Mon, Nov 16, 2026Updated 02:20 PM IST
Google Preferred Source CTA

એ જિંદગી
'ચહેરા પર માંસના લોચા જોઈ લોકોએ ભૂત કહ્યો':માતાએ કહ્યું- ખબર નહીં કયું પાપ કર્યું હતું, જે આ અજૂબો જન્મ્યો; મરશે ત્યારે જ આ આફત ટળશે

4 મહિનો પેહલાલેખક: નીરજ ઝા
  • કૉપી લિંક

ઉપર તમે જે તસવીર જોઈ, તેમનું નામ મિથુન ચૌહાણ છે. ઉંમર 29 વર્ષ. જે કોઈ તેમને પહેલી વાર જુએ છે, તે ડરી જાય છે. લોકો તેમને ભૂત અથવા જાનવર કહે છે.

.

દુર્લભ બીમારીઓની સિરીઝ ‘એ જિંદગી’ માટે આ વખતે તેમની જ શોધ છે. તેમના ગામનું નામ તો ખબર છે, પરંતુ પૂરું સરનામું અમને ખ્યાલ નહોતો.

હું, નીરજ ઝા આ જ શોધમાં પટનાથી આશરે 150 કિલોમીટર દૂર નવાદા જિલ્લાના નારદીગંજ બ્લોક પહોંચ્યો છું...

હું મોબાઇલ પર મિથુનની તસવીર બતાવતા લોકોને તેમના ઘરનો રસ્તો પૂછું છું. જે તેમને નથી ઓળખતા તે તસવીર જોતા જ ડરી જાય છે. કહેવા લાગે છે- ‘અરે ભાઈ, આ કોનો ફોટો બતાવી રહ્યા છો. અડધી રાત્રે કોઈ આને જોઈ લે તો ડરના માર્યા હાર્ટ એટેક આવી જાય.’

હું ધીમે-ધીમે મિથુનના ગામ તિલકચકની નજીક પહોંચ્યો. અહીં જેને પણ ફોટો બતાવું છું- તે તરત જ બોલી ઊઠે છે- ‘આ તો મિથુન છે. અવારનવાર લોકો આનો વીડિયો બનાવવા આવતા રહે છે.’ પછી હાથથી ઈશારો કરતા કહે છે- ‘અહીંથી 5 કિલોમીટર સીધા ચાલ્યા જજો. કોઈને પણ પૂછશો એટલે બધા મિથુનનું ઘર બતાવી દેશે.’

થોડી જ વારમાં મારી ગાડી એક ઘરની આગળ રોકાઈ. બહાર જ કેટલીક મહિલાઓ અને પુરુષો બેઠા છે. હું એક વૃદ્ધ મહિલાને તસવીર બતાવું છું.

તે તરત જ બોલી ઊઠે છે- ‘આ તો મારો દીકરો મિથુન છે.’ પૂછવા પર તે પોતાનું નામ બચિયા દેવી જણાવે છે. હું જેવો તેમને મારો પરિચય આપું છું, તે કહેવા લાગે છે- ‘પહેલાં પણ તમારા જેવા ઘણા લોકો આવ્યા. તમે પણ શું જ કરી લેશો. બેસી જાઓ અહીં જ, થોડી વારમાં મિથુન આવતો જ હશે.’

થોડી વાર પછી, એક વ્યક્તિ આ જ ઘર તરફ આવતો દેખાય છે. જેમ-જેમ તે નજીક આવી રહ્યો હતો, તેનો ચહેરો ઘણો અજીબ દેખાઈ રહ્યો હતો.

તે હસતા હસતા કહે છે- ‘તમે મને જોઈને ડરી તો નથી ગયા ને! અહીં જે પણ આવે છે, મને જોઈને ડરી જ જાય છે. શું કરું, બીમારી જ એવી છે.’

જે ફોટો મારી પાસે છે, મિથુનનો ચહેરો તેનાથી થોડો અલગ છે. હું તેમને બતાવું છું તો તે કહે છે- ‘એક વાર મારી સર્જરી થઈ છે. ત્યાર પછી ચહેરો થોડો બદલાઈ ગયો છે.’

સર્જરી પછી મિથુન આવા દેખાય છે...
સર્જરી પછી મિથુન આવા દેખાય છે...

હું જેવો કેમેરો બહાર કાઢું છું, બચિયા દેવી કહે છે- ‘હવે આ બધાથી કંઈ થવાનું નથી. કેટલાય લોકો વીડિયો બનાવીને લઈ ગયા. અમને ફૂટી કોડી પણ ન આપી. હવે તમે પણ વીડિયો બનાવશો.’

‘આ તો પોતાની બીમારીને કફનની જેમ ઓઢીને જેમ-તેમ જીવી રહ્યો છે. મરશે ત્યારે જ આ આફત ટળશે. ભલા આ કોઈ જિંદગી છે એની? 5 લાખ રૂપિયા અપાવી દો, તો આ કંઈક કરી લેશે. ઓછામાં ઓછી પોતાની એક નાની-મોટી દુકાન જ ખોલી લેશે.’

‘આનો ચહેરો જોઈ રહ્યા છો ને, લગ્ન-પ્રસંગની વાત વિચારવી પણ ગુનો છે. ખબર નથી કયું પાપ કર્યું હતું, જે આવો અજૂબો મારા ઘરે જન્મ્યો છે. બધો કિસ્મતનો વાંક છે.’

આટલું સાંભળતા જ આસપાસ બેઠેલા લોકો કહે છે- ‘મિથુનિયો હવે મિથુન ચક્રવર્તી બની જશે. આ વખતે વીડિયો બનશે તો દિલ્હીથી પૈસા આવશે.’ આટલું સાંભળતા જ મિથુન ગુસ્સે થઈને ઘરની અંદર ચાલ્યો ગયો અને માથું પકડીને સીડી પર બેસી ગયો.

મિથુનનો ચહેરો જગ્યાએ-જગ્યાએથી કપાયેલો છે. શરીર પર ખાડા પણ છે. ચહેરા પર જે માંસ લટકી રહ્યું હતું, તેને સર્જરીમાં કાપીને કાઢી નાખવામાં આવ્યું છે. જો કે સર્જરી પછી પણ ચહેરો સામાન્ય લોકો જેવો નથી.

થોડી વાર પછી મિથુન કહે છે- ‘હું એટલે જ તમને બોલાવવા નહોતો માંગતો. જ્યારે પણ કોઈ આવે છે ત્યારે આ લોકો આવી જ રીતે મારી મજાક ઉડાવે છે. કહેવા લાગે છે- “આટલા બધા લોકો વીડિયો બનાવવા માટે આવે છે, પૈસા તો મળતા જ હશે. તને પૈસાની શું કમી છે, નકામો મજૂરી કરવા જાય છે.’

‘જુઓ પગમાં સિમેન્ટ લાગેલી છે. મજૂરીનું કામ કરી રહ્યો હતો. તમારો ફોન આવ્યો, એટલે જમવાનું બહાનું કાઢીને ઘરે આવ્યો છું. મોબાઈલ છે, પણ લોકેશન મોકલતા નથી આવડતું. કોઈને કહેત તો આ લોકો ફરી મજાક ઉડાવત. એટલા માટે જ તમને કહ્યું હતું- આ વિસ્તારમાં કોઈને પણ મારો ફોટો બતાવશો, તે સરનામું બતાવી દેશે.’

‘સાહેબ, મારો ચહેરો જોઈને તો લોકોને સુગ ચડે છે. મારા મોંમાંથી સતત લાળ ટપકતી રહે છે, કારણ કે મોં પૂરેપૂરું બંધ નથી થતું. કદાચ, ડોક્ટરે ચહેરાનું માંસ વધારે કાપી નાખ્યું, એટલે મોં ખેંચાયેલું રહે છે.’

‘લોકો કહે છે કે તું અપશુકનિયાળ છે, એટલે જ ભગવાને આવું મોઢું આપ્યું છે. તમે જ જણાવો, મારો શું વાંક છે? બાળપણમાં મારી સાથે શું થયું, કોને ખબર. 10-12 વર્ષનો હતો, ત્યારે અરીસામાં પોતાનો ચહેરો જોઈને ડરી જતો હતો. ભાઈઓને જોતો, તો તે ખડતલ અને સુંદર દેખાતા હતા. હું ન તો મારો ચહેરો સરખી રીતે ધોઈ શકતો હતો અને ન તો તેના પર હાથ ફેરવી શકતો હતો.’

‘આખા શરીર પર માંસના મોટા-મોટા લોચા હતા. ચહેરા પર ન તો આંખની ખબર પડતી હતી, ન તો મોંની. શ્વાસ પણ નહોતો લઈ શકતો. નજર પણ નબળી થઈ ગઈ હતી. રાત્રે સૂતો હતો, તો 10 ઘર સુધી મારા નસકોરાનો અવાજ જતો હતો. જે પણ રાત્રે આ રસ્તેથી પસાર થતું, તે ડરી જતું હતું.’

‘એક વારની વાત છે. સવારના 5 વાગ્યા હશે. હું ભાઈઓ સાથે કેરી તોડવા માટે ખેતરમાં ગયો હતો. ત્યાં જેવી કેટલાક લોકોની નજર મારા પર પડી કે તેઓ ભૂત, ભૂત કહીને બૂમો પાડવા લાગ્યા. ડરના માર્યા ઝડપથી ભાગ્યા અને એક મોટા ખાડામાં જઈ પડ્યા. તે દિવસથી આજ સુધી હું વહેલી સવારે ઘરેથી નીકળતો નથી.’

‘બાળકો તો મારી પાસે આવતા જ નથી. કોઈ ભૂત-પ્રેત તો કોઈ શેતાનનું બાળક કહે છે. પડોશીઓ કહે છે- ઘરમાં જ રહ્યા કર. બાળકો તને જોઈને ડરી જાય છે અને દિવસભર ખાવાનું નથી ખાતા.’

‘હું પણ શાળાએ જતો હતો. પરંતુ જ્યારે બીમારીના કારણે મારો ચહેરો બગડવા લાગ્યો, ત્યારે એક દિવસ મેડમે મને બહુ માર્યો. હકીકતમાં તો, ક્લાસના બાળકોએ ફરિયાદ કરી હતી કે તેઓ મને જોઈને ડરે છે. અહીં સુધી કે તેમના ઘરના લોકોએ પણ હેડમાસ્ટરને કહી દીધું હતું- આને શાળામાંથી કાઢી મૂકો, અમારા બાળકો આને જોઈને રાત-રાતભર સૂઈ શકતા નથી.’

‘મેડમે કહ્યું- તારા લીધે બાકીના બાળકો શાળાએ આવવાનું છોડી દેશે. તું તારો ચહેરો અરીસામાં જોવે છે, જઈને જો, કેવો ડરામણો છે. હવે શાળાએ ન આવતો. ત્યારથી જ શાળાએ જવાનું છોડી દીધું. માત્ર પાંચમા ધોરણ સુધી જ ભણી શક્યો.’

‘ઘરમાં જ બંધ રહેતો હતો. પપ્પા સાથે ક્યાંય જતો તો લોકો મને જોઈને રસ્તો બદલી લેતા હતા. હવે ઘરના લોકો મને ક્યાંય નથી લઈ જતા, ન તો કોઈ સગા-સંબંધીને ત્યાં, ન તો ગામમાં. સાંજે બહાર ક્યાંય રમવા માટે જતો, તો બાળકો ભાગી જતા. મારા ઘરે આવીને કહેતા- આને બહાર ન મોકલતા. બધા લોકો મને જોઈને એટલા ડરતા હતા કે ધીમે-ધીમે મારો પણ ક્યાંય જવાનો જીવ ન રહ્યો.’

‘ધીમે-ધીમે જ્યારે ચહેરા પર માંસના લોચા મોટા થવા લાગ્યા, ત્યારે દુખાવો વધવા લાગ્યો. સરખી રીતે ખાઈ પણ નહોતો શકતો. દિવસભર કણસતો રહેતો. 15-16 વર્ષનો થયો, એટલે ઘરના લોકોએ પૈસા આપવાનું બંધ કરી દીધું. બીમારીમાં ભલા કોણ કોનું થાય છે? વિચાર્યું કે કામ-ધંધો કરીશ, ત્યારે જ બે રોટલી મળશે. અમારી આસપાસના લોકો ઘર બનાવવાનું કામ કરે છે. તેમની પાસે કામ માંગવા ગયો, તો તેઓ બોલ્યા- તારું મોઢું જોવા જેવું નથી, ઘરે જ બેસી રહે.’

‘2016-17ની વાત છે. ત્યારે અહીં ઝૂંપડી હતી. ભાઈઓએ કહ્યું- ઘર બનાવી લઈએ છીએ, આના હિસ્સાનું ખાલી ખેતર છોડી દઈએ છીએ. ઘર બનવાનું શરૂ થયું એટલે કેટલાક કડિયા બહારથી કામ માટે આવ્યા.’

‘જ્યારે તેમણે મને જોયો તો બીજા શહેરોમાં મારા વિશે જણાવ્યું. કહ્યું- ત્યાં ભૂત જેવો એક છોકરો રહે છે. ધીમે-ધીમે આ વાત બધી જગ્યાએ ફેલાઈ ગઈ. એક દિવસ શહેરમાંથી એક વ્યક્તિ આવ્યો. તેણે મારો ફોટો પાડ્યો અને લઈ ગયો. થોડા દિવસ પછી તે ફરી આવ્યો અને પપ્પાને કહ્યું- આને મોટી બીમારી છે. આ બીમારીની કોઈ સારવાર નથી, પરંતુ સર્જરીથી થોડી રાહત મળી શકે છે. તે વ્યક્તિ કોઈ સંસ્થાના માધ્યમથી મારી મદદ માટે આવ્યો હતો.’

મિથુન હોસ્પિટલની એક ચિઠ્ઠી બતાવતા કહે છે, ‘આમાં વાંચી લો, મારી બીમારીનું નામ લખ્યું છે. મારાથી તો વાંચતા પણ નથી આવડતું.’ ચિઠ્ઠીમાં બીમારીનું નામ લખ્યું છે ન્યૂરોફાઇબ્રોમેટોસિસ.

મિથુન આગળ જણાવે છે કે પહેલાં તો પપ્પા સારવાર માટે તૈયાર ન થયા. કહેવા લાગ્યા- ‘જ્યારે સારવાર જ નથી, તો સર્જરી કરાવીને શું કરીશું? ક્યાંક આને કંઈક થઈ ગયું તો.’ તે વ્યક્તિના ઘણું સમજાવ્યા પછી પપ્પા માન્યા.

‘ત્યારે તે વ્યક્તિ મને અને પપ્પાને પ્લેનથી બેંગલુરુ લઈ ગયો. ત્યાં મને એક હોસ્પિટલમાં દાખલ કર્યો. ત્યાર પછી શું થયું, કંઈ ખબર નથી.’

‘પછીથી પપ્પાએ જણાવ્યું કે ડોક્ટરોએ લોહીની તપાસ કરાવી અને પછી ઓપરેશન માટે લઈ ગયા. અંદાજે 10 કલાક પછી હું બહાર આવ્યો તો આખા શરીર પર પટ્ટીઓ વીંટાળેલી હતી. કેટલાય દિવસો સુધી હું બેભાન રહ્યો. ડોક્ટર આવીને રોજ પટ્ટીઓ બદલતા હતા. આ સિલસિલો એક-બે મહિના સુધી ચાલ્યો.’

‘ત્યાર પછી અમે ટ્રેનથી ગામ પાછા આવી ગયા. તે વ્યક્તિ કોણ હતો, સારવારમાં કેટલા પૈસા લાગ્યા, અમને કંઈ જ ખબર નથી.’

‘આવતા 6-8 મહિનામાં બધા ઘા સુકાઈ ગયા. ડોક્ટરોએ ચહેરા પરથી માંસના લોચા કાપીને હટાવી દીધા હતા. પરંતુ મારો ચહેરો પૂરી રીતે બદરંગ થઈ ચૂક્યો હતો. શરીર પર જગ્યાએ-જગ્યાએ ખાડા પડી ગયા હતા. આ જ કારણે મારા લગ્ન ન થઈ શક્યા. ઘરના લોકો પણ નથી ઇચ્છતા કે મારું ઘર વસે. તેઓ બસ મારા મરવાની રાહ જોઈ રહ્યા છે, જેથી મારા હિસ્સાની જમીન બાકીના ભાઈઓમાં વહેંચાઈ જાય.’

‘કપડાંના નામે મારી પાસે એક જીન્સ, એક હાફ-પેન્ટ, ટી-શર્ટ અને એક શર્ટ છે. આ ઘરમાં મારો કોઈ હિસ્સો નથી. ઘર પણ પપ્પા અને ભાઈઓએ મળીને બનાવ્યું છે. ભાઈઓના લગ્ન થયા તો મને કોઈ લઈ ન ગયું. બસ કોઈ ખાવાનું આપી દેતું તો હું ખાઈ લેતો હતો.’

‘સાહેબ! શું કોઈ મારી પ્લાસ્ટિક સર્જરી ન કરાવી શકે? લોકો કહે છે કે તેનાથી ચહેરો સારો થઈ જાય છે. હવે મને ઘૂંટણમાં પણ ગાંઠો થઈ રહી છે.’

એટલામાં મિથુનનો ફોન વાગે છે. ફોન મૂકતા જ તે કહે છે- ‘મુખ્ય કડિયાનો ફોન હતો. તેની સાથે જ કામ કરી રહ્યો છું. મારે જવું પડશે. થઈ શકે તો મારા માટે થોડા પૈસા આપતા જજો.’

મિથુનના ગયા પછી હું બચિયા દેવી સાથે વાત કરવાનો પ્રયત્ન કરું છું. પરંતુ તે ના પાડી દે છે. કહે છે- ‘બધા વીડિયો, ફોટો પાડીને ચાલ્યા જાય છે, કોઈ એક રૂપિયાની મદદ નથી કરતું.’

મિથુનની માતા બચિયા દેવી.
મિથુનની માતા બચિયા દેવી.

ઘણા પ્રયત્નો અને મદદનો ભરોસો આપ્યા પછી બચિયા દેવી વાત કરવા માટે રાજી થાય છે. તે કહે છે- ‘વર્ષ 1996માં આનો જન્મ થયો હતો. મહિના, તારીખ યાદ નથી. જ્યારે 4-5 વર્ષનો થયો તો આંગણામાં આખો દિવસ રમતો રહેતો હતો. દેખાવમાં પણ સુંદર હતો.’

‘તે દરમિયાન, મિથુનના પિતા રામજી ચૌહાણ કલકત્તામાં રહેતા હતા. અત્યારે પણ ત્યાં જ છે. ત્યાં તે તેલના ખાલી ડબ્બા વેચે છે. મારા 5 બાળકોમાં મિથુન ચોથા નંબર પર છે.’

‘ઉનાળાનો મહિનો હતો. અચાનક આને તાવ આવ્યો. તે સમયે તો ફોન નહોતો. ઘરમાં કોઈ ભણેલું-ગણેલું પણ નહોતું. એક પડોશી પાસે ચિઠ્ઠી લખાવીને પતિને મોકલી કે મિથુનને ખૂબ તાવ છે. બ્લોકના ડોક્ટરે દવા આપી છે, પણ સારું નથી થઈ રહ્યું.’

‘15 દિવસ પછી તેના પિતાનો જવાબ આવ્યો- નારદીગંજમાં એક ડોક્ટર બેસે છે, તેને જઈને બતાવી દો, સારું થઈ જશે.’

‘મિથુનને તે ડોક્ટર પાસે લઈ ગઈ. તેણે કેટલીક દવા આપી. બે-ત્રણ દિવસ પાણીમાં ગોળી ઓગાળીને પીવડાવી, તો એના ગાલ પર એક નાનો ઘા થઈ ગયો. થોડા દિવસોમાં આ ઘા ગાંઠ જેવો થઈ ગયો. ડોક્ટરે જોયું તો એક ઇન્જેક્શન લગાવી દીધું.’

‘ઇન્જેક્શન લગાવ્યાના એક-બે દિવસ પછી જ મિથુનના આખા શરીરમાં જગ્યાએ-જગ્યાએ લાલ ચામઠા દેખાવા લાગ્યા. તે સમયે તો એના ચહેરા પર કંઈ નહોતું. માત્ર ગાલ પર એક ઘા હતો. ઘરના લોકોએ કહ્યું- સિંદૂરને કેરોસીનમાં ભેળવીને શરીર પર લગાવી દો, સાંજ સુધીમાં સારું થઈ જશે.’

‘એક અઠવાડિયું વીતી જવા છતાં પણ ચામઠા ઠીક ન થયા, વધતા જ ગયા. ફરી ડોક્ટર પાસે લઈ ગઈ તો તેમણે કેટલીક દવા આપી દીધી. બોલ્યા- “બે-ત્રણ દિવસમાં સારું થઈ જશે.” પાસે જ એક ભુવો રહેતો હતો, તેની પાસે પણ લઈ ગયા. તેણે કહ્યું- “તમારા દીકરા પર ખરાબ આત્માનો પડછાયો હતો, તેને હટાવી દીધો છે. જલ્દી સારો થઈ જશે.” જો કે તેનાથી પણ કંઈ ન થયું.’

‘હાથ-પગ, કોણી, ઘૂંટણ… શરીરમાં બધી જગ્યાએ ગાંઠો વધવા લાગી. થોડા જ મહિનામાં એના આખા ચહેરા પર મોટા-મોટા ઘા થવા લાગ્યા. માંસના લોચા લટકવા લાગ્યા. અમે તો ડરી ગયા કે આ શું થઈ ગયું!’

‘ફરી ડોક્ટર પાસે ગયા તો તેણે દવા આપવાની ના પાડી દીધી. કહ્યું- “ખબર નથી, કઈ બીમારી છે. કોઈ મોટા શહેરમાં લઈ જાઓ.”’

‘આખા ગામમાં હોબાળો થઈ ગયો હતો કે ડોક્ટરની દવાના રિએક્શનના કારણે મિથુનને આવું થયું છે. બીજા ડોક્ટરો પાસે ગયા તો ડરના માર્યા તેમણે પણ દવા ન આપી.’

‘મેં ફરીથી પતિને સમાચાર મોકલાવ્યા. 3 દિવસ પછી તે કલકત્તાથી ઘરે આવ્યા. મિથુનને લઈને નવાદા જિલ્લાની સરકારી હોસ્પિટલ ગયા. ડોક્ટર જોતા જ બોલ્યો- “આ કઈ બીમારી છે? અમે આવી બીમારી ક્યારેય નથી જોઈ, આને ક્યાંક બીજે લઈ જાઓ.”’

‘અમે ગરીબ માણસ, દિવસનું ખાઈએ તો રાતનું વિચારીએ અને રાતનું ખાઈએ તો દિવસનું. ખેતીવાડી કંઈ નથી, મહેનત મજૂરી કરીએ છીએ. પાંચ બાળકો હતા. આને જ લઈને આમ-તેમ ભાગતા રહેત તો બાકીનાનું શું થાત, એટલા માટે સરખી રીતે ધ્યાન ન આપી શક્યા.’

‘એક વાર એક ભલા માણસે સારવાર કરાવી દીધી. હવે ન તો અમારી પાસે પૈસા છે અને ન તો હિંમત. ડોક્ટરો પણ કહી ચૂક્યા છે કે કોઈ સારવાર જ નથી તો શું કરીએ. સરકારી મદદના નામે એક પૈસો પણ નથી મળ્યો.’

આ બીમારી પાછળનું તબીબી વિજ્ઞાન શું કહે છે? ડૉક્ટરોનો અભિપ્રાય

મિથુનનું દર્દ નજીકથી જોયા પછી, એક રિપોર્ટર તરીકે મેં ડોક્ટરને મળીને બીમારી વિશે જાણવાનું વિચાર્યું.

હું દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલના જિનેટિક વિભાગમાં પહોંચ્યો, જ્યાં મારી મુલાકાત વિભાગના વડા રત્ના પુરી શાહ સાથે થઈ. મેં તેમને મિથુનની અને તેના રિપોર્ટ્સની તસવીરો બતાવી.

તેઓ જણાવે છે- "મિથુનને જે બીમારી છે, તેનું નામ ન્યૂરોફાઇબ્રોમેટોસિસ છે. આની દુનિયામાં કોઈ કાયમી સારવાર નથી. NF1 જીનમાં ખામીના કારણે આ બીમારી થાય છે."

"માતા-પિતા બંને તરફથી બાળકમાં જીનની 20-20 હજાર નકલો આવે છે. આમાંથી કોઈપણ એકના પણ NF1 જીનમાં ખામી આવે, તો બાળકને આ બીમારી થઈ શકે છે. કેટલાક કેસમાં જન્મ પછી જ બાળકના શરીર પર દાણા જેવી નાની ગાંઠ દેખાય છે. ઉંમરની સાથે તે વધતી જાય છે."

"હકીકતમાં તો, આ જીનનું કામ કોષોને બેફામ વધતા અટકાવવાનું છે. જ્યારે આમાં ખામી આવે છે, ત્યારે નસોની આસપાસના કોષો વધવા લાગે છે. વધતા-વધતા આ ટ્યુમર જેવા થઈ જાય છે. જો કે આ ટ્યુમરથી કેન્સર થવાનું જોખમ બહુ ઓછું હોય છે."

"કેટલાક કિસ્સાઓમાં ચાર-પાંચ વર્ષની ઉંમર પછી બાળકોમાં આ બીમારીના લક્ષણો દેખાય છે, જેવો મિથુનનો કેસ છે. સૌથી પહેલાં આખા શરીર પર લાલ, ભૂખરા રંગના ચામઠા અને પછી નાની-નાની ગાંઠો દેખાય છે."

"ગાંઠ વધવાના કારણે દર્દીની આંખ, મોં, નાક બધું ઢંકાઈ જાય છે. આનાથી દર્દીને જોવામાં, બોલવામાં, ખાવા-પીવામાં તકલીફ થાય છે. શ્વાસની તકલીફ પણ થાય છે. મગજ નબળું થવા લાગે છે, તે જલ્દી કોઈ વસ્તુ શીખી શકતો નથી. નર્વસ સિસ્ટમ નબળું પડી જાય છે."

"ઘણા કેસમાં જેમ-જેમ દર્દીની ઉંમર વધે છે, ગાંઠોમાં અસહ્ય દુખાવો થવા લાગે છે. શરીર જલ્દી થાકી જાય છે. આ ગાંઠોને સર્જરી કરીને હટાવવામાં આવે છે."

રત્ના પુરી કહે છે- "આ બીમારીની સારવાર કોઈ એક ડોક્ટરના બસની વાત નથી. આમાં જિનેટિક, ન્યૂરો જેવા કેટલાય વિભાગોના ડોક્ટરોએ મળીને કામ કરવું પડે છે. જ્યારે શરીરની ગાંઠો મોટી થઈને અંદરની નસો સુધી પહોંચી જાય છે, ત્યારે ઓપરેશન બહુ સાવધાનીથી કરવું પડે છે. દરેક જગ્યાએ આની સારવાર કે ઓપરેશન શક્ય નથી હોતું. અસલમાં, કેટલાક ટ્યુમર નસોની એટલા નજીક અથવા તેમની અંદર સુધી ઘૂસેલા હોય છે કે જો ડોક્ટર તેમને પૂરેપૂરા બહાર કાઢવાનો પ્રયત્ન કરે, તો નસો ચેતવણી વગર ડેમેજ થવાનું જોખમ વધી જાય છે."

"આ જ કારણ છે કે સર્જરી પહેલાં MRI, CT સ્કેન અને એન્જિયોગ્રાફી જેવી તપાસ જરૂરી છે, જેથી ચોક્કસ રીતે જોઈ શકાય કે ટ્યુમરની જાળ ક્યાં સુધી ફેલાયેલી છે. ત્યાર પછી, ટ્યુમરને પડ-દર-પડ હટાવવામાં આવે છે. જ્યારે પ્લાસ્ટિક સર્જન આ સર્જરી કરે છે, ત્યારે ન્યૂરોસર્જન સતત મોનિટરિંગ કરતા રહે છે કે કોઈ નસ ન કપાઈ જાય."

"જો ટ્યુમર નસોના મૂળ સુધી ફેલાયેલું હોય, તો ડોક્ટર માત્ર તેના એટલા જ હિસ્સાને કાપે છે જેનાથી દર્દીને દુખાવામાં રાહત મળી શકે, જેથી નસો પૂરી રીતે સુરક્ષિત રહે. આ જટિલ સર્જરી પછી ઘણા કિસ્સાઓમાં નસોની નબળાઈના કારણે દર્દીને હસવામાં, બોલવામાં કે ચહેરાના હાવભાવ બદલવામાં તકલીફ પડી શકે છે."

"આ ઉપરાંત, જ્યારે આ ગાંઠો નીકળે છે ત્યારે, અંગોને ફરીથી સામાન્ય રીતે કામ કરવા લાયક બનાવવા માટે ફિઝિયોથેરેપીની પણ જરૂર પડે છે."

"આ સંપૂર્ણપણે એક જિનેટિક બીમારી છે, તેથી સર્જરી પછી પણ શરીરના તે જ ભાગમાં કે અન્ય કોઈ જગ્યાએથી ગાંઠો ફરીથી ઉભરી શકે છે. હકીકતમાં તો, જીન્સમાં રહેલી આ ગડબડને ઠીક કરવી હાલમાં મેડિકલ સાયન્સ માટે શક્ય નથી. આ જ કારણ છે કે આ બીમારીનો કોઈ કાયમી ઈલાજ નથી. આ પડકાર દર્દી સાથે આજીવન રહે છે."

IGIMS પટનાના ન્યૂરો સાર્જરી વિભાગના HOD ડૉ. સમરેન્દ્ર કુમાર સિંહ આ બીમારી વિશે જણાવે છે કે, "ન્યૂરોફાઇબ્રોમા નસો સાથે જોડાયેલી એક દુર્લભ બીમારી છે, જે 1 લાખમાંથી કોઈ 1 વ્યક્તિને થાય છે."

"આ મોટે ભાગે શરીરના સંવેદનશીલ ભાગોમાં થાય છે જેમ કે પીઠ, હાથ અને ચહેરો, જ્યાં નસો વધારે હોય છે. જો ગાંઠ ત્વચાની ઉપર હોય તો દુખાવો નથી થતો, પરંતુ નસોની અંદર વિકસી જાય તો દુખાવો બહુ વધારે થાય છે."

"કરોડરજ્જુ કે મગજના પાછળના ભાગમાં ગાંઠ થવા પર આખું શરીર અને મગજ પેરાલાઈઝ્ડ થઈ શકે છે. કાનની નસમાં ટ્યુમર થવાથી સાંભળવાની ક્ષમતા જઈ શકે છે. સીપી એંગલમાં ગાંઠ થવાથી ખોરાક શ્વાસનળીમાં ફસાઈ શકે છે, જે જીવલેણ છે."

"આની સર્જરીનો ખર્ચ 3 થી 5 લાખ રૂપિયા સુધી આવે છે. ઓપરેશન દરમિયાન નસોને બચાવવા માટે માઇક્રોસ્કોપ અને 'ઇન્ટ્રાઓપરેટિવ નર્વ મોનિટરિંગ મશીન'નો ઉપયોગ કરવામાં આવે છે. સર્જરી પછી પ્રભાવિત જગ્યાની નસો થોડી નબળી પડી જાય છે."

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
  • પસંદના ન્યૂઝ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પૂરા ન્યૂઝ વાંચો એપ પર
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

ન્યૂઝ હજી બાકી છે

પૂરા ન્યૂઝ વાંચો દિવ્ય ભાસ્કર એપ પર. સાથે જ મેળવો ઝડપી અપડેટ અને બહેતર રીડિંગ એક્સપિરિયન્સ
Scan QR to download app
એપ ડાઉનલોડ કરવા માટે QR સ્કેન કરો
Download android app - Divya BhaskarDownload ios app - Divya Bhaskar
  • મનપસંદ એલર્ટ
  • ન્યૂઝ સૌથી ફાસ્ટ
  • લાઇવ અપડેટ
પ્રીમિયમ મેમ્બર છો, તો લોગિન કરો

Local News

Today Weather Update

Our Group Site Links