તમે ખરીદેલા સોનાના ઘરેણાં અસલી છે કે ભેળસેળિયા?:ઘરે બેઠા મિનિટોમાં જ તપાસો, સોનાની શુદ્ધતા ચેક કરવાની 5 સરળ રીત
દિવાળીના અવસરે અને ધનતેરસ પર લોકો સોનાની ખરીદી કરે છે. પરંતુ સોનામાં ભેળસેળનો ડર પણ રહે છે. આવી સ્થિતિમાં સોનું કે જ્વેલરી કેટલી અસલી અને શુદ્ધ છે, તે સવાલ ઊભો થાય છે. ઘણી વખત લોકો શુદ્ધતાની સાચી જાણકારી ન હોવાને કારણે છેતરપિંડીનો ભોગ બને છે.
જોકે, સોનાની સાચી પરખ માટે લેબ અને નિષ્ણાતોની તકનીકો સૌથી સચોટ માનવામાં આવે છે, પરંતુ કેટલીક સરળ ઘરેલુ રીતો અને સરકારી નિયમો પણ છે, જેની મદદથી તમે ઘરે બેઠા જ તમારા સોનાની શુદ્ધતા ઓળખી શકો છો.
ઘરે બેઠા સોનાની શુદ્ધતા 5 રીતે તપાસી શકાય
જો તમે કોઈ બ્રાન્ડેડ જ્વેલર્સ પાસેથી HUID ધરાવતી ગોલ્ડ જ્વેલરી ખરીદી હોય, તો તમને BIS કેર એપ પર તેની તમામ માહિતી મળી શકે છે. તેમાં જ્વેલરી કેટલા કેરેટની છે, ક્યાં બનાવવામાં આવ્યો છે- આ બધી માહિતી મળે છે.
પરંતુ જો તમે ગામ કે નાના શહેરમાં કોઈ સોની પાસેથી જ્વેલરી ખરીદી હોય, તો પણ તેને હોલમાર્કિંગ સેન્ટર પર લઈ જઈને માત્ર 236 રૂપિયાના ખર્ચે તેની શુદ્ધતા જાણી શકો છો. સમજદારી એ જ છે કે HUID ધરાવતી જ્વેલરી ખરીદવામાં આવે, જેથી ગુણવત્તામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી આવે તો તમે ફરિયાદ કરીને ઉકેલ મેળવી શકો.
1. હોલમાર્ક અને HUID કોડ તપાસો
સોનાની અસલી ઓળખ તેનો હોલમાર્ક હોય છે. ભારત સરકાર (BIS)ના નિયમો અનુસાર સોનાના આભૂષણો પર ત્રણ મુખ્ય નિશાન હોવા જોઈએ. BISનો લોગો, કેરેટમાં શુદ્ધતા (જેમ કે 22K916 અથવા 18K750) અને 6 અંકોનો અલ્ફાન્યૂમેરિક HUID કોડ. તમે BIS Care એપ ડાઉનલોડ કરીને આ HUID કોડ દાખલ કરો, તો જ્વેલરીની સંપૂર્ણ વિગતો અને તેની અસલી શુદ્ધતા થોડી જ મિનિટોમાં તપાસી શકો છો.
2. ચુંબક ટેસ્ટ
સોનું એક બિનચુંબકીય ધાતુ છે. જો તમારી પાસે કોઈ શક્તિશાળી ચુંબક હોય, તો તેને સોનાના આભૂષણની નજીક લાવો. જો સોનું ચુંબક તરફ ખેંચાય અથવા ચોંટી જાય, તો સમજી જવું કે તેમાં લોખંડ, નિકલ અથવા અન્ય કોઈ ધાતુની ભેળસેળ છે.
3. પાણીથી કરો તપાસ
સોનું એક ભારે ધાતુ છે. એક પારદર્શક વાસણ અથવા ગ્લાસમાં પાણી ભરો અને સોનાના ઘરેણાંને તેમાં નાખો. અસલી સોનું તરત જ વાસણના તળિયે બેસી જશે. જો દાગીનો તરતો રહે અથવા નીચે બેસવામાં સમય લે, તો તેમાં ભેળસેળ હોઈ શકે છે.
4. વિનેગર ટેસ્ટ
સોનાના આભૂષણ પર વિનેગરનાં થોડાં ટીપાં નાખો. જો સોનાનો રંગ બદલાઈ જાય અથવા તે કાળો કે લીલો થવા લાગે, તો તે નકલી અથવા ઓછા કેરેટનું છે. અસલી સોના પર વિનેગરની કોઈ રાસાયણિક અસર થતી નથી.
5. હળવેથી ઘસીને કરો ટેસ્ટ
અસલી સોનામાંથી ક્યારેય પણ પરસેવા કે ધાતુ જેવી કોઈ ગંધ આવતી નથી. આ ઉપરાંત, પોલિશ વગરની ચીનાઈ માટીની પ્લેટ પર સોનાને હળવેથી ઘસવાથી જો સોનેરી લાઈન બને, તો સોનું અસલી છે, જ્યારે કાળી અથવા રાખોડી લાઈન બને, તો તે નકલી છે.
નિષ્ણાતો સોનાની શુદ્ધતા કેવી રીતે તપાસે છે?
જ્યારે તમે કોઈ વિશ્વસનીય સોની અથવા હોલમાર્કિંગ સેન્ટર પાસે જાઓ છો, ત્યારે નિષ્ણાતો આધુનિક વૈજ્ઞાનિક તકનીકોનો ઉપયોગ કરે છે.
- XRF સ્પેક્ટ્રોમીટર મશીન- આ સૌથી આધુનિક અને નુકસાનરહિત રીત છે. તેમાં સોનાને નુકસાન પહોંચાડ્યા વિના અથવા તેને ઓગાળ્યા વિના, એક્સ-રે કિરણો દ્વારા 2 સેકન્ડમાં જણાવી દેવામાં આવે છે કે તેમાં કેટલા ટકા સોનું અને કેટલી અન્ય ધાતુઓ (તાંબું, ચાંદી, જસત) છે.
- એસિડ અને કસોટી પથ્થર ટેસ્ટ- આ પરંપરાગત રીત છે. સોની સોનાને કસોટી પથ્થર પર ઘસે છે અને તેના પર નાઇટ્રિક એસિડનું ટીપું નાખે છે. એસિડની અસરથી રેખાના રંગમાં થતા ફેરફાર દ્વારા કેરેટ (24K, 22K, 18K, 14K)નો સચોટ અંદાજ લગાવવામાં આવે છે.
- ફાયર એસે ટેસ્ટ- આ દુનિયામાં સોનાની તપાસની સૌથી સચોટ અને પ્રમાણિત રીત માનવામાં આવે છે. તેમાં સોનાના એક નાના ભાગને ઓગાળીને તેમાં રહેલી તમામ અન્ય ધાતુઓને અલગ કરવામાં આવે છે અને શુદ્ધ સોનાનું ચોક્કસ વજન માપવામાં આવે છે.
-----------------------------
આ સમાચાર પણ વાંચો:
LICની સ્કીમમાં 5 વર્ષ પ્રીમિયમ ભરો પછી જીવનભર કમાણી:દર મહિને ગેરેન્ડેટ ઈન્કમનો લાભ, પોલિસીધારકોને રિસ્ક કવરની સાથે મળશે લોનની સુવિધા
જો તમે નિવૃત્તિ પછીના ખર્ચાઓને લઈને ચિંતિત છો અને જીવનભર આવક મેળવવા માંગો છો, તો આજે અમે LICની એક એવી સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તમે પાંચ વર્ષ સુધી પ્રીમિયમ જમા કરીને જીવનભર કમાણી કરી શકો છો. વાંચો સંપૂર્ણ સમાચાર...
