‘પીઠમાં છરો ભોંકવાનો પવારનો ઇતિહાસ, સત્તા લઈને જ મરવું છે...’:સીમાંકન પર INDIA ગઠબંધનનો સાથ છોડતા કોંગ્રેસ લાલઘૂમ, કહ્યું- ‘જનતા ગણી-ગણીને બદલો લેશે’
સંસદના વિશેષ સત્ર પહેલાં સીમાંકન(પરિસીમન) બિલને લઈને વિપક્ષી ગઠબંધનમાં મોટી તિરાડ પડી છે. આ મુદ્દે રણનીતિ ઘડવા શનિવારે બોલાવાયેલી INDIA ગઠબંધનની બેઠકમાંથી શરદ પવારની પાર્ટી NCP(SP)એ અંતર જાળવ્યું છે. NCP (SP) બિલ પર NDA સરકારને સમર્થન આપી રહી હોવાથી મહારાષ્ટ્ર કોંગ્રેસ ભડકી છે અને શરદ પવાર પર સીધો પ્રહાર કર્યો છે.
પવારનું નામ લોકશાહી ખતમ કરનારાઓમાં સામેલ થશે: વડેટ્ટીવાર
મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા વિજય વડેટ્ટીવારે NCP(SP)ના વલણને દુર્ભાગ્યપૂર્ણ અને 'પીઠમાં છરો ભોંકવા' સમાન ગણાવ્યું છે. તેમણે પવાર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે:
તેમણે પોતાના સિદ્ધાંતો સાથે દગો કરીને પીઠમાં છરો ભોંકવાની જૂની આદત જાળવી રાખી છે. પવારની હાલત 'પાણી વગરની માછલી' જેવી છે અને તેમની કોઈ વિચારધારા નથી. લોકશાહીનો નાશ કરનારાઓની યાદીમાં તેમનું નામ પણ સામેલ થશે. NCP વાળા સત્તા માટે જન્મ્યા છે અને સત્તા લઈને જ મરવા માંગે છે. 10 ધારાસભ્યોના જોરે મુખ્યમંત્રી પદ માંગવું હાસ્યાસ્પદ છે. જનતા તેમને ગણી-ગણીને બદલો લેશે.
કોંગ્રેસે રાજ્યસભા ચૂંટણીની યાદ અપાવી
મહારાષ્ટ્ર કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને યાદ અપાવ્યું કે માર્ચમાં યોજાયેલી રાજ્યસભાની 7 બેઠકોની ચૂંટણીમાં 85 વર્ષીય શરદ પવારને જીતાડવા માટે પાર્ટીએ સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. તે સમયે જીત માટે 36 મતની જરૂર હતી, જ્યારે NCP-SP પાસે માત્ર 10 ધારાસભ્યો હતા. કોંગ્રેસના 16 અને શિવસેના(UBT)ના 20 ધારાસભ્યોના સમર્થનથી મહાવિકાસ અઘાડીએ પવારને રાજ્યસભામાં મોકલ્યા હતા.
રોહિત પવારનું કોંગ્રેસમાં સ્વાગત થશે
પવાર જૂથ પર પ્રહાર કરવાની સાથે જ વિજય વડેટ્ટીવારે રોહિત પવાર અંગે નરમ વલણ અપનાવ્યું હતું. તેમણે કહ્યું કે રોહિત પવાર હાઈકમાન્ડના સંપર્કમાં રહે છે અને જો તેઓ કોંગ્રેસમાં આવે તો તેમનું સ્વાગત થશે, અમારી પાસે તેમનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી.
INDIA એલાયન્સની બેઠકમાં NCP-SP ગેરહાજર
સુપ્રિયા સુલેએ શરદ પવારની તબિયતનું કારણ આપીને બેઠકમાં ન આવવાની વાત કરી છે. અગાઉ સાંસદ નિલેશ લંકે અને ભાસ્કર ભાગરે બેઠકમાં હાજર રહેવાના હતા, પરંતુ નિલેશ લંકે તોરણા કિલ્લા પર સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે અને ભાસ્કર ભાગરે પણ મહારાષ્ટ્રમાં જ રોકાયા છે. આમ, બેઠકમાં NCP-SP નો કોઈ પ્રતિનિધિ સામેલ થયો નથી.
સીમાંકનથી બેઠકોનું ગણિત બદલાશે
નવા સીમાંકન પ્રસ્તાવ હેઠળ દરેક રાજ્યની લોકસભા બેઠકોમાં 50 ટકાનો વધારો થવાનો છે, જેના કારણે દક્ષિણ ભારતની બેઠકો 129 થી વધીને 195 થશે અને તે જ પ્રમાણમાં ઉત્તર ભારતમાં પણ બેઠકો વધશે. આ ફોર્મ્યુલા ઘણા પ્રાદેશિક પક્ષોને અનુકૂળ આવી રહી હોવાથી મોટાભાગના દળો NDAના સમર્થનમાં જતા દેખાઈ રહ્યા છે.
