Mon, Nov 16, 2026Updated 02:33 PM IST
Google Preferred Source CTA

અસુર-2
'કુહાડીથી નગમાની લાશના ટુકડા કરી મેલડીના મંદિર પાસે દાટ્યા’:સોડિયમ નાઇટ્રાઇટથી 12 મર્ડર કરનારા સિરિયલ કિલરે જેલમાં આપઘાત કેમ કરી લીધો?

અમદાવાદ1 વર્ષ પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
Loading advertisement...

5 ડિસેમ્બર 2024 સરખેજ પોલીસ સ્ટેશન, અમદાવાદ પોલીસને વેજલપુર ગ્રાઉન્ડ પરથી નવલસિંહની મારુતિ સ્વિફ્ટ મળી હતી, એની તલાશી લીધી. કારના દરવાજા, સીટ, બોનેટ, ડેશબોર્ડ, ગ્લબ બોક્સ બધું જ ફંફોળ્યું, પણ ક્યાંયથી એક વસ્તુ ન મળી. છેલ્લે પાછળ ડિકીમાં પડેલું સ્પેરવ્હીલ ખોલ્યું તો વ્હીલની અંદરથી એક ચિઠ્ઠી અને એક સફેદ પાઉડરની 100 ગ્રામની પડીકી મળી.

Loading advertisement...

એ સફેદ પાઉડર સોડિયમ નાઇટ્રાઇટ હતો (નવલનું હત્યા માટેનું હથિયાર) અને ચિઠ્ઠી એટલે સુસાઇડ નોટ હતી. કોઈ કાદર અલીના નામથી. કાદર અલી કોણ? તેની સુસાઇડ નોટ અહીંથી કેમ મળી? શું તેનું પણ મર્ડર થઈ ગયું છે?

***

ગુજરાતના ખૂનખાર સિરિયલ કિલર્સ પરની દિવ્ય ભાસ્કરની નવી સિરીઝ ‘અસુર’ના ગઇકાલના હપતામાં આપે જાણ્યું નવલસિંહ ચાવડા વિશે. નવલસિંહ ચાવડા ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો સિરિયલ કિલર ગણાય છે. પોતાના ભાઇની હત્યાનો બદલો લેવા માટે તેની સાથે કામ કરનારા જિગર નામના યુવકે પોલીસને કૉલ કરીને કહ્યું કે સાહેબ, એક યુવાનનું મર્ડર થવાનું છે. પોલીસે ત્યાં પહોંચીને નવલને દબોચ્યો અને તેની કારમાંથી મળેલી કોઇ કાદર અલીની સુસાઇડ નોટથી પોલીસ ચમકી. હવે વાંચો આગળ…

Loading advertisement...

અસુર - એપિસોડ 1 : મેલડીના નામે કેમિકલથી આખા પરિવારને પતાવી લાશો કેનાલમાં ફેંકી : ‘એક કા તીન’ની લાલચે ભૂવાએ 12 મર્ડર કર્યાં, સગા સાળાએ 6 મહિના ટેક્સી ચલાવીને પકડાવ્યો

***

નવલને એ વિશે પૂછ્યું તો હજુ પણ પોપટની જેમ એક જ વાતને વાગોળતો હતો કે ‘મને કશું નથી ખબર, હું નિર્દોષ છું.’ પોલીસે એ સુસાઇડ નોટ દરેક પોલીસ સ્ટેશનમાં ફેરવી અને કાદર અલીને શોધવા પણ મથામણ શરૂ કરી. તપાસ કરતાં જાણવા મળ્યું કે એક-દોઢ વર્ષ પહેલાં પડધરી પાસે એક રિક્ષામાંથી 3 લાશ મળી હતી, જેમાં મોભીનું નામ કાદર અલી હતું. તેની પાસેથી પણ સુસાઇડ નોટ મળી હતી. પોલીસે તરત જ એ સુસાઇડ નોટ મગાવી અને અહીં નવલની કારમાંથી મળેલી સુસાઇડ નોટ સરખાવી તો બંને સુસાઇડ નોટ ડિટ્ટો સરખી હતી. બંને ચિઠ્ઠીના શબ્દેશબ્દ સરખા હતા. એક જ હાથે લખાયેલી. કન્ફર્મ થયું કે આનો સંબંધ નવલ સાથે છે, મતલબ આમનું પણ મર્ડર જ થયું છે.​​​​​​

બીજી બાજુ કાદર અલીની દીકરી નગમા કાદરના મોત પહેલાંથી ગુમ હતી. કાદરની સોસાયટીમાં વાત કરી તો જાણ થઈ કે કાદરના ઘરના ત્રણ સભ્યની લાશ મળી છે, પણ નગમાની તો લાશ પણ નથી મળી કે તેની કોઇ ભાળ પણ નથી મળી. પોલીસ સ્ટેશનમાં કાદર અલી ફેમિલીનાં મોતના આગળના દિવસે નગમાની જાણવાજોગ મિસિંગ અરજી થયેલી હતી. નગમા ક્યાં છે? કોણ છે? એ જીવે છે કે નહીં? બધા જ પ્રશ્નોના જવાબ હવે ફક્ત નવલસિંહ પાસે જ હતા.

***

પોલીસ નવલ સામે બધા જ પુરાવા મૂકી ચોતરફથી ઘેર્યો અને કડક પૂછપરછ કરી તો 7 ડિસેમ્બરની રાત્રે નવલ ભાંગી પડ્યો અને બધી જ હકીકત સામે મૂકી દીધી.

સિરિયલ કિલરનું કબૂલાતનામુંઃ ‘કાદર અલી સાથે હું છેલ્લા એક વર્ષથી કોન્ટેક્ટમાં હતો. તેમના ઘરની શાંતિ માટે એ લોકો મારી પાસે વિધિ કરાવવા આવતા. એ દરમિયાન મને અને નગમાને પ્રેમ થઈ ગયો. નગમાના લગ્ન થઈ ગયા હતા, પણ એ ભાગીને ઘરે પાછી આવી ગઈ હતી. હું પણ પરણેલો હતો. અમારું અફેર થોડા મહિના ચાલ્યું, ત્યાં નગમા લગ્ન કરવા માટે મને પ્રેશર કરવા લાગી. મેં તેને ઘણી સમજાવી કે આપણાં લગ્ન ન થઈ શકે, પણ એ સમજવા તૈયાર જ નહોતી. નગમાનું પ્રેશર દિવસે ને દિવસે વધતું જતું હતું.’

કાદર અલી નગમાને બીજે ઠેકાણે પરણાવવા માગતો હતો, પણ મારી સાથેના અફેરને લીધે નગમા બીજે ક્યાંય લગ્ન કરવા તૈયાર નહોતી, એટલે કાદર અલી મારા પગે પડ્યો કે ભૂવાજી, હવે તમે જ કોઈ રસ્તો કાઢો, મારી દીકરી માને એવું કશુંક કરો. મને બરાબરનો મોકો મળ્યો. મેં કાદરને કહ્યું કે આવો... ચોટીલા પાસે આપણે મિટિંગ કરી લઈએ. એક સારી જગ્યા શોધી અને કાદરને એની પત્ની અને દીકરા-દીકરી સાથે મળવા બોલાવ્યાં. એ મિટિંગમાં જિગર પણ મારી સાથે આવ્યો હતો. ઉપરના રૂમમાં જઈ મેં અને જિગરે નગમાને સમજાવી કે આ જીદ છોડી દે, આપણાં લગ્ન ન થઈ શકે.’ મારા સાળા જિગરે પણ નગમાને સમજાવી કે ‘મારી બહેન, આની પત્ની છે, મારી બહેન હેરાન થઈ જશે, તું જીદ છોડી દે.’ પણ નગમા એકની બે ન થઈ! ઉપરથી નગમા એનો સામાન લઇને મારા ઘરે આવી ગઇ. હવે એક જ રસ્તો બચ્યો હતો, નગમાનો અંત!’

***

21 મે 2024 વઢવાણ, સુરેન્દ્રનગર નવલસિંહે જિગરને પોતાના મસાણી મેલડીના મઢે બોલાવ્યો. રાત્રે લગભગ 11 વાગ્યે નવલસિંહ નગમાને લઇને ત્યાં પહોંચ્યો. અંદર જઇને નગમાને કહ્યું, ‘મારી સાથે લગ્ન કરવા હોય તો આ પાણી પીવું પડશે.’ આ રીતે ફોસલાવીને સફેદ પાઉડરવાળું પાણી પીવડાવી દીધું. થોડી જ વારમાં તે બેભાન થવા લાગી એટલે તેને ઢસડીને ઉપરના માળે લઇ ગયો. ત્યાં પહેલેથી જ કુહાડી અને મોટા કટરની વ્યવસ્થા થઈ ચૂકી હતી.

હવે શરૂ થયું નગમાના શરીરના ટુકડા કરવાનું લોહિયાળ કામ. રૂમમાં લોહીના છાંટા ન ઊડે એટલે નગમાને બાથરૂમમાં સૂવડાવી અને કુહાડીથી એના શરીરના ‘કચડ… કચડ…’ ટુકડા કરવાનું ચાલુ કર્યું. કદાચ એ વખતે નગમા જીવતી પણ હતી! પરંતુ આ રાક્ષસે પરવા કર્યા વિના લાશના ટુકડા કરવાનું શરૂ કર્યું. બાજુમાં પડેલી કુહાડી ઉપાડી ગોળ ફેરવી, બૂમ પાડી ને જોરથી નગમાના પગ પાસે કુહાડીનો પહેલો ઘા માર્યો. બંને પગ અલગ થયા એટલે ગોઠણિયાભર થઈ કમર પાસે લોહીના ખાબોચિયા પર બેઠો. કુહાડીને ઊંચી કરી ખભા પાસે લઈ જઈ જોરથી ઘા મારી નગમાના બંને હાથ ખભા પાસેથી જુદા કર્યા. લોહીના ફુવારાઓથી બાથરૂમની સાથે સાથે નવલનું મોઢું પણ ભરાઈ રહ્યું, વરસાદમાં પલળી આવી શર્ટના છેડાથી મોઢું સાફ કરીએ એમ નવલે લોહીથી તરબતર મોઢું સાફ કર્યું ને આગળનું કામ ચાલુ રાખ્યું. ડાબા હાથે નગમાના વાળ ઉપર ખેંચી, એની છાતી પર જમણો ગોઠણ દબાવ્યો. જમણા હાથે કુહાડીની ધાર નગમાના ગળા પર ઝીંકી માથું ધડથી અલગ કરી નાખ્યું. એક-એક અંગને શરીરથી વિખૂટાં પાડ્યાં. હવે કુહાડીનું કામ પૂરું, મોટા ચપ્પુનું કામ શરૂ થતું હતું. બાથરૂમમાં પડેલાં મોટાં મોટાં અંગોના નાના ટુકડા કરવાનું શરૂ કર્યું. અડધા-પોણા કલાકની મહેનતે આખું શરીર વેંતરી નાખ્યું ને હાડકાં, ચામડી અને બાથરૂમમાં ઊડેલા માંસના ટુકડા ઘરમાં પડેલી ત્રણ મોટી થેલીમાં ભરી ઉપરથી કચકચાવીને ગાંઠ મારી.

લાશને ઠેકાણે પાડવા માટે વાંકાનેર તેના ભાણેજને ફોન કરીને કહ્યું, ‘અમે આવીએ ત્યાં સુધી રેલવે ટ્રેક પાસે કટિંગના મેલડીનું મંદિર છે, એ મંદિર પાસેની ખાણમાં 15-20 ફૂટ ઊંડો ખાડો ખોદી રાખ. નવલે ત્યાં લોકેશન પર પહોંચવા માટે બે ગાડી તૈયાર કરી. એક ગાડીમાં જિગર અને એની પત્ની બેઠાં ને એકમાં નવલ, જેમાં નવલ પોતે, તેની પત્ની અને ડિક્કીમાં નગમાની લાશના ટુકડા ભરેલી ત્રણ થેલી… જિગરની ગાડી આગળ ચાલે, જેથી ક્યાંય જો કોઈ પોલીસ પેટ્રોલિંગ દેખાય તો નવલને જાણ કરી દે. લાશને સગેવગે કરવામાં મહિલાને સાથે રાખવાનું લોજિક એ કે પરિવાર સાથે જોઇને પોલીસ વધુપડતી પૂછપરછ ન કરે. વહેલી સવારે 6:30 વાગ્યાના અરસામાં બંને ગાડી ‘લોકેશન’ પર પહોંચી, જ્યાં નવલના ભાણેજે ખાડો ખોદી રાખેલો.

***

6:30 PM કટિંગના મેલડી, વાંકાનેર નવલ અને જિગર તેમની પત્નીઓ સાથે લોકેશન પર નગમાની લાશ લઈને પહોંચ્યા. ભાણાએ ઊંડી ખાઈમાં વધુ 10-12 ફૂટ ઊંડો ખાડો ખોદી રાખ્યો હતો. નવલસિંહે પોતાની બંને કાર દૂર ઊભી રાખી, લાશની થેલીઓ લઈ ભાણેજની બાઇક પર ખાડા પાસે પહોંચ્યા. ખાડામાં લાશની થેલીઓ નાખી, ઉપર મીઠું નાખી દીધું, જેથી જલદી સડી જાય. એના પર માટી અને પથ્થર નાખી આખો ખાડો પૂરી, જમીન સમતલ કરીને ફરી વઢવાણ આવી ગયા.

*** બીજી બાજુ દીકરી નગમા ગાયબ થઇ એટલે તેના પિતા કાદર અલી રઘવાયા થયા. તેનો શક એક જ બાજુ ગયો કે મારી દીકરીનું ક્યાંક અફેર હતું અને એ કોઇની સાથે ભાગી ગઈ. પહેલા વિચારે પોલીસ પાસે ભાગ્યો અને નગમા ગુમ થયાની ફરિયાદ લખાવી સાંજે ફરી આ જ નવલ ભૂવા પાસે આવ્યો, ‘ભૂવાજી, મારી દીકરી કોઈક સાથે ભાગી ગઈ છે, તેને શોધવા કશુંક કરો.’ નવલને જેવી ખબર પડી કે પોલીસ ફરિયાદ કરી છે અને શોધવાનું શરૂ કર્યું છે. નવલે એક મર્ડર છુપાવવા તાત્કાલિક બીજાં 3 મર્ડરના પ્લાન બનાવ્યા.

***

22 મે, 2024 પડધરી, રાજકોટ 'દીકરીને શોધી આપવાની વિધિ'ના બહાને નવલસિંહે કાદર અલીના પરિવારને રાજકોટની પડધરી ચોકડી પાસે બોલાવી પતાવી દેવાનું નક્કી કર્યું. કાદરનો પરિવાર નવલે કહેલી જગ્યાએ પહોંચ્યો. આવતાવેંત જ 5 મિનિટ વાત કરી નવલસિંહે કાદર અલી મુકાસમ, તેની પત્ની ફરીદા અને દીકરા આસિફને ‘પાણી પીવડાવી’ પરત જતાં રહેવા કહ્યું. મેલડીના ભૂવા નવલમાં શ્રદ્ધા રાખી બેઠેલું કાદરનું ફેમિલી એ પાણી પી ગયું ને પરત જવા નીકળ્યું, પણ 15-20 મિનિટમાં જ સોડિયમ નાઇટ્રાઇટે એનું કામ કર્યું અને રિક્ષામાં જ ત્રણેયનાં મોત થઈ ગયાં. દીકરીનો કેસ ક્લોઝ થયો, કાદરના ફેમિલીમાં પણ કોઈ બચ્યું નહોતું, એટલે એમાં પણ ફક્ત અજાણી લાશ તરીકેની જાણવાજોગ અરજી જ થઈ શકી અને પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે, એવી માહિતી સાથે કેસ ક્લોઝ થયો. હત્યારો નવલ સિંહ આઝાદ ફરતો હતો.

***

6 ડિસેમ્બર 2024, 11:30 PM સરખેજ પોલીસ સ્ટેશન, અમદાવાદ કાદર અલીની સુસાઇડ નોટના આ ખુલાસા બાદ નવલસિંહે એક પછી એક ગુના કબૂલવાનું શરૂ કર્યું. પોલીસની આકરી પૂછપરછમાં ખુલાસો થયો કે નવલસિંહે પોતાનાં મમ્મી, કાકા અને દાદીનાં પણ સોડિયમ નાઇટ્રાઇટ આપી મર્ડર કરી નાખ્યાં હતાં. કારણ ફક્ત એટલું જ કે ઉંમર થતાં એ ત્રણેય બીમાર ન પડે અને તેમની સેવા ન કરવી પડે. કેટલી ક્રૂર માનસિકતા…! નવલસિંહના પિતાનું નવલના જન્મના થોડાં વર્ષોમાં મૃત્યુ થઈ જતાં કાકાએ જ નવલસિંહને દત્તક લીધો હતો. ત્યાં સુધી કે નવલસિંહના પિતાનું નામ કનુભાઈ હતું, પણ ક્યાંય પણ નામ લખવવાનું થાય ત્યાં તે નવલસિંહ અરવિંદસિંહ ચાવડા જ લખાવતો. અરે, કાકા અરવિંદસિંહે તો પોતાની બધી જ વસિયતમાં પણ વારસદાર તરીકે નવલસિંહનું જ નામ લખ્યું હતું છતાં કાકા અરવિંદસિંહ અપંગ હોવાના કારણે સેવા ન કરવી પડે અને વહેલી તકે બધી પ્રોપર્ટી મળી જાય એ ઇરાદે તેમને પણ સોડિયમ નાઇટ્રાઇટ આપી પતાવી દીધા હતા.

વાત હજુ અહી અટકી નહોતી, વધુ ધારદાર પૂછપરછ કરતાં હજુ એક મર્ડર ખૂલ્યું, મર્ડર નંબર 12!

ક્રિકેટરને પણ કાયમ માટે ક્લીન બોલ્ડ કરી નાખ્યો! અત્યારસુધીમાં નવલ સિંહના નામે 11 કન્ફર્મ્ડ મર્ડર નોંધાઇ ચૂક્યાં હતાં, પરંતુ એક હત્યાનો તો ક્યાંય ગુનો કે જાણવાજોગ અરજી પણ નહોતી નોંધાઈ, એટલે તારીખ પણ કોઈ પાસે નથી. રાજ બાવાજી નામનો અંજારનો ક્રિકેટર નવલસિંહ પાસે આવ્યો હતો. રાજનો પ્રશ્ન હતો કે એના ભાઈના લગ્ન નહોતા થતા. નવલસિંહે રાજને ભોળવ્યો અને કહ્યું કે તારી બાઇક સાથે વિધિ માટે આવજે, વિધિ બાદ લગ્ન થઈ જશે. નવલસિંહે રાજ પાસેથી બાઇક અને પૈસા લઈ લીધા, પણ રાજના ભાઈના લગ્ન હજુ નહોતા થતા. એટલે રાજે નવલ પાસેથી બધું પાછું માગી પ્રેશર કરવાનું શરૂ કર્યું. અંતે નવલસિંહ કંટાળ્યો, સમાધાન કરવા અંજાર ગયો અને રાજને મળ્યો. પૈસા આપવાની ગેરંટી સાથે સમાધાન કર્યું અને નીકળતી વખતે ચા પીને છૂટા પડવાનું નક્કી થયું. જતાં જતાં નવલે ચાલાકીથી રાજની ચામાં સોડિયમ નાઇટ્રાઇટ નાખી દીધું અને પોતે વઢવાણ માટે રવાના થયો. થોડી જ વારમાં રાજનું મોત થયું, પણ કોઈ કારણોસર એ ગુનો ક્યારેય નોંધાયો જ નહીં.

***

9:30 AM, 8 ડિસેમ્બર 2024 લૉકઅપ, સરખેજ પોલીસ સ્ટેશન, અમદાવાદ લોકઅપમાં બંધ આરોપીઓ પોતપોતાની દિનચર્યામાં વ્યસ્ત હતા. એક બાજુ કોઈ દાતણ લઈને ઊભું હતું તો એક બાજુ કોઈ સ્નાન કરી બહાર નીકળતું હતું. નવલસિંહ પણ નાહવા જતો હતો ત્યાં અચાનક તેને ઊલટી થવાની શરૂઆત થઈ. બાજુમાં IPC 151નો આરોપી (જાહેર શાંતિ વખોડવાના ગુનો) નવલને જોઈ ગયો. તરત જ પોલીસને જાણ કરી. નવલસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પણ હોસ્પિટલ પહોંચે એ પહેલાં મોતને ભેટ્યો. આગલી રાતે આટઆટલાં મર્ડરની કહાની એકસાથે કહી પશ્ચાતાપ કે કાયદાની સજાનો ડર, કોઈ કારણોસર નવલસિંહે પોતે જ આપઘાત કરી લીધો. એ પણ આટલા મર્ડરના એના હથિયાર 'સોડિયમ નાઇટ્રાઇટ'થી જ.

જેલમાં સોડિયમ નાઇટ્રાઇટ કેવી રીતે મળ્યું? નવલે 3-4 દિવસ લોકઅપમાં વિતાવ્યા ત્યાં જ સમજી ગયો હતો કે હવે એના બધા કાળા ચિઠ્ઠા ખૂલશે અને સજા થશે. ઠંડીનો માહોલ હતો એટલે નવલે ઘરેથી જેકેટ મગાવવાની પરમિશન માગી, પોતાનાં કાળાં કરતૂતોથી વાકેફ નવલને શાયદ ખબર જ હતી કે કોઈ દિવસ તો આવા હાલ થશે જ. એટલે નવલે ઓલરેડી ઘરે એક જાડા જેકેટની સિલાઈ તોડી એની અંદર રૂ વચ્ચે ચપટી સોડિયમ નાઇટ્રેટ છુપાવી રાખ્યું હતું. ઘરેથી જેકેટ આવ્યું, ચેકિંગ થયું, પણ એ જાડા જેકેટમાં ચપટી કેમિકલ કેમનું પકડાય? અંતે નવલે બાકીના મર્ડરનો રાઝ પોતાની સાથે લઈ જઈ પોતાના જ હથિયારથી પોતાના મોતને સ્વીકાર્યું.

11 ડિસેમ્બર 2024 આગળના દરેક મર્ડરની લાશ મળી ગઈ હતી, સિવાય નગમા. નગમા હજુ મિસિંગ હતી. નવલ કહેલા લોકેશન પર PI વાય. પી. જાડેજા તેમની ટીમ સાથે પહોંચી ગયા અને શોધખોળ કરી, કેટલાય ફૂટ સુધી તો કશું જ ન મળ્યું. અંતે કંટાળી છેલ્લે તો એવું લાગ્યું કે આ એ જગ્યા નહીં હોય. પણ હાર ન માની તપાસ ચાલુ રાખી ને ફાઇનલી નગમાના રહ્યા સહ્યા અવશેષો મળ્યા.

IPS શિવમ વર્માના કહેવા મુજબ, જો નવલ જીવતો હોત તો હજુ પંદરેક મર્ડરનું અમારી પાસે લિસ્ટ હતું, જેનો ગુનેગાર નવલસિંહ જ હતો, પણ એ કબૂલાત થાય એ પહેલાં નવલસિંહે મોત સ્વીકાર્યું. પોલીસે જ્યારે નવલને પૂછ્યું હતું કે તું આ સોડિયમ નાઇટ્રાઇટથી લોકોના જીવ લેવાનું ક્યાંથી શીખ્યો? ત્યારે નવલસિંહનું કહેલું કે ‘હું આ વિદ્યા ઉજ્જૈન જઈ એક વ્યક્તિ પાસેથી શીખી આવ્યો છું.’

***

નગમાના મર્ડર સંદર્ભે નવલસિંહની સાથે તેની પત્ની અને જિગરને પણ સજા થઈ, જે હાલ જેલમાં હત્યાના ગુનામાં સંડોવણીની સજા ભોગવી રહ્યાં છે. જિગરે જે-તે વખતે આ લખનાર સાથે વાત કરી, પણ મીડિયા સામે આવવાની ના પાડી હતી, એ પાછળનું કારણ પણ એ જ હતું કે પોતે પણ નગમાના ગુનામાં સંડોવાયેલો હતો. તો પછી જિગર પણ જો આરોપી હતો તો પોલીસ પાસે કેમ આવ્યો? પોલીસના કહેવા મુજબ, ‘જિગરને હવે ડર હતો કે તેને નવલસિંહની ચાલ ખબર પડી ગઈ છે તો નજીકના સમયમાં નવલસિંહ હવે જિગરને પણ મારી જ નાખશે.’

જોકે પોલીસની થિયરી કહે છે કે જિગર પોતાના ભાઇની હત્યાનો બદલો લેવા માટે નવલ સાથે જોડાયો અને અનાયાસે જ નગમાની હત્યાનો સાક્ષી બન્યો, પરંતુ પુરાવા વિના પોલીસ પાસે જવું યોગ્ય ન લાગ્યું અને બીજા મર્ડરના પ્લાનિંગની રાહ જોઇ. પોલીસના કહેવા પ્રમાણે જો જિગર ગોહિલ પોલીસના પક્ષે સાક્ષી બની નવલસિંહના બધા ગુનાઓ કબૂલે અને પોતાની સંડોવણી જાહેરમાં રજૂ કરે તો કાયદો તેની સજામાં થોડી રાહત કરાવી શકે. અસુર - એપિસોડ 3 : પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો : રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં

અસુર - એપિસોડ 4 : વિધવા સાથે સંબંધ બાંધી પતાવી દીધી:TV જોઈને મર્ડર કરતા શીખેલો અમરેલીનો સિરિયલ કિલર, ગળું દબાવી જીવ ખેંચી લે, મરેલાનું સાચવેલું ઘરેણું જોઈ ખુશ થતો

અસુર - એપિસોડ 5 : ચોળાફળી વેચનારો બન્યો સિરિયલ કિલર!:યુટ્યૂબ જોઇને બંદૂક ચલાવતાં શીખ્યો, 4 હત્યા કરી લાખોનું સોનું લૂંટ્યું, ચોથી લાશ ગટરમાંથી કાઢી, કાપી ફરી ગટરમાં ડુબાડી

અસુર - એપિસોડ 6 : ધોકાથી માથાં ફાડી નાખતું 9 અસુરનું ઝુંડ:ઘરેણું ન નીકળે તો અંગો કાપી નાખે, પેન્ટ-શર્ટવાળી બાઈની 'બાવલી ગેંગ'એ વાડીએ સૂતેલા 7નાં ઢીમ ઢાળી દીધાં

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો