- Gujarati News
- Bhaskar khaas
- Bhaskar explainer
- USA Iran Attack Possibility; Trump Election Strategy & Military Tensions
આજનું એક્સપ્લેનર:શું 4 નવેમ્બરે અમેરિકા ઈરાન પર મોટો હુમલો કરશે? 3 સંકેતો; આ વખતે ઈરાન કેટલું તૈયાર છે, આખરે ટ્રમ્પ ઇચ્છે શું છે?
- કૉપી લિંક

8 ઓક્ટોબરે ટ્રમ્પે કહ્યું હતું કે મિડ-ટર્મ ઇલેક્શન પહેલાં ઈરાન પર હુમલો નહીં કરે. હવે સમાચાર છે કે ચૂંટણીના તરત બાદ, 4 નવેમ્બરથી હુમલા શરૂ થઈ શકે છે. અમેરિકી સેના ઈરાન વિરુદ્ધ સૌથી મોટા ઓપરેશન માટે તૈયાર છે. ખુદ ટ્રમ્પ કહી રહ્યા છે, ‘આ બધું જલદી પૂરુ
તો શું ખરેખર ચૂંટણી પૂરી થતાં જ અમેરિકા ઈરાન પર તૂટી પડશે, ઈરાન કેટલું તૈયાર છે અને ટ્રમ્પ આખરે શું ઇચ્છે છે; જાણીશું આજના એક્સપ્લેનરમાં…
સવાલ-1: શું અમેરિકા 4 નવેમ્બરથી ઈરાન પર હુમલો કરવા જઈ રહ્યું છે?
જવાબ: 3 મોટા સંકેતો મળી રહ્યા છે…
1. એક અઠવાડિયામાં ટ્રમ્પની 4 વખત ધમકી
- 23 ઑક્ટોબરે ફ્લોરિડાની રેલીમાં ટ્રમ્પે કહ્યું, 'અમે ફરી એક એપિક ફ્યુરી (ફેબ્રુઆરી 2026માં ઈરાન પર થયેલા અમેરિકા-ઇઝરાયલ હુમલાનું નામ) કરીશું. જો તેઓ સમજદાર હશે, તો વાતચીત કરશે, પરંતુ મને એવું લાગતું નથી.'
- 25 ઑક્ટોબરે એક ઇન્ટરવ્યૂમાં તેઓ બોલ્યા, 'અત્યારે માત્ર એક જ સવાલ છે કે હું ઈરાન સાથે ડીલ કરું કે તેને તબાહ કરી દઉં. મારે આ નિર્ણય લેવાનો છે. અમે કોઈ રમત રમતા નથી. ઈરાનનો નાશ કરવો ખૂબ સરળ છે.'
- 28 ઑક્ટોબરે પત્રકારોએ ઈરાન પરના હુમલા અંગે સવાલ પૂછ્યો, ત્યારે ટ્રમ્પે કહ્યું, 'કંઈ પણ થઈ શકે છે. તેઓ ડીલને લંબાવી રહ્યા છે. તેનાથી કોઈ ફાયદો નહીં થાય.'
- 30 ઑક્ટોબરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, ‘આ બધું જલ્દી જ સમાપ્ત થવાનું છે. અમે પરમાણુ હથિયારો વિનાનું ઈરાન બનાવવા જઈ રહ્યા છીએ.’
જોકે અમેરિકાએ હજી સુધી કોઈ મિલિટરી પ્લાન જાહેર કર્યો નથી. વ્હાઇટ હાઉસના એક અધિકારી અનુસાર, ‘અમે એવા સંવેદનશીલ મિલિટરી પ્લાન પર ટિપ્પણી કરતા નથી, જે થઈ પણ શકે અને ન પણ થઈ શકે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ સુનિશ્ચિત કરવા માગે છે કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોય, તેથી તેમણે તમામ વિકલ્પો ખુલ્લા રાખ્યા છે.’
2. મધ્ય પૂર્વમાં અમેરિકાનો સૈન્ય જમાવડો
અમેરિકા ખાડી દેશોના સૈન્ય મથકો પર સૈનિકો, હથિયારો, પેટ્રિયટ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને ફાઇટર જેટ્સ તૈનાત કરી રહ્યું છે. આ ઉપરાંત ખાડીમાં એક કેરિયર સ્ટ્રાઇક ગ્રુપ અને 20 યુદ્ધજહાજો પણ મોકલવામાં આવી રહ્યાં છે.
અમેરિકન ન્યૂઝ ચેનલ CNN અનુસાર, 2 અમેરિકન અધિકારીઓએ જણાવ્યું કે ટ્રમ્પનો આદેશ મળ્યા બાદ સેના 96 કલાકની અંદર ઈરાન વિરુદ્ધ સૌથી મોટું ‘મિલિટરી ઓપરેશન’ શરૂ કરવા માટે તૈયાર છે.
અધિકારીઓએ કહ્યું, ‘હુમલા માત્ર ઈરાની રડાર, લોન્ચર વગેરેને નિશાન બનાવવા પૂરતા મર્યાદિત નહીં હોય, પરંતુ તેનાથી ઘણા મોટા અને ઘાતક હશે. ચૂંટણી બાદ તરત જ 4 નવેમ્બરથી હુમલા શરૂ થવાની વધુ સંભાવના છે.’
US સેન્ટ્રલ કમાન્ડ અને પેન્ટાગોનના અધિકારીઓ એક લાંબી ટાર્ગેટ લિસ્ટ બનાવી રહ્યા છે, જેમાં ઈરાનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સૈન્ય મથકો અને પરમાણુ સુવિધાઓનો સમાવેશ થાય છે.

3. ગલ્ફ દેશોને અમેરિકાની ચેતવણી
અમેરિકન અખબાર ‘વૉલ સ્ટ્રીટ જર્નલ’ અનુસાર, અમેરિકાએ રાજદ્વારી અને સૈન્ય માધ્યમોથી ગલ્ફ દેશોને કહ્યું છે કે તેઓ ઈરાન વિરુદ્ધ ‘નાનું, પરંતુ ઝડપી સૈન્ય અભિયાન’ માટે તૈયાર રહે.
ટ્રમ્પ પ્રશાસને સાઉદી અરેબિયામાં તૈનાત બિનજરૂરી સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને પરત ફરવાનો આદેશ આપ્યો છે. રાજધાની રિયાધમાં અમેરિકી દૂતાવાસના તમામ કર્મચારીઓને અમેરિકા બોલાવી લેવામાં આવ્યા છે.
અન્ય ખાડી દેશોમાં પણ આ પ્રકારના નિર્દેશો આપ્યા છે. કેટલીક જગ્યાએ અમેરિકી કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે કહેવામાં આવ્યું છે.
CNNએ બે અમેરિકી અધિકારીઓ અને એક ઇઝરાયલી સૂત્રને ટાંકીને જણાવ્યું છે કે વડાપ્રધાન નેતન્યાહૂ 27 ઑક્ટોબરે ઇઝરાયલની ચૂંટણી પહેલાં જ ઈરાન પર હુમલો કરવા માગતા હતા. જોકે તે સમયે ટ્રમ્પે લીલી ઝંડી આપી નહોતી.

સવાલ-2: જો હુમલો થયો, તો ઈરાન યુદ્ધ માટે કેટલું તૈયાર છે?
જવાબ: ઈરાની સેના એટલે કે IRGCના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ હુસૈન મોહેબીએ કહ્યું છે કે ઈરાને છેલ્લી વખત 40 દિવસના યુદ્ધમાં પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કર્યો નહોતો. તેઓ યુદ્ધના આગામી તબક્કા માટે તૈયાર છે. આ વખતે નવા અને ચોંકાવનારા હથિયારોનો પણ ઉપયોગ કરવામાં આવશે.
ઈરાનનો દાવો- મિસાઈલનો ભંડાર 1.5 ગણો વધાર્યો
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે 30 સપ્ટેમ્બરે કહ્યું હતું કે અમેરિકાએ ઈરાનની ‘મિલિટરી ઇન્ડસ્ટ્રીયલ કેપેસિટી’નો નાશ કરી દીધો છે. જોકે 22 ઑક્ટોબરે IRGCના પ્રવક્તા હુસૈન મોહેબીએ દાવો કર્યો હતો કે ઈરાન પાસે જૂન 2025ની સરખામણીએ 1.5 ગણો મિસાઇલ ભંડાર થઈ ગયો છે. ઈરાન પોતાનું ખાસ હથિયાર- ‘ફાધર ઑફ ઑલ બોમ્બ’ પણ લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ કેવો બોમ્બ છે, તે કોઈ જાણતું નથી.
ફેબ્રુઆરીમાં અમેરિકાના હુમલા પહેલાં ઈરાન પાસે 420 મિસાઇલ લૉન્ચર હતા. અહેવાલો અનુસાર, હજુ પણ 400 લૉન્ચર કાર્યરત છે. અમેરિકન મીડિયા ગ્રુપ બ્લૂમબર્ગનો દાવો છે કે ઈરાનમાં મિસાઇલ અને ડ્રોનનું ઉત્પાદન ચાલુ છે. ઈરાનની બેલિસ્ટિક મિસાઇલ ક્ષમતા હજુ પણ 75% છે. 11 ઑક્ટોબરે IRGCએ લગભગ 30 મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણો કર્યા છે.
ઈરાને રશિયા અને ચીન પાસેથી હથિયારો એકત્ર કર્યા
બ્લૂમબર્ગ, વૉલ સ્ટ્રીટ જર્નલ, CNN જેવી અમેરિકન મીડિયા ચેનલોએ ઈરાનને વિદેશી મદદ મળ્યાના અહેવાલો આપ્યા છે. તેમના મુજબ…
રશિયા ઈરાનને મિસાઇલો આપી રહ્યું છે અને અમેરિકાના સૈન્ય મથકો તથા જહાજોનું સ્થાન ટ્રેસ કરવામાં પણ મદદ કરી રહ્યું છે. ઈરાનના સહયોગી યમનના હૂતી બળવાખોરો સાઉદી અરેબિયા પર હુમલો કરવા માટે રશિયન સેટેલાઇટ નેવિગેશનનો ઉપયોગ કરી રહ્યા છે.
જૂન 2026 સુધીમાં ચીને ઈરાનને ડ્રોન અને મિસાઇલો બનાવવામાં ઉપયોગી સામગ્રીના 1300 શિપમેન્ટ મોકલ્યા હતા. તેમાં GPS સિસ્ટમ, ઇલેક્ટ્રિક મોટર અને એરક્રાફ્ટ એન્જિનનો સમાવેશ થાય છે.

ઈરાન યુદ્ધના અનેક મોરચા ખોલવા તૈયાર
ઈરાની સેનાએ 'ઓફેન્સિવ એન્ડ એસિમેટ્રિક ડોક્ટ્રિન'ની વાત કરી છે. એટલે કે હુમલાની રાહ જોઈને પછી જવાબી કાર્યવાહી કરવાને બદલે દુશ્મન પર પહેલેથી જ હુમલો કરવો. સાથે જ એક જ મોરચાને બદલે અનેક મોરચાઓ પરથી હુમલો કરવો.
અમેરિકાએ હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી લગાવી છે, તો હૂતી બળવાખોરોએ યમન નજીક લાલ સમુદ્રના મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગ બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર શિકંજો કસ્યો છે. સઉદી અરેબિયાના ઓઈલ પ્લાન્ટ અને અન્ય ઠેકાણાઓ પર લગભગ દરરોજ હૂતી બળવાખોરોના હુમલા થઈ રહ્યા છે.
હૂતી બળવાખોરો એકસાથે ડ્રોન, ક્રૂઝ અને બેલિસ્ટિક મિસાઇલો છોડીને સઉદીની હવાઈ સંરક્ષણ વ્યવસ્થાને છકાવી રહ્યા છે. 10 ઑક્ટોબરે રિયાધ એરપોર્ટ પર થયેલા હુમલામાં 10 લોકો માર્યા ગયા.

જોકે ઈરાન લગભગ 10 વર્ષથી લાગુ આર્થિક પ્રતિબંધો અને અગાઉના યુદ્ધને કારણે આર્થિક મોરચે નબળું છે…
ઈરાનના સરકારી બજેટનો એક તૃતીયાંશ હિસ્સો તેલની આવકમાંથી આવે છે. અમેરિકાએ જુલાઈ 2025થી ઈરાની બંદરો પર નાકાબંધી લાદી દીધી છે. સપ્ટેમ્બરના બીજા અઠવાડિયા સુધીમાં ઈરાનની ઓઈલ એક્સપોર્ટ લગભગ ઝીરો થઈ ગઈ છે. તેના કારણે ઈરાનને આશરે 25 બિલિયન ડોલરનું નુકસાન ઉઠાવવું પડ્યું છે.
ઈરાનમાં મોંઘવારીનો દર 88.7% સુધી પહોંચી ગયો છે. સરકારે એનર્જી, મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને સિક્યોરિટી સેક્ટરના કામદારોના પગાર અને પેન્શન વગેરે રોકવા પડ્યા છે.
સવાલ-3: આખરે વધુ એક યુદ્ધથી અમેરિકા-ઈઝરાયલને શું મળશે?
જવાબ: ઈરાન 20 હજારથી વધુ હુમલાઓનો સામનો કરી ચૂક્યું છે. તેમ છતાં તેણે પણ ભીષણ વળતા હુમલાઓ કર્યા છે અને પરમાણુ કરાર પર કડક શરતો મૂકી છે. વિશ્લેષકો માને છે કે ઈરાન પર હુમલાઓનો વધુ એક તબક્કો થયા છતાં તે સરળતાથી ઝૂકશે નહીં…
પૂર્વ ઇઝરાયલી ગુપ્તચર અધિકારી ડેની સિટ્રિનોવિચના જણાવ્યા મુજબ, ‘ઇઝરાયલ અને અમેરિકાની સૌથી મોટી ભૂલ એ છે કે તેમને લાગે છે કે ઈરાન પર વધુ એક વાર હુમલો કરીને તેઓ કોઈક રીતે ત્યાંની સરકાર પાડી દેશે. જ્યારે બોમ્બમારાથી તેમનું શાસન વધુ કડક બની શકે છે. તેમની મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમ પ્રત્યેની જીદ વધુ મજબૂત થશે.’
સેન્ટર ફૉર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ, CSISના વિશ્લેષક સેથ જોન્સ કહે છે કે ટ્રમ્પ નવા હુમલાઓથી પોતાની જીત જાહેર કરી શકે છે. તેઓ કહેશે કે હુમલાએ ઈરાનના પરમાણુ કાર્યક્રમને ફરીથી અનેક વર્ષો પાછળ ધકેલી દીધો છે. જોકે આવું થવું મુશ્કેલ છે.
ફાઉન્ડેશન ફોર ડિફેન્સ ઑફ ડેમોક્રેસીઝના ઈરાન પ્રોગ્રામના ડિરેક્ટર બહનામ બેન તલેબ્લૂ કહે છે, 'જો અમેરિકાને ઈરાનના મિસાઈલ પ્રોગ્રામથી મુશ્કેલી છે, તો તેમણે ખુલ્લેઆમ આ વાત વિગતવાર કહેવી જોઈએ. હાલમાં અમેરિકા પાસે ઈરાન પર પ્રતિબંધો મૂકવા અને નાકાબંધી ચાલુ રાખવાના વિકલ્પો છે, તેમણે એ જ કરવું જોઈએ.’
સવાલ-4: શું આ યુદ્ધ મોટા પાયે ફેલાઈ પણ શકે છે?
જવાબ: પૂર્વ અમેરિકન ગુપ્તચર અધિકારી જોનેથન પેનિકોફના મતે, ઈરાનના યુદ્ધમાં એસ્કેલેશનની શક્યતા 55%, રાજદ્વારી રીતે ઉકેલ આવવાની શક્યતા 25% છે અને જે સ્થિતિ છે, તે જળવાઈ રહેવાની શક્યતા 10% છે. બાકીના 10%માં અન્ય શક્યતાઓ છે.
ઈરાન-અમેરિકા વચ્ચેના ટકરાવની અસર સમગ્ર પશ્ચિમ એશિયા પર પડે છે. ઈંધણની સપ્લાય પણ પ્રભાવિત થાય છે. ફેબ્રુઆરીમાં અમેરિકાના હુમલા બાદ કાચા તેલની કિંમત લગભગ 72 ડૉલર પ્રતિ બેરલથી વધીને 120 ડૉલર પ્રતિ બેરલને પાર પહોંચી ગઈ હતી. તેના કારણે દુનિયાભરમાં તેલની અછત અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનો અંદાજ છે કે તેલની અછત 2027 સુધી ચાલુ રહેશે.
આ જ સંભાવનાને ધ્યાનમાં રાખીને બ્રિટને દેશવાસીઓને ઇમરજન્સી માટે 3 દિવસનું ખાવા-પીવાનું સામાન જમા કરવા કહ્યું છે. અમેરિકા પોતે પણ પોતાના મુખ્ય સૈન્ય મથકોને 90 દિવસ સુધી બાહ્ય મદદ વિના સંચાલિત કરવા માટે તૈયાર કરી રહ્યું છે. યુરોપિયન દેશો તો રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારથી જ ઇમરજન્સીનો સામનો કરવાની તૈયારી કરી રહ્યા છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















