- Gujarati News
- Bhaskar khaas
- Bhaskar explainer
- Trump Defeat Analysis; US Midterm Election Results Impact & Iran War
આજનું એક્સપ્લેનર:ટ્રમ્પની બહુમતી છીનવાઈ, શું 84 વર્ષની સૌથી મોટી હાર થશે; આખરે અમેરિકનો કેમ નારાજ છે, શું ઈરાન યુદ્ધ મોંઘું પડ્યું
- કૉપી લિંક

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં 4 નવેમ્બરની સાંજે 5 વાગ્યા સુધીના પરિણામો જોઈએ તો ટ્રમ્પ 84 વર્ષના સૌથી મોટા પરાજય તરફ આગળ વધી રહ્યા છે. તેમની પાર્ટી અમેરિકન સંસદના નીચલા ગૃહમાં છેલ્લી ચૂંટણીની સરખામણીએ રેકોર્ડ 79 બેઠકો પાછળ છે. છેલ્લા 22 મિડટર્મ ચૂંટણીમ
આખરે ટ્રમ્પ આટલી ખરાબ રીતે કેમ હારી રહ્યા છે, શું રાષ્ટ્રપતિની ખુરશી અને તેમનો દબદબો છીનવાઈ શકે છે, અમેરિકા અને બાકીની દુનિયા માટે તેના શું અર્થ છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં…
સવાલ-1: મિડટર્મમાં ટ્રમ્પની હાર કેટલી મોટી છે?
જવાબઃ અમેરિકન રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. આ કાર્યકાળની બરાબર વચ્ચે, એટલે કે બે વર્ષ પછી અમેરિકન સંસદ ‘કોંગ્રેસ’ની ચૂંટણી યોજાય છે, જેને મિડટર્મ ઇલેક્શન કહેવામાં આવે છે. 3 નવેમ્બરે મિડટર્મ મતદાન થયું હતું અને 4 નવેમ્બરે પરિણામો આવી રહ્યાં છે…
હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં ટ્રમ્પે 79 બેઠકો ગુમાવી
- આ ભારતીય સંસદની લોકસભા જેવું ગૃહ છે, પરંતુ દર 2 વર્ષે તમામ 435 બેઠકો પર ચૂંટણી યોજાય છે. અગાઉની ચૂંટણીમાં ડેમોક્રેટ્સ પાસે 214 બેઠકો હતી, જે હવે વધીને 228 થઈ ગઈ છે. બીજી તરફ, ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે 218 બેઠકો હતી, જે ઘટીને 139 રહી ગઈ છે. આ આંકડા 4 નવેમ્બરે સાંજે 5 વાગ્યા સુધીના છે.
- હાલમાં 435માંથી 367 બેઠકોની ગણતરી પૂર્ણ થઈ છે. 68 બેઠકોની ગણતરી ચાલુ છે.
સેનેટમાં ટ્રમ્પની પાર્ટીએ 7 બેઠકો ગુમાવી
- આ ભારતીય સંસદની રાજ્યસભા જેવું ગૃહ છે. અમેરિકાના તમામ 50 રાજ્યોમાંથી 2-2 સેનેટર ચૂંટાય છે. એટલે કે સેનેટમાં કુલ 100 બેઠકો છે. સેનેટરનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે, પરંતુ દર બે વર્ષે બે-તૃતીયાંશ બેઠકો પર ચૂંટણી યોજાય છે.
- આ વખતે 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. અત્યાર સુધીમાં 33 બેઠકોના પરિણામો આવી ચૂક્યાં છે. ડેમોક્રેટિક પાર્ટીએ 20 અને રિપબ્લિકન પાર્ટીએ 13 બેઠકો જીતી છે. બાકીની 2 બેઠકો પર મતગણતરી ચાલુ છે.
- સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીની બેઠકો 45થી વધીને 54 થઈ ગઈ છે અને રિપબ્લિકન પાર્ટીની 53 બેઠકો ઘટીને 44 રહી ગઈ છે.
84 વર્ષમાં કોઈ રાષ્ટ્રપતિને મિડટર્મમાં મળેલી આ સૌથી મોટી હાર હોઈ શકે છે…
- વાસ્તવમાં, અમેરિકામાં મિડટર્મ ચૂંટણીઓ બંધારણ લાગુ થયાના 2 વર્ષ બાદ, એટલે કે 1790થી જ યોજાઈ રહી છે, પરંતુ અમેરિકાની આધુનિક રાજનીતિને સમજવા માટે ઘણીવાર 1942માં રાષ્ટ્રપતિ રૂઝવેલ્ટના કાર્યકાળ દરમિયાન યોજાયેલી મિડટર્મ ચૂંટણીને પ્રારંભિક માપદંડ તરીકે જોવામાં આવે છે.
- ત્યારથી અત્યાર સુધી 21 વખત મિડટર્મ ચૂંટણીઓ યોજાઈ છે. આમાંથી માત્ર 2 વખત એવું બન્યું છે, જ્યારે રાષ્ટ્રપતિની પાર્ટીઓએ હાઉસમાં પોતાની બેઠકો વધારી હતી. 1998માં બિલ ક્લિન્ટનની ડેમોક્રેટિક પાર્ટીએ 4 બેઠકો અને 2002માં જ્યોર્જ બુશની રિપબ્લિકન પાર્ટીએ હાઉસમાં 8 બેઠકો વધારી હતી.
- અત્યાર સુધીની સૌથી મોટી હારનો રેકોર્ડ 2010માં બરાક ઓબામાની ડેમોક્રેટિક પાર્ટીના નામે હતો. તેમણે હાઉસમાં 63 બેઠકો ગુમાવી હતી.

સવાલ-2: આખરે ટ્રમ્પ આટલી ખરાબ રીતે કેમ હારી ગયા, અમેરિકનો પોતાના રાષ્ટ્રપતિથી ખુશ કેમ નથી?
જવાબઃ 4 મોટા કારણો છે… 1. વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ખર્ચને કારણે 71% અમેરિકનો ટ્રમ્પથી પરેશાન હતા
- ઓગસ્ટમાં સમાચાર એજન્સી રોયટર્સના સર્વેમાં 71% મતદારોએ ‘કોસ્ટ ઑફ લિવિંગ’ને લઈને ટ્રમ્પના કામકાજને નાપસંદ કર્યું. માત્ર 22% મતદારો તેમના પક્ષમાં હતા. મતદારો હેલ્થકેર, પેટ્રોલ, ખાદ્યસામગ્રી અને ઘરની વધતી કિંમતોને લઈને ટ્રમ્પના વિરોધમાં હતા.
- 14 ઑક્ટોબરે જાહેર થયેલા ફૉક્સ ન્યૂઝના પોલમાં પણ 10માંથી 6 મતદારોએ કોસ્ટ ઑફ લિવિંગને સૌથી મોટી ચિંતા ગણાવી.
- ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન અમેરિકાની અર્થવ્યવસ્થા તો વધી, બેરોજગારી પણ નિયંત્રણમાં રહી, પરંતુ તેઓ મોંઘવારીને નિયંત્રિત કરી શક્યા નહીં. તેમના ‘ટેરિફ વૉર’ને કારણે વિદેશોથી અમેરિકામાં આવતી ચીજવસ્તુઓ લોકોને વધેલા ભાવે મળી. તેના કારણે ટ્રમ્પની અપ્રૂવલ રેટિંગ ઘટીને 38% થઈ ગઈ. મિડટર્મમાં આ કોઈપણ રાષ્ટ્રપતિની સૌથી ઓછી રેટિંગ છે.
2. ટ્રમ્પના ઈરાન સાથે યુદ્ધ લડવાના નિર્ણયથી 65% અમેરિકનો નાખુશ
- પ્યુ રિસર્ચ સેન્ટરના તાજેતરના સર્વે મુજબ, 65% અમેરિકનો માને છે કે ઈરાનમાં ચાલી રહેલા મિલિટરી એક્શનને ટ્રમ્પ ખોટી રીતે સંભાળી રહ્યા છે. તેમાંના અડધાથી વધુ લોકો ટ્રમ્પની વૉર સ્ટ્રેટેજીના સખત વિરોધમાં છે.
- લોકોનું કહેવું હતું કે ઈરાનના મુદ્દે સેના અને બોમ્બમારાને બદલે વાતચીત દ્વારા મામલો ઉકેલવો જોઈએ હતો. માત્ર 33% લોકોને ટ્રમ્પનું આક્રમક વલણ પસંદ આવ્યું.
- પ્યુના સંશોધન મુજબ, રિપબ્લિકન પાર્ટી તરફ ઝુકાવ ધરાવતા લોકોમાં પણ માર્ચ 2026 સુધી 69% લોકો ટ્રમ્પની રીતને પસંદ કરતા હતા. ઑક્ટોબરમાં આવા લોકોની ટકાવારી ઘટીને 63% રહી ગઈ.

3. ટ્રમ્પ પર ખોટી રીતે પૈસા કમાવા અને અંગત ફાયદો મેળવવાના આરોપો
ટ્રમ્પ પર અનેક નાણાકીય બાબતોને લઈને ગંભીર આરોપો લાગ્યા છે. ડેમોક્રેટ્સે સતત આ મુદ્દાઓ ઉઠાવ્યા…
- રાજધાની વૉશિંગ્ટન ડીસીના કાયાપલટ માટે 900 મિલિયન ડૉલરથી વધુનો ‘વ્હાઇટ હાઉસ બ્યુટિફિકેશન પ્રોજેક્ટ’ શરૂ કરવામાં આવ્યો. ડેમોક્રેટ્સે સરકારી બજેટના ઑડિટની માંગ કરી હતી.
- 2025માં ટ્રમ્પ અને તેમના પરિવારે અનેક વ્યવસાયોમાંથી 2 અબજ ડૉલરથી વધુ કમાણી કરી છે. પરિવારના ક્રિપ્ટો વેન્ચર ‘World Liberty Financial’માંથી ટ્રમ્પે 500 મિલિયન ડૉલરથી વધુ અને પોતાના ‘ટ્રમ્પ મીમ કૉઇન’માંથી 600 મિલિયન ડૉલરની કમાણી કરી. અબુ ધાબીની ફર્મ MGX દ્વારા આ વેન્ચરમાં કરવામાં આવેલા રોકાણ પર પણ સવાલો ઉઠ્યા.
- 2025માં ટ્રમ્પના નામે 21 હજાર સ્ટૉક ટ્રેડિંગ સોદા થયા. પદ પર રહીને સ્ટૉક ટ્રેડિંગ કરવું હિતોના ટકરાવ સમાન છે, એટલે કે પદની તાકાતનો ઉપયોગ કરીને ખાનગી લાભ મેળવવા જેવું છે.
- ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પર આરોપ છે કે મધ્ય-પૂર્વમાં અમેરિકાના શાંતિદૂત તરીકે કાર્યરત હતા ત્યારે તેમની ખાનગી કંપનીને સાઉદી અરેબિયાના ‘પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ’ અને મધ્ય-પૂર્વમાંથી મોટા પાયે ભંડોળ મળ્યું હતું. વિદેશી પ્રભાવ અને પદના દુરુપયોગ સાથે જોડીને તેમની તપાસ થઈ શકે છે.
- Binanceના સ્થાપક ચાંગપેંગ ઝાઓ મની લોન્ડરિંગના આરોપસર જેલમાં ગયા હતા, પરંતુ ઑક્ટોબર 2025માં ટ્રમ્પે તેમને માફી આપી દીધી. ટ્રમ્પ પર અંગત લાભના આરોપો લાગ્યા.
- બેલ્જિયમના એન્ટવર્પ વર્લ્ડ ડાયમંડ સેન્ટરના પ્રમુખ ઇસિડોર મોરસેલે ટ્રમ્પને ‘ફ્રીડમ 250’ નામની આશરે 30 હજાર ડૉલરની હીરા અને રત્નોથી જડિત સોનાની વીંટી ભેટમાં આપી. ચાર અઠવાડિયા પછી અમેરિકાએ બેલ્જિયમના ડાયમંડ ઉદ્યોગને ટેરિફમાંથી મુક્તિ આપી.

4. લેટિન મતદારોમાં નારાજગી, ટ્રમ્પને મળતું સમર્થન ઘટ્યું
- મેક્સિકો, દક્ષિણ અમેરિકા અને મધ્ય અમેરિકા, પ્યુઅર્ટો રિકો જેવા લેટિન અમેરિકન મૂળના 6.8 કરોડ લોકો અમેરિકામાં રહે છે. એટલે કે તેઓ કુલ વસતીના લગભગ 20% છે.
- 2020માં ટ્રમ્પને તેમના 32% મત મળ્યા હતા, જે 2024માં વધીને 46% થઈ ગયા. જોકે આ વખતે આ લોકો ટ્રમ્પથી નારાજ હતા. NBC એક્ઝિટ પોલમાં લેટિનો લોકોમાંથી 62% ડેમોક્રેટિક ઉમેદવારો સાથે અને 35% રિપબ્લિકન સાથે હતા. આ લોકો મોંઘવારી, રોજિંદા ખર્ચ અને પ્રવાસીઓને લઈને ટ્રમ્પની કડક નીતિઓથી નારાજ હતા.
સવાલ-3: આ હારથી ટ્રમ્પની ખુરશી અને સરકાર પર કેટલો ખતરો?
જવાબઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની સત્તાઓ અને નિમણૂક બંધારણ દ્વારા નક્કી થાય છે, માત્ર સંસદમાં બહુમતી દ્વારા નહીં. તેથી મિડટર્મ ચૂંટણીમાં હારવાથી તેમના પદને તાત્કાલિક કોઈ ખતરો નથી. તેમની ઘણી સત્તાઓ પણ યથાવત્ રહેશે, જેમ કે—એક્ઝિક્યુટિવ ઓર્ડર જારી કરવો, કોંગ્રેસના કોઈપણ બિલ પર વીટો કરવો, વિદેશ નીતિ અને લશ્કરી કાર્યવાહી અંગે નિર્ણયો લેવો. ટ્રમ્પના વીટોને રદ કરવા માટે બંને ગૃહોમાં બે તૃતીયાંશ મત જરૂરી છે, જે વર્તમાન પરિસ્થિતિમાં મુશ્કેલ છે.

જોકે અમેરિકન કૉંગ્રેસનું કામ કાયદા બનાવવા ઉપરાંત સરકારની દેખરેખ રાખવાનું પણ છે. ચૂંટણી પહેલાં રિપબ્લિકન પાસે સંસદમાં બહુમતી હોવાથી ટ્રમ્પ કાયદા બનાવવાથી લઈને બજેટ મંજૂર કરવા સુધીના તમામ નિર્ણયો પોતાની મરજીથી લઈ રહ્યા હતા.
પરંતુ હવે હાઉસ અને સેનેટ બંને વિપક્ષી ડેમોક્રેટ્સના હાથમાં આવવાથી ટ્રમ્પની 3 મોટી તાકાતો છીનવાઈ જશે…
1. સમન અને તપાસ કરવાની સત્તા: હાઉસની ઓવરસાઇટ, જ્યુડિશિયરી, ઇન્ટેલિજન્સ અને ફાઇનાન્શિયલ સર્વિસિસ જેવી સમિતિઓના અધ્યક્ષ ડેમોક્રેટ્સ બનશે. તેઓ કોઈને પણ સબપોના એટલે કે કાનૂની સમન મોકલીને હાજર થવા અને પુરાવા રજૂ કરવા માટે મજબૂર કરી શકે છે. હવે આ પદો હાથમાંથી જતાં ટ્રમ્પ પર દેખરેખ વધશે. ટ્રમ્પના નજીકના લોકો અને સરકારી અધિકારીઓ સાથે સંબંધિત તપાસો શરૂ થઈ શકે છે.
2. સરકારી ખજાના પર નિયંત્રણ: અમેરિકામાં બજેટ અથવા કર સંબંધિત પ્રસ્તાવો પસાર કરવાનો અધિકાર હાઉસ પાસે છે. આવી સ્થિતિમાં ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે સરકારી ખર્ચને લઈને ખેંચતાણ વધી શકે છે. સરકારી કામગીરી ઠપ થઈ શકે છે.
3. મનપસંદ નિમણૂકો કરવી: નવા ન્યાયાધીશો, કેબિનેટ મંત્રીઓ અને અન્ય અધિકારીઓની નિમણૂકોને મંજૂરી આપવાનું કામ સેનેટનું છે. ડેમોક્રેટ્સની બહુમતી હોવાથી ટ્રમ્પની મનપસંદ નિમણૂકો પર રોક લાગી શકે છે.
ટ્રમ્પની પોતાની પાર્ટી પરની પકડ નબળી પડી શકે છે. ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ છે. કાયદા મુજબ તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિ બની શકતા નથી. આગામી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે કેટલાક રિપબ્લિકન નેતાઓ ટ્રમ્પથી અંતર બનાવી શકે છે.
ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગનું જોખમ પણ છે. તેઓ 2019 અને 2021માં બે વખત મહાભિયોગનો સામનો કરી ચૂક્યા છે. ડેમોક્રેટ્સ ત્રીજી વખત પણ મહાભિયોગ લાવી શકે છે. ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે કે જો રિપબ્લિકન ન જીતે તો તેઓ (ડેમોક્રેટ્સ) મહાભિયોગમાં ફસાવવાનું કોઈ કારણ શોધી લેશે.
સવાલ-4: ભારત સહિત બાકીની દુનિયા માટે આ પરિણામોની શું અસર પડશે?
જવાબઃ ઈરાન યુદ્ધ દરમિયાન દુનિયામાં તેલના ભાવ 35 ડોલર વધીને પ્રતિ બેરલ લગભગ 110 ડોલર સુધી પહોંચી ગયા છે. પરિવહન ખર્ચ વધવાને કારણે સપ્લાય ચેનમાં વિક્ષેપો પડ્યા છે. યુરોપિયન દેશો સહિત લગભગ સમગ્ર દુનિયામાં ચીજવસ્તુઓના ભાવ વધ્યા છે. હવે જો ઈરાન યુદ્ધ અટકે છે, તો વૈશ્વિક અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવતી દેખાઈ શકે છે.
મિડટર્મના પરિણામોથી ઈરાન યુદ્ધ તરત સમાપ્ત થવાની સંભાવના ઓછી છે, કારણ કે અમેરિકી બંધારણ હેઠળ સૈન્ય અભિયાનો અંગેના અંતિમ નિર્ણયો રાષ્ટ્રપતિ જ લે છે. તેઓ જ સેનાના ‘કમાન્ડર-ઇન-ચીફ’ છે, પરંતુ ડેમોક્રેટ્સ યુદ્ધ સમાપ્ત કરવા માટે ટ્રમ્પ પર દબાણ બનાવી શકે છે.
અમેરિકામાં યુદ્ધની જાહેરાત અને સેનાના ભંડોળનો અધિકાર સંસદ પાસે છે. ડેમોક્રેટ બહુમતી ધરાવતી સંસદ બજેટ રોકી શકે છે અથવા સૈન્ય ખર્ચ પર કડક શરતો મૂકી શકે છે.
ડેમોક્રેટ્સ વૉર પાવર્સ ઍક્ટ હેઠળ ટ્રમ્પ પાસેથી સંસદીય મંજૂરી વિના 9 મહિનાથી ચાલી રહેલા સૈન્ય અભિયાનોનો હિસાબ પણ માંગી શકે છે.
ભારત સાથે અમેરિકાના સંબંધો ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆતથી જ બગડવા લાગ્યા હતા. ટ્રમ્પે ભારત પર 50% સુધીનો ટેરિફ લગાવ્યો. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ વારંવાર પ્રતિબંધની ધમકી આપી. 2025-26માં 4800થી વધુ ભારતીયોને ડિપોર્ટ કર્યા. H-1B વીઝાના નિયમોમાં કડકાઈ કરી. આ ઉપરાંત ટ્રમ્પે 100થી વધુ વખત કહ્યું કે તેમણે ભારત-પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યું. ઓપરેશન સિંદૂર બાદથી ટ્રમ્પ અને અમેરિકાએ પાકિસ્તાન સાથે નિકટતા વધારી છે. બીજી તરફ, ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પણ આગળ વધતી દેખાઈ રહી નથી.
અમેરિકન થિંકટૅન્ક કાર્નેગી એન્ડાઉમેન્ટના સાઉથ એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર મિલન વૈષ્ણવ માને છે કે ટ્રમ્પનું નબળું પડવું ભારતના હિતમાં રહેશે, કારણ કે વર્તમાન પ્રશાસને જે રીતે ભારત સાથે સંબંધો બનાવ્યા છે, તેનાથી ઘણા ડેમોક્રેટ અને રિપબ્લિકન સાંસદો નારાજ છે. તેઓ ભારત-અમેરિકા વચ્ચેની મજબૂત ભાગીદારીમાં વિશ્વાસ ધરાવે છે.
જોકે સાઉથ એશિયા એનાલિસ્ટ માઈકલ કુગેલમેન કહે છે કે ભારતના મામલે ટ્રમ્પની નીતિ બદલાશે નહીં. તેઓ બાકીના બંને વર્ષ અમેરિકન હિતો અનુસાર આગળ વધશે. તેઓ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ દ્વારા ‘અમેરિકા ફર્સ્ટ’ની નીતિ જાળવી રાખશે.
-----------
આ સમાચાર પણ વાંચો…
ટ્રમ્પ મિડટર્મ ચૂંટણી હાર્યા, શું ચાલુ કાર્યકાળમાં જ ખુરશી છીનવાશે?:ભારત પર કેટલો પ્રભાવ, શું હવે ઈરાન યુદ્ધ પણ સમાપ્ત થઈ જશે?

અમેરિકાના રાષ્ટ્રપતિઓને એક શ્રાપ લાગેલો છે. નામ છે- મિડટર્મ કર્સ. છેલ્લી 20માંથી 18 વખત, એટલે કે 90% મિડટર્મ ચૂંટણીમાં વર્તમાન રાષ્ટ્રપતિની પાર્ટી હારી છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ તેનાથી બચી શક્યા નથી. અમેરિકામાં ગઈકાલે, એટલે કે 3 નવેમ્બરે મિડટર્મ મતદાન થયું હતું, આજે મતગણતરી થઈ. અત્યાર સુધીના પરિણામોમાં ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી હારી ગઈ છે. સંપૂર્ણ સમાચાર વાંચો
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















