Mon, Nov 16, 2026Updated 02:38 PM IST
Google Preferred Source CTA

અસુર-4
વિધવા સાથે સંબંધ બાંધી પતાવી દીધી:TV જોઈને મર્ડર કરતા શીખેલો અમરેલીનો સિરિયલ કિલર, ગળું દબાવી જીવ ખેંચી લે, મરેલાનું સાચવેલું ઘરેણું જોઈ ખુશ થતો

અમદાવાદ1 વર્ષ પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
Loading advertisement...

‘2002ની વાત છે. એ સમયે હું ટીવીમાં સિરિયલ જોઈને મર્ડર કરવાનું શીખ્યો હતો. એક દિવસ ચાન્સ મળ્યો, તો અમારી બાજુમાં રહેતા પપ્પાનાં કાકીને જ પતાવી દીધાં. માજીની ઉંમર તો થઈ જ ગઈ હતી, ઝાઝું જીવીને શું કરવાનાં હતાં અને આટલાં ઘરેણાંની એ ઉંમરે શી જરૂર? માજી ઘરે એકલાં રહેતાં એટલે આસાન શિકાર હતો. એક દિવસ લાગ મળતાં જ સાંજે સાતેક વાગ્યે તેમના ઘરે ગયો અને ડોશીનું ગળું દબાવી જીવ કાઢી લીધો. જેવી એ મરી એટલે એના બ્લાઉઝમાં હાથ નાખી 5-6 હજાર રૂપિયા હતા એ અને પહેરેલાં ને ઘરમાં પડેલાં બધાં ઘરેણાંય લઈ લીધાં.’

Loading advertisement...

*** ‘15-20 દિવસ પહેલાંની વાત છે. એક ભાભાએ મને સામેથી ઘરે ચા પીવા બોલાવ્યો. ઘરે જઈને જોયું તો કોઈ હતું નહીં ને ભાભો-ડોશી એકલાં રહેતાં. એટલે થયું કે આમને પતાવવામાં કોઈ મુશ્કેલી નહીં પડે અને થોડો ઘણો માલ તો મળશે જ. અઠવાડિયા પછી ફરી ગયો તેમના ઘરે, તો ભાભો ઘરે નહોતો, એકલી ડોશી જ હતી. થોડીવાર વાતચીત કરી ને કાઢી મારા ખિસ્સામાંથી દોરી, ગળામાં પોરવી ને ખેંચી લીધો જીવ. બસ, તેની પાસેથી પણ બધાં ઘરેણાં લઈને નીકળી ગયો.’

મર્ડરર? મિલન રાઠોડ ઉર્ફે રાવળદેવ! શરીરે મજબૂત બાંધાનો, ગોળ મોઢું, કપાળે જૂનાં ઇજાનાં નિશાન અને ઘઉંવર્ણો દેખાવ. અમરેલીના ઇતિહાસનો એકમાત્ર ખૂનખાર નહીં, પણ ડરપોક સિરિયલ કિલર, પણ હા, સાઇકો ખરો. ખૂનખાર એટલે નહીં, કેમ કે એના ટાર્ગેટ બધા જ ઘરડાઓ હતા. ઘરે એકલા હોય એવાં ઘરડાં ડોસા-ડોશી સાથે વાતચીત કરી તેમનો વિશ્વાસ જીતી લેતો. શરૂઆતનાં બે મર્ડર વચ્ચે બહુ મોટો ગેપ, પણ ત્રીજું મર્ડર કર્યા બાદ મર્ડરનો નશો ચડ્યો. મૂળ ચોર, એતે કામ ચોરીનું. એમાં એકવાર રકઝક થતાં જીવ લેવો પડ્યો, પણ પછી થયું કે આ તો સહેલો રસ્તો, મહેનત કોણ કરે? બસ, પછી તો ટેવ પડી ગઈ, પણ એ ટેવનો સમય થોડો ખોટો હતો. એ સમય અમરેલીમાં IPS ઑફિસર નિર્લિપ્ત રાયનો હતો. 9 મહિનામાં ત્રણ મર્ડર થયાં ને મિલનની બકરી ડબ્બે પુરાઈ. ગુજરાતના સિરિયલ કિલર્સ પરની આપણી સિરીઝ ‘અસુર’ના આજના એપિસોડમાં વાત અમરેલીના સાિકો સિરિયલ કિલર મિલન રાઠોડની...

Loading advertisement...

***

કપાસની દલાલીમાંથી ચોરીની લત લાગી ભાવનગરના મહુવા તાલુકાના સેંદરડા ગામે રહેતો 32 વર્ષનો મિલન ભકાભાઈ રાઠોડ ઉર્ફે રાવળદેવ કપાસની દલાલીનો ધંધો કરતો. રહેવાનું પરિવાર સાથે, પણ કામ પરિવારને વિખેરવાનું. ઘરે ત્રણ ભાઈઓ ને એક બહેન. મોટો કિશોર માનસિક અસ્થિર, મિલન પોતે પણ માનસિક વિકૃત ને નાનો સહદેવ. બંને ભાઈઓ કુંવારા, પણ મિલનનાં બે લગ્ન થયેલાં. પહેલી પત્ની ભાગી જતાં બીજી પત્નીથી એક દીકરો ને એક દીકરી હતાં. અમરેલી ને ભાવનગરના વિસ્તારોમાં કપાસ પાકનો રાજા એટલે કપાસની દલાલી કરી મિલનને પેટિયું રળવું અઘરું પડે એ વાતમાં માલ નહિ. પણ તે નિયતનો ખોટો, મનનો સાઇકો ને જિગરે લૂંટેરો. ચોરી તેના સ્વભાવમાં. એમાં ચોરી કરતાં કરતાં ધીમે ધીમે લત લાગી.

હત્યાના પુરાવા રૂપે એક ચીજ સાચવી રાખતો! મિલનની મર્ડરની રીત નક્કી હતી. શિકાર એવો જ શોધવાનો કે જે ભાગી ન શકે કે સામનો ન કરી શકે. મિલનના દરેક શિકાર ગામડામાં એકલા રહેતાં વૃદ્ધો જ હતા. કોઈ બહાને વૃદ્ધોને વાતોમાં ભેળવે ને ઘરમાં ઘૂસી બળપ્રયોગથી ગળું દબાવી જીવ લઈ લે. વૃદ્ધો પાસે લાંબું કશું ન મળે, પણ એકલા જીવન વીતે એટલું અંગે પહેરેલું સોનું ને હાથે ગણાય એટલી નોટો ઘરમાં પડી હોય. મિલન માટે એટલું ઘણું. એટલો સામાન લૂંટી નાસી જાય ને માલ વેચી નાખે, પણ બધો નહીં, કોઈપણ એક ઘરેણું પોતાની પાસે સાચવી રાખે. એ બચેલા એક ઘરેણાને થોડા થોડા ટાઈમે બોક્સમાંથી કાઢીને જુએ અને એ મર્ડર યાદ કરી પિશાચી આનંદ મેળવે, ‘આને મારતી વખતે કેટલી મજા આવી હતી!?’ બસ, આ જ એનો ક્રમ. પહેલું મર્ડર આજથી 23 વર્ષ પહેલાં.....

***

TV જોઇને હત્યા કરતા શીખી ગયો 2002 સેંદરડા, ભાવનગર મિલનની મર્ડર હિસ્ટ્રી એના ઘરેથી જ શરૂ થઈ હતી. મિલન મૂળ મહુવા પાસેના સેંદરડાનો. નાનપણથી જ રાક્ષસી મગજ, પહેલું મર્ડર તો સગીર વયે જ કરી નાખ્યું હતું. 15 વર્ષની ઉંમરે પૈસાની જરૂર પડતાં પિતા પાસે માગ્યા હશે, પણ તેમણે ના પાડી. પહેલાંના સમયમાં એક કહેવત હતી કે કોઈ વ્યક્તિનું માનસ ચકાસવું હોય તો એના હાથમાં TVનું રિમોટ આપી દ્યો. (કહેવત હતી, કેમ કે હવે એનું સ્થાન મોબાઈલ અને સોશિયલ મીડિયાએ લીધું છે.) સેમ મિલનના કેસમાં પણ એવું જ થયું. મિલન નવરો પડ્યે આખો દિવસ TVમાં ક્રાઇમ શો જોયે રાખતો, જેમાં આરોપીઓ મર્ડર કરી લૂંટ કરી લે. શોનો ઉદ્દેશ આ બધા ક્રાઇમથી લોકોને ચેતવવાનો હોય છે, પણ મિલન આ જોઈ જોઈ ક્રાઇમ કરતા શીખ્યો ને એક દિવસ બાજુમાં રહેતા સંબંધીને પતાવી દીધાં.

લાશના બ્લાઉઝમાં હાથ નાખીને પૈસા કાઢી લીધા સાંજનો સમય હતો, ઝાલરનો ઝણકાર આખા ગામમાં સંભળાતો હતો. આખો દિવસ વાડીએ મજૂરી કરી ખેડૂતો ગાડા હંકારી ઘર તરફ પ્રયાણ કરતા હતા. પળી-બે પળી (પ્રવાહીનું એક માપ) દૂધ લેવા લોકોની રસ્તે હલચલ ચાલુ હતી. શાંત વાતાવરણમાં ‘ચકલીઓ’નું ચીં ચીં સંભળાતું હતું. ગામડાંમાં 7 વાગ્યાનો સમય એટલે વાળુ (ડિનર) કરવાનો ટાઈમ. ગામડાંમાં નિયમ કે અંધારું થાય એ પહેલાં જમી લેવું. શિયાળો હોય તો 6:30એ થાળી પીરસાય અને ઉનાળો હોય તો 7:30એ. મિલનને સાતેક વાગ્યાનો ટાઈમ મેળે બેઠો. બાજુમાં રહેતા પોતાના પિતાનાં કાકીને જ શિકાર બનાવ્યાં. દાદા બહાર ગયા હતા એટલે ઘરે કોઈ નહીં. 65 વર્ષના શાંતુબેન તબિયતે થોડાં બીમાર, એટલે ફળિયે ખાટલો ઢાળી સૂતાં હતાં. મિલન ડેલી ખોલી અંદર પેઠો ને સૂતેલાં કાકીના ગળા પર તરાપ મારી. જુવાનીના હાથનો એ ઘરડી ડોશી સામનો ન કરી શકી, ને મિનિટોમાં તો જીવ જતો રહ્યો. મિલને એ ઘરડાં માજીના બ્લાઉઝમાં હાથ નાખ્યો ને એમાંથી પાંચ-છ હજાર કાઢી લીધા. પૈસા લીધા ને ભાગી ગયો. માજી બીમાર તો હતાં જ, એટલે બધા આવ્યા તો થયું કે માજી કુદરતી રીતે સ્વર્ગવાસી પામ્યાં છે, જીવ છૂટ્યો. વાત એટલી આસાનીથી પૂરી થઈ ગઈ કે કોઈને મિલન પર શક જ ન ગયો.

***

‘બાપા, થોડા ખાવાના ઘટ્યા છે, ટેકો કરજો ને’ વર્ષઃ 2017 સેંદરડા, ભાવનગર મિલન મોટો થયો, પણ ભણવામાં ‘ઢ’, એટલે નોકરી ન મળી, પરંતુ દિમાગે જોર, એટલે પૈસા રળી લે. સેંદરડામાં જ ખોળ કપાસિયાની દુકાન રાખી વેપાર કરે ને ગુજરાન ચાલી જાય, પણ 2016-17માં અમરેલી-ભાવનગરના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો. ગામનાં ગામ ધોવાઈ ગયાં હતાં. એવામાં ખેતરોની તો શું મજાલ? બધાના પાક ધોવાતાં ખોળના વેપારી મિલનને પણ મોટો ફટકો પડ્યો, પણ સમય રહ્યે તેને તેની દુકાને આવતા ખોળના એક ખરીદદાર સાથે મેળ બેસી ગયો હતો. મિલને ગોવિંદભાઇ હડિયાને હોંકારો કર્યો, ‘બાપા, થોડા ખાવાના ઘટ્યા છે, ટેકો કરજો ને.’ ગોવિંદભાઈ ભગવાનનો માણસ. ઉદાર દિલે પણ સાવચેતીથી મિલનને 3% વ્યાજે 60 હજાર રૂપિયા રોકડા આપ્યા, ડાયરીમાં નોંધણી કરી ને સાથે ઈસ્માઈલભાઈને સાક્ષીમાં રાખ્યા.

કેલેન્ડરનાં પાનાં બદલતાં ગયાં ને ગોવિંદશેઠને ટૂંકા ગાળાની પૈસાની જરૂર પડી. મિલનને યાદ કર્યો ને કહ્યું કે ‘એલા, મને અત્યારે રૂપિયા રોકડા દે, ચાર દિવસમાં તને પાછા આપું.’ ગોવિંદ શેઠ વ્યવહારનો પાક્કો. પાંચમા દિવસની સવારે મિલનને લઈ પહોંચ્યો સીધો બેન્કના દરવાજે, પણ આ વખતે સાથે બાજુના ગોવિંદડી ગામનો એક જણ પણ હતો. ગોવિંદ શેઠે બેંકેથી 2 લાખ રૂપિયા ઉપાડ્યા, એક લાખ પાડોશી ગામના નવા જણને આપ્યા ને એક લાખ મિલનને. 60 હજાર જે પહેલાં વ્યાજે આપેલા હતા એ અને 40 હજાર બીજા ઉછીનાના નામે વધારે. પૈસા આપી ત્રણેય છૂટા પડ્યા.

32 હજાર માટે ગળું દાબીને હત્યા કરી ગોવિંદ શેઠ અહીં માર ખાઈ ગયો. આ વખતે 40 હજાર આપ્યા એ ડાયરીમાં નોંધતાં ભૂલ્યા ને મિલનની નિયત બગડી. મિલને નક્કી કર્યું કે 60 હજાર આપી દઇશ, પણ હવે આ બાકીના રૂપિયા મારે પાછા નથી આપવા, પણ જમાનાના ખાધેલ ગોવિંદ શેઠ એમ થોડો કંઈ માને. ગોવિંદ શેઠ સાથે મિલને બોલચાલ વધારી, ઘરે આવનજાવન વધારી ને લાગ શોધવાનું શરૂ કર્યું. દિવસો વીત્યા ને ચાન્સ મળી ગયો. ગોવિંદ શેઠ ઘરે એકલા ને અધૂરામાં પૂરું એ દિવસે તેમની તબિયત થોડી નબળી. મિલનને વાતનો અણસાર મળ્યો ને, હળવેથી સાંજે 8:30 વાગ્યાના સુમારે ગોવિંદશેઠની ડેલીમાં પોચા પગે ડગલાં ભર્યાં. ગોવિંદ હડિયા ઓસરીમાં ખાટલો ઢાળી ગોદડું ઓઢી સૂતા હતા ને મિલને છતે ગોદડે ગળું દબાવી દીધું. ગોવિંદભાઈનો જીવ ગયો ને મિલન ડેલીની બહાર ગયો. બીજે દિવસે સવારે ગામમાંથી ગોવિંદભાઈની અંતિમયાત્રા નીકળી. કોઈને મનમાંય શંકા ન પેઠી ને ઉપરથી સારું લગાડવા મિલન આંટોય મારી આવ્યો. બે દિવસે ઘરે ખરખરો કરવા પણ ગયો ને સાથે 60 હજારના વ્યાજ સાથે 67,500 આપીને પણ આવ્યો, જેથી ડાયરીમાં લખેલો હિસાબ ક્લિયર થાય. કોઈને રતીભર શંકા પણ ન ગઈ ને 32 હજાર માટે મિલને બીજું ઢીમ ઢાળી દીધું.

***

પાનવાળીને પ્રેમમાં પાડી ને જીવ પણ લીધો માર્ચ 2019 દેગવડા, ભાવનગર શિયાળો જઉં જઉં કરતો હતો ને ઉનાળાએ ડોકિયું કરવાનું શરૂ કરી દીધું હતું. ખેતીવાડીના કામધંધાવાળાને નવરાશનો ટાઈમ હતો. ધંધો હળવો પડતાં મિલન નીકળ્યો બગદાણા બજરંગદાસ બાપાનાં દર્શન કરવા. ‘નૌ સૌ ચૂહે ખા કે બિલ્લી હજ કો ચલી’ જેવું થાય તોપણ બિલાડી શિકાર કરવાનું તો ન જ ભૂલે. મિલન ને બિલાડીમાં લાંબો ફરક નહીં. સેંદરડાથી બગદાણા જતાં 7 કિલોમીટર પહેલાં નાનકડું ગામ પડે દેગવડા. બપોરનો સમય એટલે તડકો કહે મારું કામ, થાકેલા મિલને દેગવડામાં એક પાનનો ગલ્લો જોઈ શાઈન (બાઇક)ની ઘોડી ચડાવી. સૌરાષ્ટ્રમાં કોઈપણ પાનનો ગલ્લો લઈ લો, ત્યાં સોડા ન મળે એવું જવલ્લે જ બને. મિલને સોડાનો ઓર્ડર આપ્યો.

​​​​​​સોડા બની રહી ને મિલને પીધી ત્યાં સુધીમાં તો દુકાનવાળી લીલુબેન સાથે નજર મળી ગઈ. લીલુબેન 45-50 વર્ષની વિધવા મહિલા, ઘરે એકલી રહે ને પાન-માવાની દુકાન ચલાવે. 5-10 મિનિટમાં મિલને એવા તો ગુલ મિલાવી દીધા કે બંનેને એકબીજા સાથે દિલ મળી ગયાં. પછી તો નંબરની અદલાબદલી થઈ ને અવારનવાર અવરજવર ચાલુ થઈ. લીલુ સાથે મિલનનું ‘ઇલુ ઇલુ’ ચાલુ થઇ ગયું. મિલન જ્યારે મળવા જાય ત્યારે થોડા પૈસા પણ આપીને આવે. એકાદ મહિનો આવું ચાલ્યું.

મિલન લીલુબેનના ઘરે ગયો અને… દર વખતના ક્રમ મુજબ એક દિવસ રાતના 8:30 આસપાસ મિલન પહોંચી ગયો દેગવડા. પ્રેમમાં ઓતપ્રોત લીલુએ તો જમવાનું બનાવીને રાખ્યું હતું. બંને પંખીડાંએ પેટ ભરીને વાળુ કર્યું ને લીલુએ ઘરમાં સજાવી રાખેલી સેટી તરફ વળ્યા. એપ્રિલની ગરમીમાં પણ બંને એક જ સેટીમાં એક જ ગોદડા નીચે ઘૂસ્યાં ને કપડાંને અલવિદા કહ્યું. પણ મિલન આ વખતે આટલા જ મકસદ સાથે નહોતો આવ્યો. આ વખતે તેની નિયતમાં ખોટ હતી. મધ્યરાત્રિ થતાં જ થાકેલી લીલુબેન ઊંઘમાં હતી ને મિલન જાગ્યો. એ જ પેટર્નથી તેણે લીલુબેનનું પણ ગળું દબાવ્યું ને તેમનો અવાજ બહાર નીકળે એ પહેલાં તો જીવ બહાર નીકળી ગયો. મિલને લીલુબેને પહેરેલી સોનાની બુટ્ટી, સોનાની કાનની સેર અને સોનાનું માદળિયું લૂંટી લીધું ને સેંદરડા રવાના થયો.

***

ઘરડાં માજીના દાગીના પર મિલનનો ડોળો બેસી ગયો 26 ઓગસ્ટ 2019 લોયંગા, ભાવનગર વરસાદી માહોલ હતો, ભાવનગરની ધરતી લીલુડી બની ગઈ હતી. ચારેબાજુ બધાં ખેતર હરિયાળાં બની લહેરાતાં હતાં. બગદાણા બાદ આ વખતે મિલન ભગુડા માતાજીનાં દર્શન કરવા નીકળ્યો. રસ્તે જતાં લોયંગા ગામ પહોંચ્યો ત્યાં વરસાદ કહે મારું કામ. એકાએક ધોધમાર વરસવાનું શરૂ થઈ જતાં મિલને એક ઘર પાસે હોન્ડા શાઈનની બ્રેક મારી વિસામો લીધો. ત્યાં જોગાનુજોગ એ ઘર એક ઘરડાં માડીનું ને એ ઘરે સાવ એકલાં. દિવસનો સમય હતો ને રોડકાંઠાનું ગામ હતું એટલે ચહલપહલ હતી. મિલન ત્યારે તો ત્યાંથી નીકળી ગયો, પણ એના મનમાં એ માજીના કાનમાં પહેરેલી બુટ્ટી બેસી ગઈ.

બીજા જ દિવસે સવારે ફરી ગાડી હંકારી મૂકી ને પહોંચી ગયો એ ડોશીમાના ઘરે. ત્યાં જ બાઇક ઊભું રાખી પાણી પીવાના બહાને અંદર ઘૂસ્યો ને વાતચીત ચાલુ કરી. વાતવાતમાં માજીને ભોળવી ખિસ્સામાંથી દોરી કાઢી અને માજીના ગળામાં પોરવી દીધી. મોટી ઉંમરની મહિલા સામે જવાબ ન આપી શકી ને બળુકા મિલને દોરીથી ફાંસી આપી દીધી. જેવો માજીનો જીવ ગયો કે તરત જ એમણે અંગે પહેરેલા બધા જ દાગીના, 6 કડી, બે ટોટી, અને નાકની ચૂંક લઈને ભાગ્યો. આ વખતે તો ઘરે જતાં પહેલાં બાઇક વાળી મહુવા બાજુ અને સીધો જ સોનીની દુકાને પહોંચ્યો. જેટલો પણ માલ હતો એ બધો જ વેચી 65 હજારની રોકડી કરી. કરિયાણાની દુકાને આખા વર્ષનું બાકી બિલ ચૂકવી વધેલા 30 હજાર લઈ ઘરે રવાના થયો. અત્યાર સુધીમાં મિલને ભાવનગરમાં ને ભાવનગરમાં ચાર-ચાર મર્ડર કરી નાખ્યાં હતાં. પણ પાંચમું મર્ડર એણે અમરેલીમાં કરવાનું પ્લાનિંગ કર્યું.

***

કાઠિયાવાડી કાકાને, મહેમાનગતિ મોંઘી પડી 17 સપ્ટેમ્બર 2019 જિકયાળી, અમરેલી ચોમાસું જઉં જઉં કરતું હતું. ડોડા (મકાઇ)ની સિઝન હતી. ખેતીવાડીના ગઢ અમરેલીએ હરિયાળીની ચાદર ઓઢી લીધી હતી. મેટ્રો સિટીથી કોસો દૂર હજુ પણ એ જ જુનવાણી જીવનશૈલીમાં જીવતા આ કાઠિયાવાડી જિલ્લામાં પારિવારિક રિવાજો અકબંધ હતા. વર્ષે દહાડે ઘરે જે કંઈ પણ પાક થાય એ આપવા બેન-દીકરીના સાસરે જવું એ નિયમ. સેંદરડાના મિલનને પણ એના બાપુએ સારા સારા ડોડા વીણી કાપડની થેલીમાં ભરી જિકયાળી ફોઈના ઘરે પહોંચાડવા મોકલ્યો. મિલને શાઈનની કિક મારી ને હેન્ડલ વાળ્યું જિકયાળી બાજુ. ડોડાની થેલી આપી, ખબર-અંતર પૂછી મિલન પાછો વળ્યો. આ વખતે રસ્તે સ્ટોપ લીધો હાડીડા. ગલ્લે બ્રેક મારી, પાણીનું બે રૂપિયાવાળું પાઉચ લીધું ને કાચી પાંત્રીની સોપારી તોડી જાડો ચૂનો નાંખ્યો. બે હાથ વચ્ચે માવો (રાજકોટની ફાકી ને અમદાવાદનો મસાલો) મસળવાનું ચાલુ જ હતું ત્યાં રસ્તે જતાં 72 વર્ષના ભલા ભાભા નરશીભાઈ ઘોડાદરાએ કાઠિયાવાડી આવકારો આપી હોંકારો કર્યો, ‘એ સીતારામ, જુવાનિયા.’ મિલન એક મિનિટ અચકાયો, પણ પછી ચાન્સ દેખાયો એટલે બોલ્યો, ‘સીતારામ, બાપા.’ ‘બા’ર ગામનો લાય્ગ સો. લાંબો પલ્લો કાપીને આય્વો સો કે હું? રોંઢો થ્યો સે, હાલ સા-પાણી પીતો ઝા!’ ‘ના ના બાપા, પાણી પીવા ઊભો રહ્યો છું.’ ‘હાલ હાલ હવે, આ જુવાની કપાળથી નીતરે છે. ઘર અહીં બાજુમાં જ છે. સા-પાણી પીતો જા.’

અમરેલી-ભાવનગર-જૂનાગઢનાં ગામડાંમાં આજની તારીખે પણ અજાણ્યાને આવી મહેમાનગતિ સામાન્ય છે. રસ્તે જતા જોઈ હોંકારો આપવો, ચાલ્યા જતાને બાઇક કે કારમાં લિફ્ટ આપવી, ગામના પાદરે નવા દેખાતા માણસને હાલ-ચાલ પૂછવા, ગમે તેને ભૂખ્યા જોઈ ઘરે જમવા બોલાવવા, આજે પણ એ ખમીરવંતી ધરતીના આ ગુણો જેમના તેમ છે. પણ અહીં હાડીડાના ભાભાને આ આવકારો કરવો મોંઘો પડવાનો હતો. મિલન અત્યારે તો ઘરે જઈ ચા પી બહાર આવી ગયો ને ઘરે જવા પણ નીકળી ગયો. પણ એ ઘર હવે એની નજરે ચડી ગયું હતું. સેંદરડા (એનું ગામ) આવીને પણ મિલનના મનમાં સતત એ ભાભાનું ઘર જ દેખાતું હતું. છેલ્લા શિકારના પૈસા હવે ખૂટવામાં હતા. નવો શિકાર જલદી કરવો પડે એમ હતો. મિલનના મગજે હાડીડા ચડ્યું ને શાઈનની કિક મારી હેન્ડલ ફેરવ્યું.

***

24 સપ્ટેમ્બર 2019, 10 AM હાડીડા, અમરેલી છેલ્લી વાર જતાં જતાં ભાભા સાથે એટલો તો સંપર્ક બનાવી જ લીધો હતો કે ફરી ઘરે જઈ શકાય. આ વખતે બીજે ક્યાંય ગયા વિના બાઇકની ઘોડી સીધી જ ભાભાની ડેલી પાસે ઉતારી. ડેલીએ ટકોરો દઈ ડેલીની બાજુમાં પિચકારી મારી, ‘સીતારામ’ની જોરથી બૂમ પાડી. પણ યોગાનુયોગ ભાભા ઘરે નહોતા, માજી જાનબાઇબેન એકલાં! મિલને જોઇતું ભાળ્યું. માજીએ મિલનને ઓસરીમાં બેસાડયો ને પાણીનો ગ્લાસ લઈ આવ્યાં. મિલને 2-5 મિનિટ મીઠી મીઠી વાતો કરી ગામડાનાં એ ભોળાં માજીને ભેળવી લીધાં ને હળવેકથી ટમકું મૂક્યું, ‘માજી, બાપુ આવે તો મને ફોન કરજો ને.’ ‘પણ બટા, તારો નંબર તો નઈ હોય ને.’ ‘હા, નઈ. લાવો હું લખી દઉં…’ શેતાની મિલને ખિસ્સામાં પેન શોધવાની ચાલુ કરી, જે હતી જ નહીં. ‘અરે રે માડી, પેન નથી મળતી.’ ‘અલા બટા, એમાં શું? ખમ, આપું.’

બસ, મિલનનું કામ થઈ ગયું. માજી જેવાં ઘરની અંદર ગયાં, મિલને ખિસ્સામાંથી સૂતરની દોરી કાઢી અને પાછળ પાછળ રૂમમાં જઈ, ચાન્સ જોઈ ગળામાં ગાળિયો નાખ્યો ને મિનિટમાં જ માડીનું મોત થઇ ગયું. જીવ જતાં જ કોઈ આવે એ પહેલાં મિલને માજીના કાનમાંથી સોનાની 6 કડી, 2 ટોટી, 1 બૂટિયું, નાકનો દાણો, હાથની સોનાની ચિપ લગાવેલી પાટલા જેવી બંગડી અને પગના ચાંદીના છડા બધું જ લૂંટી ભાગ્યો. ગામની ભાગોળે ઊભા રહી પાટલાની ચિપ કાઢી પ્લાસ્ટિકનો ભાગ ફેંકી દીધો ને બધું જ સોનું લઈ સીધો જ પહોંચ્યો મહુવા. શરાફ બજારમાં નટવરલાલ મથુરાદાસની સોના-ચાંદીની ધમધમતી દુકાનમાં મિલનનું સેટિંગ. બસ, આમ ને આમ મિલનની ગાડી ચાલે રાખતી…

વાતો વાતોમાં પાંચના જીવ લઈ લીધા મિલનના હાથે આ પાંચમો જીવ ગયો હતો. પાંચમો પણ અંતિમ! કેમ કે હાડીડા અમરેલીની હદમાં. જેવું આ માજીનું મર્ડર થયું એટલે મિલન IPS નિર્લિપ્ત રાયની નજરે ચડી ચૂક્યો હતો. ભાભાએ ફરિયાદ નોંધાવી, જેવી ફરિયાદ આવી SOG (સ્પેશિયલ ઑપરેશન ગ્રુપ) અને LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની સાથે SIT(સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવી નિર્લિપ્ત રાયે પોતે તપાસ ચાલુ કરાવી.

CCTVમાં દેખાતો આ બાઇકસવાર કોણ છે? બે-ત્રણ દિવસ બાદ હડીડામાં SOG PSI આર. કે. કરમટા (હાલ SMC PI)એ એક એક ઘરમાં પૂછપરછ શરૂ કરી. ત્યાં તેમને નાજુભાઈ નામની એક વ્યક્તિના ઘર બહારના CCTV દેખાયા. હજુ સુધી આરોપીનો એક ફોટો કે નામ પણ નહોતું મળ્યું, એવામાં આ CCTV જડીબુટ્ટી સમાન હતા. CCTV ચેક કર્યા તો જે ટાઈમે નરશીભાઈ ઘરે નહોતા એટલા ટાઈમમાં એક અજાણી વ્યક્તિ દેખાઈ, પણ ચાલીને નહીં, હોન્ડા શાઈન પર. કન્ફર્મ થયું કે આરોપી આ જ હોવો જોઈએ. તપાસ આદરી ચારે બાજુ CCTVમાં દેખાતી વ્યક્તિની શોધખોળ ચાલુ કરી. આ અરસામાં મિલને અડધાં ઘરેણાં વેચી નાખ્યાં હતાં ને અડધાં બાકી હતાં. બસ, એ બાકી રહેલાં ઘરેણાં મિલનને જેલનાં દર્શન કરાવવાનાં હતાં.

***

હત્યારો સામેથી આવતો દેખાયો​​​​​​ ​​​​​​29 સપ્ટેમ્બર, 2019 વિજપડી આઉટ પોસ્ટ, અમરેલી હડીડાની ચારેબાજુ પોલીસે વૉચ ગોઠવી દીધી હતી. એમાં ય વિજપડી ચેકપોસ્ટ નજીક ભાવનગર જિલ્લામાં જવા કરતાં ત્યાંથી આવવાવાળાં વાહનો વધુ. કેમ કે મહુઆ માટે સાવરકુંડલા જ મોટું સિટી, કંઈ પણ જરૂર પડે એ હટાણું કરવા ભાવનગર કરતાં સાવરકુંડલા વધુ નજીક પડે. 24 કલાક ધમધમતા રસ્તે એક એક વાહન અને શકમંદની પોલીસ તપાસ કરી રહી હતી. ત્યાં દૂરથી આવતી ઍક હોન્ડા શાઈન દેખાઈ. કોન્સ્ટેબલ દોડતો દોડતો સાહેબ પાસે ગયો, ‘સાહેબ, એક સાઇન આવે સે, ઓલો ઝ આવતો લાગે સે.’ ‘અલા, તો મારી પાંહે હુ આય્વો? પકડ એને’ કોન્સ્ટેબલ આડો ઊતર્યો, પણ જેવો રોકવા ગયો ત્યાં મિલને ભાગવાની કોશિશ કરી. પોલીસને વધારે શક ગયો કે લાગે છે તો આરોપી જ. ‘અલા મૂવા, ક્યાં ભાય્ગ સો? ઊભો રે.’ ચારે બાજુથી પોલીસે ઘેર્યો ને મિલન ડબ્બે પુરાઈ ગયો. તપાસ કરી તો બાઇકમાં લટકાવેલી કાપડની થેલીમાંથી માજીનાં ઘરેણાં અને રોકડા ₹1,12,200 પણ મળ્યા. નાખ્યો ગાડીમાં ને PCRનું સ્ટીયરિંગ વાળ્યું અમરેલી તરફ.

એક હત્યાનો શકમંદ, પાંચનો હત્યારો નીકળ્યો પોલીસને મન હતું કે અઠવાડિયામાં જ મર્ડરનો કેસ સોલ્વ થયો, પણ નહિ, આ તો બગાસું ખાતાં પતાસું હાથમાં આવ્યું હતું. એક નહીં, બે નહીં, પોલીસે એકઝાટકે 5 મર્ડર કેસ સોલ્વ કર્યાં હતા ને ગુજરાતના સૌથી ખૂનખાર સિરિયલ કિલર્સના ઇતિહાસમાં નામ ચડે એવો ક્રિમિનલ પકડ્યો હતો. આ બધી જ માહિતી ખૂલી ઇન્વેસ્ટિગેશનમાં.

‘સાહેબ, પૈસા માટે ચાર જણાને મારવા પડ્યા’ પોલીસે બીજે જ દિવસે મિલનને કોર્ટમાં હાજર કર્યો ને રિમાન્ડ મેળવ્યા. રિમાન્ડમાં કડકાઇથી પૂછપરછ ચાલુ કરી તો ભાઈ પોપટની જેમ બધું બોલવા માંડ્યો, ‘હજુ સાચું બોલ… આગળ બીજું શું શું કર્યું છે? તારા બધા જ ગુનાઓનું લિસ્ટ તૈયાર છે.’ ‘સાય્બ જરૂરિયાતવાળો માણા સુ. આવી નાની-મોટી લૂંટુ કરે રાખું. એમાં આની પેલાય ચારને મારવા પય્ડા ‘તા.’ નિર્લિપ્ત રાયે નેણ ઉપર ચડાવી ડોળા બહાર કાઢી કડકાઇથી બૂમ પાડી, ‘ખબર જ છે, તારી પાસેથી જાણવાનું છે, બોલવા માંડ બધું.’ ‘અમરેલી-ભાવનગર મળી આના સિવાય ચારેકને પતાવી દીધા છે. પૈસા ઘટે તો શું કરું?’ મિલને આખી મર્ડર હિસ્ટ્રીની વિસ્તારે કબૂલાત આપી.

​​​​​​બીજીવાર કોઇ અજાણ્યા પર વિશ્વાસ કરતાં પહેલાં… બસ, ત્યારથી લઈ આજ સુધી સિરિયલ કિલર મિલન અત્યારે રાજકોટ સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે, સાથે ખબર હોવા છતાં લૂંટનો માલ ખરીદવા બદલ મહુવાના સોની પ્રવીણ મહેતા અને મિહિર મહેતાને સજા થઈ. અમરેલીએ પણ ત્યારથી લઈ આજ સુધી સદનસીબે બીજા કોઈ સિરિયલ કિલરનાં દર્શન નથી કરવા પડ્યાં, પરંતુ ભગવાનનેય સ્વર્ગ ભુલાવે એવી મહેમાનગતિ માટે જાણીતા સૌરાષ્ટ્રના આ જ સદગુણનો ત્યાંના જ એક કપાતરે ગેરલાભ લીધો હતો, એ વાત બીજીવાર કોઇ અજાણ્યા પર વિશ્વાસ મૂકતાં પહેલાં વિચારવા જેવી ખરી!

(આ સ્ટોરીમાં લખાયેલા એક એક શબ્દ માટે પોલીસ સ્ટેશનના લૉકરમાં પડેલાં દરેક નિવેદન-દસ્તાવેજ, તપાસમાં જોડાયેલા સિનિયરથી જુનિયર ઓફિસર્સ અને કર્મચારીઓ સાથે મળીને ઓફિશિયલ માહિતી મેળવવામાં આવી છે.)

અસુર - એપિસોડ 1 : મેલડીના નામે કેમિકલથી આખા પરિવારને પતાવી લાશો કેનાલમાં ફેંકી : ‘એક કા તીન’ની લાલચે ભૂવાએ 12 મર્ડર કર્યાં, સગા સાળાએ 6 મહિના ટેક્સી ચલાવીને પકડાવ્યો

અસુર - એપિસોડ 2 : 'કુહાડીથી નગમાની લાશના ટુકડા કરી મેલડીના મંદિર પાસે દાટ્યા’:સોડિયમ નાઇટ્રાઇટથી 12 મર્ડર કરનારા સિરિયલ કિલરે જેલમાં આપઘાત કેમ કરી લીધો?

અસુર - એપિસોડ 3 : પેન્ટ ઊતરાવી પથ્થરથી માથું છૂંદી નાખતો : રાજકોટમાં ગે સ્ટોન કિલરના ડરે પુરુષો બહાર નીકળતા ડરતા, જાતીય શોષણનો બદલો લેવા મર્ડર કર્યાં

અસુર - એપિસોડ 4 : વિધવા સાથે સંબંધ બાંધી પતાવી દીધી:TV જોઈને મર્ડર કરતા શીખેલો અમરેલીનો સિરિયલ કિલર, ગળું દબાવી જીવ ખેંચી લે, મરેલાનું સાચવેલું ઘરેણું જોઈ ખુશ થતો

અસુર - એપિસોડ 5 : ચોળાફળી વેચનારો બન્યો સિરિયલ કિલર!:યુટ્યૂબ જોઇને બંદૂક ચલાવતાં શીખ્યો, 4 હત્યા કરી લાખોનું સોનું લૂંટ્યું, ચોથી લાશ ગટરમાંથી કાઢી, કાપી ફરી ગટરમાં ડુબાડી

અસુર - એપિસોડ 6 : ધોકાથી માથાં ફાડી નાખતું 9 અસુરનું ઝુંડ:ઘરેણું ન નીકળે તો અંગો કાપી નાખે, પેન્ટ-શર્ટવાળી બાઈની 'બાવલી ગેંગ'એ વાડીએ સૂતેલા 7નાં ઢીમ ઢાળી દીધાં

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો