- Gujarati News
- Bhaskar khaas
- Bhaskar explainer
- Meerut Court Death Penalty; Muskan Sahil Case | Why Judge Threw The Pen
આજનું એક્સપ્લેનર:મુસ્કાન- સાહિલની ફાંસી લખીને જજે પેન શા માટે ફેંકી દીધી, ફાંસી અંગે શું ચર્ચા ચાલે છે, આ કેસને જજે દુર્લભ કેમ ગણાવ્યો?
- કૉપી લિંક

14 ઑક્ટોબરની સાંજે 4:22 વાગ્યે. મેરઠ જિલ્લા કોર્ટના જજ અરવિંદ કુમાર મિશ્રાએ વીડિયો કોન્ફરન્સિંગથી મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને કહ્યું- તમે બંનેએ સૌરભ રાજપૂતની હત્યા કરી છે.
જજે બંનેને ફાંસીની સજા સંભળાવી અને મહાભારતના શ્લોકનો હિન્દી અનુવાદ ટાંકતાં કહ્યું- ‘અધર્મ કરનારને સજા આપવી પણ ધર્મ છે.’ ત્યાર બાદ તેમણે જે પેનથી મુસ્કાન-સાહિલ માટે મૃત્યુદંડ લખી હતી, તેને તરત જ કચરાપેટીમાં ફેંકી દીધી.
મોતની સજા લખવામાં ઉપયોગમાં લેવાયેલી પેન ફેંકી દેવા અથવા તેની નીબ તોડી નાખવાનો રિવાજ શા માટે છે; મોતની સજાની વિરુદ્ધ અને સમર્થનમાં કઈ દલીલો કરવામાં આવે છે, જાણીશું આજના એક્સપ્લેનરમાં...
સવાલ-1: મુસ્કાન-સાહિલને ફાંસીની સજા સંભળાવ્યા બાદ જજે પેન શા માટે ફેંકી દીધી?
જવાબ: મોતની સજાના નિર્ણય પર સાઇન કર્યા પછી પેન ફેંકી દેવા અથવા તેની નિબ તોડી નાખવાનો કોઈ કાયદો નથી. આ મુઘલ કાળથી ચાલી આવતી એક પરંપરા છે. મુઘલ બાદશાહો મોતની સજાનો ફરમાન લખનારી કલમ તોડી નાખતા હતા. ત્યાર બાદ બ્રિટિશ કાળમાં અંગ્રેજ ન્યાયાધીશોએ આ પ્રથા અપનાવી લીધી. આઝાદી પછી પણ ભારતમાં આ પરંપરા જળવાઈ રહી છે.
સદીઓ પહેલાંથી યુરોપિયન દેશોમાં આ પ્રથા પ્રચલિત રહી છે. ખાસ કરીને જર્મની, ફ્રાન્સ જેવા દેશોમાં મોતની સજા સંભળાવ્યા બાદ ન્યાયાધીશો પોતાની કલમ તોડી નાખતા હતા. હંગેરી જેવા કેટલાક દેશોમાં ન્યાયાધીશ પાસે રાજદંડ જેવી એક લાકડી રહેતી હતી. ફાંસીની સજા સંભળાવ્યા બાદ ન્યાયાધીશો તેને તોડી નાખતા હતા. બાદમાં આ પ્રથાઓનું ચલણ ઘટી ગયું, પરંતુ હજુ પણ ઘણા દેશોમાં આવું થાય છે.

નિષ્ણાતો માને છે કે તેની પાછળ 3 પ્રકારના મેસેજીસ છે...
1. આ બતાવવું કે નિર્ણય અંતિમ છે
- તૂટેલી પેનનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી. તેવી જ રીતે, એ જ અદાલતમાં મોતની સજાને બદલી કે તેના પર ફરીથી વિચાર કરી શકાતો નથી.
- કેટલાક દેશોમાં ન્યાયાધીશો નિબ તોડતી વખતે એવું પણ કહે છે કે આ અંતિમ નિર્ણય છે અને તેને બદલી શકાતો નથી. ન્યાયાધીશો આ સંદેશ આપે છે કે હવે આ મામલામાં આ અદાલિકાની કોઈ ભૂમિકા નથી. તેમના સ્તરે મામલો સમાપ્ત થઈ ગયો છે.
2. નિર્ણયથી ભાવનાત્મક અંતર
- તૂટેલી પેન જજની ઇચ્છા વ્યક્ત કરે છે. તેઓ બતાવવા માગે છે કે કોઈના મૃત્યુનો આદેશ લખનાર પેનનો તેઓ ફરીથી ઉપયોગ કરવા માગતા નથી. તેઓ એક કાનૂની ફરજ તો નિભાવી રહ્યા છે, પરંતુ આ રીતે પોતાની અસ્વીકૃતિ પણ વ્યક્ત કરે છે.
- સુપ્રીમ કોર્ટના વકીલ આર્યા સુરેશ જણાવે છે, ‘તૂટેલી પેન પોતાનું મન હળવું કરવાનો એક રસ્તો છે. કંઈક એવું કે મેં કાયદા મુજબ કામ કર્યું. કલમ તૂટી ગઈ, હવે કામ પૂરું. આ વિધિ જજ અને તેમના નિર્ણયના પરિણામ વચ્ચે થોડું અંતર ઊભું કરે છે.’
3. નિર્ણયની ગંભીરતા અને ગૌરવ
- ફાંસીની સજા સૌથી ગંભીર સજા છે. પેન તોડીને ન્યાયાધીશો આ ગંભીરતા અને તેમાં સજા પામનાર વ્યક્તિના જીવનના અંતનો સંદેશ આપે છે.
જોકે બધા ન્યાયાધીશો આવું કરતા નથી. દાખલા તરીકે, 20 જાન્યુઆરી 2025ના રોજ કેરળના જિલ્લા સેશન્સ જજ એ. એમ. બશીરે શેરોન રાજ હત્યાકાંડમાં તેની પાર્ટનર ગ્રીસ્માને ફાંસીની સજા સંભળાવી, પરંતુ તેમણે પેન કે તેની નિબ તોડી નહોતી. કેટલાક વરિષ્ઠ વકીલોએ જણાવ્યું કે બશીર એવું માનતા નથી કે ચુકાદા પર પુનર્વિચાર કરી શકાય નહીં અથવા પેનનો ઉપયોગ અન્ય ચુકાદાઓમાં ન કરવો જોઈએ.

અહેવાલો અનુસાર, સાહિલ-મુસ્કાનને સજા સંભળાવનાર ન્યાયાધીશ મિશ્રે બૉલપેનનો ઉપયોગ કર્યો હતો, કદાચ તેથી તેમને પેનની નીબ તોડવાની જરૂર પડી ન હતી.
સવાલ-2: ફાંસીની સજાને લઈને સાચું-ખોટું અંગેની ચર્ચા શું છે?
જવાબ: દુનિયાના મોટા ભાગના દેશોમાં મૃત્યુદંડને ખોટો માનવામાં આવવા લાગ્યો છે. 17 ડિસેમ્બર 2024ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બહુમતીથી મૃત્યુદંડ પર રોક લગાવવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે.
માનવાધિકાર સંગઠન એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ મુજબ, 2025 સુધીમાં દુનિયાના 145 દેશોમાં મૃત્યુદંડ નાબૂદ કરવામાં આવ્યો છે. જોકે, સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ કોઈ પણ દેશ માટે બંધનકારક નથી. ભારત સહિત અનેક દેશોમાં હજુ પણ મોતની સજા આપવામાં આવે છે.
2025માં 17 દેશોમાં ઓછામાં ઓછા 2,707 લોકોને મોતની સજા આપવામાં આવી. આ સંખ્યા 2024ની સરખામણીએ 78% વધારે છે અને 1981 પછીનો સૌથી મોટો આંકડો છે.
મૃત્યુદંડનું સમર્થન કરનારા લોકો 2 મોટા તર્ક આપે છે...
- ગુનાને અનુરૂપ સજા: ગુનેગારોને તેમના ગુનાની ગંભીરતાના પ્રમાણમાં તેઓને લાયક હોય તેવી જ સજા મળવી જોઈએ. મૃત્યુદંડ પીડિતોના પરિવારો માટે અંતિમ અને યોગ્ય રાહત છે.
- ગુનાઓ રોકવા માટે જરૂરી: ફાંસી આપવાથી ભવિષ્યમાં ગુનેગારને વધુ ક્રૂર ગુનાઓ અથવા હત્યા કરતા રોકી શકાય છે.
બીજી તરફ, મૃત્યુદંડની વિરુદ્ધ સૌથી મોટો નૈતિક તર્ક એ છે કે તમે કોઈને જીવન આપી શકતા નથી, તો નૈતિક રીતે તમને પણ કોઈનું જીવન છીનવી લેવાનો અધિકાર નથી.
જોકે 3 કાનૂની તર્ક પણ આપવામાં આવે છે....
- ગુના રોકવામાં અસરકારક નથી: આંકડાઓ એ સાબિત કરતા નથી કે ફાંસીની સજા ગુના રોકવામાં અસરકારક છે. જેમને ફાંસી આપવામાં આવી, તેમાંના કેટલાક લોકો માનસિક રીતે બીમાર હોઈ શકે છે, જેમને ગુનો કરતા રોકી શકાય તેમ નથી. એન્યુઅલ સ્ટેટિસ્ટિક્સ 2025 મુજબ, 2025 સુધીમાં ભારતમાં 564 લોકોને મૃત્યુદંડની સજા થઈ ચૂકી છે અને તેમને ફાંસી આપવામાં આવવાની છે. તેમાંથી 90.5% લોકો વિશે ટ્રાયલ કોર્ટે તેમના માનસિક સ્વાસ્થ્યનો અહેવાલ અથવા જેલમાં તેમના વર્તન જેવી માહિતી મેળવી નથી. આર્યા સુરેશ કહે છે કે ભારતમાં 2013થી બળાત્કારના કેસોમાં ફાંસીની સજાની જોગવાઈ છે, તેમ છતાં બળાત્કાર થાય છે. બળાત્કારના કેસોમાં અનેક પ્રકારની ક્રૂરતા પણ વધી છે.
- નિર્દોષ લોકોને મારવાનું જોખમ: ન્યાયપ્રણાલીમાં થતી ભૂલો અને ખામીઓને કારણે અનેક નિર્દોષ લોકો જીવવાનો અધિકાર ગુમાવી શકે છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના જણાવ્યા અનુસાર, જ્યાં સુધી માનવ ન્યાયવ્યવસ્થામાં ખામીઓ રહેશે, ત્યાં સુધી નિર્દોષોને ફાંસી આપવાનું જોખમ દૂર થઈ શકશે નહીં.
- સુધારાની તક ખતમ કરવી: મૃત્યુદંડને પાછો ફેરવી શકાતો નથી. દોષિત વ્યક્તિ ફરીથી સમાજમાં પાછી આવી શકતી નથી અને તેને સુધરવાની તક મળતી નથી.
સવાલ-3: ભારતમાં ફાંસીની સજાને લઈને શું વિચાર અને કાયદા છે?
જવાબ: ભારતની સુપ્રીમ કોર્ટ કહે છે કે દંડશાસ્ત્રના સિદ્ધાંતો પાછળ ‘માનવ જીવન બચાવવાની’ ફિલસૂફી છે. સજા ગુના ઘટાડવા અને ગુનેગારોની ‘યોગ્ય સારવાર દ્વારા સામાન્ય જનમતને સંતુષ્ટ કરવાનો એક માર્ગ છે.’
સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ, ‘મૃત્યુદંડ એક નિવારક (એટલે કે ગુના રોકવાનો અસરકારક ઉપાય) છે અને સમાજની યોગ્ય કેસોમાં યોગ્ય સજા આપવાની માગનો જવાબ છે.’
ભારતમાં હત્યા, બળાત્કાર અને દેશદ્રોહ જેવા ગંભીર ગુનાઓમાં ફાંસીની સજા આપવામાં આવી શકે છે. આ અંગે આઝાદી પછીથી અનેક મહત્વપૂર્ણ ફેરફારો થયા છે…
- 1955 પહેલાં સુધી ભારતમાં ગંભીર ગુનાઓમાં ફાંસીની સજાનો નિયમ હતો, જ્યારે આજીવન કેદ અપવાદ હતી. જો કોર્ટ આજીવન કેદની સજા આપતી, તો તેને તેનું કારણ જણાવવું પડતું હતું.
- 1955માં ક્રિમિનલ પ્રોસિજર એમેંડમેન્ટ એક્ટ દ્વારા CrPCમાં સુધારો થયા બાદ કોર્ટ ફાંસી અથવા આજીવન કેદમાંથી એક સજા પસંદ કરી શકે છે.
- 1973માં CrPCની કલમ 354 (3) હેઠળ નક્કી કરવામાં આવ્યું કે હવે ફાંસી અપવાદ રહેશે, જ્યારે આજીવન કેદ નિયમ રહેશે. કોર્ટ ફાંસીની સજા સંભળાવવાનું કારણ લેખિતમાં જણાવશે.
- 1973 અને ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે પોતાના અનેક ચુકાદાઓમાં જણાવ્યું કે જો કોઈ ગુનેગારનું હત્યા કરવાનું કૃત્ય પૂર્વયોજિત અને ખતરનાક રીતે સમાજની સુરક્ષાને જોખમમાં મૂકે છે, તો કાનૂની પ્રક્રિયા હેઠળ તેનું આર્ટિકલ 21થી મળેલું જીવન જીવવાનો અધિકાર સમાપ્ત કરી શકાય છે. એટલે કે, તે અસંવિધાનિક નથી.
- જોકે 1980માં બનાવવામાં આવેલા સુપ્રીમ કોર્ટના 'રેરેસ્ટ ઑફ રેર' સિદ્ધાંત મુજબ, મૃત્યુદંડ માત્ર એવા દુર્લભતમ કેસોમાં જ આપી શકાય છે, જ્યારે બીજો કોઈ વિકલ્પ બાકી ન રહે. દુર્લભતમ કેસનો અર્થ છે- ‘કોઈ હત્યા અત્યંત ક્રૂર, ઘૃણાસ્પદ અને નિંદનીય રીતે કરવામાં આવે, જેના કારણે સમાજમાં ભારે આક્રોશ ફેલાય અને જ્યારે હત્યા પાછળ ઘૃણા અને ક્રૂર લાગણીઓ જ મુખ્ય હેતુ હોય.’

જોકે ભારતમાં મૃત્યુદંડ સંભળાવવાની પ્રક્રિયા પર અનેક સવાલો ઉઠાવવામાં આવે છે…
- પ્રોજેક્ટ 39Aના અહેવાલ મુજબ, ફાંસીની સજા પામેલા મોટા ભાગના દોષિતોને યોગ્ય કાનૂની મદદ મળતી નથી. મોટા ભાગના દોષિતો ગરીબ અને નબળા સામાજિક વર્ગોમાંથી આવે છે.
- અપીલ બાદ ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવામાં આવે છે અથવા સજા રદ થઈ જાય છે. 2016થી 2025 સુધી સેશન્સ કોર્ટે 1,279 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી, પરંતુ હાઈકોર્ટે માત્ર 70 લોકોની સજા યથાવત્ રાખી.
- આર્ય સુરેશ કહે છે, ‘આનો અર્થ એ છે કે કેટલાક લોકોને ખોટી રીતે ફાંસીની સજા આપવામાં આવી હતી. ઘણા વર્તમાન અને નિવૃત્ત ન્યાયાધીશો પોતે કહી ચૂક્યા છે કે તેમના દ્વારા સંભળાવવામાં આવેલા ફાંસીના ચુકાદાઓમાં કેટલીક ભૂલો હોઈ શકે છે. જો ફાંસી આપી દેવામાં આવે, તો ચુકાદાની આ ભૂલ સુધારવાની કોઈ તક જ બાકી રહેતી નથી.’
- ‘જન-આક્રોશ, રાજકીય અને ઘણી વાર અપરાધીની સામાજિક ઓળખને ધ્યાનમાં રાખીને ‘રેસ્ટ ઑફ ધ રેર’ના સિદ્ધાંતનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે છે. આ સિદ્ધાંત ફાંસીની સજાને મર્યાદિત કરવા માટે હતો, પરંતુ હવે તેનો ઉપયોગ ફાંસીને યોગ્ય ઠેરવવા માટે થઈ રહ્યો છે.’
- હત્યા ઉપરાંત પણ એવા ઘણા કિસ્સાઓમાં મૃત્યુદંડ આપવામાં આવે છે, જેમાં કોઈનો જીવ લેવામાં આવ્યો નથી, જેમ કે ડ્રગ્સની તસ્કરીના કેસો, આતંકવાદનો આરોપ અને દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવું.
- 2015માં કાયદા પંચે આતંકવાદ અને દેશ વિરુદ્ધ યુદ્ધ છેડવાના ગુનાઓને બાદ કરતાં અન્ય કેસોમાં મૃત્યુદંડ નાબૂદ કરવાની ભલામણ કરી હતી, પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂકેલા ઇતિહાસકાર ગોપાલકૃષ્ણ ગાંધીએ પોતાની પુસ્તક 'એબોલિશિંગ ધ ડેથ પેનલ્ટી'માં લખ્યું છે, ‘મોતની ક્રૂર સજા ગુના રોકવામાં અસરકારક નથી. તે બદલો લેવાની જરૂરિયાત પૂરી કરતી નથી. તે ફક્ત સમાજને રાજ્યની મંજૂરીથી હત્યા કરવાની ટેવ પાડે છે. આ ન્યાય નથી, એક ટેવ છે.’
2022માં એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે 7 વર્ષની બાળકી સાથે બળાત્કારના દોષીની ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી દીધી હતી. કોર્ટે ટ્રાયલ કોર્ટના ન્યાયાધીશોને કહ્યું હતું, ‘માત્ર ગુનાની ભયાનક પ્રકૃતિ અને સમાજ પર તેની અસરને કારણે મૃત્યુદંડની તરફેણમાં ન જશો. આજીવન કેદ પર પણ સમાન રીતે વિચાર કરો.’
સવાલ-4: સાહિલ-મુસ્કાનના ગુનાને અદાલતે રેરેસ્ટ ઑફ રેર કેમ માન્યો?
જવાબ: 29 વર્ષીય મર્ચન્ટ નેવી ઑફિસર રહેલા સૌરભ રાજપૂતને નશીલો પદાર્થ આપીને છરીથી હત્યા કરવામાં આવી હતી. સાહિલ અને મુસ્કાને મૃતદેહના ટુકડા કરીને તેમને સિમેન્ટ સાથે વાદળી ડ્રમમાં પૂરી ધા હતા. 13 મહિનાની ટ્રાયલ દરમિયાન 126 સુનાવણીઓ થઈ. 22 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા.
અભિયોજન પક્ષના સરકારી વકીલ કે.કે. ચૌબેની દલીલ હતી કે આ સમગ્ર ગુનો સંપૂર્ણ આયોજન અને કાવતરાના ભાગરૂપે કરવામાં આવ્યો હતો. કોર્ટે ગુનાની ક્રૂરતા ધ્યાનમાં લેવી જોઈએ અને માત્ર ઓછી ઉંમર અથવા અગાઉ કોઈ ગુનો ન કર્યો હોવાના આધારે સજા ઓછી ન કરવી જોઈએ. આ કેસ બાદ પતિ-પત્નીના પવિત્ર સંબંધની વિશ્વસનીયતાને ઠેસ પહોંચી છે.
ન્યાયાધીશે પોતાના ચુકાદામાં ગુનાને 'અત્યંત ક્રૂર અને ગંભીર' ગણાવ્યો. પુરાવાના આધારે તેને 'અતિ દુર્લભમાં પણ દુર્લભ'ની કેટેગરીમાં રાખવામાં આવ્યો અને 30 સપ્ટેમ્બરે સાહિલ અને મુસકાનને હત્યાના દોષી ઠેરવવામાં આવ્યા હતા.
સાહિલ અને મુસ્કાન પાસે હજુ હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી સજા વિરુદ્ધ અપીલ કરવાના વિકલ્પો છે. 2025માં સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલી એક પણ ફાંસીની સજા યથાવત્ રાખી નહોતી. આવું સતત ત્રીજા વર્ષે થયું.
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















