- Gujarati News
- Bhaskar khaas
- Bandivaan
- Sabarmati Jail Prisoners Life Sentence: Bandivaan
બંદીવાન-3‘ગુજરાતનો ટોપર પોક્સોના કેસમાં ફસાઈ ગયો’:સાબરમતીના બે શિક્ષિત કેદીની કરમકથની, ‘આર્મીમાં હતો, પરિવારમાં મર્ડર થયું ને મને આજીવન કેદ થઈ’
- કૉપી લિંક

'એ દિવસ મને ક્યારેય નહીં ભુલાય. અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો મારા પર ફોન આવ્યો. મને ઇલેક્શન ડ્યૂટી સોંપવામાં આવી હતી. ચાર-પાંચ જણાએ આવી મને પકડી લીધો ને એક ગાડીમાં બેસાડી દીધો. થોડી જ વારમાં આગળ પોલીસની પ્લેટ મૂકી એટલે સમજી ગયો કે એ ફ્રી ડ્રેસમાં આવે
આ શબ્દો છે સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સુજિતના. ગુજરાતની સૌથી મોટી અને સૌથી જૂની એવી સાબરમતી જેલમાં આજીવન કેદ જેવી લાંબી સજાઓ કાપી રહેલા કેદીઓના ઇન્ટરવ્યૂ અને જેલમાં તેમના જીવન પર આધારિત દિવ્ય ભાસ્કરની ખાસ સિરીઝ ‘બંદીવાન’ના ગઇકાલના એપિસોડમાં આપણે જોયું કે કેવી રીતે બીજાની દારૂના લતના કારણે બે લોકો જેલમાં સજા ભોગવી રહ્યા છે. આજે મળીશું, આજીવન કેદની સજા ભોગવી રહેલા એવા બે કેદીને, જેમને વર્ષો જેલમાં વિતાવ્યા બાદ આજે પણ ખ્યાલ જ નથી કે તેમને કયા ગુનાની સજા મળી રહી છે. હજુ પણ તેઓ પોતાની જાતને નિર્દોષ જ માને છે. આજે મળીએ સુજિત અને રામજીને.
***
સાબરમતીઃ માત્ર જેલ નહીં, એક બિઝનેસ હાઉસ પણ ખરું એ પહેલાં આજે પણ આપણે સાબરમતી જેલનું એક ચક્કર મારીએ. અગાઉના બે એપિસોડમાં આપણે સાબરમતી જેલ પરિસરની રચના અને એના અંદરના માળખા વિશે જાણ્યું. જેલની અંદર આપણે જોયું કે દરેક આરોપી કોઈ ને કોઈ કામ કરે છે, તો એ કામના તેમને પૈસા મળે ખરા? જો હા, તો કેટલા હોય? એનો ઉપયોગ કેવી રીતે કરી શકે? એ માટે આપણે જેલની કામગીરી અને પેમેન્ટ સિસ્ટમ સમજવી પડે.
બેકરીથી રેડિયો જોકીઃ જેવી સ્કિલ, એવું પેમેન્ટ જેલમાં અનેક પ્રકારનાં કામોની વ્યવસ્થા સતત ચાલતી રહે છે, જેમાં દરજીકામ, સુથારીકામ, વણાટકામ, કેન્ટીન, બેકરી, રેડિયો જૉકી, રસોઈકામ, વાળંદ કામ, બગીચા નર્સરી, ધોબીકામ અને બુક બાઇન્ડિંગ વિભાગ સહિતના ઘણા વિભાગો ચાલે છે. જે દરેકમાં કામ કરવા બદલ તેમને પેમેન્ટ મળે, જો બગીચાકામ જેવું કોઈ કામ હોય તો ₹110/દિવસ, જો વધારે બૌદ્ધિક કામ હોય તો ₹140/દિવસ અને જો એનાથી પણ વધારે મહેનતુ કામ હોય તો ₹170/દિવસનું પેમેન્ટ; એમાં પણ રવિવારની રજા, એટલે મહિને 26 દિવસનું પેમેન્ટ મળે. જ્યારે નવા કેદીઓ, જેમને હજુ કામે નથી લગાડ્યા તે તેમના ઘરેથી પૈસા મગાવી શકે.

જેલમાં બેસી પુણ્યનું ભાથું બાંધવાનાં કામ હવે સવાલ એ થાય કે આ બધું કામ કરાવી એનો ઉપયોગ શું કરવાનો? તો એ માટે બધી જ પ્રોડક્ટને ક્યાંક સેવામાં તો ક્યાંક વેચાણ માટે મોકલવામાં આવે. દાખલા તરીકે, રેડિયો વિભાગના કેદીઓ દ્વારા અલગ અલગ બુક્સને ઓડિયો બુક તરીકે રેકોર્ડ કરી અંધજનમંડળના વિદ્યાર્થીઓ માટે મોકલવામાં આવે છે, જેથી તેઓ સુધી પણ પુસ્તક પહોંચે. જ્યારે બેકરીમાં રોજની ટનબંધ બ્રેડ બનાવી અસારવા સિવિલ અને સોલા સિવિલના દર્દીઓ માટે મોકલવામાં આવે છે.
સાબરમતી જેલના વિવિધ બિઝનેસ, કરોડોનો વકરો! કેદીઓ માટે જેલની અંદર ચાલતા કેન્ટીન વિભાગના ઇન્ચાર્જ સાથે વાત કરી તો ખબર પડી કે અહીં મહિને 55થી 60 લાખ રૂપિયા જેટલો બિઝનેસ જાય છે! જેમાં શિયાળો હોય તો થોડો વધારે થાય ને ઉનાળો હોય તો ઓછો, પણ ₹50 લાખ તો મિનિમમ વકરો ખરો જ. તેમાંથી મળતા ₹3.5થી 4 લાખના પ્રોફિટને કેદી વેલફેર ફંડમાં આપવામાં આવે છે. જ્યારે બેકરી વિભાગે વર્ષ 2024-25માં 1 કરોડ 40 લાખ 54 હજાર 276 રૂપિયાનું ઉત્પાદન કર્યું હતું, જેમાંથી ₹1.37 કરોડનું વેચાણ કરી ₹13,84,609નો નફો કર્યો હતો. આ ફક્ત એક વિભાગની વાત થઈ, આમાં દરજી વિભાગ, સુથારી વિભાગ એ બધા વિભાગનો બિઝનેસ હજુ અલગ!
અરે, જેલની વાતો કરવા બેસીશું તો આજનો એપિસોડ અહીં જ પૂરો થઈ જશે. આપણે હવે કેદીઓ સાથે વાત કરીએ, જેલ જીવનની હજુ વધારે માહિતી આવતીકાલે મેળવીશું.
***

આખા ગુજરાતનો ટોપર, પણ જેલનો બંદીવાન ‘બંદીવાન’ સિરીઝના ત્રીજા એપિસોડમાં આજે વાત કરીશું ‘સુજિત’ અને ‘રામજી’ની. અરવલ્લીના ભિલોડા પાસે કુંડલપાલ ગામે રહેતો સુજિત 31 વર્ષની ઉંમરે જેલમાં આવ્યો હતો, જે સજા કાપતાં કાપતાં અત્યારે 34 વર્ષની ઉંમર થઈ છે. ન પતલો, ન જાડો, એકદમ પર્ફેક્ટ બાંધો; વ્યવસ્થિત કાપેલી દાઢી. બોલવામાં આદર અને સજ્જનતા. સ્પષ્ટ બોલી ને ગહન વાતો. હોય જ ને, કેમ કે બહારની દુનિયામાં સુજિત કોઈ જેવોતેવો ગુનેગાર નહિ, પણ શિક્ષક હતો! એમાંય વર્ષો સુધી તૈયારી કરીને સરકારી એક્ઝામનો ટોપર. પૂરા ગુજરાતની એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક મેળવી જોબ લીધી હતી. એ દિવસે તો સુજિતને ડબલ લોટરી લાગી હતી, કારણ કે જે દિવસે સરકારી શિક્ષક તરીકેનો એપોઇન્ટમેન્ટ લેટર આવ્યો, એ જ દિવસે ભાઈ પોલીસ ભર્તી પરીક્ષામાં પણ પાસ થઇ ગયા અને તેનો એપોઇન્ટમેન્ટ લેટર પણ આવ્યો! બંનેમાંથી સુજિતે શિક્ષકનો વ્યવસાય સ્વીકાર્યો. પણ અત્યારે? જેલમાં બેસી જ્યુડિશિયલ વિભાગમાં કામ કરે છે. એની વે, આપણે સુજિત સાથે વાત ચાલુ કરીએ, રૂમમાં આવી સુજિત સજ્જતાથી સામે બેઠો ને અદબ વાળી ગુડ આફ્ટરનૂન કર્યું.
એક જ દિવસે શિક્ષક અને પોલીસ બંને નોકરીના એપોઇન્ટમેન્ટ લેટર મળ્યા! શું થયું હતું તમારી સાથે? સુજિતે વાતની શરૂઆત કરી, ‘12મા ધોરણ સુધી ગામમાં જ સરકારી સ્કૂલમાં ભણી B.A. કર્યું ને પછી PTC કરી સરકારી શિક્ષકની તૈયારી શરૂ કરી. અમારા ઘરે મોટા ભાગના બધા સરકારી ટીચર જ છે. હું શિક્ષક, મારી વાઈફ શિક્ષક, મારા ભાઈ પણ શિક્ષક; મારા અને વાઈફના બંનેના પરિવારમાં મળી 10થી વધુ સરકારી શિક્ષક છે. આ સરકારી નોકરી મારી પહેલી નહોતી, આ પહેલાં મેં પોલીસમાં ASI અને કોન્સ્ટેબલની એક્ઝામ પણ ક્લિયર કરી છે. શિક્ષકની જોબમાં તો મારો ઓલ ગુજરાત ફર્સ્ટ રેન્ક હતો. એટલે મને સ્કૂલ પસંદ કરવાની છૂટ મળી, તો મેં અમદાવાદની નવી બનેલી સરકારી શાળા સિલેક્ટ કરી.’

‘મને એ દિવસ બરાબર યાદ છે’ શિક્ષક મહોદયે વાત ચાલુ રાખી, ‘પણ નવી સ્કૂલમાં નિયમ હોય કે જે પહેલા પહોંચે એ સિનિયર ગણાય. પાંચ નવા શિક્ષકોને શાળા ફાળવવામાં આવી હતી. તેમાંથી સવારે અમે ત્રણ લોકો એક સાથે પહોંચ્યા. જો બે લોકો સાથે આવ્યા હોય તો પછી ઉંમર જોવામાં આવે. એમાં મારી ઉંમર સૌથી વધુ હતી એટલે હું સિનિયર બન્યો. પછી તો મસ્ત લાઈફ ચાલતી હતી. મારા લગ્ન પણ થઈ ગયા ને મારી પત્ની પણ શિક્ષક હતી. હજુ લગ્નને દોઢ મહિનો જ થયો હતો ત્યાં એ ઘટના બની, મને બરાબર યાદ છે એ દિવસ…’
‘તમારી ઇલેક્શન ડ્યૂટી છે’ 16 સપ્ટેમ્બર 2017 એ દિવસ મને ક્યારેય નહીં ભુલાય. મારા લગ્નના હજુ પાંચ મહિના જ થયા હતા. એટલે દર અઠવાડિયે હું ઘરે જતો રહેતો. એ દિવસે પણ શનિવારનું કામ પતાવી હું અમદાવાદથી પ્રાંતિજ જવા નીકળ્યો. હજુ અમદાવાદની બહાર નીકળ્યો ત્યાં અમારા ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો મારા પર ફોન આવ્યો. એ ટાઈમે અમારા પ્રિન્સિપાલ રજા પર હતા, એટલે બાજુની સ્કૂલનાં મહિલા પ્રિન્સિપાલ ઇન્ચાર્જમાં હતાં. મને કહે, ‘ઇલેક્શનમાં તમારી ડ્યૂટી મૂકવામાં આવી છે. તો ભૂયંગદેવ પાસે આવીને તમારો કૉલ લેટર લઈ જાઓ.’ જોકે દૂર દૂર સુધી ઇલેક્શન ડ્યૂટીનો તો કોઈ ચાન્સ પણ નહોતો, તો મારું નામ કેવી રીતે આવ્યું? પણ ઓર્ડર હતો એટલે જવું પડે. ઘરે ફોન કર્યો કે હું આજે નહીં આવી શકું. મારે અહીં કામ આવી ગયું છે.’

‘ચાર-પાંચ લોકોએ મને પકડીને ગાડીમાં બેસાડી દીધો’ પછી શું થયું? સુજિત કહે, ‘ગાડીનો યુટર્ન માર્યો ને નીકળી પડ્યો અમદાવાદના ભૂયંગદેવ વિસ્તારમાં જવા. ત્યાં એક કવરમાં મને લેટર આપ્યો ને એ તરત જ એ નીકળી ગયા. બીજી બાજુ હજુ તો જેવો લેટર ઓપન કરું ત્યાં ચાર-પાંચ જણાએ આવી મને પકડી લીધો ને એક ગાડીમાં બેસાડી દીધો. કોઈ કશું કહે નહીં, કશું બોલે નહીં, ક્યાં લઈ જાય છે, કશી જ ખબર નહિ. થોડી જ વારમાં આગળ પોલીસની પ્લેટ મૂકી એટલે સમજી ગયો કે એ ફ્રી ડ્રેસમાં આવેલી પોલીસ હતી. રસ્તામાં મેં ઘણું પૂછ્યું કે મેં કર્યું છે શું? પણ કોઈ જ જવાબ ન મળ્યો ને સીધા જ પોલીસ સ્ટેશન લઈ ગયા.’
‘કોઇએ પોક્સો હેઠળ મારી સામે ફરિયાદ કરી હતી’ પણ ગુનો શું હતો? સુજિત કહે, ‘હું બહાર બેન્ચ પર બેઠો હતો ત્યારે મને કહેવામાં આવ્યું કે તમારા પર અડપલાંનો કેસ છે. મારી આંખો ફાટીને ચાર થઈ ગઈ કે, મેં કોને અને ક્યારે અડપલાં કર્યાં? પરંતુ FIR થઈ હતી, એટલે ‘POCSO’ (પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યૂઅલ ઓફેન્સીસ એક્ટ) હેઠળ મને જેલ થઈ ને સાત મહિના સુધી જેલમાં રાખ્યો.’
‘મારો નાર્કો ટેસ્ટ પણ થયો’ સાત મહિના પછી? સુજિત કહે, ‘મારા ઇન્વેસ્ટિગેશન દરમિયાન મારો નાર્કો ટેસ્ટ પણ થયો હતો. બાદમાં કેસ ચાલતાં સાત મહિના પછી મને જામીન મળી ગયા. હું જામીન પર બહાર આવ્યો એટલે તરત જ મને ફરી નોકરીનો ઓર્ડર પણ મળી ગયો અને ફરી સરકારી શિક્ષકની નોકરી શરૂ થઈ ગઈ. પરંતુ ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ને સાત વર્ષ બાદ મારે ફરી જેલમાં જવું પડ્યું. અત્યારે હું POCSOના ગુનામાં જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છું.’

‘બસ, કોર્ટ કેસ હાથમાં લે એટલી વાર…’ તો હવે અત્યારે તમારા કેસનું સ્ટેટસ શું છે? ‘મારો કેસ ચાલે જ છે, દર મહિને તારીખ પડે છે. દર મહિને હું કોર્ટમાં જઉ છું, પણ મારો કેસ ચાલતો જ નથી. જે દિવસની તારીખ પડી હોય એ દિવસે જો વારો ન આવે તો આગળના મહિનાની તારીખે ફરી જવું પડે. એમ કરતાં કરતાં હું જેલમાં છેલ્લા 38 મહિનાથી છું. 38 મહિનામાં 38 જેટલી તારીખો ભરી હશે. જો કેસ હાથમાં લઈ લેશે તો હું તરત જ છૂટી જઈશ.’ પરિવારજનો તમને જેલમાં મળવા આવે છે? સુજિત કહે, ‘શરૂઆતમાં આવતા. હવે હું જ નથી બોલાવતો. મુલાકાતના દિવસે વીડિયો કોલથી જ વાત કરી લઉં છું. મારી વાઈફ પણ બહારગામ સરકારી શિક્ષક છે. ત્યાંથી તેને બિચારીને શા માટે અહીં ધક્કા ખવડાવવા?’
‘અહીં પણ મારું વાંચન ને અભ્યાસ ચાલુ જ છે’ જેલમાં ભણેલાગણેલા કેદીઓ બહુ ઓછા હોય છે, એટલે સુજિતને અહીં જ્યુડિશિયલ વિભાગમાં જવાબદારી સોંપવામાં આવી છે. સુજિત કહે, ‘રોજે આખા દિવસનું કામ પતાવી રોજ સાંજે છાપાં-બુક્સ વાંચવાનું આજે પણ ચાલુ છે.’

‘સહન કરતા શીખ્યો છું’ અહીં આવીને કોઈ નવી કામગીરી શીખ્યા? સુજિતે અદબ ખોલી બંને હાથ બંને બાજુ નીચે મૂક્યા, ‘અહીં નવું તો શું શીખું? હા, ખાસ તો સહન કરતા શીખ્યો છું. ‘ઠોકર ઇન્સાન કો ચલના શિખાતી હૈ’ બસ આ એક ઠોકર છે, કંઈક તો શીખવું જ પડશે ને.’ આ પહેલાં ક્યારેય કોઈ ગુનો કર્યો હતો? સુજિત હળવા સ્મિત સાથે બોલ્યો , ‘મારા પપ્પા આર્મીમાં હતા. ફેમિલીમાં મોટા ભાગના બધા શિક્ષક જ છે. એટલે નાનપણથી જ ફુલ ડિસિપ્લિનવાળી લાઈફ રહી છે, પરંતુ કર્મની કઠણાઇ હતી તો અહીં આવવું પડ્યું. હું મારી લાઈફમાં ક્યારેય પોલીસ સ્ટેશનનું પગથિયું પણ નથી ચડ્યો, ખબર નહીં અહીં કેમ આવવાનું થયું.’
‘પરિવાર સાથે ન રહી શક્યાનું દુઃખ છે’ બહાર લોકો વાતો કરી ફેમિલીને કશું સંભળાવે છે? સુજિત કહે, ‘મને આખો સમાજ અને ગામના લોકો ઓળખે જ છે, એટલે સામે આંગળી ઊંચી કરવાનો સવાલ જ નથી. કોઈ ક્યારેય કશું નથી બોલતું. એમ પણ બોલે તો સાંભળવા કોઈ નવરું પણ નથી. મારી વાઈફ તો બહારગામ નોકરી કરે છે, મારો ભાઈ દાહોદમાં છે અને મમ્મી ગામડે ખેતી સંભાળે છે. દુઃખ એક જ વાતનું છે કે, મારી વાઇફને એકલા હાથે દીકરીને ઉછેરવી પડે છે. અત્યારે તેની સાથે રહી ત્યાં જ સરકારી સ્કૂલમાં ભણે છે, પણ હું સાથે ન રહી શક્યો એનું દુઃખ છે.’

‘કોરોનામાં પણ મેં સૌથી વધુ બાળકોને ભણાવ્યાં હતાં’ શિક્ષક તરીકે કરિયર કેવું ચાલતું હતું? સુજિતે આંખો પહોળી કરી હાસ્ય સાથે વાત આગળ વધારી, ‘એકદમ ક્લીન. ક્યારેય કોઈ ફરિયાદ પણ નથી ગઈ કે કોઈ સજા પણ નથી થઈ. ઇવન કોરોનામાં પણ મેં સૌથી વધુ ક્લાસ લઈ બાળકોને ભણાવ્યા હતા. શિક્ષણ મંડળનો પણ મને ઘણો સપોર્ટ રહ્યો છે.’
‘બસ, થોડા દિવસોની જ વાત છે’ ‘જીવનમાં બધાં દુઃખ જોયાં હતાં, પણ આવું ક્યારેય નથી જોયું. જ્યારે પણ સમય મળે એટલે અહીં બધા કેદીઓનાં દુઃખ સાંભળું છું. મને જે રીતે સજા મળી છે એ જોઈ હું અહીં જેલમાં પણ કોઈને કેદીની નજરથી નથી જોઈ શકતો. મને કોર્ટ પર વિશ્વાસ છે કે મારો કેસમાં હાથ લેશે એટલે હું નિર્દોષ છૂટી જ જઈશ. બસ, થોડા દિવસોની વાત છે. હમણાં આ તારીખ પડે એટલે છૂટી જ જવાનો છું.’ બહાર સૂરજ આથમવા નજીક હતો, પણ જેલના અંધારા વચ્ચેય સુજિતનું આશાનું કિરણ ચમકતું હતું. અડગ મન સાથે સુજિત ઊભો થયો ને બીજા કેદીએ રૂમમાં પ્રવેશ કર્યો.

***
આર્મીમાંથી રિટાયર થયા, તો જેલના આજીવન કેદી થયા આજના દિવસનો બીજો કેસ પણ કંઈક એવો જ છે. એમાં પણ આરોપી પોતાને નિર્દોષ જ માને છે. તેનું નામ છે રામજી. રામજીના કહેવા મુજબ, એ તો ગુનાના સમયે ક્રાઇમ સીન પર હાજર પણ નહોતો છતાં સજા ભોગવી રહ્યો છે. વેઇટ, પહેલા તમને રામજીને મળાવીએ. રામજી એટલે એકદમ પર્ફેક્ટ હટ્ટોકટ્ટો માણસ. તમારી સાથે ખાલી હાથ મિલાવે તોપણ તમને એની મજબૂત પકડનો અનુભવ થઇ જાય. આ હાથ આજુબાજુના દુશ્મનો માટે નહીં, પણ દેશના દુશ્મનો માટે તૈયાર થયેલા હતા. યસ, રામજી એટલે રિટાયર્ડ આર્મીમેન. વર્ષો સુધી દેશની સેવા કરી, પરંતુ હાલ મર્ડરના ગુનામાં સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે.
‘મેરે સે હિન્દી મેં બાત કરના…’ લાંબી હાઇટ, મીડિયમ બાંધો, ગઠ્ઠેદાર સ્નાયુઓ, આંખે બ્લેક ફ્રેમવાળાં ચશ્માં ને કાનમાં હિયરિંગ એઇડ પહેરેલાં રામજીની વાત કરવાની સ્ટાઈલ જૂની ફિલ્મોના સંજુબાબા જેવી. બોલે એટલે ડોકથી ઉપરનું માથું હલ્યે રાખે. હથેળીને આંગળીઓની શરૂઆત પાસેથી 90 ડિગ્રીવાળી છાતી પાસે આગળ પાછળ કરે રાખે. એમાંય રામજી મૂળ ઉત્તરપ્રદેશનો એટલે હિંદીભાષી. રૂમમાં આવી સામેના ટેબલ પર એકદમ ટટ્ટાર બેસી રામજી જોરથી બોલ્યો, ‘ગુડ ઈવનિંગ સર’. એક મિનિટ માટે તો અમે પણ ઝબકી ગયા.
સામે બેસી પહેલા જ કહી દીધું. ‘સર, મેરે સે ના આપ પ્લીઝ હિન્દી મેં બાત કરના, મુજે ગુજરાતી ઉતના નથી આતા.’ મેં કહ્યું, ‘સારું, આપણે હિન્દીમાં જ વાત કરીશું.’ રામજીએ આંખો ઝીણી કરી, નકારમાં મોઢું હલાવતાં હલાવતાં કાનમાં લાગેલાં હિયરિંગ એઇડ પાસે હાથ લઈ જઈ કહે, ‘પ્લીઝ, થોડું મોટેથી બોલજો ને, મને ઓછું સંભળાય છે.’

‘પરિવારમાં કોઇ ડખો થયો હતો, હું મદદ માટે ગયો ને ફસાઈ ગયો’ શું થયું હતું તમારી સાથે? પાંચ વર્ષથી સજા કાપી રહેલા 49 વર્ષના રામજી સાથે અમે વાતની શરૂઆત કરી, ‘શું ગુનો કર્યો હતો તમે?’ રામજી કહે, ‘એ જ તો મને નથી ખબર. મેં કોઈ ગુનો જ નથી કર્યો.’ ‘હેં? તો તમે જેલમાં કેમ છો?’ ‘એમાં થયું એવું કે હું જ્યારે આર્મીમાં હતો ત્યારે UPમાં મારી ડ્યૂટી હતી. એ વખતે અહીં મારા પરિવારમાં કોઈ ડખો થયો હતો. મને ફોન આવ્યો કે આપણા પરિવારને આજુબાજુવાળા સાથે બહુ મોટો ઝઘડો થયો છે. મેં એ જ દિવસે રજા લીધી અને દોડતો ઘરે આવી ગયો. ઘરે જેવો આવ્યો, ત્યાં આજુબાજુના લોકો કહે, તમારે અહીં ઘરે આવવાનું જ નહોતું. મેં કહ્યું એમ થોડું ચાલે? મારા પરિવારનો ઝઘડો છે, તો હું આવું જ ને. ત્યાં બીજા દિવસે પોલીસ આવીને મને પકડી લીધો.’ પણ શા માટે પકડી ગયા? રામજી કહે, ‘એ ઝઘડામાં સામેવાળી એક વ્યક્તિનું મર્ડર થઈ ગયું હતું. એ ગુનામાં અમને પકડી પોલીસ સ્ટેશન લઈ ગયા, પણ હું તો નિર્દોષ હતો, એટલે ત્યાંથી ભાગીને સીધો હું મારી નોકરી પર જતો રહ્યો.’

‘US, જાપાન, દુબઈ… આખી દુનિયા ફર્યો, હવે જેલમાં છું’ પછી? રામજી કહે, ‘એ પછી તો 36 વર્ષની ઉંમર સુધી નોકરી કરી ને પછી રિટાયર્ડ થઈ મારી પોતાની સિક્યોરિટી કંપની શરૂ કરી. જાપાન, મલેશિયા, USA, દુબઈ, સાઉદી અરબ, વિયેતનામ, ભુતાન બધા દેશો ફરી બિઝનેસ કર્યો. એ બધા વચ્ચે હમણાં પાંચેક વર્ષ પહેલાં મારા જ ગામના મારા એક આર્મી મિત્રને સરકાર તરફથી જમીન મળી. અમે બંને સાથે જ રિટાયર્ડ થયા હતા. તેને જમીન મળી, પણ મને ન મળી. મેં બધી પ્રોસેસ પણ તપાસી અને છેલ્લે કલેક્ટર પાસે ફરિયાદ કરવા ગયો.’
‘તમારા પર કેસ બોલે છે, જમીન નહીં મળે’ રામજીએ વાત ચાલુ રાખી, ‘કલેક્ટરે મને સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો કે તમારા પર એક કેસ બોલે છે. તમે પોલીસ સ્ટેશન જઈ એ સોલ્વ કરી એ ક્લિયર કરતા આવો એટલે તમને જમીન મળી જશે. હું તો ત્યારે જ નીકળ્યો પોલીસ સ્ટેશન જવા. જેવો ત્યાં પહોંચી ડોક્યુમેન્ટ કર્યા, ત્યાં મને અરેસ્ટ કરી લીધો. મારા પર જે-તે વખતનો મર્ડરનો કેસ હતો. મને કોર્ટમાં લઈ ગયા ને સજા થઈ. અત્યારે કલમ 302ના ગુનામાં સાબરમતી જેલમાં આજીવન કેદની સજા ભોગવું છું.’
‘દીકરો યુનિ.માં પ્રોફેસર છે, ઘરની જમીનો છે’ તમારા ફેમિલીમાં કોણ કોણ છે? રામજી કહે, ‘અમે રહીએ છીએ મહેસાણામાં, પણ અમે મૂળ UPથી. એટલે ત્યાં અમારી જમીનો પણ છે. અત્યારે અહીં ઘરે વાઈફ એકલી જ છે. 24 વર્ષનો મોટો દીકરો બેંગલુરુની એક યુનિવર્સિટીમાં પ્રોફેસર છે અને 18 વર્ષનો નાનો દીકરો મેરઠમાં રહી કોલેજ કરે છે. અમારી ખેતીમાંથી મારા ભાગનું અનાજ ને પૈસા મારા ભાઈઓ ઘરે મોકલે અને મારા પેન્શનના પૈસા પણ આવે, એમાંથી મારી વાઈફ અત્યારે ઘર ચલાવે છે. મારી વાત કરું તો હું 18 વર્ષનો હતો ત્યારથી આર્મીમાં લાગ્યો હતો ને હમણાં 36 વર્ષની ઉંમરે રિટાયર્ડ થયો. એ પછી બિઝનેસ કર્યો.’

‘ઝઘડામાં સામેલ હતા તેમને તો જામીન મળી ગયા’ અહીં જેલમાં તમે શું કરો છો? રામજી કહે, ‘અહીં હું કેન્ટીન વિભાગમાં કામ કરું છું. એ સિવાય સમય હતો તો દરજી કામ પણ શીખ્યો છું, પણ દુઃખ એક જ છે કે મારા દીકરાઓએ મારા વિના જીવવું પડ્યું. દર પંદર દિવસે મારી પત્ની મળવા આવે છે, પણ હું બહુ નથી બોલાવતો.’ ‘પરિવારના જે લોકો ઝઘડામાં ઇનવોલ્વ હતા એ ક્યાં છે?’ ‘મેં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં જેવું સરેન્ડર કર્યું ને એ પછી મને સજા થઈ, એના દસ જ દિવસમાં તો એ લોકો છૂટી ગયા.’ ‘બહાર જવાનો ચાન્સ મળે તો શું કરશો?’ ‘હવે તો બીજી કોઈ ઈચ્છા નથી, પણ મારી સિક્યોરિટી કંપનીને ફરી આગળ વધારીશ.’
ઉચ્ચ શિક્ષણ, ઉજ્જવળ કરિયર, પણ જેલના કેદી થયા રામજી સાથે વાત પૂરી થતાં અમારી સામેથી ઊભો થયો ને એ જ ટટ્ટાર ચાલ સાથે રૂમની બહાર નીકળી ગયો. આજના બંને આરોપીમાં સામ્યતા એ જ હતી કે બંને પોતાને દોષી માનતા જ નથી. બંને એજ્યુકેટેડ છે, સારા પરિવારથી આવે છે, સારું જીવન હતું, સારું કરિયર હતું છતાં આજે જેલમાં સજા ભોગવી રહ્યા છે, પણ બંને હજુ પોતાની જાતને નિર્દોષ જ માને છે. હવે એ બંનેની વાતોમાં કેટલું તથ્ય એ તો કોર્ટ જ નક્કી કરશે. હજુ ડાયરીમાં આ બધાની છેલ્લી લાઇન લખાઈ રહી હતી ત્યાં નવો એક કેદી ચહેરા પર હળવા સ્મિત સાથે રૂમમાં આવ્યો ને સામેના ટેબલ પર બેઠો.
(નોંધઃ આ સ્ટોરીમાં કેદીઓ વિશે જે પણ વાત કહેવામાં આવી છે એ કેદીઓએ તેમના મુખેથી સ્ટોરી લખનારને કહેલી છે. કેદીઓની ગુપ્તતા જાળવવાના હેતુથી દરેક કેદીનાં નામ બદલાવેલાં છે.)
બંદીવાન - એપિસોડ 1 : ગર્લફ્રેન્ડે ચિટિંગ કરી તો રોડ વચ્ચે પતાવી દીધી:સાબરમતી જેલમાં જન્મટીપના કેદીની વ્યથા, ‘કાશ, મેં એ પ્રેમ કર્યો જ ન હોત’
બંદીવાન - એપિસોડ 2 : ‘મારા લીધે પત્ની અને માએ મજૂરીએ જવું પડે છે’:દારૂને લીધે બરબાદ થયેલા સાબરમતી જેલના બે કેદી સાથે વાત, ‘બનવું હતું CA, ને બની ગયો હત્યારો’
બંદીવાન - એપિસોડ 4 : દોસ્તી વચ્ચે પૈસા આવ્યા ને બે હત્યાઓ થઈ:‘મારા ભાઇબંધને મેં છરો મારી દીધો’, આજીવન કેદનો બીજો કેદી કહે, ‘પરિવારને સાચવી લઉં તોય ઘણું’
બંદીવાન - એપિસોડ 5 : ‘હત્યા થઈ એ દિવસે મારી પત્ની સાત મહિનાની પ્રેગ્નન્ટ હતી’:સાબરમતી જેલના કેદીની કબૂલાત; જેલ SP કહે, ‘અમારા મહેમાન ન બનો એ જ તમારા માટે સારું છે’
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















