વિકાસની વાટે:સંકલ્પબળથી સફળતા ભણી
હસમુખ પટેલ
નવું વર્ષ નવી આશા, ઉત્સાહ અને ઊર્જા લઈ આવે છે. આ ઉત્સાહનો ઉપયોગ આપણે સ્વવિકાસ માટે કરી શકીએ. જીવનના જે ક્ષેત્રોમાં વિકાસ કરવા માંગતા હોઈએ તે ક્ષેત્રોમાં જુદા જુદા સંકલ્પ લઈ તેને પાળી ખૂબ આગળ વધી શકીએ. આપણે જીવનમાં ઘણી બધી બાબતો કરવા માંગીએ છીએ પરંતુ તેની શરૂઆત કરતા નથી. પ્રારંભ કરીએ તો લાંબો સમય પ્રયત્ન કરતા નથી. જીવનમાં કશું પણ હાંસલ કરવા માટે સાતત્યપૂર્ણ પ્રયાસની જરૂર રહે છે. સંકલ્પ આપણને શરૂઆત ને સાતત્ય બંનેમાં મદદ કરે છે. સંકલ્પ લેવા સારું જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં આપણે શું કરવા માંગીએ છીએ? શા માટે કરવા માંગીએ છીએ? તેના માટે આપણી યોગ્યતા કેટલી છે? યોગ્યતા છે તો તેને માટે જરૂરી પ્રયત્નો કરવાની તૈયારી છે કે કેમ તેનો વિચાર કરી આપણે સંકલ્પ લઈ તેનું પાલન કરી સફળ થઈ શકીએ. યોગ્યતા વિના સેવેલાં સપનાં હવાઈ કિલ્લા રચવા જેવું છે. સપનાં સપનાં જ રહી જાય અને જાત ઉપરનો વિશ્વાસ ડગી જાય છે અને આપણી ક્ષમતા હોય તેટલું પણ આપણે હાંસલ કરી શકતા નથી. જીવનમાં આગળ વધવા માટે વ્યક્તિ ઊંચાં અરમાનો રાખી હકારાત્મક અભિગમ સાથે પ્રયત્ન કરતી જાય તો આગળ વધી શકે પણ સફળ થવા માટે પરિશ્રમ જરૂરી છે તે ભૂલવું ન રહ્યું. આવી તૈયારી સાથે સંકલ્પ લઈએ તો જ સફળ થવાય. સંકલ્પ જેમ ઉત્સાહ અને ઊર્જા આપે છે તેમ જ તૂટેલા સંકલ્પ ઉત્સાહ અને ઊર્જા હણી લે છે. સંકલ્પપાલન માટે પૂરતા પ્રયત્ન કરી સફળ થઈએ તો આપણો આત્મવિશ્વાસ વધે છે. ગજા બહારના સંકલ્પ બહુ જ ઝડપથી તૂટી જાય છે. જેને લીધે આપણી સંકલ્પશક્તિ ક્ષીણ થાય છે. તેવું ન થાય તે સારું નાના ધ્યેય સાથે શરૂઆત કરી પોતાની શક્તિ કેળવતાં જઈ ધ્યેય મોટું કરતાં જવાથી સફળતાની શક્યતા વધે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થીએ કોલેજકાળ દરમિયાન ક્યારેય લાંબા સમય માટે આઠ કલાક વાંચ્યું ન હોય તેવો વિદ્યાર્થી એક વર્ષ માટે દરરોજ આઠ કલાક વાંચવાનો સંકલ્પ કરે તો શરૂઆતના સમયમાં જ સંકલ્પ તૂટી જાય. ત્રણ-ચાર કલાકથી શરૂઆત કરી ધીરે ધીરે 8 કલાકે પહોંચે તો સફળ થવાની શક્યતા વધી જાય છે. સંકલ્પપાલનમાં ‘21 દિવસનો નિયમ’ બહુ જાણીતો છે. જો પ્રથમ 21 દિવસ સંકલ્પ પાળીએ તો તે પછી ક્યારેય સંકલ્પ તૂટતો નથી તેવું કહેવામાં આવે છે. આ અર્ધસત્ય છે. 21 દિવસ સફળતાપૂર્વક સંકલ્પપાલનથી સંકલ્પ પર ટકી રહેવાની શક્યતા અને ક્ષમતા વધે છે પરંતુ તે પછી સંકલ્પ ન જ તૂટે એવું નથી. ગમે તેટલા સમય માટે સંકલ્પ પાળ્યો હોય તો પણ જરા ગાફેલ રહીએ તો સંકલ્પ તૂટતાં વાર લાગતી નથી, ભલેને તમે 1 વર્ષ સતત સફળતાપૂર્વક સંકલ્પપાલન કર્યું હોય. ‘21 દિવસના નિયમ’નો આપણે જુદી રીતે ઉપયોગ કરી શકીએ. દીર્ઘકાલીન સંકલ્પને 21-21 દિવસના ટુકડામાં વહેંચી દઈએ તો સંકલ્પ પાળવો અઘરો ન લાગે. પ્રથમ 21 દિવસ માટે સફળ થઈએ પછી બીજા 21 દિવસ પાળવાનું નક્કી કરીએ તો વચ્ચે ગાફેલ થઈ જવાની શક્યતા ઘટે. આમ છતાં ક્યારેક તો એવું બને કે સંકલ્પ તૂટી જાય. આવું થાય ત્યારે શું કરવું? પ્રથમ તો બધી જ અડચણો ઓળખી સંકલ્પ લેવો અને એ અડચણો આવે ત્યારે તેની સામે ટકી રહેવું. બીજું, સંકલ્પ એવો હોવો જોઈએ કે તે તૂટે ત્યારે તેની ખબર પડે. ત્રીજું, સતત જાગૃતિપૂર્વક સંકલ્પપાલનનું મૂલ્યાંકન કરતા રહેવું પડે. ચોથું, સંકલ્પ તૂટે તો તેની નોંધ લઈ, તેનો સ્વીકાર કરી, ફરી સંકલ્પપાલનની શરૂઆત કરવી; તેમાં બળ મળે તે સારું અત્યાર સુધી જે સંકલ્પ પાલન કર્યું હતું તેની નોંધ લઈ પોતાની જાતને શાબાશી આપવી. જીવન ધ્યેયમાંથી આવતા સંકલ્પોમાં જીવન બદલવાની તાકાત હોય છે. આપણું જીવન શાને માટે છે? કઈ બાબત આપણા હૃદયની નજીક છે? કઈ બાબત આપણને હલબલાવી મૂકે છે? કઈ પીડા આપણને પજવે છે? આ પ્રશ્નો આપણને જીવનનું ધ્યેય આપે. આ ધ્યેય હાંસલ કરવા શું શું કરવું પડે તે આપણને સંકલ્પો આપે. સફળ સંકલ્પયાત્રા જીવનને સફળ બનાવે. ચાલો, નવા વર્ષે સંકલ્પ લઈ જીવનને સાર્થકતા બક્ષીએ.
