક જેટલો સમય વીત્યો હશે ત્યાં સર્ચ કરી રહેલા જવાનોને એક વનજદાર પોટલું મળ્યું. જવાનો મહામહેનતે તે પોટલાને પાણીમાંથી બહાર કાઢીને કિનારા પર લાવ્યા અને પોલીસને સોંપી દીધું.

પોટલું હાથમાં લેતાં જ પોલીસ સ્તબ્ધ થઇ ગઇ. કેમ કે તે કોઇ સામાન્ય પોટલું નહોતું. તેમાં પથ્થર ભરેલા હતા. પોટલું પાણીમાં ડૂબેલું રહે તે માટે મજબૂતાઇથી આ પથ્થરો બાંધેલા હતા. પોટલા પર દોરડાથી ચીવટપૂર્વક ગાંઠ પણ બાંધવામાં આવી હતી. પોટલામાંથી અજીબ પ્રકારની દુર્ગંધ આવી રહી હતી. પોલીસે દોરડું છોડીને પોટલું ખોલ્યું તો તેમાંથી એક યુવતીનો અત્યંત કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. લાશના બંને હાથ દોરીથી બંધાયેલા હતા અને બંને પગને ઘૂંટણથી વાળીને કમર સાથે બાંધેલા હતા.

લાશનો ચહેરો પણ ઓળખી શકાય તેમ નહોતો. કદાચ પાણીમાં લાંબો સમય પડી રહેવાના કારણે ચહેરાની આવી હાલત થઇ હોવાની શક્યતા હતી. લાશ પર કોઇ તીક્ષ્ણ હથિયારથી થયેલી ઇજાનાં કોઇ નિશાન નહોતાં. આવી સ્થિતિમાં પોલીસ સામે સૌથી મોટો પડકાર આ કોહવાયેલી લાશની ઓળખ મેળવવાનો હતો એટલે પોલીસે લાશના નમૂના લઇ DNA માટે FSLમાં મોકલી આપ્યા.

પોટલામાં યુવતીની બાંધેલી લાશ મળી હતી
પોટલામાં યુવતીની બાંધેલી લાશ મળી હતી

આ તરફ તળાવમાંથી યુવતીની લાશ મળી હોવાની વાત વાયુવેગે આખા શહેરમાં ફેલાઇ જતાં ખળભળાટ મચી ગયો.

પોલીસે પંચનામા સહિતની જરૂરી કાર્યવાહી કરી અને તપાસ આગળ વધારી. દક્ષિણ ગુજરાતમાં જ્યાં-જ્યાંથી યુવતીઓ ગુમ થઇ હોવાની ફરિયાદ મળી હતી તે તમામ પોલીસ સ્ટેશનમાંથી વિગતો મંગાવી. સ્થાનિક બાતમીદારોને એક્ટિવ કર્યા. તપાસ આગળ વધી તો પોલીસને સફળતા મળી. એક બાતમીદારે કહ્યું કે મૃતક યુવતી વલસાડ પંથકની છે અને તેનું નામ મયૂરી ભગત છે. તેની ઉંમર 21 વર્ષની છે.

આટલી માહિતી મળ્યા બાદ પોલીસે મયૂરીની વધુ વિગતો મેળવવાનું શરૂ કર્યું. પોલીસે મયૂરીનું અંગત જીવન કેવું હતું અને છેલ્લે તેને કોની સાથે ફોન પર વાત થઇ હતી તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી.

મયૂરી ઇન્સ્ટાગ્રામથી સૌરભ ગંગવાણીના સંપર્કમાં આવી હતી. સૌરભ મૂળ બેંગલુરૂનો રહેવાસી હતો અને તે અહીં ગુજરાતમાં પોતાના ભાઇ સંજય સાથે રહેતો હતો. સમય જતાં સૌરભ અને મયૂરી વચ્ચે સંપર્ક વધ્યો. જે આગળ જતાં પ્રેમમાં પરિણમ્યો. બંને એકબીજાના પ્રેમમાં એટલા ગળાડૂબ થઇ ગયાં હતાં કે એકબીજા વગર એક મિનિટ પણ રહી શકે તેમ નહોતાં. જેના કારણે મયૂરી સૌરભ સાથે રહેવા અંકલેશ્વર આવી ગઇ હતી.

મયૂરી વલસાડ પંથકની રહેવાસી હતી
મયૂરી વલસાડ પંથકની રહેવાસી હતી

બંનેએ લગ્ન નહોતાં કર્યાં પરંતુ અઢી વર્ષથી લિવ ઇન રિલેશનશિપમાં રહેતાં હતાં. સૌરભ નાનો મોટો ધંધો કરતો હતો, પણ તે સરખો ચાલતો નહોતો. જેથી મયૂરી અને સૌરભ વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા.

સૌરભે આ ઝઘડાની જાણ તેના ભાઇ સંજયને કરી એટલે સંજયે સૌરભને ગેરેજમાં કામ અપાવવાની ખાતરી આપી હતી. સંજય પોતે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હતો. તેણે સૌરભ અને મયૂરીને સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં એક રૂમ ભાડેથી લઇ આપ્યો હતો અને કહ્યું હતું કે તમે બંને અહીં શાંતિથી રહેજો.

હવે બધાને એમ હતું કે મામલો થાળે પડી જશે. થોડા દિવસ બધું બરાબર ચાલ્યું, પણ પછી ફરીપાછી સ્થિતિ જેવી હતી તેવી જ થઇ. સૌરભ અને મયૂરી વચ્ચે ફરી દરરોજ ઝઘડા શરૂ થયા.

મયૂરી સૌરભને કહેતી હતી કે 'તું કામે ના જઇશ. મારી જોડે જ રહે. તારે ક્યાંય જવાનું નહીં.'

સૌરભ મયૂરીની વાત માનીને આખો દિવસ તેની સાથે જ રહે તે પોસાય તેમ નહોતું. કારણ કે તેની સ્થિતિ એટલી સારી નહોતી કે કોઇ કામ ધંધો કર્યા વગર બેઠાં બેઠાં જ ખાઇ શકે. જેથી સૌરભે તેની સાથે આખો દિવસ રહેવાનો ઇનકાર કર્યો. આ બાબતે બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો.

સૌરભે રોજરોજના ઝઘડા અંગે ભાઇ સંજયને જાણ કરી હતી
સૌરભે રોજરોજના ઝઘડા અંગે ભાઇ સંજયને જાણ કરી હતી

હવે સૌરભ બરાબરનો કંટાળ્યો હતો. તેણે નાછૂટકે પોતાના ભાઇ સંજયને ઝઘડા અંગે જાણ કરી. બંને વચ્ચેનો ઝઘડો કંઇ પહેલીવારનો નહોતો, આવું અનેકવાર બની ચૂક્યું હતું એટલે સંજય પણ તેમની વચ્ચેના ઝઘડાનો કાયમી ઉકેલ લાવવા માગતો હતો. *** 9 ઓક્ટોબર, 2023 સંજયે સૌરભને ફોન કર્યો અને મયૂરીને સાથે લઇને ઘરે આવવાનું કહ્યું. સાંજના સમયે મયૂરી અને સૌરભ સંજયના ઘરે પહોંચ્યા. સંજય કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતો હોવાથી રૂમ રાખીને રહેતો હતો. રૂમમાં તેની સાથે અન્ય મિત્રો પણ રહેતા હતા. સૌરભ અને મયૂરી તેના રૂમે પહોંચ્યાં એટલે સંજયે પોતાના મિત્રોને થોડો સમય માટે બહાર જવાનું કહ્યું. જેથી બધા મિત્રો જતાં રહ્યાં. હવે રૂમમાં સૌરભ, સંજય અને મયૂરી સિવાય ચોથું કોઇ નહોતું.

  • એ બંધ રૂમમાં એવું તો શું બન્યું કે પોલીસને મયૂરીની લાશ મળી?
  • શું દરરોજના કંકાસથી કંટાળીને સૌરભ અને તેના ભાઈએ મયૂરીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો હતો?
  • મયૂરીની લાશ કમલમ તળાવના ઊંડા પાણીમાં કેવી રીતે પહોંચી?
  • લાશને પથ્થરોથી બાંધી તળાવમાં ફેંકવા પાછળ કોનું મગજ હતું?

આ તમામ સવાલો પરથી પડદો ઊંચકાશે 'ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ'ના આવતીકાલના એપિસોડમાં.

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links