- Gujarati News
- Bhaskar khaas
- Ayodhya guide
- The Gates Of Ramlalla Will Be Opened For The General Public From Today
અયોધ્યા ગાઇડઆજથી સામાન્ય લોકો માટે ખૂલશે રામલલ્લાનાં દ્વાર:મંદિરમાં દર્શન માટે કોઈ રસીદ લેવી નહિ પડે, પણ આરતી માટે પાસ બનશે
- કૉપી લિંક

અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા બાદ હવે સામાન્ય લોકો પણ રામમંદિરનાં દર્શન કરી શકશે. પ્રાણપ્રતિષ્ઠાને કારણે અયોધ્યામાં બહારથી આવતા લોકોનો પ્રવેશ બંધ કરી દેવાયો હતો. હવે આ પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.
ભાસ્કર તમને જણાવી રહ્યું છે કે દર્શન માટે મંદિરના કપાટ ક્યારે ખૂલશે, દર્શન માટે જવાની પ્રક્રિયા શું હશે, મંદિરની અંદર શું લઈને જઈ શકાય છે. આ સિવાય અયોધ્યા કેવી રીતે જઈ શકાય અને ક્યાં રહી શકીએ.

અયોધ્યા જતાં પહેલાં આ સવાલના જવાબ જાણવા જરૂરી છે
1. સામાન્ય લોકો રામલલ્લાનાં દર્શન ક્યારે કરી શકે? જવાબ: આજે એટલે કે 23 જાન્યુઆરીથી સામાન્ય શ્રદ્ધાળુ રામલલ્લાનાં દર્શન કરી શકે છે. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે 15 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે 23 જાન્યુઆરીથી મંદિર દરેક રામભક્તો માટે ખુલ્લું રહેશે. 22 જાન્યુઆરીની રાત્રે નવા મંદિરમાં રામલલ્લાની પ્રથમ શયન આરતી થઈ હતી. આ પછી કપાટ બંધ કરી દેવામાં આવ્યા હતા. 23 જાન્યુઆરીએ ઉત્થાન આરતી પછી મંદિરના દ્વાર તમામ ભક્તો માટે ખૂલી ગયા છે.
2. મંદિર ખૂલવાનો અને બંધ થવાનો સમય શું હશે? જવાબઃ રામમંદિર સવારે 7થી 11:30 સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. આ પછી ભગવાનની મધ્યાન આરતી થશે. બપોરે લગભગ અઢી કલાક સુધી મંદિર ભોગ અને આરામ માટે બંધ રહેશે. બપોરે 2 વાગ્યે ફરી મંદિરના કપાટ ખૂલશે અને સાંજે 7 વાગ્યા સુધી રામલલ્લાનાં દર્શન થશે. જો કે ટ્રસ્ટ દર્શનનો સમય વધારવા વિચારી રહ્યું છે.
3. શું રામમંદિર જવા માટે પરવાનગી લેવી પડશે? જવાબ: ના, અહીં સામાન્ય મંદિરોની જેમ જ પ્રવેશ મળશે. જો કે આરતીમાં ભાગ લેવા માટે શ્રીરામમંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની ઓફિસમાંથી પાસ લેવાનો રહેશે. આધાર કાર્ડ બતાવીને તમને પાસ મળી જશે. હાલમાં એક સમયે માત્ર 30 લોકો જ આરતીમાં ભાગ લઈ શકશે.
4. રામલલ્લાનાં દર્શન માટે શું પૈસાની રસીદ લેવી પડશે? જવાબઃ રામમંદિરમાં દર્શન માટે કોઈ પૈસા નહીં લાગે. આ માટે કોઈ રસીદ લેવાની જરૂર રહેશે નહીં. સવારે મંગળા આરતી, મધ્યાન આરતી બપોરે અને સાંજની આરતીમાં હાજરી આપવા માટે પાસ લેવો જરૂરી રહેશે. ટ્રસ્ટે માર્ગદર્શિકા બહાર પાડી છે કે દર્શન માટે ભક્તો પાસેથી કોઈ ફી લેવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિ જલદી દર્શન કરાવવા પૈસા માગે તો ટ્રસ્ટની ઓફિસમાં ફરિયાદ કરી શકો છે.
5. મંદિરમાં શું લઈને જઈ શકાય અને શું નહીં? જવાબઃ રામમંદિરમાં સુરક્ષાના અનેક સ્તરો હશે. ભક્તોએ સેલફોન અને સ્માર્ટ વોચ જેવા ગેજેટ્સ, પેન પણ બહાર જમા કરાવવી પડશે. મંદિર પરિસરમાં કોઈપણ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુ લઈ જવા પર પ્રતિબંધ છે.
રામમંદિરના એન્ટ્રી પોઈન્ટથી થોડાં ડગલાં આગળ સુરક્ષા પોઈન્ટ બનાવાયો છે. આ પહેલાં લોકર રૂમ છે. આ લોકર રૂમમાં દર્શન પહેલાં મોબાઈલ અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જમા કરવામાં આવે છે.



6. રામલલ્લા માટે પ્રસાદ ક્યાંથી મળશે? જવાબઃ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના જણાવ્યા અનુસાર, રામમંદિરના લોકાર્પણ બાદ ભક્તો માટે પ્રસાદ સેવા પહેલાંની જેમ જ રહેશે. દર્શન બાદ ભક્તોને મંદિર તરફથી પ્રસાદ આપવામાં આવશે. બહારથી પ્રસાદ લાવીને ચડાવાની કોઈ વ્યવસ્થા નથી.
પ્રાણપ્રતિષ્ઠા પછી પણ મંદિરનું સંચાલન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સંભાળશે રામમંદિરમાં થતી દરેક પ્રવૃત્તિનું સંચાલન શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવશે. રામમંદિર પર કોર્ટના નિર્ણય બાદ ફેબ્રુઆરી 2020માં કેન્દ્ર સરકારે ટ્રસ્ટની રચના કરી હતી. ત્યારથી ટ્રસ્ટ મંદિરના નિર્માણથી લઈને ભગવાનની પ્રાણપ્રતિષ્ઠા સુધીની દરેક બાબતો પર નજર રાખી રહ્યું છે.
અયોધ્યા માટે 5 શહેરોથી ફ્લાઈટ, 116 બસો દોડે છે, 25 જાન્યુઆરી સુધી ટ્રેનો રદ્દ અયોધ્યા પહોંચવા માટે ફ્લાઈટ, ટ્રેન અને બસ ત્રણ રૂટ છે. રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં 30 ડિસેમ્બર, 2023થી અયોધ્યામાં મહર્ષિ વાલ્મિકી ઇન્ટરનેશનલ એરપોર્ટ કાર્યરત થઈ ગયું હતું. હાલમાં અયોધ્યાથી 24 ટ્રેનો દોડી રહી છે. જો કે, રેલવે સ્ટેશન પર ચાલી રહેલા કામને કારણે રેલવેએ 25 જાન્યુઆરી સુધી તમામ ટ્રેનો રદ કરી દીધી છે.


હવાઈ માર્ગ: દિલ્હી, મુંબઈ, અમદાવાદ, કોલકાતા અને બેંગલુરુથી ફ્લાઈટ્સ શરૂ મહર્ષિ વાલ્મિકી ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી, અમદાવાદ, મુંબઈ, કોલકાતા અને બેંગલુરુ માટે ફ્લાઈટ્સ શરૂ થઈ ગઈ છે. રામજન્મભૂમિથી એરપોર્ટ માત્ર 10 કિમી દૂર છે, એટલે કે રામલલ્લાનાં દર્શન કર્યા પછી અડધા કલાકમાં એરપોર્ટ પહોંચી શકાય છે. એરલાઇન કંપની ઇન્ડિગોએ આગામી 2 વર્ષમાં અયોધ્યા એરપોર્ટને દેશનાં 80 મોટાં શહેરો સાથે જોડવાનું લક્ષ્ય રાખ્યું છે.





રેલ રૂટ: આગામી 100 દિવસમાં 1000 ટ્રેનો દોડશે, જેમાં અમૃત ભારત અને વંદે ભારત સામેલ રેલવેએ અયોધ્યા માટે અમૃત ભારત અને વંદે ભારત ટ્રેનો શરૂ કરી છે. અમૃત ભારત એક્સપ્રેસ સોમવાર અને ગુરુવારે દોડશે. તે જ સમયે, વંદે ભારત એક્સપ્રેસ બુધવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે. દિલ્હી સુધી તેનું ભાડું ચેરકારમાં 1600 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ચેરકારમાં 2900 રૂપિયા છે.
ભવિષ્યમાં યાત્રાળુઓની સંખ્યામાં વધારો થવાને કારણે અહીંના અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. રેલવે આગામી 100 દિવસમાં 1000 ટ્રેનો દોડાવશે. રેલવે બોર્ડના ચેરપર્સન જયા વર્માએ ભાસ્કરને જણાવ્યું કે રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, મધ્યપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરથી અયોધ્યા માટે ટ્રેનો દોડશે.

રોડવેઝઃ અયોધ્યાથી 116 બસો દોડશે, દિલ્હી-લખનઉ સહિત 11 શહેરો માટે સીધી બસ સેવા અયોધ્યામાં બે બસ સ્ટેન્ડ છે. હાલ નવા બસ સ્ટેન્ડ પરથી બસો દોડતી નથી. ફૈઝાબાદ કેન્ટના જૂના બસ સ્ટોપ પરથી બસો ઉપલબ્ધ છે.
રામમંદિર લોકાર્પણ સમારોહ પહેલાં અયોધ્યા આવનારી બસો અંગે સ્ટેશન ઈન્ચાર્જ વિજય મિશ્રા કહે છે, 'હાલમાં ડેપો પાસે કુલ 116 બસો છે. જેમાં 112 સામાન્ય અને 4 એસી બસ છે. યુપીના વિવિધ શહેરો ઉપરાંત દિલ્હી સુધી જશે.
50 વર્ષથી વધુ જૂનું અયોધ્યા બસ સ્ટોપ દિલ્હી, કૌશામ્બી, લખનઉ, કાનપુર, કુશીનગર, આઝમગઢ, રાયબરેલી, પ્રયાગરાજ, ગોંડા, બસ્તી અને ગોરખપુર માટે સીધી બસ ચલાવે છે. કૌશામ્બી ડેપોની બસો દિલ્હી રૂટ પર દોડે છે. શહેરની અંદર જવા માટે સિટી બસો દોડી રહી છે.

રહેવા માટે હોટેલ અને ધર્મશાળા, ભાડું 100 રૂપિયાથી શરૂ રામમંદિરના લોકાર્પણના કારણે અયોધ્યાની મોટાભાગની હોટેલ બુક છે. શાન-એ-અવધ, પાર્ક ઇન, રામાયણ, રેડિસન, પંચશીલ, કોહિનૂર, રોયલ હેરિટેજ, ત્રિમૂર્તિ અને અવધ સનશાઇન જેવી મોટી હોટેલ્સમાં દરરોજનુ ભાડું 4 હજારથી 35 હજાર રૂપિયા સુધી છે.
પ્રાદેશિક પ્રવાસન અધિકારી આરપી યાદવ જણાવે છે, 'અયોધ્યા આવનારા લોકો માટે 175 હોટેલ અને ધર્મશાળાની વ્યવસ્થા કરવામાં આવી છે. ધર્મશાળામાં 100 રૂપિયામાં પણ રૂમ મળશે. યાત્રીઓ તેમની સગવડ અને બજેટ પ્રમાણે અહીં રહી શકે છે.'









રામ પથ, જન્મભૂમિ પથ અને ભક્તિ પથ, આ રામ સુધી લઈ જાય છે રામમંદિર સાથે કનેક્ટિવિટી વધારવા માટે 3 પથ - રામજન્મભૂમિ પથ, ભક્તિ પથ, રામપથ કોરિડોર બનાવવામાં આવ્યા છે. યુપી સરકાર પંચકોસી રોડને પણ પહોળો કરી રહી છે. તે અયોધ્યા શહેરના બહારના ભાગમાંથી પસાર થાય છે.
રામ પથઃ જો તમે લખનઉ-અયોધ્યા નેશનલ હાઈવેથી સીધા રામ જન્મભૂમિ મંદિર જવા ઈચ્છતા હોવ તો આ રસ્તો તમારા માટે યોગ્ય છે. રામ પથ સહાદતગંજથી નયા ઘાટ એટલે કે લતા મંગેશકર ચોક સુધી લગભગ 13 કિલોમીટર લાંબો છે.
ભક્તિ પથઃ આ રસ્તો રામ પથથી વચ્ચેથી કટ થઈ જાય છે. હનુમાનગઢી ત્રણ રસ્તાથી રામજન્મભૂમિ સુધી ભક્તિ પથ બની રહ્યો છે. તેની સૌથી ખાસ વાત એ છે કે રામલલ્લાનાં દર્શનની સાથે તમે હનુમાનગઢી, કનક ભવન અને દશરથ મહેલ પણ જઈ શકો છો.
જન્મભૂમિ પથઃ આ માર્ગ રામમંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર છે. આ 800 મીટર લાંબો માર્ગ બિરલા ધર્મશાળાથી શરૂ થાય છે અને રામ જન્મભૂમિ પરિસર સુધી જાય છે. આ માર્ગ પર ભક્તો માટે શેડ અને લોકરની સુવિધા છે. અહીંની દીવાલો રામાયણનાં પાત્રોથી કોતરેલી છે.
વિશેષ આગ્રહ: દિવ્ય ભાસ્કરના આ સમાચારને તમારા પરિવાર, પ્રિયજનો અને સોશિયલ ગ્રૂપમાં શેર કરો. રામમંદિરના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો- રામમંદિર વિશેષ
ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















