રેઈનબો:મેજિશિયન ઓફ મેથેમેટિક્સ
રક્ષા શુક્લ
શકુંતલાદેવી માત્ર 3 વર્ષના હતાં, ત્યારે સર્કસમાં કામ કરતા પિતા સાથે પત્તાની રમત રમતી વખતે તેમની યાદશક્તિ અને અદભુત ગાણિતિક ક્ષમતા સામે આવી હતી. પિતાએ જોયું કે પોતાની નાનકડી દીકરી દર વખતે રમત જીતી જતી હતી. સરખું નિરીક્ષણ કરતાં ખબર પડી કે એ કોઈ ચીટિંગ નહોતી કરી રહી, પરંતુ તેને પત્તાની સિક્વન્સ (ક્રમ) અને કયું પત્તું ક્યારે આવશે તેની ગણતરી મોંઢે યાદ રહી જતી હતી. મૈસૂર યુનિવર્સિટીમાં માત્ર 6 વર્ષની ઉંમરે તેમણે પોતાની ગણિતની અસાધારણ ક્ષમતાનું જાહેરમાં પ્રદર્શન કર્યું હતું. અમેરિકાની સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં તેમણે 201ની સંખ્યાનું 23મું મૂળ માત્ર 50 સેકન્ડમાં શોધ્યું હતું. તેમના જવાબની પુષ્ટિ કમ્પ્યુટર દ્વારા કરવામાં આવેલી. આટલી મોટી ગણતરી કરવા માટે કમ્પ્યુટરમાં એક વિશેષ કાર્યક્રમ નાખવો પડ્યો હતો. તે વખતના સૌથી ઝડપી ‘UNIVAC’ કમ્પ્યુટરને આ ગણતરી ચકાસવામાં 60 સેકન્ડ લાગી હતી, એટલે કે શકુંતલાદેવી કમ્પ્યુટર કરતાં 10 સેકન્ડ આગળ હતાં. આ કિસ્સામાં સૌથી રોચક વાત એ હતી કે, પ્રોફેસરે બોર્ડ પર સંખ્યા લખવામાં એક નાની ભૂલ કરી હતી, છતાં શકુંતલાદેવીએ મગજથી સાચો જવાબ શોધી કાઢ્યો હતો. આ ઘટના પછી વિદેશી અખબારોએ તેમને ‘મેજિશિયન ઓફ મેથેમેટિક્સ’ કહ્યા હતા. 1980માં લંડનની ઇમ્પિરિયલ કોલેજમાં તેમણે 13 અંકની બે રેન્ડમ સંખ્યાઓનો ગુણાકાર (7,686,369,774,870 × 2,465,099,745,779) માત્ર 28 સેકન્ડમાં કરી આપ્યો હતો. આ 28 સેકન્ડમાં 26 અંકનો સાચો જવાબ બોલવાનો સમય પણ સામેલ હતો. આ અદભુત સિદ્ધિ બદલ તેમનું નામ ગિનીસ બુકમાં નોંધાયું હતું. તેમણે કમ્પ્યુટર અને કેલ્ક્યુલેટર કરતાં પણ વધુ ઝડપે ગણતરી કરી વૈશ્વિક રેકોર્ડ બનાવ્યા હતા. વર્ષ, મહિનો અને તારીખ તેમને જો વિગતવાર આપવામાં આવે તો તેઓ પલકારામાં જ તે દિવસે કયો વાર હતો તે કહી દેતાં. શકુંતલાદેવી માત્ર પ્રખ્યાત ગણિતજ્ઞ જ નહીં, પરંતુ એક કુશળ જ્યોતિષી, રસોઈકળાના નિષ્ણાત પણ હતાં. તેમણે ગણિતને સરળ બનાવવા અને અન્ય વિષયો પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. શકુંતલાદેવી તેમની બેજોડ ગણનશક્તિ માટે વૈદિક ગણિતની પદ્ધતિઓ, પેટર્ન રેકગ્નિશન અને સંખ્યાઓના ટુકડા કરવાની તકનીકનો ઉપયોગ કરતાં હતાં. તેમની સૌથી પ્રખ્યાત અને સરળતાથી શીખી શકાય તેવી ગણનપદ્ધતિ ‘ઘનમૂળ (Cube Root) શોધવાની ટ્રિક’ છે, જેનાથી કોઈ પણ મોટા (6 આંકડા સુધીના) પરફેક્ટ ઘનનું ઘનમૂળ માત્ર 2 સેકન્ડમાં મનમાં જ શોધી શકાય છે. શકુંતલાદેવીએ માત્ર ગણિતનાં પુસ્તકો અને કોયડાઓ જ નહોતાં લખ્યાં, પરંતુ એક સામાજિક નિસબત સાથે સમાજની સામુહિક સમસ્યાઓ જેવા વિષયો પર પણ લખતાં. તેમણે ભારતમાં સમલૈંગિકતા પર ‘ધી વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ્સ’ પુસ્તક લખ્યું હતું, જેમાં સંમતિપૂર્ણ સમલૈંગિક સંબંધોને અપરાધમુક્ત કરવા તથા તેને કાનૂની અને સામાજિક સ્વીકૃતિ આપવા માટે દલીલ કરવામાં આવી હતી. તે સમયના ભારતીય સમાજ માટે આ ખૂબ જ પ્રગતિશીલ અને હિંમતભર્યું કદમ માનવામાં આવતું હતું. તેમણે એક સસ્પેન્સ ક્રાઇમ થ્રિલર નવલકથા ‘પરફેક્ટ મર્ડર’ પણ લખી હતી. તેમની ગાણિતિક ક્ષમતા અને આત્મવિશ્વાસ જોવા જેવો હતો. એકવાર એક જટિલ ગણતરીના જવાબ વખતે તેમણે હસતાં હસતાં સામે બેઠેલા નિષ્ણાતોની પેનલને પૂછ્યું હતું કે ‘હું 16 અંકનો આ જવાબ બોર્ડ પર જમણેથી ડાબી બાજુ લખું કે ડાબેથી જમણી બાજુ?’ આ સાંભળીને ત્યાં બેઠેલા તમામ પ્રોફેસરો સ્તબ્ધ થઈ ગયા હતા. સ્થાનિક રૂઢિપ્રયોગો અને સાંસ્કૃતિક સંદર્ભોનો ઉપયોગ કરીને અન્ય ઘણી ભાષાઓમાં વ્યાખ્યાન આપી તેઓ સંખ્યાત્મક વિચારો સમજાવતાં, જેનાથી તેમની વૈશ્વિક અપીલમાં વધારો થયો. તેઓ સ્વનિર્ભર સાંસ્કૃતિક ઉદ્યોગસાહસિક બન્યાં. શકુંતલાદેવી મોટા ગુણાકાર કરવા માટે વૈદિક ગણિતની ‘ક્રિસ-ક્રોસ પદ્ધતિ’ (Vertically and Crosswise) સૂત્રનો ઉપયોગ કરતા હતા. આ ટ્રિકથી કોઈપણ મોટા ગુણાકાર એક જ લાઇનમાં અને ખૂબ જ ઝડપથી કરી શકાય છે. 1980માં તત્કાલીન વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી સામે તેઓ મેદક (હાલ તેલંગાણા) અને મુંબઈ એમ બે જગ્યાએથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યાં હતાં. જોકે, એ ચૂંટણીમાં તેમની હાર થઈ હતી પણ તેઓ પોતાના વિચારો ખુલ્લેઆમ રજૂ કરવા માટે જાણીતાં હતાં. ગણિત માટેનો બાળકોનો ડર ભગાડવા માટે તેઓ હંમેશાં કહેતાં કે ‘નંબરોમાં જીવ હોય છે, તે માત્ર કાગળ પર લખેલા પ્રતીકો નથી.’ શકુંતલાદેવીના સ્ટેજ શો, પુસ્તકો અને ટીવી પ્રોગ્રામો ‘મજા માટે ગણિત’ (Math for Fun)ની આધુનિક ચળવળો માટે પાયારૂપ સાબિત થયા. નવી પેઢીને અંકગણિત આકર્ષક લાગ્યું. 2020માં તેમનાં જીવન પર વિદ્યા બાલન અભિનિત બોલિવૂડ ફિલ્મ ‘શકુંતલાદેવી’ બની હતી. શકુંતલાદેવીએ લંડન અને અમેરિકાની યુનિવર્સિટીઓમાં મોટાં-મોટાં કમ્પ્યુટર્સ કરતાં પણ ઝડપી અંકોની ગણતરી કરીને આખી દુનિયાને ભારતીય મગજની તાકાતનો પરિચય કરાવ્યો. ગણિતના અગણિત જ્ઞાનનાં સ્વામિની તરીકે શખ્સીયત મેળવી તેમણે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું.
ઇતિ આ દુનિયામાં ઘણી સહેલાઈથી છેતરી શકાય તેવી વ્યક્તિ જો કોઈ હોય તો તે આપણી જાત છે. –લાઇટૉન
