- Gujarati News
- Bhaskar khaas
- Crime files
- Banaskantha Child Kidnapping; 4 Year Old Boy Abducted From Dhanpura
મા-બાપની ઝોળી મીઠાઈથી ભરાઈ ને ખોળો ખાલી થઈ ગયો:કાર આવી, ₹10 આપ્યા ને 4 વર્ષીય વેદ ગુમ, રાજસ્થાનથી ગુજરાત આવેલા પરિવાર પર આભ ફાટ્યું
- કૉપી લિંક

6 એપ્રિલ, 2026 ધનપુરા પાટિયા, બનાસકાંઠા હજી તો માંડ એપ્રિલ શરૂ થયો હતો, પરંતુ ઉનાળો પોતાના રૌદ્ર સ્વરૂપમાં આવી ચૂક્યો હતો. આકરા તાપમાં લોકો આકળવિકળ થઈ રહ્યા હતા. આવી જ ગરમીમાં ખુલ્લા આકાશ નીચે બનાસકાંઠાના ધનપુરા આગળ ખુલ્લી જગ્યામાં બાળકો મયૂરી, વેદ ન
આ ત્રણેય બાળકોને રમતાં રમતાં ભૂખ લાગી. મા-બાપ હજી આવ્યાં નહોતા તો તેઓ બટકું રોટલી માગવા આસપાસ જવા નીકળ્યા ને પાછા ફરતી વખતે ધનપુરા પાટિયા આવ્યાં ત્યારે રસ્તા આગળ એક અજાણી કાર ઊભી રહી. કારમાંથી એક માણસ નીચે ઊતર્યો. આ માણસે ત્રણેય બાળકો પર એક નજર ફેરવી ને પછી વેદને 10 રૂપિયાની નોટ આપીને સીધો પોતાની કારમાં બેસાડીને લઈ ગયો. મયૂરી ને મહર્ષ હજી કંઈ સમજે તે પહેલાં તો કાર સડસડાટ નીકળી ગઈ. પોતાના ભાઈને આ રીતે અજાણી વ્યક્તિ લઈ જતાં મયૂરી ને મહર્ષે રડવાનું ચાલુ કર્યું… વેદ ક્યાં ગયો? આ પરિવાર ક્યાંથી આવ્યો હતો? પરિવાર ભીખ માગવા ક્યાં જતો હતો?

આ તમામ સવાલોના જવાબ જાણવા આપણે થોડા ભૂતકાળ પર નજર ફેરવવી પડશે.
2 એપ્રિલ, 2026 રાજસ્થાનના પાલી જિલ્લામાં રહેતા પૂજારામ, બીજી પત્ની મનીષા, 7 વર્ષની દીકરી મયૂરી, 4 વર્ષના દીકરા વેદ અને સાળાના પરિવાર સાથે 224 કિલોમીટર દૂર ગુજરાતના વડગામ તાલુકાના ધનપુરા ગામે કમાવા માટે આવ્યાં હતાં. દારૂણ ગરીબીમાં જીવતા આ પરિવારને વતનમાં રોજગારી મળતી નહોતી એટલે ગુજરાન ચલાવવું બહુ મુશ્કેલ હતું. વળી, પરિવારમાં કોઇ શિક્ષિત નહોતું એટલે ક્યાંય નોકરી મળે તેમ પણ નહોતી. તેમને આશા હતી કે ધનપુરા જઇને ઘરે-ઘરે ફરીને જે કંઇ મળે તે લઇને જિંદગીના દિવસો ટૂંકા કરીશું.
પરિવાર ધનપુરા આવી તો ગયો પણ અહીં તેની હાલત વધુ કફોડી થઇ. ધોમધખતા તાપમાં રહેવા માટે કોઇ આશરો નહોતો એટલે ધનપુરા ગામના પાટિયા પાસે ખુલ્લી જગ્યામાં ઉપર આભ અને નીચે જમીન જેવી સ્થિતિમાં રહેવા મજબૂર થયો. પરિવાર જ્યાં રહેતો હતો તેની નજીકમાં જ જલોત્રા ગામ આવેલું હતું. અંદાજે અઢી કિલોમીટર દૂર થતું હશે. પરિવારના સભ્યો સવાર પડતાં જ જલોત્રા ગામે જવા નીકળી જાય અને ઘરે ઘરે ફરીને રૂપિયા, ખાવાનું જે મળે તે ભેગું કરે અને બપોરે પાછા ધનપુરા પાટિયા આવતા રહે. આવીને જમ્યા બાદ થોડો આરામ કરે અને સાંજ પડે તે પહેલાં પાછા જલોત્રા જતાં રહે. જે મળે તે લઇને રાત્રે પાછા આવતા રહે. છેલ્લા ચારેક દિવસથી આ તેમનું રુટિન બની ગયું હતું.

6 એપ્રિલ, 2026 વહેલી સવારના સાતેક વાગ્યા હશે. એવામાં પૂજારામ પત્ની મનીષા, સાળા અને તેની દીકરી સાથે જલોત્રા ગામ જવા નીકળી ગયાં ને બાળકો ત્યાં રમતાં હતાં. બપોરે એકાદ વાગ્યો હશે. પૂજારામ અને બાકીના ત્રણેય લોકો જલોત્રાથી ધનપુરા પાટિયા પાછા આવ્યા. આજે તેમની ઝોળી ભરેલી હતી. તેમાં પકવાન અને મીઠાઇ હતી. પૂજારામને હતું કે હું જલ્દી પહોંચીને મારાં બાળકોને ભાવતાં ભોજનિયાં કરાવું. જેવા પોતાની જગ્યા પર આવ્યા અને જોયું તો મહર્ષ અને મયૂરી રડી રહ્યાં હતા. પહેલાં તો બધાને થયું કે બાળકો છે એટલે રમતાં-રમતાં કંઇક ઝઘડો થયો હશે જેથી રડતાં હશે પણ હકીકત કંઇક જુદી જ હતી. 4 વર્ષનો વેદ ક્યાંય દેખાતો નહોતો. હવે બધાના પેટમાં ફાળ પડી. બંને બાળકોએ જે બન્યું હતું તે તેમને જણાવી દીધું.
આ વાત સાંભળીને પૂજારામ અને તેની પત્ની પર તો જાણે કે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. કેમ કે આ ઘટના કોઇ નાની નહોતી, બાળકોએ જે વર્ણન કર્યું તેના પરથી ખ્યાલ આવી ગયો હતો કે આ તો પોતાના વ્હાલસોયા દીકરાનું અપહરણ થયું છે. એ કારમાં કોણ આવ્યું હતું, વેદને ક્યાં લઇ ગયા હશે, શા માટે લઇ ગયા હશે આવા અનેક સવાલોનું તોફાન તેમના મનમાં ઊઠ્યું હતું.
એક તો ધનપુરા તેમના માટે અજાણ્યો વિસ્તાર હતો અને તેમાં પણ આવી ઘટના ઘટી એટલે પરિવાર હેબતાઇ ગયો. વેદને કારમાં લઇ જવાયો હોવાથી કદાચ આગળ જતાં છોડી દીધો હોય તેવી આશાએ બધાએ દૂર-દૂર સુધી તપાસ કરી પણ વેદનો કોઇ પત્તો ન મળ્યો. હવે પૂજારામ અને તેની પત્ની મનીષા રઘવાયા થયાં હતાં. તેમને સૂઝતું નહોતું કે શું કરવું અને શું ન કરવું. છેવટે થાકી-હારીને પૂજારામ વડગામ પોલીસ સ્ટેશન પહોંચ્યા કેમ કે આ વિસ્તાર વડગામ પોલીસની અંડરમાં આવતો હતો.
***
સ્થળઃ વડગામ પોલીસ સ્ટેશન પીઆઇ એન. એમ. સોલંકી પોતાની ચેમ્બરમાં બેઠા હતા. એક કેસની ફાઇલ ઉથલાવી રહ્યા હતા. તેવામાં જ તેમની ચેમ્બરના દરવાજા પર ટકોરા પડ્યા. બહાર એક પોલીસકર્મી ઊભો હતો. ટકોરાનો અવાજ સાંભળીને પીઆઇ સોલંકીએ બોલ્યા- યસ, કમ ઇન.

ચેમ્બરમાં પ્રવેશવાની મંજૂરી મળી જતાં પોલીસકર્મી ઉતાવળા પગલે અંદર દાખલ થયો અને સાહેબના ટેબલ પાસે જઇને ઊભો રહ્યો. પીઆઇ સોલંકીએ ફાઇલમાંથી માથું ઊંચું કરીને પ્રશ્નાર્થભરી નજરે તેની સામે જોયું. પોલીસકર્મી સમજી ગયો કે સાહેબ એકપણ શબ્દ વાપર્યા વગર પૂછી રહ્યાં છે કે બોલ શું થયું?
તેણે તરત જ કહેવાનું ચાલુ કર્યું. સાહેબ, બહાર 45-50 વર્ષની આસપાસનો એક માણસ આવીને ઊભો છે. તે ચારેક દિવસથી ધાનપુરા પાટિયા પાસે રહે છે. તેનું કહેવું છે કે આજે સવારે તેના દીકરા વેદનું અપહરણ થયું છે. કોઇ અજાણ્યો માણસ આવીને કારમાં વેદને ઉપાડી ગયો છે.
આટલું સાંભળતાં જ પીઆઇ સોલંકીના ચહેરા પરના હાવભાવ બદલાયા. તેમણે ફાઇલ બાજુમાં મૂકીને આદેશ કર્યો- બોલાવો એને અંદર.
પોલીસકર્મી જી કહીને નીકળી ગયો અને એક જ મિનિટમાં પૂજારામને પોતાની સાથે લઇને પીઆઇની ચેમ્બરમાં પાછો ફર્યો. બન્ને જેવા આવ્યા કે પીઆઇ સોલંકીએ પગથી લઇને માથા સુધી પૂજારામના પહેરવેશ અને હાવભાવ પર નજર ફેરવી લીધી. પૂજારામના ચહેરા પરની ચિંતા પીઆઇ સોલંકીની વર્ષોની અનુભવી આંખોથી છૂપી ન રહી. તેમને તરત જ ખ્યાલ આવી ગયો કે હકીકતમાં આ વ્યક્તિ સાથે કંઇક અજુગતી ઘટના બની છે.
પીઆઇએ પૂજારામને ખુરશી પર બેસવાનું કહ્યું. સાથેના પોલીસકર્મીને પૂજારામ માટે ઠંડા પાણીનો ગ્લાસ લઇ આવવાનો આદેશ આપ્યો. પૂજારામ જેવા ખુરશી પર બેઠા કે પીઆઇએ તેમને કહ્યું- ચિંતા ન કરો, તમારો દીકરો હેમખેમ પાછો મળી જશે. આટલામાં જ બહાર ગયેલો પોલીસકર્મી પાણી ભરેલા ગ્લાસ સાથે પાછો આવ્યો અને પૂજારામના જમણા હાથ પાસે ગ્લાસ ધરી દીધો. પૂજારામે ગ્લાસ સામે જોયું અને તરત જ પોલીસકર્મીના હાથમાંથી લઇને ગટગટાવી ગયા. હવે તેને કંઇક કળ વળી હોય તેમ લાગ્યું.
પીઆઇ સોલંકીએ પૂજારામને કહ્યું- ડર્યા વગર મને ઝીણામાં ઝીણી વિગતો કહો. ક્યારે શું થયું, તમે ક્યાં હતા, પાછા આવ્યા ત્યારે તમે શું જાણ્યું એ બધી વાત માંડીને કરો. પૂજારામે જે-જે બન્યું હતું તે બધું એક શ્વાસે કહી દીધું.
તેની વાત સાંભળીને પીઆઇ અંદાજો લગાવી લીધો કે આ કેસમાં કોઇ સાથેની દુશ્મનાવટ કે અંગત અદાવત નથી. કેમ કે પરિવારને રાજસ્થાનથી ધનપુરા આવ્યાને હજુ 4 દિવસ જ થયા હતા. આટલા દિવસોમાં તેને કોની સાથે દુશ્મની થઇ જાય? વળી આ હાઇફાઇ પૈસાદાર પરિવાર પણ નહોતો કે જેથી કરીને તેના માસૂમ બાળકનું અપહરણ કર્યા પછી કોઇ ખંડણી પણ માગી શકે.
હવે સમય એક્શનનો હતો. પીઆઇની સૂચના બાદ તાબડતોબ ગુનો નોંધાયો. વાત બનાસકાંઠા રેન્જ આઇ.જી. પરીક્ષિતા રાઠોડ અને એસ.પી. પ્રશાંત સૂંબે સુધી પહોંચી ગઇ. વડગામ પોલીસ સ્ટેશન દાંતાના DySP વી.બી. બારડના કાર્યક્ષેત્ર હેઠળ હતું એટલે આ ત્રણેય ઉચ્ચ પોલીસ અધિકારીઓ કેસમાં ઇન્વોલ્વ થયા.

હવે તપાસ માટે પાલનપુર LCB, SOG, પેરોલ ફર્લો સ્ક્વોડ, ટેકનિકલ વિભાગ અને વડગામ પોલીસ એમ 5 અલગ અલગ ટીમ બની. પોલીસનું મિશન વેદને હેમખેમ મુક્ત કરાવવાનું તો હતું જ પણ સાથોસાથ અપહરણકારો સુધી પહોંચવાનું પણ હતું. પોલીસે ઓપરેશનને વેદ નામ આપ્યું. જ્યાંથી વેદનું અપહરણ થયું હતું તેની આસપાસના સીસીટીવીની ઝીણવટભરી તપાસ શરૂ કરી.
આગળ જતાં આ ઓપરેશનના તાર ગુજરાતના સીમાડા વટાવીને અન્ય રાજ્યો સુધી પહોંચવાના હતા. પોલીસની તપાસમાં એક એવા નેટવર્કનો પર્દાફાશ થવાનો હતો જે નાનકડા એવા ધનપુરાને હચમચાવી નાખવાનું હતું.
ગુજરાતમાં બનેલી આ ઘટનાના તાર અન્ય રાજ્ય સાથે કેવી રીતે જોડાયા અને પોલીસની તપાસમાં શું પર્દાફાશ થયો તે જાણવા માટે જુઓ ‘ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ’નો બીજો એપિસોડ.
નોંધ- ઓળખ છુપાવવા પીડિત પરિવારના નામ બદલવામાં આવ્યા છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















