- Gujarati News
- Bhaskar khaas
- Ae zindagi
- Bengaluru Girija Story; Brittle Bone Rare Disease | Osteogenesis Imperfecta
એ જિંદગીઉંમર-29, હાઈટ 3 ફૂટ, ઉધરસ આવે તો હાડકાં તૂટી જાય:ભગવાનને દરરોજ કહું છું- મારા પહેલાં દીકરીને બોલાવી લેજે
- કૉપી લિંક

પલંગ પર એક છોકરી પડખું ફરીને સૂતી છે. વાળ ટૂંકા-ટૂંકા. લંબાઈ માંડ 3 ફૂટ, પણ ઉંમર 29 વર્ષ. આ છોકરીએ આજ સુધી આઈસ્ક્રીમ ખાધી નથી. જાણો છો કેમ?
તે એટલા માટે કે જો આઈસ્ક્રીમ ખાધી તો શરદી થઈ શકે છે. શરદી થઈ તો ઉધરસ આવી શકે છે અને જરા પણ જોરથી ઉધરસ આવી તો તેની પાંસળીઓ તૂટી જશે. આ છોકરીનો હાથ પણ કોઈ કસીને પકડી લે તો હાડકું તૂટી જાય છે.
એનું નામ ગિરિજા છે. 29 વર્ષની ઉંમરે આ રીતે 40થી વધુ વખત હાડકાં તૂટી ચૂક્યાં છે. સ્થિતિ એવી છે કે ગિરિજાના મમ્મી-પપ્પા પટ્ટીઓ અને પ્લાસ્ટર પણ ઘરમાં રાશનની જેમ રાખે છે. તેની માતા નંદાબાઈ જ્યારે પણ પ્રાર્થના કરે છે, ત્યારે ભગવાન પાસે પોતાની દીકરી ગિરિજાનું મૃત્યુ માંગે છે. કહે છે, ભગવાન મારી દીકરીને મારા પહેલાં જ બોલાવી લે.
દુર્લભ બીમારીઓની સિરીઝ- એ જિંદગીમાં હું નીરજ ઝા પહોંચ્યો છું ગિરિજાને મળવા કર્ણાટકની રાજધાની બેંગલુરુ. આજની કહાની ત્યાંથી જ…
બપોરના 12 વાગ્યા છે. બેંગલુરુના તુંગા નગર વિસ્તારનું એક ઘર. એક મહિલાએ દરવાજો ખોલ્યો. મોટી મરૂન બિંદી લગાવેલી, સાડી પહેરેલી છે. નામ છે- નંદાબાઈ. ઉંમર 60 વર્ષ. તખ્ત પર સૂતેલી ગિરિજા તરફ ઈશારો કરતાં કહે છે- ‘આ મારી દીકરી છે. જોવામાં વિચિત્ર લાગતી હશે, જાણે હાડકાં વગરની રૂની ઢીંગલી.
ખરેખર, ગિરિજાનું માથું સામાન્ય કરતાં ઘણું મોટું છે. જબડું બહારની તરફ નીકળેલું છે. કરોડરજ્જુ અંગ્રેજીના 'S' અક્ષરની જેમ વળેલી છે. નાની-નાની હથેળીઓ. વળેલા પગ અને પંજા પણ નાનાં-નાનાં. છાતીથી પેટ એકદમ ચોંટેલું છે.
પલંગના કિનારે રંગોની ડબ્બીઓ રાખેલી છે. ગિરિજા સૂતાં-સૂતાં બ્રશ પકડીને કેનવાસ પર કોતરેલા મોરના પીંછામાં રંગ ભરી રહી છે. દિવસના ચોવીસ કલાક, વર્ષના 365 દિવસ, ગિરિજા આ જ રીતે પલંગ પર સૂતી રહે છે. ન ઊઠી શકે છે, ન બેસી શકે છે. પીઠના બળે સૂઈ પણ નથી શકતી. હળવો ઝટકો લાગવા પર પણ હાડકું કાચની જેમ તૂટી જાય છે.

નંદા કહે છે- ‘ગિરિજા 6 મહિનાની હતી. હું તેને પલંગ પર સુવડાવીને રસોડામાં રસોઈ બનાવવા લાગી. તે પલંગ પરથી નીચે પડી ગઈ અને જોરજોરથી રડવા લાગી. તેની હાલત જોઈને હું ગભરાઈ ગઈ. મોડું કર્યા વિના તેને ઉઠાવી અને ડોક્ટર પાસે દોડી. ત્યાં ખબર પડી કે શરીરમાં ઘણી જગ્યાએ ફ્રેક્ચર છે. સદભાગ્યે માથું બચી ગયું, નહીં તો જીવ જતો રહેત. બે મહિના સુધી સારવાર ચાલી. દીકરી રાતભર સૂઈ શકતી નહોતી, ફક્ત કણસતી રહેતી હતી. તેના દર્દને જોઈને ઘણી વાર આંસુ આવી જતા હતા. જેમતેમ કરીને તેના હાડકાં જોડાઈ શક્યા.’‘
સમય વીત્યો, ગિરિજા પાંચ વર્ષની થઈ. એક દિવસ ઓટોથી તેને મંદિર લઈ જઈ રહી હતી. તે મારા ખોળામાં હતી, ત્યારે જ ડ્રાઈવરે અચાનક બ્રેક મારી. બ્રેક લગાવતાં જ ગિરિજા જોરજોરથી રડવા લાગી. હું સમજી ગઈ હતી કે તેના હાડકાં તૂટી ગયા છે. તરત જ હોસ્પિટલ દોડી. એક્સ-રે કરાવ્યો. ખબર પડી કે હાથ-પગ, કમર અને નિતંબના હાડકાં તૂટી ગયા છે. એક ઝટકામાં 4 જગ્યાએ ફ્રેક્ચર થયું. બે મહિના સુધી સારવાર ચાલી.’‘
એક વર્ષ પહેલાંની વાત છે. ગિરિજા સૂઈ રહી હતી. ઊંઘમાં તે પીઠભેર સૂઈ ગઈ. અચાનક હાડકું તૂટ્યું અને તે જોરજોરથી ચીસો પાડવા લાગી. તરત જ તેને પેઈનકિલર આપી. ડોક્ટરને ઘરે બોલાવ્યા તો ખબર પડી કે પાંસળીઓ તૂટી ગઈ છે. હવે તો હાડકાં તૂટવાં, ન તેના માટે નવી વાત છે, ન અમારા માટે.’
ત્યારે જ ગિરિજા મોટા અવાજે બોલી પડે છે- ‘જેમ ટૂથપિક હોય છે ને! જરાક પણ જોર આપતાં તૂટી જાય છે, બસ તેવાં જ મારા શરીરની હાડકાં છે.’
તે કહે છે- 'આ બીમારીને 'ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા' એટલે કે 'બ્રિટિલ બોન ડિસીસ' કહે છે. હું તેના ત્રીજા સ્ટેજની દર્દી છું.' આ કહેતા અવાજમાં પીડા તો છે પણ ચહેરા પર કોઈ ભાવ નથી.
સામાન્ય રીતે આ જમવાનો સમય છે, પણ ગિરિજા કોફી માંગે છે.
નંદા હસતાં હસતાં કહે છે- 'આ આખો દિવસ બસ કોફી જ પીવે છે. તેનું ખાવા-પીવાનું બધું, સૂતાં-સૂતાં જ થાય છે.' આ કહેતા નંદા રસોડામાં જતી રહે છે.

કંઈ પૂછતા પહેલાં જ ગિરિજા હસતાં હસતાં કહે છે- 'જ્યારે તમારો ફોન આવ્યો, ત્યારે મારે માને અવાજ આપવો પડ્યો. મા કિચન છોડીને તમને લેવા ગઈ, વિચારો હું કેટલી લાચાર છું. દરેક વસ્તુ માટે બીજા પર નિર્ભર છું.
મારું પણ તો મન થાય છે કે કોઈ મહેમાન આવે તો હું પોતે ઊઠીને તેનું સ્વાગત કરું. આ ઉંમરે પણ મા-બાપ પર બોજ છું. ખાવા-પીવાનું, નહાવા-ધોવાનું... બધું તેમને જ કરવું પડે છે. લોકો મને બાળક સમજે છે. ભલે મારું શરીર નથી વધ્યું, પણ ભાવનાઓ તો મોટા જેવી જ છે.'
ગિરિજા ભાવુક થતાં જણાવે છે- 'હજુ થોડા દિવસ પહેલાની જ વાત છે, માની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ હતી. સુગર પેશન્ટ છે. હું અહીં જ પડી રહીને તેમને તડપતાં જોઈ રહી હતી. અફસોસ થાય છે કે ઊઠીને એક ગ્લાસ પાણી પણ નથી આપી શકતી.'
'મારું વજન 30 કિલો છે. રોજ મને ઊંચકીને નવડાવવા-ધોવડાવવા, બ્રશ કરાવવામાં તેઓ થાકી જાય છે. તેમની પીઠ અકડાઈ જાય છે. માની ઉંમર પણ થઈ ગઈ છે.'
એટલામાં રસોડામાંથી નંદાનો અવાજ આવે છે. તે કહે છે- 'હું માનતી જ નથી કે મારી દીકરી 29 વર્ષની છે. મને તો આજે પણ 5-10 વર્ષની લાગે છે. એટલે બધું કરી લઉં છું. જે દિવસે આ બધું વિચારીશ, તો કદાચ જીવવાનું જ છોડી દઈશ.'
નંદા કહે છે- 'જ્યારે તેના પીરિયડ્સ આવે છે, તો મારે જ પેડ બદલવા પડે છે. બહાર પણ જાઉં છું, તો ડાયપર પહેરાવીને જાઉં છું. હું નહીં હોઉં ને જો તેને બાથરૂમ જવું થયું, તો કોને કહેશે. 'બીજી છોકરીઓ જેવી હોત, તો પરણીને પોતાના ઘરે ચાલી ગઈ હોત. પણ આ હાલતમાં તેને કોણ લઈ જશે. મેં તો તેના જન્મ પછીથી જ દુનિયાદારીથી નાતો તોડી લીધો. ન કોઈ સંબંધીના ઘરે જાઉં છું, ન કોઈ લગ્ન-પ્રસંગમાં સામેલ થાઉં છું. જ્યાં મારી દીકરી નથી જઈ શકતી, ત્યાં હું જઈને શું કરીશ.
મન ગભરાય છે, તો તેને મંદિર લઈ જાઉં છું. પહેલા તો ખોળામાં જ લઈને જતી હતી, પણ હવે ઓટોમાં સુવડાવીને લઈ જાઉં છું. વજન વધી ગયું છે ને. મંદિરમાં લોકો તેને એવી રીતે ઘૂરે છે, જાણે કોઈ બીજી દુનિયામાંથી આવી હોય. પૂછવા લાગે છે- આ ચાલી નથી શકતી કે શું? આવી દીકરી કેવી રીતે પેદા થઈ.'
'દરરોજ ભગવાનને એ જ કહું છું, મારા મરતાં પહેલા તેને લઈ લેજો. જો હું પહેલા મરી ગઈ તો તેનું શું થશે.'

ત્યારે ગિરિજા બોલી પડે છે- 'મા, આપણે બંને સાથે મરીશું. પહેલા હું નહીં મરું. હું મરી ગઈ પછી તું કેવી રીતે રહીશ.'
આ સાંભળતા જ નંદાબાઈની આંખો ભરાઈ આવે છે. ત્યારે જ ગિરિજા કડક અવાજે બોલી પડે છે- 'મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે તમે મારી માને રડાવશો નહીં. જો તે રડશે, તો આગળ વાત નહીં કરે. રહી વાત લોકોની... તો તેઓ મને માણસ નહીં, પાંજરામાં બંધ પ્રાણી સંગ્રહાલયનું જાનવર સમજે છે.'
અરે! જો મારું શરીર સાથ આપત, તો શું હું આ પલંગ પર પડી રહેત... મને જીવલેણ બીમારી છે. હું બીજાઓથી થોડી અલગ છું.'
ગિરિજા અચાનક ઉદાસ થઈ જાય છે. પોતાના માથાને સ્પર્શતા કહે છે- ‘મા તો ડરના માર્યા મને ક્યારેય કોઈ લગ્ન કે ફંક્શનમાં પણ નથી લઈ જતી. તૈયાર થવાનો પણ મોકો નથી મળતો. માને જોઈને કપાળ પર બિંદી લગાવી લઉં છું.
ક્યારેક મારું પણ મન થાય છે, તો થોડું-ઘણું સજી-ધજી લઉં છું. પણ કોના માટે. આ બંધ રૂમની દીવાલો માટે. બહારની દુનિયા કેવી દેખાય છે, ત્યાં લોકો કેવી રીતે રહે છે, કેવી છે ત્યાંની રોનક... મને કંઈ ખબર નથી. મારી દુનિયા તો બસ આ પલંગ પર જ પૂરી થઈ જાય છે.’
બોલતાં-બોલતાં ગિરિજાનો શ્વાસ ફૂલવા લાગે છે.
નંદા કહે છે- ‘એની કરોડરજ્જુ ‘S’ આકારમાં વળી ગઈ છે. આ કારણે એનું એક તરફનું ફેફસું દબાયેલું જ રહી ગયું, બીજી તરફનું વધારે વધી ગયું. જેનાથી વારંવાર શ્વાસ ફૂલવા લાગે છે. આ જ કારણે તે એક જ પડખે સૂતી રહે છે. પીઠ સીધી કરવાથી હાડકાં તૂટવાનો ખતરો વધી જાય છે.’
‘જ્યારે હાડકું તૂટે છે, ત્યારે તે દર્દથી ચીસો પાડે છે. તરત જ પેઇનકિલર આપું છું, જેથી ઊંઘ આવી શકે. અમારા અહીં હંમેશા પ્લાસ્ટર અને પટ્ટીઓ સ્ટોકમાં રાખેલા હોય છે. કોણ જાણે ક્યારે કયું હાડકું તૂટી જાય.’‘
ઘણી વાર સ્કૂલમાં તેનું એડમિશન કરાવવાની કોશિશ કરી, પણ ટીચરે કહી દીધું કે, આખો દિવસ કોણ તેનું ધ્યાન રાખશે. તેને ઘરે જ ભણાવો. અહીં બીજા બાળકો પરેશાન થશે.’
નંદા જણાવે છે- ‘મારો એક દીકરો પણ છે. તે 34 વર્ષનો છે. એકદમ સ્વસ્થ છે. જ્યારે દીકરો લગ્ન લાયક થયો ત્યારે સગાંવહાલાં મહેણાં મારવા લાગ્યા કે જેના ઘરમાં આવી અપંગ છોકરી હોય, ત્યાં કોણ પોતાની દીકરી આપશે. ઘણી મહેનત પછી તેના લગ્ન થઈ શક્યા.
લગ્ન પછી મેં પોતે જ દીકરા-વહુને કહી દીધું કે અલગ રહો, પોતાની દુનિયા વસાવો. મારી અને ગિરિજાના કારણે તમારી જિંદગી ખરાબ ન કરો.’
નંદાબાઈ કહે છે- ‘મેં એના પપ્પા સાથે લવ મેરેજ કર્યા હતા. 7 જુલાઈ 1996ના રોજ ગિરિજાનો જન્મ થયો. નોર્મલ ડિલિવરી થઈ. નર્સે તેને જેવી મારી ખોળામાં મૂકી, મારી નજર તેના પગ પર પડી. નાનાં-નાનાં પગ પેટ સાથે ચોંટેલા હતા. બિલકુલ દેડકાની જેમ.’
‘બેંગલુરુમાં ડોક્ટરને બતાવ્યું, તો તેઓ બોલ્યા- થોડા જ દિવસોની મહેમાન છે, જલ્દી મરી જશે. તેને ઓસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા નામની હાડકાંની બીમારી છે. તેનો કોઈ ઇલાજ નથી. જ્યાં સુધી શ્વાસ ચાલી રહ્યા છે, બસ તેને ઉછેરો.’
દિલ્હી, મુંબઈના ડોક્ટરોને પણ બતાવ્યું, બધાએ એક જ વાત કહી કે કંઈ થઈ શકે નહીં.’
‘અમે વારંવાર ડોક્ટરોને કહેતા કે કંઈક તો ઇલાજ હશે, પરંતુ દર વખતે તેઓ કેટલીક દવાઓ આપીને ઘરે મોકલી દેતા. હું અને મારા પતિ, છેલ્લા 20 વર્ષથી અલગ-અલગ સૂઈએ છીએ. ડોક્ટરે કહ્યું હતું- ત્રીજું બાળક થયું તો તે પણ આવું જ હશે.’
‘પહેલા હું અને એના પપ્પા, બંને કપડાં સીવતા હતા. એના જન્મ પછી મેં કામ છોડી દીધું. હું પેઇન્ટિંગ અને દરેક પ્રકારનું આર્ટ બનાવતી હતી. હવે ધીમે ધીમે આ પણ શીખી ગઈ છે. આખો દિવસ પથારીમાં સૂતાં-સૂતાં, સોય-દોરા અને કાતરથી ડેકોરેશનનો સામાન બનાવતી રહે છે.’
નંદાબાઈ કહે છે – ‘એના માથામાં પણ ખૂબ દુખાવો થાય છે. જુઓ, માથું કેટલું મોટું છે. બેસી શકતી નથી, કારણ કે કરોડરજ્જુ માથાનું વજન સહન નહીં કરી શકે. વ્હીલચેર પર પણ આમ જ સુવડાવીને રાખવું પડે છે.’
એની તકલીફ જોતાં ડોકટરોએ પણ કહી દીધું છે કે વારંવાર હોસ્પિટલ ન લાવશો. કોઈ પણ તકલીફ હોય, ફોન કરીને જણાવો, અમે અહીંથી દવા જણાવી દઈશું.
દર મહિને તેની સારવારમાં 5 હજાર રૂપિયા લાગે છે. 8 હજાર ઘરનું ભાડું છે. પતિની કમાણી માંડ 20 હજાર રૂપિયા. ઘણી વાર સરકારી કચેરીઓમાં દીકરીને લઈને ગઈ પણ કોઈ મદદ ન મળી. વ્હીલચેર પણ ચેન્નઈના એક દિવ્યાંગે આપી છે. પેન્શનના નામે 1400 રૂપિયા મળે છે પણ છેલ્લા 3 મહિનાથી તે પણ નથી મળ્યા.’

ગિરિજાની લાચારીને નજીકથી અનુભવ્યા પછી, મનમાં ઘણા સવાલો ઉઠી રહ્યા છે. શું કોઈના પડખાં બદલતાં જ શરીરના હાડકાં રમકડાંની જેમ તૂટી જાય છે?
આ જ બીમારીને વધુ ઊંડાણપૂર્વક જાણવા માટે હું હૈદરાબાદ જવા નીકળું છું. અહીં નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના જેનેટિક્સ ડિપાર્ટમેન્ટના એચઓડી ડૉ. પ્રજ્ઞા રંગનાથને મળ્યો.
તેઓ કહે છે- ‘ગિરિજા એક દુર્લભ જિનેટિક બીમારીથી પીડાઈ રહી છે. મેડિકલની ભાષામાં તેને ઑસ્ટિયોજેનેસિસ ઇમ્પરફેક્ટા અથવા સામાન્ય બોલચાલમાં કાચ જેવી હાડકાંની બીમારી કહે છે.
તેને આ રીતે સમજો- શરીરમાં COL1A1 (કોલેજન ટાઇપ 1 આલ્ફા 1 ચેઇન) અથવા COL1A2 (કોલેજન ટાઇપ 1 આલ્ફા 2 ચેઇન) જીન હોય છે. આ જીન આપણા શરીરમાં 'કોલેજન' નામનું એક મુખ્ય પ્રોટીન બનાવે છે. તેનાથી હાડકાંમાં મજબૂતી અને લચીલાપણું આવે છે.
જ્યારે આ જીનમાં ગડબડ થઈ જાય છે, ત્યારે હાડકાંમાં જરૂરી મિનરલ્સ અને પ્રોટીન યોગ્ય રીતે બની શકતા નથી. પરિણામ- હાડકાં અંદરથી સંપૂર્ણપણે પોલા અને નાજુક થઈ જાય છે.
ગિરિજા ટાઇપ-3 પેશન્ટ છે. આમાં હાડકાં ખૂબ જ વધારે તૂટે છે. શારીરિક બનાવટ બદલાઈ જાય છે. બાળપણમાં યોગ્ય સંભાળ મળે, ચેપથી બચાવવામાં આવે અને શ્વાસની તકલીફ ન હોય, તો દર્દી પુખ્ત થાય ત્યાં સુધી જીવી શકે છે.
આનો કોઈ ઇલાજ છે?‘
એનો કોઈ કાયમી ઇલાજ નથી, પરંતુ હાડકાંને મજબૂત કરવા માટે બિસ્ફોસ્ફોનેટ થેરાપી આપવામાં આવે છે. આ થેરાપી હાડકાંને અંદરથી પોલા થતાં અને ગળતાં અટકાવે છે. આમાં ઝોલેડ્રોનિક એસિડ જેવી દવાઓ ડ્રિપ દ્વારા આપવામાં આવે છે.
હાડકાંને વળતા અને તૂટતા બચાવવા માટે સર્જરી દ્વારા તેમાં ધાતુનો રોડ નાખવામાં આવે છે. સાથે જ સુરક્ષિત ફિઝિયોથેરાપીથી સ્નાયુઓને ટેકો આપવામાં આવે છે. પરંતુ આ પછી પણ દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકતો નથી.’

ન્યૂઝ હજી બાકી છે

- પસંદના ન્યૂઝ
- ન્યૂઝ સૌથી ફાસ્ટ
- લાઇવ અપડેટ
















