- Gujarati News
- Bhaskar khaas
- Ae zindagi
- Subhajit Karmakar Kolkata Health Tragedy: Wedding Day Medical Emergency
એ જિંદગીલગ્નના દિવસે આંતરડું ફાટ્યું, 5 મહિના ખુલ્લું રહ્યું પેટ:સૂપ પીધો તો છાતીએથી નીકળી ગયો, હનીમૂન પર પણ ન જઈ શક્યો
- કૉપી લિંક

દુર્લભ બીમારીઓની સિરીઝ 'એ ઝિંદગી'માં આજે કોલકાતાના જગદીશપુરમાં રહેતા 31 વર્ષના સુભજીત કરમાકરનું દર્દ. ભાસ્કર રિપોર્ટર નીરજ ઝાએ આ પૂરી કહાની સાંભળી અને તેમના શબ્દોમાં આબેહૂબ તમારી સામે રજૂ કરી છે…
'6 માર્ચ 2022ની સાંજ. કોલકાતાના એક બેન્ક્વેટ હોલમાં અમારા લગ્નની પાર્ટી ચાલી રહી હતી. મહેમાનોની ભીડ હતી. બધા અભિનંદન આપી રહ્યા હતા, ફોટો પડાવી રહ્યા હતા. કોઈ કવર આપી રહ્યું હતું, તો કોઈ ગિફ્ટ. સામે આખો પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રો ગીતોના તાલે ઝૂમી રહ્યા હતા. આ દરમિયાન, મારા પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો.
જેમ-જેમ સમય વિતતો ગયો, દુખાવો વધતો જતો હતો. મારે બસ સહન કરવાનું હતું, ન કરતો તો બધાની મજા બગડી જાત.
રાત્રે આશરે 1 વાગ્યે પાર્ટી પૂરી થઈ. 2 વાગ્યે અમે ઘરે પહોંચ્યા. પોતાના રૂમમાં જતાં જ હું દર્દના માર્યો પલંગ પર ઢળી પડ્યો. હું પરસેવે રેબઝેબ હતો. પત્ની ગભરાઈ ગઈ. વારંવાર પૂછવા લાગી- શું થયું?
મેં કણસતા કહ્યું- દુખાવો ખૂબ જ વધારે છે. કબાટમાં દવા રાખી છે, આપી દે. પત્નીએ તરત જ ટેબ્લેટ કાઢીને આપી. મેં દવા તો ખાધી, પણ કોઈ અસર ન થઈ. આખી રાત તડપતા ક્યારેક પલંગ પર સૂતો, તો ક્યારેક રૂમમાં ચાલતો. મારા લગ્નની પહેલી રાત આમ જ વીતી ગઈ.
સવારે 7 વાગતા જ અમે બંને ડોક્ટર પાસે પહોંચ્યા. તેમણે સીટી સ્કેન કરાવવા કહ્યું. રિપોર્ટ જોઈને ડોક્ટરે કહ્યું- ‘ફેટી લિવર છે. એ જ કારણે દુખાવો થઈ રહ્યો છે. બાફેલું અને હળવું ખાવાનું ખાજો.' તેમણે કેટલીક દવાઓ આપી અને કહ્યું- આરામ થઈ જશે.
બે-ત્રણ દિવસ તો રાહત મળી, પરંતુ કંઈક ખાતાં જ ગળામાં અજીબ દર્દ થતું. એવું લાગતું કે જાણે ગળામાં કોઈ ખરબચડી વસ્તુ ઘસાઈને નીચે જઈ રહી હોય. દરેક કોળિયા સાથે દર્દ અને બળતરા વધતી જતી હતી.

એક અઠવાડિયા પછી ફરી સખત દુખાવો ઉપડ્યો. ઊભા રહેવું, બેસવું, અરે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો. અમે બંને મોડું કર્યા વગર બીજા ડોક્ટર પાસે પહોંચ્યા.
ડોક્ટરે અનેક ટેસ્ટ કરાવ્યા અને જણાવ્યું કે મારું મોટું આંતરડું 6-7 જગ્યાએથી ફાટી ગયું છે. તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે. સર્જરીમાં વિલંબ થશે તો ઈન્ફેક્શન ફેલાઈ જશે. જીવનું જોખમ પણ થઈ શકે છે.
બે દિવસ પછી અમે હનીમૂન માટે મનાલી જવાના હતા. પરંતુ આખો પ્લાન ચોપટ થઈ ગયો.
ડોક્ટરની કેબિનમાંથી બહાર નીકળતી વખતે મારી નજર પત્ની મોમિતા પર પડી. તે શાંત હતી, પરંતુ તેની આંખોમાં ગભરાટ સાફ દેખાતો હતો. બીમારી કરતાં પણ વધુ ડર તેના તૂટતા સપનાનો હતો.
ત્યારે પત્નીએ મારો હાથ મજબૂતીથી પકડ્યો અને બોલી- જ્યારે સર્જરી જ એકમાત્ર રસ્તો છે, તો તાત્કાલિક કરાવી લો. ફરવા પછી ક્યારેક જઈશું.
સર્જરીનો ખર્ચ 5 લાખ રૂપિયા હતો. લગ્નમાં જ 15-20 લાખ રૂપિયા વપરાઈ ગયા હતા. બચત પણ ખૂબ ઓછી વધી હતી, તેથી મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને હોસ્પિટલમાં જમા કરાવ્યા.
મને તરત જ ઓપરેશન થિયેટરમાં લઈ ગયા. એનેસ્થેસિયા આપ્યું. રાત્રે જ્યારે ભાનમાં આવ્યો, તો સૌથી પહેલાં નજર છાતી અને પેટ પર પડી. પેટ ખુલ્લું હતું, તેને કવર કરવા માટે એક બેગ જેવું કંઈક લગાવેલું હતું.
મેં જોતાં જ ડોક્ટરને પૂછ્યું- શું સર્જરી પૂરી નથી થઈ? પેટ પર આ શું લગાવી દીધું.
તેમણે જણાવ્યું કે આંતરડાંની સાથે-સાથે અન્નનળી પણ ફાટી ગઈ હતી, તેથી તેની પણ સર્જરી કરવી પડી. આંતરડાને જોડવા માટે પહેલાં સર્જિકલ સ્ટેપલ લગાવ્યા. પછી મેડિકલ સ્યૂચર (ટાંકા) લીધા, પરંતુ અંદરનું પડ એટલું પાતળું થઈ ગયું હતું કે ટાંકા ટકી જ શક્યા નહીં. આંતરડાં વારંવાર ફાટી રહ્યા હતા. આંતરડાં પર દબાણ ન પડે, તેથી પેટ પર સ્ટૂલ બેગ લગાવી છે. આનાથી જ સ્ટૂલ એટલે કે મળ પાસ થશે.
જ્યાં સુધી આંતરિક ઘા રૂઝાઈ ન જાય, ત્યાં સુધી ખાવાનું પણ ફીડિંગ ટ્યુબથી આપવામાં આવશે. ચાર-પાંચ મહિનામાં ઘા સૂકાઈ જશે. ત્યારે પેટ અને અન્નનળીની સર્જરી થશે.

હોસ્પિટલનો ખર્ચ ખૂબ જ વધારે હતો, તેથી ઘરે આવી ગયો. દરરોજ એક નર્સ ઘરે આવીને ડ્રેસિંગ કરતી હતી. તેમાં રોજનો 3-5 હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો.
5 મહિના પછી એટલે કે 15 ઑગસ્ટે હું ડોક્ટરને બતાવવા ગયો. તેમણે ઘા જોઈને કહ્યું- હવે ટાંકા આવી શકે છે. ફરી દાખલ થઈ જાઓ.
આ વખતે સર્જરીનો ખર્ચ 30 લાખ રૂપિયા હતો. આ સાંભળતાં જ હું ગભરાઈ ગયો. 5 મહિનાથી બેડ પર હતો. કોઈ કમાણી નહોતી. આખરે ક્યાંથી લાવું આટલા પૈસા. ત્યારે પત્નીએ કહ્યું કે તે પોતાના બધા ઘરેણાં વેચી દેશે. મિત્રોએ પણ ક્રાઉડફંડિંગથી 10 લાખ રૂપિયા એકઠા કર્યા. બાકીની રકમની વ્યવસ્થા ઉધાર લઈને કરી.
ડોક્ટરે સર્જરી કરી. અન્નનળી અને પેટની સર્જરી કરીને ટાંકા લીધા. એક-બે દિવસ પછી વૉશરૂમ ગયો, તો કુદરતી રસ્તેથી સ્ટૂલ પાસ થયું. ત્યારે મોમિતા હોસ્પિટલમાં નહોતી. મેં મેસેજ કરીને તેને જણાવ્યું કે હવે હું સાજો થઈ ગયો છું.
આશરે બે કલાક પછી હોસ્પિટલના સ્ટાફે પૂછ્યું- ખાવામાં કંઈ લેશો? મેં સૂપ ઓર્ડર કર્યો. જેવો સૂપ પીધો કે તરત છાતીની ઉપર કંઈક ભીનું-ભીનું અનુભવાયું. હું હેરાન થઈ ગયો. સૂપ પીધો મોંમાંથી, આ પેટ અને છાતી પર ક્યાંથી આવી ગયો!
નર્સે તરત જ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે સ્ટાફને કહ્યું- ઓપરેશન થિયેટરમાં લઈ જાઓ. ટાંકા ઊખડી ગયા છે. આંતરડું ફાટી ગયું છે, તેથી તાત્કાલિક સર્જરી કરવી પડશે.
ડોક્ટરોએ ફરીથી ઓપરેશન કર્યું, પરંતુ શરીરના ટિશ્યૂ એટલા નબળા પડી ચૂક્યા હતા કે ટાંકા ટકી જ શક્યા નહીં. તમામ પ્રયાસો છતાં, તેમણે સર્જરી અધવચ્ચે જ છોડવી પડી.
જ્યારે ભાનમાં આવ્યો, તો જોયું પેટ પહેલાની જેમ ખુલ્લું હતું. આંતરડાં દેખાઈ રહ્યા હતા. પછીથી એક ખાસ બેગ મારા પેટ પર લપેટી દીધી, જેથી ઈન્ફેક્શન ન થાય. મારી હાલત બગડતી જતી હતી. બ્લડ પ્રેશર ઘટીને 45/80 સુધી પહોંચી ગયું.
ડોક્ટરે પત્નીને કહી દીધું કે બચવાની આશા ઓછી છે. કંઈ પણ થઈ શકે છે. છતાં પત્ની અને પપ્પા બંનેએ આશા ન છોડી. કોલકાતાની ઘણી મોટી હોસ્પિટલોમાં રિપોર્ટ બતાવ્યા. બધાનું એ જ કહેવું હતું કે આવા કિસ્સાઓમાં માત્ર 20-30 ટકા લોકો જ સાજા થઈ શકે છે.
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ ન જાણે કેટલાય શહેરોના ડોક્ટરોને કોલ કર્યા. કેસ સમજાવ્યો, પણ બધાએ ના પાડી દીધી. આખરે હૈદરાબાદની AIG હોસ્પિટલના ડોક્ટરોને રિપોર્ટ મોકલ્યા. તેમણે કહ્યું- વચન નથી આપી શકતા, પણ પૂરો પ્રયાસ કરીશું.
ત્યારબાદ અમે હૈદરાબાદ પહોંચ્યા. આશરે 30 દિવસ સુધી તપાસ ચાલી. એક ડોક્ટરે મારી સ્કિન જોઈને કહ્યું- જેનિટિક ટેસ્ટ કરાવવો પડશે. 5 દિવસ પછી ખબર પડી કે મને વસ્કુલર એહલર્સ-દાનલોસ સિન્ડ્રોમ (vEDS) છે. ડોક્ટરે કહ્યું- આ બીમારીના કારણે જ આંતરડાં વારંવાર ફાટી રહ્યા છે અને ટાંકા પણ ઊખડી રહ્યા છે.
આ પછી 14 ડોક્ટરોની ટીમે 8 કલાક સર્જરી કરી. ઓપરેશન સફળ રહ્યું, પરંતુ સાડા ત્રણ મહિના સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. પૈસા પૂરા થઈ ગયા. પપ્પાએ મજબૂરીમાં 3.5 વીઘા જમીન માત્ર 50 લાખ રૂપિયામાં વેચી દીધી, જેની કિંમત આજે 4 કરોડથી વધુ છે.
ત્રણ વાર સર્જરી અને હોસ્પિટલના તમામ ખર્ચા મળીને અત્યાર સુધીમાં આશરે સવા કરોડ રૂપિયા ખર્ચાઈ ચૂક્યા છે. મારા પર હજુ પણ 8 લાખ રૂપિયાનું દેવું છે. એક સર્જરી બાકી છે, જેમાં 50 લાખ રૂપિયા બીજા લાગશે. ત્યાં સુધી સ્ટૂલ બેગ લગાવીને જ રહેવું પડશે.
આ બીમારીએ મારી પાસેથી સુહાગરાત, રોમાન્સ, હનીમૂન… બધું જ છીનવી લીધું. દર અઠવાડિયે હોસ્પિટલ જવું, ચેકઅપ કરાવવું, ડ્રેસિંગ કરાવવું, આ જ મારી જિંદગી છે. બધું ખોઈ ચૂક્યો છું, પણ જીવવાની હિંમત છે. પોતાને સંભાળવા માટે પુસ્તકો વાંચું છું. પરંતુ બીમારી પહેલાં મારી જિંદગી આવી નહોતી.
2016માં કમ્પ્યુટર સાયન્સથી B.Tech કર્યા પછી હું નોકરી માટે બેંગલુરુ ગયો હતો. બધું સારું ચાલી રહ્યું હતું, ત્યારે કોરોનાના કારણે કોલકાતા પાછા ફરવું પડ્યું. અહીંથી જ વર્ક ફ્રોમ હોમ કરતો રહ્યો. પછી 2022માં મોમિતા સાથે લવ મેરેજ કરી લીધા.
અમે બંને એકબીજાને બાળપણથી ઓળખતા હતા. સાથે ભણ્યા હતા. કદાચ, એટલે જ મુશ્કેલ સમયમાં પણ તે મારો હાથ પકડીને ઊભી છે. બીમારીના કારણે નોકરી છૂટી ગઈ, પણ મોમિતાએ મને હિંમત આપી. આખરે મને એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ છે, જેનાથી હવે ઘરખર્ચ ચાલી રહ્યો છે.
જોકે, મને તેની ખૂબ ચિંતા થાય છે. વિચારું છું, તેના પર શું વીતતી હશે. સગા-સંબંધીઓ પણ તેને મેણાં મારે છે. કહે છે- કેવી કિસ્મત લઈને આવી છે, લગ્ન થતાં જ પતિને હોસ્પિટલ પહોંચાડી દીધો!

જો મને મારી બીમારી વિશે થોડી પણ ખબર હોત તો લગ્ન ન કરત. ઓછામાં ઓછું મારી સાથે તેની જિંદગી તો બર્બાદ ન થાત. મેં તેને ઘણી વાર કહ્યું, તું ઇચ્છે તો બીજા લગ્ન કરી લે. તે હંમેશા ના પાડી દે છે.
આ બીમારી પહેલાં હું દરરોજ જીમ જતો હતો, દોડતો હતો. વજન પણ 72 કિલો હતું, પરંતુ બીમારીના કારણે ઘટીને 37 કિલો થઈ ગયું છે. મારો જૂનો ફોટો જોઈને કોઈ ઓળખી પણ નહીં શકે.'
સુભજીત પોતાનું દર્દ વ્યક્ત કરી રહ્યા હતા, ત્યાં જ રૂમમાં એક વૃદ્ધ વ્યક્તિ આવે છે.
સુભજીત જણાવે છે- આ મારા પપ્પા છે. એમનું નામ રવીન્દ્ર નાથ કરમાકર છે.
રવીન્દ્ર પુત્ર સામે જોતાં કહે છે- જ્યારે આ પાંચ વર્ષનો હતો, ત્યારે જ એની માતા ગુજરી ગઈ. બે વર્ષ પછી મોટા દીકરાને સખત તાવ આવ્યો અને અચાનક એનું મોત થઈ ગયું. આજ સુધી ખબર ન પડી કે એનું મોત કઈ બીમારીથી થયું.
ત્યારે હું કોલકાતામાં બાટા ઇન્ડિયામાં ક્લાર્ક હતો. પત્નીના ગયા પછી ઘરમાં સુભજીતની સંભાળ રાખનાર કોઈ નહોતું બચ્યું, તેથી નોકરી છોડવી પડી.
લગ્ન પછી જ્યારે એની બીમારી સામે આવી અને એક પછી એક સર્જરી થવા લાગી, તો મન ગભરાવા લાગ્યું. ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે ગમે તેમ કરીને મારો દીકરો સાજો થઈ જાય.
સુભજીતની કહાની સાંભળ્યા પછી ભાસ્કર રિપોર્ટર નીરજ ઝા કોલકાતા સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાઇલ્ડ હેલ્થના જેનિટિક ડિપાર્ટમેન્ટ પહોંચ્યા. ત્યાં ડિપાર્ટમેન્ટ હેડ ડો. દિપાંજના દત્તા સાથે મુલાકાત કરી.
ડો. દત્તાને સુભજીતની બીમારી વિશે જણાવ્યું. તેમણે કહ્યું કે એહલર્સ-દાનલોસ સિન્ડ્રોમ (EDS)નો જ એક પ્રકાર 'વેસ્ક્યુલર EDS' છે.
આ એક જેનિટિક બીમારી છે. શરીરના COL3A1 જીનમાં ખામીના કારણે યોગ્ય માત્રા કે ગુણવત્તામાં 'કોલેજન' બની શકતું નથી. જેમ ઘરને જોડવા અને મજબૂત બનાવવા માટે સિમેન્ટની જરૂર હોય છે, તેમ જ શરીરની કોશિકાઓ અને અંગોને મજબૂતી આપવા માટે કોલેજન નામનું પ્રોટીન જરૂરી છે.

આ બીમારીમાં ત્વચા ખૂબ જ પાતળી, લચીલી અને નાજુક થઈ જાય છે. બ્લડ પ્રેશર થોડું પણ વધવા પર નસો ફાટવાનું જોખમ રહે છે. વેસ્ક્યુલર EDSમાં આંતરડાં ફાટી જાય છે.
આ બીમારીમાં સ્નાયુઓ અને ટિશ્યૂ એટલા પાતળા થઈ જાય છે કે કાગળની જેમ ફાટવા લાગે છે. સર્જરી દરમિયાન કે પછી ટાંકા ટકી શકતા નથી. ઘા મોડેથી રૂઝાય છે.
બાળપણમાં આ બીમારીના લક્ષણો સાફ દેખાતા નથી. જેમ-જેમ બાળક મોટું થાય છે, શરીર લચીલું થવા લાગે છે. પાચનને લગતી સમસ્યાઓ વધતી જાય છે. ઉંમરની સાથે-સાથે આ બીમારી આખા શરીરમાં ફેલાઈને જીવલેણ રૂપ લઈ લે છે.
આ બીમારી માતા-પિતામાંથી બાળકમાં ઓટોસોમલ ડોમિનેન્ટ પેટર્નથી આવે છે. આપણા શરીરમાં દરેક જીનની બે કોપી હોય છે. એક કોપી માતા અને બીજી પિતા પાસેથી મળે છે. 'ડોમિનેન્ટ' બીમારીનો અર્થ એ છે કે જો બાળક માતા કે પિતામાંથી કોઈ એક પાસેથી પણ પ્રભાવિત COL3A1 જીન મેળવે છે, તો તેને આ બીમારી થઈ શકે છે.
જો માતા કે પિતામાંથી કોઈ એકને ‘વસ્કુલર EDS’ હોય, તો તેમના દરેક બાળકમાં આ બીમારી ટ્રાન્સફર થવાનું જોખમ 50 ટકા રહે છે.
વિશ્વભરમાં આશરે 2 લાખ લોકોમાંથી માત્ર 1 વ્યક્તિને આ બીમારી થાય છે. વર્તમાનમાં તેની કોઈ જીન થેરાપી કે કાયમી સારવાર નથી

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















