Mon, Nov 16, 2026Updated 02:41 PM IST
Google Preferred Source CTA

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
સરકારનો સ્વખર્ચે US જવાનો આદેશ છતાં નીરજા યુનિવર્સિટી ખર્ચે ગયાં:એડવાન્સમાં 5.88 લાખનો ચેક ટ્રાવેલ કંપનીને આપ્યો; રજિસ્ટ્રાર સાથે મળી શિક્ષણ વિભાગના આદેશનો તોડ કાઢ્યો

અમદાવાદ2 મહિનો પેહલાલેખક: આનંદ મોદી
  • કૉપી લિંક

પહેલાં મન ફાવે એમ લાખો રૂપિયા પગાર આપીને યુનિવર્સિટીમાં અધિકારીઓની ખોટી રીતે ભરતી કરી, પછી સરકારી ગ્રાન્ટ આવી એ ખાતામાંથી પોણા દસ લાખ રૂપિયા દીકરાના બેંક એકાઉન્ટમાં નાખ્યા, પોતે બે-બે પગાર લીધા, સરકારી ખર્ચે દુબઈ-અમેરિકામાંથી લિપસ્ટિક અને કપડાં ખરીદ્યા અને હવે સરકારે ના પાડી હોવા છતાં વધુ એક વિદેશ પ્રવાસનો ખર્ચ સરકારના માથે નાખ્યો. આ કરમકુંડળી છે ગુજરાત યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડૉ.નીરજા ગુપ્તાની.

નીરજા ગુપ્તા 2023ના જૂન મહિનાથી ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા, તેમની ટર્મ ગયા જૂન મહિનાની 30 તારીખે પૂરી થઇ. પોતાની ટર્મ પૂરી થાય તે પહેલાં જ નીરજા ગુપ્તા અમેરિકાના પ્રવાસે ગયા હતા. ભારતમાં બંધારણીય હોદ્દા ધરાવતા અગ્રણીઓ, રાજકીય નેતાઓ, ન્યાયાધીશો અને સરકારી અધિકારીઓ માટે તેમની વિદેશ યાત્રા ભલે તે ખાનગી કે સત્તાવાર પરંતુ સરકારની મંજૂરી લેવી જ પડે.

ગુજરાત યુનિવર્સિટીના તત્કલીન કુલપતિ નીરજા ગુપ્તા પોતાની નિવૃત્તિના છેલ્લા મહિનામાં એટલે કે જૂન 2026માં અમેરિકાના પ્રવાસે જવાના હતા. એટલે નિયમ મુજબ તેમણે 24 માર્ચ, 2026ના રોજ શિક્ષણ વિભાગને પત્ર લખ્યો અને વિદેશ પ્રવાસ માટે મંજૂરી માગી હતી.

સરકારની શરતો અને સૂચનને નીરજા ગુપ્તા ઘોળીને પી ગયા! શિક્ષણ વિભાગ દ્વારા 15 દિવસમાં નિર્ણય લેવામાં આવ્યો અને 6 એપ્રિલ, 2026ના રોજ તેમને અમેરિકા પ્રવાસ માટે મંજૂરી આપવામાં આવી હતી. હવે અહીંયાંથી ભોપાળાની શરૂઆત થઇ. ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પિયુષ પટેલના નામે મળેલા આ પત્રમાં જણાવાયું હતું કે કુલપતિ નીરજા ગુપ્તાની દરખાસ્તને ધ્યાને રાખીને ટેક્સાસ, અમેરિકા ખાતે 4 જૂન, 2026થી 9 જૂન, 2026 સુધી કુલ 6 દિવસના વિદેશ પ્રવાસની મંજૂરી આપવામાં આવે છે.

ગુજરાતના શિક્ષણ વિભાગના ઉપસચિવ આશિષ ચૌધરી દ્વારા આપવામાં આવેલા આ મંજૂરી પત્રમાં એવો પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે “સદર વિદેશ પ્રવાસ અંગેના એર ટિકિટ તેમજ થનાર અન્ય તમામ પ્રકારના ખર્ચ રાજ્ય સરકાર કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ભોગવવામાં આવશે નહીં.”

આ રહી શિક્ષણ વિભાગે સૂચનારૂપે મોકલેલા પત્રની કોપી

મતલબ કે નીરજા ગુપ્તાએ અમેરિકા પ્રવાસનો તમામ ખર્ચ પોતે ભોગવવાનો થતો હતો. છતાં નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલે મળીને સરકારી તીજોરીમાંથી રૂપિયા સરકાવવા માટે સોગઠાં ગોઠવી જ લીધા.

કેવી રીતે પોણા છ લાખ રૂપિયાનું સેટિંગ પાડી દીધું? શિક્ષણ વિભાગે અમેરિકાના પ્રવાસ માટે સરકારી ખર્ચ ન કરવાનું પત્રમાં ચોખ્ખું લખ્યું હતું છતાં તેનો તોડ કાઢવામાં આવ્યો. ગુજરાત યુનિવર્સિટીના સેક્શન 8 હેઠળ 'ગુજરાત યુનિવર્સિટી પાર્ક ફોર ઇન્ડસ્ટ્રીયલ એક્સ્ટેન્શન એન્ડ રિસર્ચ એટલે (GUPIER) આવે છે. અમેરિકાના પ્રવાસના ખર્ચ માટે એડવન્સમાં રૂપિયા ઉપાડવા માટે એક ફાઇલ તૈયાર કરવામાં આવી. નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલે શિક્ષણ વિભાગના આદેશની ઉપરવટ જઈને સેક્શન 8 હેઠળની આ કંપનીમાંથી સહીઓ કરાવીને અમેરિકા પ્રવાસનો 5,88,769 રૂપિયાનો ખર્ચ એડવાન્સમાં ટ્રાવેલ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યો હતો. જેનો પુરાવા દિવ્ય ભાસ્કર પાસે છે.

કારણ કે સેક્શન 8 આવતી સંસ્થામાંથી ખર્ચ એટલા માટે ચૂકવવામાં આવતો હતો કારણ કે તેનું એકાઉન્ટ વિભાગ ગુજરાત યુનિવર્સિટી કરતાં અલગ છે અને તેમાં નીરજા ગુપ્તા દ્વારા લાખોના પગારે નિમાયેલા લોકોનું જ સુપરવિઝન રહેતું હતું, જેથી ખર્ચની ફાઇલ સરળતાથી પાસ થઈ જતી હશે.

ચાર-ચાર લોકોની સહીથી ફાઇલ પાસ થઇ ગઇ આ ગેરવહીવટમાં માત્ર બે લોકો જ સામેલ ન હતા. પરંતુ GUPIERના ચોપડે ચડાવવામા આવેલા આ ખર્ચના કાગળો પર ગ્રુપ CEO શ્રીનિવાસ રાવ, ઇનચાર્જ રજિસ્ટ્રાર પિયુષ પટેલ, કુલપતિ નીરજા ગુપ્તા અને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટની સહીઓ કરવામાં આવી, ત્યારે ખર્ચની ફાઇલ પાસ થઇ શકી.

શ્રીનિવાસ રાવનું આ પ્રકરણમાં ખાસ કનેક્શન હોવાનું કારણ… હવે તમને ગ્રુપ CEO શ્રીનિવાસ રાવની ઓળખાણ કરાવી દઇએ. થોડા સમય અગાઉ ગ્રુપ CEO શ્રીનિવાસ રાવને 5 લાખના પગાર આપવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, નીરજા ગુપ્તાના પતિ સાથે ONGCમાં કામ કરતા હોવાથી તેમની નિમણૂક કરવામાં આવી હોવાના પણ આક્ષેપ થયા હતા. એટલે આ કિસ્સામાં સીધેસીધો પ્રભાવ અને શેહશરમ દેખાય છે. ત્યારે હવે વિદેશ પ્રવાસના ખર્ચમાં શ્રીનિવાસ રાવની સહી હોવાથી તેમની સામે વધુ એક તપાસ શરૂ થઇ શકે છે.

પિયુષ પટેલ સ્વચ્છંદ નિર્ણયો લઈ અગાઉ પણ ચર્ચામાં આવ્યા હતા આ પ્રકરણમાં ગુજરાત યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજિસ્ટ્રાર પિયુષ પટેલની ભૂમિકા પણ ખૂબ જ શંકાસ્પદ જણાઈ છે. વળી પહેલીવાર નથી કે તેમના પર ગંભીર વિવાદના છાંટા ઉડ્યા હોય. અગાઉ સિન્ડિકેટ બેઠકમાં જે મુદ્દાઓ પર ચર્ચા થઈ નહોતી તે સિવાયના મુદ્દા પર ઠરાવ કરીને 32 કરોડ રૂપિયાના બાંધકામના કામો આપી દેવાયા હોવાના આક્ષેપો થયા હતા. આ મામલો ઠંડો માંડ પડ્યો ત્યારે હવે સરકાર દ્વારા મનાઈ કરવામાં આવી હોવા છતાં, પિયુષ પટેલે ફરી નીરજા ગુપ્તાના વિદેશ પ્રવાસના ખર્ચ પર સહી કરીને સેક્શન 8 કંપનીમાંથી ખર્ચ પાસ કરાવી દેવામાં સેટિંગ પાડી દીધું હોવાનો ખુલાસો થયો છે.

નીરજા ગુપ્તા તેમના કાર્યકાળ દરમિયાન અનેક વખત વિદેશ પ્રવાસે ગયા હતા. તે પ્રવાસો માટે શિક્ષણ વિભાગે કઈ શરતોના આધારે મંજૂરી આપી હતી અને ખર્ચ મંજૂર કર્યા હતા કે કેમ? તે ખર્ચ પણ સેક્શન 8 હેઠળની સંસ્થામાંથી જ પાસ કરવામાં આવ્યા હતા? તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.

.

Local News

Today Weather Update

Our Group Site Links