- Gujarati News
- Bhaskar khaas
- Bhaskar explainer
- Tamil Nadu Jail Break; Prisoners Escape Security Breach Row Explained DMK TVK | Theni Chennai
આજનું એક્સપ્લેનર:સુરંગ-દોરડું નહીં, વાઈના હુમલાથી જેલ તોડી 17 કેદીઓ કેવી રીતે ફરાર થયા; તમિલનાડુમાં એક અઠવાડિયામાં બીજી ઘટના, આખરે સમસ્યા ક્યાં છે?
- કૉપી લિંક

13-14 ઑગસ્ટ 1995ના રોજ તમિલનાડુના વેલ્લોર કિલ્લામાં આવેલી સ્પેશિયલ જેલમાંથી લિટ્ટેના 43 આતંકવાદીઓ ભાગી ગયા હતા. તેમણે અનેક દિવસો સુધી બાથરૂમમાં સ્ટીલની પ્લેટો અને પાઇપોથી 10 ફૂટ ઊંડી સુરંગ ખોદી અને પછી નાળીઓમાંથી સરકીને બહાર નીકળી ગયા હતા.
26 ઑક્ટોબર 2026ના રોજ તમિલનાડુમાં ફરી એક મોટો જેલ બ્રેક થયો છે. આ વખતે 17 કેદીઓ ફરાર થયા. જોકે, તેમણે કોઈ સુરંગ ખોદી નહોતી, પરંતુ વાઈનો હુમલો આવ્યાનું નાટક કર્યું હતું.
આ અનોખા જેલ બ્રેકની કહાની શું છે અને આખરે તમિલનાડુની જેલોમાં સમસ્યા શું છે; જાણીશું આજના એક્સપ્લેનરમાં…
સવાલ-1: વાઈનો હુમલો આવ્યાનું નાટક કરીને 17 કેદીઓના ભાગી જવાની આખી કહાની શું છે? જવાબ: તમિલનાડુના થેની જિલ્લામાં થેક્કમપટ્ટી સબ-જેલ આવેલી છે. અહીં વિચારાધીન એટલે કે એવા કેદીઓને રાખવામાં આવે છે, જેમને સજા થઈ નથી, પરંતુ જેમના કેસની સુનાવણી ચાલી રહી છે.
જેલની એક સેલમાં 17 કેદીઓ હાજર હતા. કેટલાક પર ગાંજો રાખવા, હત્યાના પ્રયાસ અને ચોરી જેવા કેસોમાં આરોપ હતા. જ્યારે 5 કેદીઓ પર હત્યાનો આરોપ હતો. બધાએ મળીને જેલમાંથી ભાગવાની યોજના બનાવી.

થેની સાઉથ ઝોનના IG વિજયેન્દ્ર બિદારીએ જણાવ્યું કે આશરે એક કલાક બાદ પ્રવીણ કુમાર નામના કેદીને પકડી લેવામાં આવ્યો. તે નજીકના જંગલમાં છુપાયેલો હતો.

બાકીના કેદીઓને પકડવા માટે પોલીસે 17 ટીમ બનાવવામાં આવી. 16 ચેકપોસ્ટ બનાવવામાં આવી, ડ્રોનથી દેખરેખ શરૂ થઈ. રેલવે અને બસ સ્ટેન્ડ પર તપાસ અભિયાન ચલાવ્યું. 27 ઓક્ટોબરની બપોર સુધીમાં વધુ 12 કેદીઓને પકડી લેવામાં આવ્યા. બાકીના 4 કેદીઓની શોધખોળ ચાલુ છે.

સવાલ-2: આ પહેલાં પુઝલ જેલમાંથી કેદીઓ કેવી રીતે ભાગ્યા, તેમનું શું થયું? જવાબ: ચેન્નઈની પુઝલ સેન્ટ્રલ જેલ થેનીની સરખામણીમાં ઘણી મોટી છે. તેમાં 4 હજારથી વધુ કેદીઓ છે. 20 અને 21 ઑક્ટોબરે ચેન્નઈની પુઝલ સેન્ટ્રલ જેલમાંથી બે કેદીઓ ભાગવામાં સફળ થયા...
20 ઑક્ટોબર, નેપાળી કેદી વીજળીના તારના સહારે દીવાલ કૂદીને ભાગી ગયો
- 23 વર્ષીય નેપાળી નાગરિક સુદીપ બોગાટી 16 ઑગસ્ટે ચોરીના કેસમાં ધરપકડ થયો હતો.થેની જેલની ઘટનાની જેમ જ તેણે કાનની બીમારીનું બહાનું બનાવ્યું અને તેને જેલની હોસ્પિટલમાં જવાની મંજૂરી મળી ગઈ.
- સુદીપ હોસ્પિટલ જવાને બદલે જેલની 23 ફૂટ ઊંચી ચહારદીવાલ તરફ ગયો અને લુંગીને વીજળીના એક તાર સાથે બાંધીને દીવાલ પર ચઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ રહ્યો. ત્યારબાદ તે કેદીઓની દેખરેખ માટે બનાવેલા વૉચ-ટાવર પાસે પહોંચ્યો.
- વૉચ-ટાવર પર ગાર્ડની શિફ્ટ બદલવાનો સમય હતો. આ દરમિયાન લગભગ 10 મિનિટ સુધી ટાવર પર કોઈ ગાર્ડ નહોતો. એ જ સમયે સુદીપે વૉચ-ટાવર પરથી પસાર થઈ રહેલા એક તારના સહારે જેલની 23 ફૂટ ઊંચી ચહારદીવાલ પાર કરી અને બીજી તરફ કૂદી ગયો.
- અહેવાલો મુજબ, વરસાદને કારણે ચહારદીવાલની ઉપર સોલર એનર્જીથી ચાલતા વીજતારોની વાડ લગાવવામાં આવી હતી, પરંતુ વરસાદના કારણે તેમાં કરંટ નહોતો આવી રહ્યો. દીવાલ પરથી કૂદતી વખતે તેના કૂલ્હામાં ઈજા પણ થઈ હતી.
- સાંજે કેદીઓની ગણતરી કરવામાં આવી ત્યારે સુદીપ ગુમ હોવાનું જણાયું. જેલમાંથી ફરાર થયા બાદ તે નજીકના અન્ના નગર વિસ્તારમાં ફરતો રહ્યો. તેણે બાળકોના એક પાર્કમાં રાત વિતાવી, પરંતુ 21 ઑક્ટોબરની સવારે લગભગ સાડા સાત વાગ્યે જેલ પોલીસે તેને તિરુમંગલમ નજીકની એક ચાની દુકાન પરથી પકડી લીધો અને ફરીથી જેલમાં મોકલી દેવામાં આવ્યો.
21 ઑક્ટોબર, જેલની બહાર દુકાન લગાવતો હતો, તક મળતાં ભાગી ગયો
- 42 વર્ષીય આર. સુરેશની POCSOના કેસમાં 2021માં ધરપકડ કરવામાં આવી હતી. 2024માં તેને દોષિત ઠેરવીને 25 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી હતી. તે જેલની કેન્ટીનમાં કામ કરતો હતો.
- 22 જાન્યુઆરી 2024થી સુરેશને 'સારા આચરણ'ના આધારે જેલ પરિસરની બહાર જેલ દ્વારા સંચાલિત બજારમાં દુકાન લગાવવાની મંજૂરી આપવામાં આવી હતી.
- 21 ઑક્ટોબરની સવારે ભીડ વચ્ચે તે ગાર્ડોની નજરથી બચીને ભાગી ગયો હતો. 22 ઑક્ટોબરની સવારે લગભગ 4:30 વાગ્યે તેને નજીકની એક વાળંદની દુકાનમાંથી પકડી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ સુરેશે કહ્યું કે તે પોતાના પરિવારને મળવા માગતો હતો.
આ બંને મામલામાં પુઝલ જેલના એક ડેપ્યુટી જેલર સહિત 7 જેલ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.
જેલ DGP સંદીપ રાય રાઠોડના જણાવ્યા મુજબ, આ બંને ઘટનાઓ બાદ રાજ્યની તમામ જેલોમાં સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી રહી હતી, જેથી બેદરકારીની કોઈ શક્યતા ન રહે. તેમ છતાં થેની જેલમાંથી 17 કેદીઓ ફરાર થવામાં સફળ રહ્યા.

સવાલ-3: તો શું તમિલનાડુની જેલની સુરક્ષામાં કોઈ મોટી ખામી છે? જવાબ: તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી અને DMKના વડા MK સ્ટાલિને કહ્યું, 'બ્રેકિંગ બેડ બાદ તમિલનાડુમાં જેલ-બ્રેક પણ શરૂ થઈ ગયું છે. નકામી સરકાર જનતાની રક્ષા કરી શકતી નથી. થેની જેલ પહેલાં ચેન્નઈની પુઝલ જેલમાં પણ આવી ઘટના બની હતી. 1995 પછી પહેલી વાર આટલા મોટા પાયે કેદીઓ જેલોમાંથી ભાગી રહ્યા છે.'
તમિલનાડુ ભાજપના પ્રવક્તા નારાયણન તિરુપતિએ કહ્યું, 'આ TVK સરકારની શરમજનક નિષ્ફળતા છે. થેની જેલના 17 કેદીઓ એક સામાન્ય ચાલ ચાલીને ફરાર થઈ ગયા. જેલની સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે. વિચારાધીન કેદીઓને એકસાથે રાખ્યા હતા. બીમારીના દાવાની તપાસ કર્યા વિના કેદીઓના આખા જૂથને ભાગી જવા દેવામાં આવ્યું. TVKએ સત્તા સંભાળ્યાના થોડા જ મહિનાઓ બાદ કોઈ જેલ આટલી સરળતાથી કેવી રીતે તોડી શકાય?'
પોલીસે આ મામલે કેસ નોંધ્યો છે. જેલના DGP સંદીપ રાય રાઠોડે જેલના 9 કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તપાસ શરૂ કરી દીધી છે. રાજ્યના DGP મહેશ કુમાર અગ્રવાલે કહ્યું, 'બાકીના 13 કેદીઓ પકડાઈ ગયા પછી અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું.'
તમિલનાડુની જેલ સુરક્ષામાં 3 મોટી સમસ્યાઓ છે…
1. જેલોમાં ક્ષમતા કરતાં વધુ કેદીઓ બંધ
- થેની જેલની ક્ષમતા લગભગ 200 કેદીઓને રાખવાની છે, પરંતુ અહેવાલો અનુસાર, ત્યાં 300થી વધુ વિચારાધીન કેદીઓ હતા.
- બીજી તરફ, પુઝલ સેન્ટ્રલ જેલમાં 3 હજારથી વધુ વિચારાધીન, 1 હજારથી વધુ સજાપ્રાપ્ત અને 150થી વધુ મહિલા કેદીઓ છે, જ્યારે તેની ક્ષમતા ઘણી ઓછી છે.
- મે 2026માં કાયદા મંત્રી CTR નિર્મલ કુમારે પુઝલ જેલના નિરીક્ષણ બાદ કહ્યું હતું કે જેલની ક્ષમતા આશરે 1500 કેદીઓને રાખવાની છે, પરંતુ તેમાં ક્ષમતા કરતાં ઘણાં વધુ કેદીઓ છે.
- નિર્મલ કુમારે રાજ્યની 13 સેન્ટ્રલ જેલ અને ઘણી સબ જેલોની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે વિચારાધીન કેદીઓને કાનૂની મદદ ન મળવાના કારણે તેમને નિર્ધારિત સમયમર્યાદા કરતાં વધુ સમયથી જેલમાં રાખવામાં આવ્યા છે.

2. જેલમાં ગાર્ડની સંખ્યા જરૂરિયાત કરતાં ઓછી
- રિપોર્ટ્સ મુજબ, ઘટના સમયે થેની જેલમાં આશરે 10 ગાર્ડ જ હાજર હતા. બીજી તરફ, પુઝલ જેલમાં આશરે 203 ગાર્ડના પદો મંજૂર છે.
- નવેમ્બર 2024માં જેલ પ્રશાસને મદ્રાસ હાઈકોર્ટને જણાવ્યું હતું કે ત્રણ શિફ્ટમાં 60-60 ગાર્ડ તૈનાત હોવા જોઈએ, પરંતુ દરેક શિફ્ટમાં માત્ર 15 ગાર્ડ જ હાજર હતા.
- જુલાઈ 2026ના એક રિપોર્ટ મુજબ, તમિલનાડુની તમામ જેલોમાં સુરક્ષા સ્ટાફના કુલ 3,910 પદો મંજૂર છે. તેમાંથી 250થી વધુ પદો ખાલી છે.
- ક્ષમતા કરતાં વધુ કેદીઓ હોવાને કારણે દરેક ગાર્ડને આશરે 400 કેદીઓની દેખરેખ રાખવી પડે છે. સેન્ટ્રલ જેલોમાં કેદીઓની દેખરેખ માટે એક સમયે આશરે 50 ગાર્ડ જ તૈનાત રહી શકે છે. બાકીના કર્મચારીઓને જેલોના પેટ્રોલ પંપ, ખેતી અને અન્ય કામોમાં લગાડવામાં આવે છે.
- જેલ અધિકારીઓએ સરકાર પાસે વધુ 1,000 કર્મચારીઓની માંગણી કરી હતી. મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે જુલાઈ 2026માં સુનાવણી દરમિયાન રાજ્ય સરકારને જેલ વિભાગની ખાલી જગ્યાઓ ભરવાના નિર્દેશ આપ્યા હતા.

3. સુરક્ષા ગાર્ડોની બેદરકારી
- જેલના DGP સંજય રાઠોડે જણાવ્યું છે કે ગાર્ડોની ભૂલને કારણે કેદીઓ ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થાઓ પાર કરીને ભાગવામાં સફળ રહ્યા. તપાસ બાદ જ ખબર પડશે કે કેદીઓના ભાગવામાં જેલ સ્ટાફની કોઈ મિલીભગત હતી કે નહીં.
- તમિલનાડુમાં જેલ કર્મચારીઓની બેદરકારી અને કેદીઓ સાથેની મિલીભગતના કિસ્સા અગાઉ પણ સામે આવતા રહ્યા છે. ઉદાહરણ તરીકે, ડિસેમ્બર 2024માં પૂનમલ્લી જેલમાં ફોનના ઉપયોગને રોકવામાં નિષ્ફળ રહેવા બદલ ડેપ્યુટી જેલર સહિત 10 અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. જેલ પરિસરમાંથી પાંચ ફોન મળી આવ્યા હતા, જ્યારે ત્યાં માત્ર 47 કેદીઓ બંધ હતા.
- જાન્યુઆરી 2025માં દ્રાસ હાઈકોર્ટમાં રજૂ કરાયેલી જેલ વિભાગની સ્ટેટસ રિપોર્ટ મુજબ, 2021થી 2024 દરમિયાન સેન્ટ્રલ જેલોમાં મોબાઇલ ફોન, ગાંજો અને તમાકુ જેવી પ્રતિબંધિત વસ્તુઓ અંદર લઈ જવાના 709 કિસ્સા સામે આવ્યા હતા.
- આ કેસોમાં 55 જેલકર્મીઓની સંડોવણી સામે આવી હતી. તેમાંથી 15 જેલકર્મીઓને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા છે. અન્ય 40 કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સવાલ-4: ભારતની બાકીની જેલોમાં શું સ્થિતિ છે? જવાબ: મોટા ભાગે સમગ્ર દેશની જેલોમાં એકસરખી સમસ્યાઓ છે- સ્ટાફ અને સુવિધાઓની અછત, કાનૂની મદદ વિના વિચારાધીન કેસોમાં નિર્ધારિત સમયમર્યાદા કરતાં વધુ સમયથી બંધ આરોપીઓ.
2025ના ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ મુજબ, દેશની જેલોમાં ક્ષમતા કરતાં સરેરાશ 31% વધુ કેદીઓ બંધ છે. 55% જેલો ક્ષમતા કરતાં વધુ ભરાયેલી છે. 171 જેલોમાં ક્ષમતા કરતાં બમણા અને 12 જેલોમાં ચાર ગણા સુધી કેદીઓ છે. ઉત્તર પ્રદેશની મુરાદાબાદ જેલમાં તો પાંચ ગણા સુધી કેદીઓ બંધ હતા. તમામ જેલોમાં માત્ર 68% કેદીઓ માટે સૂવાની જગ્યા ઉપલબ્ધ છે.
કુલ કેદીઓમાંથી 76% કેદીઓ વિચારાધીન હતા. આમાંથી અડધાથી વધુ માત્ર ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં છે. દિલ્હીમાં તો 91% જેટલા કેદીઓ સુનાવણીના તબક્કામાં જેલમાં બંધ છે.
આ ઉપરાંત કેદીઓ માટે ડોક્ટરો અને સ્ટાફની પણ અછત છે. જેલ સ્ટાફની 30% જગ્યાઓ ખાલી છે. જેલ મેન્યુઅલ મુજબ, 300 કેદીઓ પર 1 ડોક્ટર હોવો જોઈએ, પરંતુ રાષ્ટ્રીય સરેરાશ 775 કેદીઓ પર 1 ડોક્ટરની છે. કેદીઓ માટેનું ભોજન અને અન્ય સુવિધાઓ પણ અત્યંત નબળી કક્ષાની છે.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















