Mon, Nov 16, 2026Updated 02:25 PM IST
Google Preferred Source CTA

ગતકડું:મકાન પુરાણ : ડોરબેલથી દાદરા સુધી…

12 દિવસ પેહલા
Loading advertisement...
દિવ્ય ભાસ્કર વાંચવા માટે...
બ્રાઉઝરમાં જ

ડૉ. પ્રકાશ દવે

Loading advertisement...

મકાન સામાન્ય રીતે રહેવા માટે બનાવવામાં આવે છે. પોતાનું મકાન હોવું એ દરેક માણસનું સપનું હોય છે. ઘર અને મકાન બંને અલગ બાબત છે. ઘણાને મકાન હોય છે પણ ઘર હોતું નથી. ઘણાને ઘર હોય છે પણ મકાન હોતું નથી. એટલે કે એમણે ઘર હોવા છતાં ઘરનું ઘર હોતું નથી. ઘણાને બે ઘર હોય છે. ઘણાં બેઘર હોય છે. ઘણાને બે મકાન હોય છે પણ એક પણ ઘર હોતું નથી. નવું મકાન બનાવનાર થોડા સમય માટે ‘મકાન બતાવનાર’ બની જાય છે. પોતાનું મકાન બીજાના મકાન કરતાં કેટલું અલગ છે એની આખી પુરાવા સહિતની વાર્તા એ મકાનભાઈ પાસે હોય છે, એટલું જ નહીં એ વાર્તા એ બધાને સંભળાવવા આતુર પણ હોય છે. ‘આપણે એક પણ વસ્તુ લોકલ વાપરી નથી, અને કોઈ વસ્તુ હલકી ચલાવી લીધી નથી. મકાન જિંદગીમાં એક જ વાર બને છે.’ – આ એનું ધ્રુવવાક્ય હોય છે, જેનો એ સાંભળનારની ધીરજ મુજબ સંકોચ અને વિસ્તાર કરી શકે છે. ‘આવો મકાન જોવા’ – કોઈ એવો ફોન કરે એટલે સમજી લેવાનું કે એને પોતાના મકાનના વખાણ કરવાના અભરખા જાગ્યા છે! કોઈનું નવું મકાન જોવા જાઓ ત્યારે તમારા કાન લઈને જવું અને જીભ ઘેર મૂકીને જવું. મકાન બતાવનારના આત્મામાં ગાઇડ (ભોમિયો) ઘૂસી જાય છે અને તમારે ભોમિયા સાથે ફરજિયાત ડુંગરા ભમવા પડે છે! એ એક પછી એક ઓરડા ખોલતા જાય છે અને એ ઓરડાની વિશેષતા બતાવતા જાય છે. ‘આ બેડરૂમ... માસ્ટર બેડરૂમ...! સૂવા માટે બનાવ્યો છે. વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ જ બનાવ્યો છે. કોન્ટ્રાક્ટરે તો બેડ આ તરફ રાખવાનું કહ્યું હતું પણ મેં ના પાડી. મેં કહ્યું કે બેડ તો બારી સામે જ રહેશે. વધારે રૂપિયા થાય તો લઈ લેજે... મારે સાઠ ભેગી બાસઠ...!’ આ દરમિયાન આપણે કશું કરવાનું હોતું નથી. પ્રસંગોપાત માત્ર ડોકું હલાવવાનું, આંખોમાં વિસ્મયનો ભાવ લાવવાનો અને વચ્ચે વચ્ચે ‘ઓહો...’, ‘વાહ...’, ‘સરસ...’ એવા શબ્દો વાપર્યા કરવાના! બેડરૂમમાંથી બહાર નીકળો ત્યાં એ તમને કિચનમાં ધકેલે છે. ‘આ કિચન... રસોઈ બનાવવા માટે... અગ્નિ ખૂણો... ભારે ટાઇલ્સ લગાવી છે. પ્લેટફોર્મ પણ મોટું રાખ્યું છે એટલે ક્યારેક નીચે જમતા ન ફાવે તો પ્લેટફોર્મ પર બેસીને પણ જમી શકાય!’ રસોડાને અલવિદા કહો તો એ તમને ગેસ્ટ રૂમ તરફ ઉપાડી જાય છે. ‘આ ગેસ્ટ રૂમ... મારી પસંદગીનો... એમાં એવું છે કે અમારું મહેમાનવાળું ઘર! મહેમાનને કોઈ તકલીફ ન પડવી જોઈએ એમ વિચારીને મોટો રૂમ બનાવ્યો છે.’ તમે વિચારો છો કે હવે બધા રૂમ જોવાઈ ગયા એટલે છૂટકારો મળશે. પણ એ તમને લગભગ ધક્કો મારીને બાથરૂમ સુધી લઈ જાય છે. એના પણ દરવાજા ખોલીને તમને અંદર ધકેલવા પ્રયાસ કરે છે. જોકે તમે ટસના મસ થતા નથી, તો પણ એનું માન રાખવા કમરથી ઉપરનું શરીર અંદર નાખીને ઊભા રહો છો. ત્યાંથી છટકવા માટે તમે પ્રયાસ કરો છો પણ એ તમને અધવચ્ચે જ આંતરી લે છે. લાઈટનું સ્વિચબોર્ડ બતાવી વારાફરતી ચાંપો દબાવતા જાય અને કહેતા જાય છે: ‘બહારગામથી ઈલેક્ટ્રિશિયન બોલાવ્યો હતો... આમ તો એ ક્યાંય જતો નથી પણ મારા સાઢુભાઈનો જાણીતો હતો એટલે આપણને ના ન પાડી. મટીરિયલ જુઓ મટીરિયલ...!’ તમારે એના આગ્રહને માન આપી એક બે સ્વિચ ચાલુ-બંધ કરવી પડે છે. આપણે મનમાં એવું વિચારીએ છીએ કે ‘હાશ, મકાન જોવાનું કામ પૂરું થયું’, ત્યાં એ નવો બોમ્બ ફોડે છે: ‘ઉપર ચાલો... ઉપરનું મકાન બતાવું...!’ ‘જુઓ અહીં આવો. આ ગેલેરી...! અહીંથી આખું ગામ દેખાય! મેં નક્કી જ કર્યું હતું કે મકાન બનાવવું તો ગેલેરીવાળું બનાવવું. અહીં હીંચકો પણ નખાવવો છે. હીંચકાવાળા ચકાભાઈ સાથે વાત થઈ ગઈ છે. અહીંથી આખું આકાશ પણ દેખાય છે. પૂનમ હોય ત્યારે તો આખેઆખો ચંદ્ર પણ જોઈ શકાય છે.’ આપણે ‘સરસ સરસ’ એવું બોલતાં બોલતાં નીચે ઊતરી જઈએ છીએ અને દરવાજા સુધી પહોંચી જઈએ છીએ, પણ કઠણાઈ પીછો છોડતી નથી! એ પાછળ પાછળ દરવાજા સુધી આવે છે. ‘જૂના ઘરે નહોતો, પણ અહીં તો ડોરબેલ જ ફિટ કરાવી દીધો. આવે એને ઉપાધિ જ નહીં. ડેલી ખખડાવવાના દિવસો ગયા! સમય પ્રમાણે આપણે પણ બદલાવું જોઈએ ને!’ એમ કહીને એ જાતે જ બે-ત્રણ વાર ડોરબેલ વગાડી લે છે. નવા મકાનમાં રહેવા કરતાં નવું મકાન બીજાને બતાવવાનો આનંદ જરાય ઓછો નથી.

.
Loading advertisement...