મેનેજમેન્ટની ABCD:રખડતાં રહો
બી.એન. દસ્તુર
સફળ ઉદ્યોગપતિઓની સફળતામાં વધારે પડતો રસ લેવામાં સમયની બરબાદી છે. જે કંઈ બિલ ગેટ્સ, રતન તાતા, અઝીમ પ્રેમજી અને નારાયણ મૂર્તિ કરે એનું આંધળું અનુકરણ ખાડે લઈ જઈ શકશે. મુખ્ય કારણ એ છે કે તમારું નામ બિલ, રતન, અઝીમ કે નારાયણ નથી. બાજુવાળા પશાકાકા પચાસ વર્ષથી ગુટખા ખાય છે, પણ એમને મોંઢાનું ખતરનાક કેન્સર થયું નથી. એમને રોલ મૉડલ બનાવી ગુટખા ખાશો તો ખતરનાક, દર્દનાક, મોંઢાના કેન્સરથી ઉકલી જઈ શકો છો, કારણ કે તમારું નામ પશાકાકા નથી. નિષ્ફળ ઉદ્યોગપતિઓની નિષ્ફળથાનાં કારણો શોધો, એમણે કરેલી ભૂલોની એમની સાથે ચર્ચા કરો.લ ભૂલોની યાદી ખૂબ લાંબી છે. અમેરિકા, યુરોપ અને આપણા દેશના નિષ્ફળ ઉદ્યોગોનો અભ્યાસ કરવાની મને આદત છે. સૌથી મોટી ભૂલ છે દરેક વિભાગના વડાનો ઓફિસપ્રેમ. મોટા સાહેબ એમની વીસમા માળની શાનદાર ઓફિસના પ્રેમમાં એવા ગળાંડૂબ હોય કે એને ‘મેનેજમેન્ટ બાય વૉન્ડરિંગ ઍરાઉન્ડ (MBWA)’ કઈ જાતની તકનીક છે એની ખબર હોતી નથી. દુનિયાની ઈકોનોમીના એ એક્સપર્ટ છે, પણ એમની કંપની કેટલાં પાણીમાં છે એની ખબર વર્ષના અંતેની બેલેન્સ શીટમાં પડે અને એમના મેનેજરોએ એ બેલેન્સ શીટ સાથે રમતો રમી હોય એનો ખ્યાલ પગાર કરવાનાં ફાંફાં પડે ત્યારે જ આવે. પોતાની ઓફિસ છોડી અસરકારક અને ઊંચી ક્વોલિટીના વેન્ડરોને શોધવાની પરચેઝ મેનેજરને જરૂર જણાતી નથી. એ એની ઓફિસમાં બેસી વેન્ડરોની રાહ જુએ છે. ફેમિલી કંપનીઓમાં પરચેઝની અટપટી કળાથી સાવ બેખબર સાળાને પરચેઝ મેનેજર બનાવવામાં આવે છે, કારણ કે એ ‘પ્રામાણિક’ છે. એક્સપર્ટ અને પ્રામાણિક પરચેઝ મેનેજરો હાજર છે પણ ‘મોંઘા’ પડે છે. ફાઈનાન્સ મેનેજર એના આંકડાઓના જંગલમાં એવો અટવાયેલો રહે છે કે એને બજારમાં જઈ ગ્રાહકો સાથે ઈન્ટરએક્ટ કરવાની નથી ઈચ્છા, નથી આવડત. ઉઘરાણી વધતી જાય એની ચિંતા એ કરે, પણ એ શા માટે વધે છે એનાં સાચાં કારણો જાણવા ગ્રાહકોનો સંપર્ક કરવાનો એને વિચાર પણ આવતો નથી. રિસર્ચ અને ડેવલપમેન્ટ, આર એન્ડ ડી ના મોટા સાહેબ નવી પ્રોડક્ટની ડિઝાઇન કરવામાં પાંચ વર્ષ અને પચાસ લાખ ખર્ચી નાખે અને ખબર પડે કે આ પાંચ વર્ષમાં ગ્રાહકની અપેક્ષાઓ બદલાઈ ગઈ છે. એનામાં એટલી કોમન સેન્સ નથી કે એ ગ્રાહકની સાથેની પસંદગીનો તાગ મેળવે અને ઝડપથી પ્રોડક્ટ ડેવલપ કરે. એમ.બી.ડબલ્યુ.એ.ની શરૂઆત સૌથી મોટા સાહેબે કરવાની છે, જેથી એમના મેનેજરો એમની નકલ કરે. પાંચ હજાર વર્ષ પહેલાં કિસન મહારાજે એમની ગીતામાં રોલ મૉડલની વ્યાખ્યા કરી છે (ગીતા 3/27). રખડતાં રહો. કર્મચારીઓને, ગ્રાહકોને, ડિસ્ટ્રિબ્યુટરોને, વેન્ડરોને, સરકારી અફસરોને, અન્ય સ્ટેકહોલ્ડરોની મુલાકાત કરતા રહો. આ તકનીકના આશિકોએ પાર્કિન્સન્સ ડિસીઝથી પીડાતી બસોથી શરૂઆત કરી હતી, આજે પ્રાઈવેટ જેટમાં રખડે છે.
બુધવારનો બોધ જે માનવી મમતા, અહંકાર અને સ્પૃહા વિનાનું વર્તન કરે છે તે જ પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. (ગીતા 2/71).
