IPS ડાયરીઝ-4‘બાળકીનો રેપ કરી બે કટકા કરી નાખ્યાં’:હજારોના ટોળાએ પોલીસને ઘેરી, IPS મકરંદ ચૌહાણ કહે, ‘મોડો પડ્યો હોત તો પોલીસને જીવતા સળગાવી નાખત’
‘પોલીસ જવાનો ઘટનાસ્થળે દોડ્યા અને ત્યાં જઈ જોયું તો, સામે પડી હતી 10-11 વર્ષની દીકરીની લાશ અને એ પણ અડધી! અડધી લાશ ક્યાં ગઈ, કોણે ક્યાં છુપાવી, કોઈને કશી જાણ નહીં, ફક્ત લાશનો ઉપરનો ભાગ પડ્યો હતો. દીકરીના પાર્થિવદેહ અને ઉપરનાં કપડાં જોતાં સ્પષ્ટ ક્લિયર દેખાતું હતું કે, દીકરી પર બળાત્કાર કરી મર્ડર કર્યું ને બાદમાં લાશને ખરાબ રીતે પથ્થરથી છૂંદી છૂંદી બે કટકા કર્યા હતા. બાદમાં એ જ લાશનો ઉપરનો ભાગ અહીં ફેંકી નીચેનો ભાગ ક્યાંક બીજે લઈ ગયા...’
થથરાવી મૂકે તેવી આ ઘટના વર્ણવી રહ્યા છે અમદાવાદના ACB (એન્ટિ કરપ્શન બ્યૂરો)ના જોઇન્ટ ડાયરેક્ટર IPS અધિકારી મકરંદ ચૌહાણ. મકરંદ ચૌહાણ એટલે ગુજરાતના ઇન્ટેલિજન્સ ઑપરેશન્સના ગણ્યા ગાંઠ્યા IPS અધિકારીઓમાંના એક. જ્યાં જ્યાં ચેલેન્જિંગ, અઘરો અને અજુગતો કેસ હોય ત્યાં ત્યાં એ કેસ સોલ્વ કરવામાં IPS મકરંદ ચૌહાણનો ક્યાંક ને ક્યાંક હાથ ખરો. એવો જ એક કેસ બન્યો હતો એમની SP તરીકેની સર્વિસ વખતે. ખેડા જિલ્લામાં સાહેબનું પોસ્ટિંગ અને ઉત્તરાયણના માહોલ વચ્ચે ગામડામાં એક નાનકડી માસૂમ દીકરીની પથ્થરથી બે કટકા કરેલી લાશ મળી. પરંતુ હત્યારાને શોધે તે પહેલાં બીજી મોટી ધડબડાટી તો એ પછી થઈ. કલાકોની મહેનતે ગામલોકોનાં ટોળાંનાં ટોળાંઓ વચ્ચે અડધી રાત્રે મામલો થાળે કેવી રીતે પડ્યો? ‘IPS ડાયરીઝ’ સિરીઝના ચોથા એપિસોડમાં આજે IPS મકરંદ ચૌહાણે વાત કરી એ સમયની… જ્યારે, આરોપી નાનકડી દીકરી પર રેપ કરી પથ્થરથી શરીરના બે કટકા કરી ભાગી ગયો…
IPS અધિકારી મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ મૂળ અમદાવાદ જિલ્લાના જ. ભણવામાં પહેલેથી હોંશિયાર એટલે આગળ જતાં સાયન્સ લીધું ને બાદમાં ઇલેક્ટ્રોનિક્સ & કોમ્યુનિકેશન્સમાં એન્જિનિયરિંગ કરી UPSCની સિવિલ સર્વિસીસ એક્ઝામિનેશનની તૈયારી કરી, બાદમાં IPS અધિકારી બનવાનું સપનું જોઇ તનતોડ મહેનત ચાલુ કરી ને 2007માં UPSCની એક્ઝામ ક્લિયર કરી IPSની સર્વિસ જોઇન કરી. શરૂઆતમાં ભાવનગર જિલ્લામાં પ્રોબેશન પિરિયડ પૂરો કરી, ASP (આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) તરીકે પોરબંદર શહેરમાં પહેલું પોસ્ટિંગ મળ્યું. ત્યાંથી પછી તો SP (સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) તરીકે વેસ્ટર્ન રેલવેથી લઈ ડાંગ, ખેડા, અમરેલી, કચ્છ-ભુજ અને આણંદ જિલ્લાઓમાં SP તરીકે સર્વિસ કરી. બાદમાં સુરત તથા અમદાવાદ શહેરોમાં DCP (ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ) તરીકે ફરજ બજાવી. હવે 2021થી ACB (એન્ટિ કરપ્શન બ્યૂરો)ના જોઇન્ટ ડાયરેક્ટર તરીકે ગુજરાતમાં ભ્રષ્ટાચારને રોકવા તનતોડ મહેનત કરી રહ્યા છે.
***
ચૌહાણ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ ક્યો હતો? IPS મકરંદ ચૌહાણે પોતાની લગભગ બે દાયકાની કરિયરમાં હેન્ડલ કરેલા કેસ વાગોળીને એક રોમાંચક કેસ અમારી સમક્ષ રજૂ કર્યો...
‘સપ્ટેમ્બર 2012માં ખેડા જિલ્લામાં SP તરીકે મારું પોસ્ટિંગ થયું ને ચારેક મહિના જેવો સમય ગયો ત્યાં 2013ના જાન્યુઆરીમાં એક સેન્સિટિવ ઘટના ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. દિલ્હીનો નિર્ભયા કાંડ હજુ તાજો જ હતો, એને હજુ એકાદ મહિના જેટલો જ સમય વિત્યો હતો. ગુજરાતીઓ સહિત દેશવાસીઓનાં માનસપટ પરથી હજુ એ કાંડ ભુલાયો નહોતો ત્યાં આ ચકચારી દુર્ઘટનાએ વાગેલા પર મીઠું ભભરાવવા જેવું કામ કર્યું.
19 જાન્યુઆરી, 2013 ગામઃ પીપળાના મુવાડા જૂના, તા. ઠાસરા, જિ. ખેડા બપોરના એકાદ વાગ્યાનો સમય હશે. ઉત્તરાયણ હજુ ગઈ જ હતી ને 26મી જાન્યુઆરીની તૈયારીઓ ચાલતી હતી. ખેડા જેવા સંવેદનશીલ જિલ્લામાં શાંતિમય માહોલ હતો. ત્યાં મિહજીભાઈ કરીને એક જણ દોડતો દોડતો પોક મૂકીને ઠાસરાના પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યો. રડતાં મોઢે એક જ વાત નીકળે કે, ‘મારી દીકરી… મારી દીકરી…’ પોલીસે એમને થોડા શાંત પાડ્યા ને સાથે આવેલા એમના સગાને પૂછ્યું કે, ઘટના શું થઈ છે? ફરિયાદીની વાત સાંભળી થોડી સેકન્ડ સુધી તો પોલીસની પણ આંખો બહાર આવી ગઈ. ઘટના ક્યારે થઈ અને કોણે કરી કશી જ ખબર નહીં. પાંચ દિવસ પહેલાં દીકરી ગાયબ થઈ, ને પિતા ફરિયાદ કરવા છેક અત્યારે આવ્યા? એ પણ પાંચ દિવસ બાદ?
ખેતરમાં છોકરીની છૂંદાયેલી અડધી લાશ મળી હતી
પોલીસ જવાનો ઘટના સ્થળે દોડ્યા અને ત્યાં જઈ જોયું તો, તમાકુના ખેતરમાં પાંદડાંઓ પર સામે પડી હતી 10-11 વર્ષની દીકરીની લાશ અને એ પણ અડધી! બાકીની અડધી લાશ ક્યાં ગઈ? ક્યાં છુપાવી? કોણે છુપાવી? કોઈને કશી જાણ નહીં. ફક્ત લાશનો કમર ઉપરનો ભાગ પડ્યો હતો. દીકરીના પાર્થિવ દેહ અને ઉપરનાં કપડાંની હાલત જોતાં ક્લિયર હતું કે, દીકરી પર કોઇ નરાધમે બળાત્કાર કરી તેની ક્રૂર હત્યા કરી છે ને બાદમાં લાશને પથ્થરથી ખરાબ રીતે છૂંદી છૂંદીને તેના બે કટકા કરી નાખવામાં આવ્યા હતા. પછી એ જ લાશનો ઉપરનો ભાગ અહીં ફેંકીને નીચેનો ભાગ ક્યાંક બીજે લઈ ગયા હતા.
સ્વાભાવિક રીતે જ છોકરીના પરિવારની હાલત ખરાબ હતી. ગમે તેમ કરીને તેમને શાંત પાડ્યાં અને તેમની સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, 14મી તારીખે ઉત્તરાયણના દિવસે મિહજીભાઈની છઠ્ઠા ધોરણમાં ભણતી 11 વર્ષની દીકરી સાંજે પાંચ વાગ્યે પતંગ ચગાવવા ખેતરમાં ગઈ હતી. પણ એ પછી દીકરી સાંજે ઘરે પાછી આવી જ નહીં, એટલે ઘરે ચિંતા થઈ અટલે દીકરીને શોધવાનું ચાલુ કર્યું. થયું કે ક્યાંક રમવા ગઈ હશે કે કોઈના ઘરે હશે, પણ મોડી રાત સુધી દીકરી મળી નહીં. એટલે અપહરણનો શક ગયો ને તપાસ વધુ તેજ કરી, પણ કોઈ પોલીસ પાસે ન આવ્યું. થયું કે, જાતે શોધી લઈશું. આ બધામાં પાંચ દિવસ પછી આજે 19મીએ સવારે નવેક વાગ્યે જ્યારે પાછળના ખેતરમાં કોઈ ગયું ત્યારે દીકરીની અડધી લાશ પર ધ્યાન પડ્યું ને પોલીસ પાસે ભાગ્યા.
‘હા સાહેબ, મેં જ એ છોકરીનો રેપ કરીને એને મારી નાખી છે’
પોલીસ પાસે હવે બે કામ હતાંઃ આરોપીને શોધવાનો હતો ને સાથે સાથે દીકરીના શરીરનો નીચેનો ભાગ પણ! આકાશ-પાતાળ એક કરીને એ નરાધમ ને શોધવા માટે પોલીસ મંડી પડી. બપોર સુધીમાં પોલીસ પાસે એક માહિતી આવી કે ગામનો જ 17-18 વર્ષનો એક છોકરો છે, એણે જ આ કામ કર્યું હોઈ શકે. પોલીસ પાસે અત્યારે આ એક સોર્સ પાસેથી મળેલી માહિતી સિવાય કોઈ કડી નહોતી એટલે પોલીસ અધિકારી એ છોકરાના ઘરે ગયા અને પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવ્યા. છોકરો પુખ્ત વયનો ન હતો એટલે થોડી વાર પૂછપરછ કરી ત્યાં પોલીસના ડરથી બધું જ બોલી ગયો. બળાત્કાર અને હત્યાની કબૂલાત કરી અને કહ્યું કે, પેલી છોકરીની લાશ મેં અહીં ફેંકી દીધી છે, પણ એ લોકેશન સમજાય એવું નહોતું, એટલે પોલીસે એમના ઘરના સભ્યો અને વડીલોને જાણ કરીને બોલાવ્યા અને કહ્યું, ‘તમારા દીકરાએ આવું કૃત્ય કર્યું છે, કાયદાની દૃષ્ટિએ ખરેખર બહુ જ ગંભીર છે. હજુ એ દીકરીના શરીરનો નીચેનો ભાગ પણ નથી મળ્યો. એ માટે સ્થળ પર જવાનું છે, તમે પણ સાથે આવો.’
આરોપીએ કહ્યું કે, મેં અહીં નજીકમાં જ એક જગ્યાએ એ છોકરી પર રેપ કર્યો અને પછી એને મારી નાખી. બાદમાં કમર પાસેથી પથ્થરથી છૂંદી એની લાશના બે ટુકડા કર્યા. ત્યાં ને ત્યાં એનાં ચપ્પલ અને પગની ઝાંઝરી વગેરે ઘરેણાં દાટ્યાં અને પછી લાશના બંને ટુકડા અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા. પોલીસે ક્રાઇમ સીન સુધી પહોંચવા એને સાથે લીધો, ‘જ્યાં રેપ & મર્ડર કર્યું ત્યાં ને ત્યાં ચપ્પલ અને ઘરેણાં દાટ્યાં હતાં તો એ જગ્યા બતાવ.’ એમ કહી પોલીસ આરોપીને લઈ ચપ્પલ અને પગની ઝાંઝરીનાં લોકેશન તરફ જવા નીકળી.
બપોરના 2:30 વાગ્યાની આસપાસનો સમય પીપળાના મુવાડા જૂના ગામની સીમ પણ કેસ અહીં પૂરો નહોતો થતો. સાચું ઘમસાણ તો હવે શરૂ થવાનું હતું. લોકેશન પર જતા હતા ત્યાં રસ્તામાં છોકરો જે ફળિયામાં રહેતો હતો તે ફળિયું આવ્યું. ફળિયામાં એક કૂવો પણ હતો! જેવા એ ફળિયામાંથી પસાર થયા ત્યાં પોલીસની નજર ચૂકવીને એ છોકરો સીધો જ દોડ્યો ને કૂવામાં કૂદી ગયો! પોલીસ પણ કશું સમજે વિચારે તે પહેલાં છોકરાએ આ પગલું ભરી લીધું. પરંતુ છોકરાએ આવું કેમ કર્યું? હજુ તો એની સત્તાવાર ધરપકડ પણ નહોતી થઈ, ને સજા થવાની પણ કોઈ વાત નહોતી. કોઈએ એને કશું કહ્યું પણ નહોતું. કૂવામાં કૂદીને કોઈ એ છોકરાને બહાર કાઢે એવો તરવૈયો બોલાવ્યો. પણ હજુ કોઈ તરવૈયો આવે એ પહેલાં જ છોકરાનું મોત થયું. એમાં મામલો બિચક્યો. હજુ તો એ છોકરાનું લેખિત નિવેદન પણ નહોતું લેવાયું અને કોર્ટમાં હાજર પણ નહોતો કરાયો. છોકરાએ પોલીસ સામે કબૂલ્યું હતું, પણ તેના બીજા સાક્ષી કોણ?
છોકરાએ કૂવામાં છલાંગ મારી ને ગામલોકોએ પોલીસને ઘેરી લીધી
છોકરાનું ફેમિલી ત્યાં પહોંચી ગયું ને પોલીસ પર ગુસ્સો કરવાનું ચાલુ કર્યું. એમની રડારોળ સાંભળીને થોડી વારમાં તો આખું ગામ ભેગું થઈ ગયું ને પોલીસવાળાઓને ઘેરી લીધા. આજુબાજુના ગામલોકોને ખબર પડી કે અહીં આવી કોઈ ઘટના બની છે, તો એ લોકો પણ ગામમાં જમા થવા માંડ્યા. ગામના આગેવાનોએ ગુસ્સામાં વધુ ને વધુ માણસો એકઠા કરવાનું શરૂ કર્યું. પોલીસ પર આક્રોશ વધવા માંડ્યો ને આક્ષેપો થવા માંડ્યા કે, અમારો દીકરો નિર્દોષ હતો અને તમારા ટોર્ચરના કારણે એણે ડરીને આપઘાત કરી લીધો. હવે પોલીસ પાસે પણ એ સમયે કોઇ પુરાવો હતો નહીં. જો દીકરાની લાશ કૂવામાંથી બહાર આવે અને દીકરીની લાશ મળે તો જ મેડિકલ ફોરેન્સિકમાં ગુનો સાબિત થઈ શકે, પણ ગામવાળાઓ પોલીસની કોઈ જ વાત સાંભળવા તૈયાર નહોતા અને પોલીસ પર તૂટી પડ્યા.
ઉશ્કેરાયેલા લોકોએ પોલીસને ઘેરી લીધા કે હવે અમે તમને પણ નહીં જવા દઈએ. અમારો દીકરો નિર્દોષ હતો. તમે અમારા દીકરાને મારી નાખ્યો. હવે અમે તમારો પણ એ જ હાલ કરીશું. સાંજના 4:30 સુધીમાં તો મામલો ખાસ્સો એવો તંગ થઈ ગયો. ઠાસરા પોલીસ સ્ટેશનના PSIનો ખેડા SP ઓફિસમાં મને ફોન આવ્યો કે સાહેબ આવું આવું થઈ ગયું છે. મામલો કાબૂ બહાર જઈ શકે છે, તમે જલદી આવો. હું તુરંત જ પીપળાના મુવાડા ગામ જવા નીકળી ગયો અને ઘટનાનો તાગ મેળવી રસ્તામાં જ મેં જિલ્લાનાં અન્ય પોલીસ સ્ટેશનો તથા બ્રાન્ચના કાબેલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને એમની ટીમ સાથે પીપળાના મુવાડા ગામે આવવા મેસેજ અપાવી બોલાવી લીધા. ખોબા જેવડા ગામમાં ધીરે-ધીરે લગભગ 30થી 35 PI-PSI કક્ષાના અધિકારીઓ અને 300-400 પોલીસ કર્મચારીઓ લાઠી, હેલમેટ, શીલ્ડ અને ટિયર ગેસ સાથે આવવા માંડ્યા.
સાંજના 6:00 વાગ્યા આસપાસનો સમય ત્યાં પહોંચી મેં પરિસ્થિતિ જોઈ તો મામલો થોડો નિયંત્રણમાં હતો, પણ દીકરાના મોતને કારણે પરિવાર સખત આક્રોશમાં હતો. પરિવારજનોની એક જ માગણી હતી કે અમારે અમારો દીકરો જીવતો જોઇએ. જ્યાં સુધી અમારો દીકરો અમને જીવતો નહીં મળે ત્યાં સુધી અમે પોલીસને ગામની બહાર નહિ જવા દઈએ. મેં દીકરાના ઘરના સભ્યોને સમજાવવાની કોશિશ કરી કે, જે ઘટના ઘટી ગઈ છે, એ ઘટનાને હવે સ્વીકારવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી. તમારા દીકરાના મોત પાછળ જે કોઈ પણ દોષી હશે એ દરેકને હું સજા અપાવીશ એની ખાતરી આપું છું. દરેક પ્રકારની બાહેંધરી આપી, પણ કોઈ કાળે પરિવાર માનવા તૈયાર જ નહોતો થતો.
શિયાળાનો સમય હતો. સાતેક વાગ્યા પહેલાં તો ઘોર અંધારું થઈ ગયું હતું. અંધારામાં આખો મામલો વધારે ને વધારે જોખમી થઈ રહ્યો હતો. આપણા સમાજમાં જ્યારે પણ આ પ્રકારની ઘટના થાય ત્યારે પોલીસ હંમેશાં મામલો થાળે પાડવા મથતી હોય છે, પણ એ કામગીરીને યોગ્ય પાટા પર ન આવવા દેવા માટે અમુક પ્રકારનાં તત્ત્વો હોય જ છે. એક સમયે તો દીકરાનો પરિવાર મારી વાત માનીને દીકરાની લાશ કૂવામાંથી બહાર કાઢવા માટે તૈયાર થઇ ગયો, પણ જેવા પરિવારજનો સહકાર આપે ત્યાં બીજાં તત્ત્વો મામલો ફરી સળગાવે અને મામલો વધુ બિચકે. ટૂંકમાં પરિસ્થિતિ વધુ ને વધુ ગંભીર થતી જતી હતી અને આ મડાગાંઠનો કોઈ ઉકેલ નજરે પડતો નહોતો.
‘ગમે તે કરો, અમારે અમારો દીકરો જીવતો જોઇએ’
તમે વિચાર કરો, એક નાનકડી દીકરી પર બળાત્કાર અને ક્રૂર હત્યા થઈ હતી. એની અડધી લાશ ખેતરમાંથી મળી હતી, શરીરનો બીજો અડધો ભાગ ગાયબ હતો. જેના પર શંકા હતી તે કિશોરે બીકના માર્યા કૂવામાં કૂદીને આપઘાત કરી લીધો હતો. અને હવે સેંકડો ગામલોકો પોલીસને ઘેરીને કોઇપણ હદ સુધી જવા તૈયાર હતા. અમારી સામે લિટરલી આગળ કૂવો અને પાછળ ખાઈ હતી.
સમગ્ર ઘટનાક્રમનો દોર જેમના હાથમાં હતો તેઓ પોલીસને ટેકો આપવાને બદલે પરિવારજનોની લાગણી સાથે ચેડાં કરી મામલાને સતત સળગાવ્યે રાખતા હતા. એટલે મેં એ વિસ્તારના રાજકીય આગેવાન નયનાબેન પટેલ (હાલ ખેડા જિલ્લા ભાજપના પ્રમુખ)ને બોલાવ્યાં. નયનાબેન એમની સાથે છોકરો જે જ્ઞાતિમાંથી આવતો હતો તે જ્ઞાતિના આગેવાનોને પણ લેતાં આવ્યાં. નયનાબેન અને જ્ઞાતિના આગેવાનોને સાથે રાખી ફરી પોલીસ અને છોકરાના પરિવાર વચ્ચે ચર્ચાનો દોર શરૂ થયો.
સમય પસાર થતો ગયો, કલાકો વીતતા ગયા પણ મામલો ઉકેલાવાનું નામ નહોતો લેતો. વચ્ચે મરણ પામનાર છોકરાના કુટુંબીજનોએ એવું પણ કહ્યું કે, અમારે લેખિતમાં બાહેંધરી જોઈએ છે. જિલ્લા SP તરીકે હું એ આપવા પણ તૈયાર થયો કે દીકરાના મોત પાછળ જે કોઈ પણ જવાબદાર હશે એને સજા અપાવીશું અને કાયદાકીય તમામ કાર્યવાહી કરીશું. પણ ત્યાં સુધી દીકરી અને દીકરા કોઈના પરિવાર તરફથી કોઈ પ્રકારનો રોષ કે બીજી કોઈ કાયદો હાથમાં લેવા જેવી એક્ટિવિટી ન થવી જોઈએ. કુટુંબીજનોએ થોડી વારમાં બાહેંધરી સ્વીકારી પણ લીધી અને મામલો શાંત પડવા આવ્યો, ત્યાં 10-15 મિનિટમાં ફરી વાતથી પલટી મારી, ‘અમારે કોઈ બાહેંધરી નથી જોઈતી, અમારા દીકરાના મોત માટે જે કોઈ પણ ગુનેગાર છે એ દરેક પોલીસ ઓફિસર વિરુદ્ધ અત્યારે ને અત્યારે જ FIR દાખલ કરો.’
પોલીસ અધિકારીઓ ઘરમાં બેઠા હતા ને દરવાજો બહારથી બંધ થઈ ગયો
આ બધા વચ્ચે એવી પણ વાત નીકળી કે, બાહેંધરી માટે શરતો નક્કી કરવા પોલીસ અને આગેવાનો મળી એક કાગળ બનાવે. એ માટે એ જ ફળિયાના એક ઘરમાં ‘બંધ બારણે’ ચર્ચા કરવાનું નક્કી થયું. નાનું ગામ એટલે માટી-પૂળાનું બનાવેલું કાચું મકાન. કહો કે ઝૂંપડું. ઉપર સુકાયેલા ઘાસનું છાપરું. નક્કી થયું કે, ત્યાં અંદર કોણ કોણ બેસશે? એમાં અમારા બે PI, એક PSI અને બે હેડ કોન્સ્ટેબલનાં નામ ફાઇનલ થયાં. તેમજ સામે પક્ષે દીકરાના પિતા-કાકા અને ગામના બે આગેવાનોનાં નામ આવ્યાં. પોલીસ પક્ષે નક્કી કરેલા અધિકારીઓ અને કર્મચારીઓ તો ચર્ચા કરવા એ ઘરમાં બેસી ગયા. થોડો ટાઈમ થયો, પણ હજુ સામેના પક્ષના લોકો ઘરમાં આવ્યા નહોતા. અંદર ફક્ત અમારા પોલીસ ઓફિસરો જ બેઠા હતા ને દરવાજો બહારથી બંધ થઇ ગયો એટલે મને થોડી શંકા ગઈ.
પોલીસને સળગાવી મારવા કેટલાક લોકો કેરોસીનનાં કેન સાથે આવી રહ્યા છે
મેં ત્યાં હાજર એક કોન્સ્ટેબલ પાસે થોડી તપાસ કરાવી. 2-5 મિનિટમાં તો એની પાસેથી ચોંકાવનારી માહિતી મળી ગઇ કે જે તત્ત્વો પોલીસ અને પરિવાર વચ્ચે સમાધાન થાય એવું નથી ઇચ્છતા, એ લોકો આ ઘરમાં બંધ બારણે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને સળગાવી નાખવાનો પ્લાન ઘડી બેઠા છે અને પાછળના ભાગે કેરોસીનનાં કેન સાથે આવી રહ્યા છે. મેં ગામલોકો સામે શરત મૂકી કે અંદર ભલે બાહેંધરી માટે શરતો નક્કી કરો, પણ એ ઘરનો દરવાજો બંધ નહિ થાય. અમે દૂર ઊભા રહીશું, અમારો કોઈ પોલીસ કર્મચારી અંદર નહીં આવે, પણ દરવાજો તો ખુલ્લો જ રહેશે. એ લોકોએ ફરી એ વાત પર ઝઘડો શરૂ કર્યો. વાત ચાલુ હતી ત્યાં હું ખુદ હાથમાં ટોર્ચ લઇ એ ઘર ફરતે આંટો મારવા ગયો તો ત્યાં ટોર્ચના અજવાળે 2-3 માણસો કેરોસીનનાં ડબલાં લઈને ઊભા હતા. જો સમયસર હું ત્યાં ન પહોંચ્યો હોત તો કદાચ એ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને ઘરમાં પૂરી જીવતાજીવત સળગાવી નાંખવાનો એમનો ભયાનક મનસૂબો પાર પડી જાત.
‘દીકરાની લાશ કૂવામાં પડી છે, એને બહાર કાઢવી જરૂરી છે’
આ એક ટર્નિંગ પોઇન્ટ હતો. મેં એ માણસોને પકડ્યા અને છોકરાના પરિવાર અને જ્ઞાતિના આગેવાનો સામે જઈ ખુલ્લા પાડ્યા. સાયકોલોજિકલી હવે જિલ્લા પોલીસનો હાથ ઉપર હતો. જો તમારે બે PI, એક PSI અને બે હેડ કોન્સ્ટેબલને જીવતા જ સળગાવી દેવાના હોય તો જિલ્લા SP તરીકે મારે કોઈ બાંહેધરી આપવી નથી. કાયદો કાયદાનું કામ કરશે એમ કહી મેં બાહેંધરી માટે શરતો નક્કી કરવા માટે ગયેલા પોલીસ અધિકારીઓને પાછા બોલાવી લીધા. હવે, મામલો વધુ પેચીદો બન્યો હતો. નયનાબેન પટેલ અને જ્ઞાતિના આગેવાનોએ પોલીસને જીવતા સળગાવી દેવા માટે તત્પર થયેલાં તત્ત્વોની સામે ન જોવા વિનંતી કરી તો બીજી તરફ જિલ્લા પોલીસે પણ મોતનો મલાજો રાખવાનો આગ્રહ કર્યો.
મેં સમજાવ્યા કે, ‘SP તરીકે હું તમને ખાતરી આપું છું કે ગુનો દાખલ કરીશું જ. હું તૈયાર છું, પણ અત્યારે દીકરાની લાશ કૂવામાં પડી છે, એ કાઢવી પહેલાં જરૂરી છે. ગુનેગાર સુધી પહોંચવા માટે અત્યારે દીકરાની લાશનું વહેલી તકે પોસ્ટમોર્ટમ થવું અત્યંત જરૂરી છે. ફરી 2-4 કલાકની સમજાવટે એ મરણ પામનાર છોકરાના કુટુંબીજનો માન્યા. ત્યાં ફરી એમની નવી શરત આવી કે, કૂવામાં અંદર નીચે કોઈ પોલીસ અધિકારી નહીં ઊતરે, અમે કહીએ એ અમારો વિશ્વાસુ માણસ જ અંદર ઊતરશે. મેં કહ્યું, અમારી પાસે અત્યારે ફાયર બ્રિગેડના માણસો છે, કુશળ તરવૈયાઓ છે, પોલીસ ફોર્સમાંથી પૂર વખતે સારા સાબિત થયેલા જવાનો છે, એમને ઊતરવા દો, કેમ કે હવે આ પોલીસ કેસ છે. પોલીસની હાજરીમાં કોઈ નાગરિક કૂવામાં નીચે અંદર ન જઈ શકે.
રાત્રિના 2:30 વાગ્યા આસપાસનો સમય કૂવામાં પડીને મરણ પામનાર એ છોકરાના કુટુંબીજનો હજુ પણ માનતા ન હતા. મેં ફરીથી ઘટનાસ્થળ છોડીને જવાની, હાજર પોલીસ પાછી ખેંચી લેવાની અને સમગ્ર મામલો પોતાની રીતે ઉકેલવાની વાત કહેતાં મોડી રાતે મહામહેનતે પરિવારે સહમત થયો. એક કોન્સ્ટેબલના નામ પર મહોર મારી અને એમને અંદર ઉતારવા સંમતિ બતાવી. અમારો કોન્સ્ટેબલ અંદર ઊતર્યો. દીકરાની લાશ બહાર કાઢી. પોસ્ટ મોર્ટમ માટે મોકલી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બળાત્કાર અને ખૂનનો ભોગ બનેલ દીકરીની (અડધી લાશની) તથા એ છોકરાની બંનેની તેમના પરિવારોની સંમતિથી અંતિમવિધિઓ સંપન્ન થઈ.
દીકરાના વાળ, બ્લડ સેમ્પલ, ફિંગરપ્રિન્ટ્સ, બળાત્કાર વખતે પહેરેલાં કપડાં અને બીજા મેડિકલ પુરાવા પીડિત દીકરીના શરીરના ઉપરના ભાગ પરથી મળી આવેલા પુરાવાઓ સાથે મેચ થયા. એટલે એ દીકરો જ ગુનેગાર હતો, એ સાબિત થયું. અમારી બાહેંધરી મુજબ જે આરોપી હશે એમને સજા થશે, એટલે દીકરો જ આરોપી નીકળ્યો તો એની વિરુદ્ધ કલમ 302 મુજબ મર્ડરનો ગુનો દાખલ થયો.
‘એક વાતનો વસવસો મને કાયમ રહેશે’
બીજી બાજુ માનવ અધિકાર વિભાગ દ્વારા સૂઓમોટો કોગ્નિઝન્સ લઈ જિલ્લા પોલીસ વડા પાસે આખી ઘટનાનો રિપોર્ટ માગી ઇન્ક્વાયરી બેસાડવામાં આવી. જિલ્લા પોલીસે ભારે સંયમથી કરેલી કામગીરીની પ્રશંસા કરવામાં આવી. છેલ્લે દીકરો આરોપી સાબિત થયો અને મામલો થાળે પડ્યો. પરિવારજનો પણ નછૂટકે ચૂપ થયા. દીકરાએ કૂવામાં પડતું મૂકવાનું અંતિમ પગલું ભર્યું ત્યારે ભલે અમે દીકરાનાં મા-બાપ સાથે વાત કરતા હતા, પણ જે વખતે ઘટના બની એ વખતે પોલીસની ગિરફ્તમાં જ આરોપી દીકરાએ આપઘાત કર્યો છે એમ માની એ દિશામાં જ અમે તપાસ કરી હતી. અંતે આપઘાતના કિસ્સાને કસ્ટોડિયલ ડેથ જ ગણવામાં આવ્યો ને પોલીસની કામગીરી પર પ્રશ્ન ઉઠાવવાનો કોઇને મોકો જ મળ્યો ન હતો. બીજી બાજુ જે રીતે જિલ્લાના દરેક તાલુકા અને પોલીસ સ્ટેશન વિસ્તારના પોલીસ અધિકારીઓ તથા જવાનો ત્યાં હાજર હતા એ પરથી પણ એક મેસેજ ગયો કે, કાયદા વિરુદ્ધ જવાની કોઈ કોશિશ પણ કરશે તો પોલીસ ક્યારેય સહન નહીં કરે.
ત્યારથી લઇને આજ સુધી દીકરાના પરિવાર તરફથી કોઈ પણ પ્રકારનો રોષ કે કોઈ અરજી કરવામાં નથી આવી, કે કોઈ પણ ઓથોરિટી સામે ક્યારેય કોઈ પ્રકારની રજૂઆત નથી થઈ. એનું સ્પષ્ટ કારણ એ જ હતું કે, આખા કેસની તપાસ અમે ખેડા જિલ્લા પોલીસે પરિવારને સાથે રાખી પૂરી પારદર્શક રીતે કરી હતી. બાહેંધરીની શરતોનું પૂરતું પાલન એ છોકરાના પરિવારના લોકોએ પણ કર્યું અને અમે ખેડા જિલ્લા પોલીસે પણ. જ્યાં સુધી હું ખેડામાં હતો, ત્યાં સુધીમાં અમે ઘણી તપાસ કરી, અનેક અધિકારીઓ, અનેક કર્મચારીઓને કામે લગાવ્યા, ઘણું સર્ચ કર્યું, પણ દીકરીની લાશનો નીચેનો ભાગ મળ્યો જ નહોતો. અને મને યાદ છે ત્યાં સુધી કદાચ આજ સુધી શરીરનો નીચેનો એ ભાગ નથી મળ્યો! એ વાતનો વસવસો મને કાયમ માટે રહેશે.
IPS ડાયરીઝ - એપિસોડ 1 : ‘વર્ષો સુધી લાશને ઝાડ પર લટકાવી રાખે’ : ચડોતરું પ્રથાને નામશેષ કરનારા IPS બ્રહ્મભટ્ટ, ‘કબીલાનો બદલો લેવા આખાં ગામ સળગાવી દેતા’
IPS ડાયરીઝ - એપિસોડ 2 : સ્ટેશનના સળિયાથી જ પોલીસનું માથું છૂંદી નાખ્યું : આરોપીએ કોન્સ્ટેબલને પતાવી દીધો, 14 કલાકમાં ગુજરાત ફંફોળી ચાલુ ટ્રેન ઊભી રખાવી
IPS ડાયરીઝ - એપિસોડ 3 : કિડનેપરને પકડવા ગોળીબાર થયો : બે જિલ્લા ફેંદી અઠવાડિયે બાળકને હેમખેમ પાછું લવાયું, પોલીસે ગોળીએ વીંધી કિડનેપરને જીવતો પકડ્યો
IPS ડાયરીઝ - એપિસોડ 5 : નિર્ભયાના એક જ મહિનામાં સુરતમાં એવો જ રેપ : IPS વિધિ ચૌધરીએ ત્રણ રાજ્ય ફેંદી 24 કલાકમાં બળાત્કારીને પાંજરામાં પૂર્યો, દ. ગુજરાતની પહેલી ફાંસી
IPS ડાયરીઝ - એપિસોડ 6 : મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીના કરિયરના હચમચાવી દેતા કિસ્સા
