Mon, Nov 16, 2026Updated 02:27 PM IST
Google Preferred Source CTA

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન
‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં અધિકારીઓનું ધુપ્પલ:જ્યાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બન્યો ત્યાં ભાસ્કરની તપાસ, ગુજરાતમાં 3 વર્ષમાં 35 કરોડ વૃક્ષ વાવવાનો દાવો કેટલો સાચો?

અમદાવાદ2 મહિનો પેહલાલેખક: સંજય વિભાકર
  • કૉપી લિંક

2 જાન્યુઆરી, 2025ના રોજ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિખ્યાત સિંગર દિલજીત દોસાંજ વચ્ચે એક યાદગાર મુલાકાત થઈ. વાત નીકળી 'એક પેડ મા કે નામ' અભિયાનની. વડાપ્રધાને ભાવુક થઈને કહ્યું હતું...

"જો મા હયાત નથી તો તેમનો ફોટો લઈને જાવ અને તેમની યાદમાં એક વૃક્ષ વાવો. એક માતા આપણને જન્મ આપે છે અને ધરતી માતા આપણું જીવન ટકાવી રાખે છે."

માતૃપ્રેમ અને પ્રકૃતિપ્રેમનો આનાથી મોટો સંગમ બીજો કયો હોઈ શકે? પણ અફસોસ, જે યોજના માના પવિત્ર નામે શરૂ થઈ હતી, તે ગુજરાતના અધિકારીઓ માટે માત્ર રેકોર્ડ બનાવવાનું સાધન બનીને રહી ગઈ છે. તમને કદાચ જાણીને આશ્ચર્ય થશે. પરંતુ ગુજરાતનું વહીવટી તંત્ર દાવો કરે છે કે એક પેડ મા કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 35 કરોડ… તમે બરાબર વાંચ્યું, 35 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારનો ડેટા કહે છે કે ગુજરાતમાં 5 જૂન 2024થી 4 જૂન 2025 સુધીમાં ગુજરાતભરમાં 17 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા. પછીના વર્ષે એટલે કે 2025 માટે ગુજરાતના અધિકારીઓનો દાવો છે કે ગુજરાતમાં 10.35 કરોડ વૃક્ષો વાવવાના ટાર્ગેટ હતો, જેની સામે 10.96 કરોડથી વધુ વૃક્ષો વાવ્યા હતા. આ વખતે પણ પોણા સાત કરોડ જેટલા વૃક્ષ વાવી દેવામાં આવ્યા. આમ, દર વખતે આ આંકડો કરોડોમાં જ રહ્યો છે.

જો 3 વર્ષમાં 35 કરોડથી વધુ છોડ વાવ્યા હોય અને તે ઘટાદાર વૃક્ષ બની ગયા હોય તો ગ્રીન કાર્પેટ બાબતે ગુજરાતની મોટી છલાંગ ગણી શકાય. કારણ કે ગુજરાત વન વિભાગના 2023ના એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં વન સિવાયના વિસ્તારમાં (ટ્રી કવર) પ્રતિ સ્ક્વેર કિલોમીટર 6632.29 વૃક્ષો છે. જ્યારે ફોરેસ્ટ કવર પ્રતિ સ્ક્વેર કિલોમીટર 15016.64 છે. એટલે જો છેલ્લા 3 વર્ષમાં 35 કરોડ વૃક્ષ જંગલ સિવાયના વિસ્તારમાં વાવી દીધા હોય તો ટ્રી કવર 1783.49 વધીને 8415.78 થઈ જાય. એટલે સીધેસીધો 26.89 ટકાનો વધારો થયો કહેવાય.

પણ છેલ્લા 3 વર્ષમાં 35 કરોડ વૃક્ષ વાવવા પાછળની હકીકત શું આ દાવા સાચા છે? આ છોડવા મોટા થયા કે પછી કાગળ પર જ કરમાઈ ગયા? દિવ્ય ભાસ્કરે અલગ-અલગ પાંચ એવા સ્થળે જઈને રિયાલિટી ચેક કરવાનું નક્કી કર્યું, જ્યાં વૃક્ષો વાવીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવામાં આવ્યું.

લોકેશન- 1 ભાડજ, અમદાવાદ

12 જુલાઈ, 2026ના રોજ અમદાવાદના ભાડજ વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી 97 હજાર ચોરસ મીટર જમીનમાં 3.61 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા. એ પણ માત્ર એક જ કલાકમાં. એટલે ગિનિસ બુકમાં આ કાર્યક્રમનો રેકોર્ડ નોંધાયો અને સર્ટિફિકેટ પણ મળ્યું. પણ બે મહિના પછી અમે જ્યારે આ સ્થળની મુલાકાત લીધી તો કંઈક અલગ જ સ્થિતિ જોવા મળી.

એક જ સ્થળે એક જ કલાકમાં જુદી-જુદી 35 જેટલી જાતોના 3.61 લાખ રોપાનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ દ્વારા વિશ્વવિક્રમ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
એક જ સ્થળે એક જ કલાકમાં જુદી-જુદી 35 જેટલી જાતોના 3.61 લાખ રોપાનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ દ્વારા વિશ્વવિક્રમ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો હતો.

અહીં છોડને નિયમિત પાણી આપવામાં આવતું નથી અને તેમની દેખરેખ માટે કોઈ કાયમી કર્મચારી પણ નહોતા દેખાયા. વૃક્ષારોપણ થયું એ પ્લોટ સંપૂર્ણપણે ખુલ્લો હોવાથી ગાય, ભેંસ કે બકરીઓ જેવા પશુઓ સહેલાઈથી ઘૂસી જાય અને તેમને રોકનાર કોઈ નથી.

આ ઉપરાંત છોડના રક્ષણ માટે ટ્રી-ગાર્ડ પણ મુકાયા નથી. એટલું જ નહીં, પાણી વગર મોટી સંખ્યામાં છોડ સુકાતા જોવા મળ્યા. સદનસીબે તાજેતરમાં પડેલા વરસાદને કારણે કેટલાક છોડને નવજીવન મળ્યું હશે.

લોકેશન- 2 ગોધાવી-ગોતા કેનાલ, અમદાવાદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ‘મિશન ફાઈવ મિલિયન ટ્રી’ અને ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ આ જગ્યાએ મોટાપાયે 12 જુલાઈના રોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ દિવસે અમદાવાદમાં એક જ દિવસમાં 50 લાખથી વધુ અને સમગ્ર રાજ્યમાં 1.25 કરોડથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, જેમાં વિધિવત રીતે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા. પરંતુ ગોતા કેનાલના કેટલાક ભાગો સિવાય ક્યાંય ટ્રી-ગાર્ડ જોવા ન મળ્યા. એટલું જ નહીં, ઘણા બધા છોડ તો પ્લાસ્ટિકની કાળી થેલીમાંથી બહાર પણ નથી કાઢવામાં આવ્યા અને ઢગલો કરી દેવામાં આવ્યા છે, જાણે કાર્યક્રમ પત્યો એટલે કામ પૂરું થયું એમ સમજી લેવામાં આવ્યું હોય એવું લાગ્યું.

લોકેશન- 3 રિંગ રોડ, સરખેજ, અમદાવાદ

બે જગ્યાએ વૃક્ષોની કફોડી હાલત જોયા બાદ અમે અમદાવાદ રિંગ રોડ નજીક અને સરખેજ ખાતેના એક પ્લોટમાં પહોંચ્યા. જે પ્લોટમાં વૃક્ષારોપણ થયું છે તેના બંને દરવાજા કાયમ ખુલ્લા રહે છે. પણ દરવાજા પર મ્યુનિસિપલ કમિશનરની સૂચનાનું બોર્ડ મારેલું છે કે "ટીપી 204, એફપી 893નો પ્લોટ એ.એમ.સી. દ્વારા પ્લાન્ટેશન માટે અનામત હોય, તેમાં ખાનગી વાહનોના પ્રવેશ પર મનાઈ છે. આ સૂચનાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે."

જોકે, બોર્ડ સિવાય અહીં સુરક્ષા કે દેખરેખ માટે કોઈ માણસ હાજર નહોતો. સ્થિતિ જોઈને લાગ્યું પણ એવું જ કોઈ જવાબદાર વ્યક્તિ ઘણા સમયથી અહીં આંટો મારવા પણ નહીં આવ્યા હોય. પરિણામે, અહીં પણ અનેક છોડ પાણી અને માવજતના અભાવે સુકાઈ રહ્યા છે.

અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષો વાવવામાં આવ્યા છે. પરંતુ અહીં પણ માજવતના આભાવે ઘણા છોડ સુકાતા હોવાનું રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું.
અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક પેડ મા કે નામ હેઠળ વૃક્ષો વાવવામાં આવ્યા છે. પરંતુ અહીં પણ માજવતના આભાવે ઘણા છોડ સુકાતા હોવાનું રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું.

આ તમામ વિસ્તારો એવા હતા, જે અમદાવાદનો આઉટર એરિયા ગણી શકાય. થોડું નબળુ લાગે પણ કદાચ એક કારણ એવું હોય કે દૂરનો વિસ્તાર હોવાથી કોઈની નજરમાં ન આવે અને પહોંચી ન વળે. એટલે અમે અમદાવાદના રહેણાંક વિસ્તારમાં કોઈ પ્લોટમાં વૃક્ષારોપણ થયું હોય એ શોધ્યું.

લોકેશન- 4 રાણીપ બસ સ્ટેન્ડ સામે, અમદાવાદ

'એક પેડ મા કે નામ' યોજના હેઠળ 12મી જુલાઈએ રાણીપ ખાતે GSRTC બસ સ્ટેન્ડ સામે આવેલા પ્લોટમાં પણ મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ પ્લોટ ખુલ્લો હોવાથી ચોમાસામાં કુદરતી રીતે જ ઘાસ અને નાના-મોટા છોડ ઊગી નીકળે છે. પરંતુ વાવેલા છોડને નિયમિત પાણી પાવા કે તેમની સંભાળ રાખવા માટે કોઈ કાયમી વ્યવસ્થા નથી. સ્થાનિક રહેવાસીઓ અને બાળકો સાથે આવતી માતાઓ જણાવે છે કે, ક્યારેક ક્યારેક જ પાણી પાવા માટે કોઈ આવે છે, પરંતુ નિયમિત દેખરેખ ન હોવાથી મોટાભાગના છોડ સુકાઈ ગયા છે. હાલ દેખાતી હરિયાળી માત્ર વરસાદી પાણીને કારણે છે, જે સીઝન પૂરી થતાં જ ગાયબ થઈ જશે.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં વૃક્ષારોપણના કેટલાક અઠવાડિયા પછી જાણે કોઈ દરકાર લેનાર ન હોય એવી છોડની હાલત જોવા મળી.
અમદાવાદના રાણીપ વિસ્તારમાં વૃક્ષારોપણના કેટલાક અઠવાડિયા પછી જાણે કોઈ દરકાર લેનાર ન હોય એવી છોડની હાલત જોવા મળી.

આમ અમને શહેરી વિસ્તારમાં પણ પરિસ્થિતિ અદ્ધરતાલ જોવા મળી. ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ નવી પેઢી પણ પ્રકૃતિ પ્રત્યે આકર્ષિત થાય, જવાબદાર બને એ માટે ગુજરાતની ખાનગી અને સરકારી શાળાઓમાં વૃક્ષો વાવવા માટેના પરિપત્રો કરાયા હતા. જેમાં સૂચનાઓ અપાઈ હતી કે દરેક શાળામાં 100 વૃક્ષો વાવવા. જો જગ્યા પૂરતી ન હોય તો સ્કૂલની આસપાસમાં રોડ પાસે પણ વૃક્ષો વાવી શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પણ ઘરે લઇ જવા છોડ આપવા.

એસ.જી. હાઈવે પાસે આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની સોલા અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળાની મુલાકાત લેતા જાણવા મળ્યું કે, નવી શાળાઓ પાસે વધુ વૃક્ષો વાવવા માટે પૂરતી જગ્યા જ નથી. અગાઉના વૃક્ષોની જાળવણી કરવી પણ મુશ્કેલ બની રહી છે. આમ છતાં, ઉપરી અધિકારીઓ લક્ષ્યાંક પૂરો કરવા શાળાના આચાર્યો અને શિક્ષકો પર દબાણ બનાવી રહ્યા છે. શાળાની પાછળની જગ્યા ઓછી પડતાં 10થી 12 છોડ બહાર ફુટપાથ પર વાવવામાં આવ્યા છે. શાળા પરિવાર પોતાની રીતે તેની સંભાળ રાખી રહ્યો છે, પરંતુ નાના બાળકો રમતા-રમતા છોડને નુકસાન ન પહોંચાડી શકે, એટલે તેની કાળજી રાખવી મુશ્કેલ બની રહી છે.

જ્યારે વૃક્ષો વાવવાની રેસમાં કચ્છ દેશમાં પહેલાં ક્રમે આવ્યું, હવે સ્થિતિ શું? કચ્છનું નામ પડે એટલે મનમાં રણ, રેતાળ જમીન અને સુકા વિસ્તારનું ચિત્ર ઉપસી આવે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે એક પેડ મા કે નામ અભિયાનની 2024માં શરૂઆત થઈ ત્યારે આપણું કચ્છ રાષ્ટ્રીયસ્તરે છવાઈ ગયું હતું. કારણ કે 2 કરોડ 94 લાખ વૃક્ષો વાવીને કચ્છ જિલ્લો દેશમાં પ્રથમ ક્રમે આવ્યું હતું. જોકે કરોડો વૃક્ષોમાંથી કેટલાનો ઉછેર થયો તેનો સ્પષ્ટ જવાબ તંત્ર પાસે નથી. આજે તેમાંથી કેટલાં વૃક્ષો જીવિત છે, કેટલાનો નાશ થયો તેના જવાબ મળ્યા નથી. આ વખતે પણ કચ્છમાં 54 લાખથી વધુ વૃક્ષ વાવી દેવામાં આવ્યાનું સરકારી રેકોર્ડ પર બોલે છે.

હવે જુઓ, સરકારી દાવા પ્રમાણે તમારા જિલ્લામાં કેટલા છોડ વાવવામાં આવ્યા હોવાના દાવા થઈ રહ્યા.

ભારત વર્ષ 2070 સુધીમાં 'નેટ ઝીરો કાર્બન ઉત્સર્જન'નું લક્ષ્ય લઈને આગળ વધી રહ્યું છે, અને વૃક્ષારોપણ એ આ લક્ષ્ય સુધી પહોંચવાનો સૌથી સસ્તો અને કુદરતી માર્ગ છે. પરંતુ જ્યારે 'એક પેડ મા કે નામ' જેવા પવિત્ર અને ભાવનાત્મક અભિયાનને માત્ર ગિનિસ બુકના સર્ટિફિકેટ મેળવવા કે ઉપરી અફસરોને ખુશ કરવા પૂરતું સીમિત કરી દેવાય, ત્યારે પર્યાવરણ સાથે મોટો દ્રોહ કહેવાય.

વૃક્ષારોપના દિવસે વાહવાહ લૂંટી લીધા પછી, છોડવાઓને રખડતા પશુઓ અને પાણી વગર કાળઝાળ તડકાના ભરોસે છોડી દેવા એ 'મા' અને 'ધરતી મા' બંનેના અપમાન સમાન છે. સરકારે હવે માત્ર 'કેટલા વૃક્ષ વાવ્યા'નો હિસાબ આપવાના બદલે 'કેટલા બચ્યા'નો ઓડિટ રિપોર્ટ જાહેર કરવાની જરૂર છે. નહિતર, સરકારી ફાઈલો તો લીલીછમ રહેશે, પણ આપણી આવનારી પેઢી માટે શ્વાસ લેવો પણ ભારે થઈ જશે!

.

    Local News

    Today Weather Update

    Our Group Site Links