IPS ડાયરીઝ-2સ્ટેશનના સળિયાથી જ પોલીસનું માથું છૂંદી નાખ્યું:આરોપીએ કોન્સ્ટેબલને પતાવી દીધો, 14 કલાકમાં ગુજરાત ફંફોળી ચાલુ ટ્રેન ઊભી રખાવી
‘12 વાગ્યે PSIએ થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું અને થોડીવાર ત્યાં બેસી બીજા એક પેટ્રોલિંગ માટે એ નીકળી ગયા. 4 વાગ્યે PSI જેવા પરત ફર્યા ને અંદર પગ મૂક્યો ત્યાં આંખો ચાર! જુએ છે તો સામે પડી હતી એક પોલીસ કોન્સ્ટેબલની લાશ. ક્રૂર રીતે છૂંદાયેલું લોહીલુહાણ મોઢું અને માથા પર લોખંડની પાઇપના ફટકા, આખા પોલીસ સ્ટેશનમાં લોહીની નદીઓ!
‘IPS ડાયરીઝ’ના બીજા એપિસોડમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના જાંબાઝ રિટાયર્ડ IPS ઓફિસર જે. કે. ભટ્ટની. જે. કે. ભટ્ટ એટલે કે જય કુમાર ભટ્ટ નખશિખ અમદાવાદી. અમદાવાદમાં જ જન્મ, અમદાવાદમાં જ એજ્યુકેશન, અમદાવાદમાં જ મોટા થયા, ગુજરાતમાં જ સર્વિસ અને હાલ પણ અમદાવાદમાં જ. રિટાયરમેન્ટ પછી અત્યારે સાહેબ થલતેજ વિસ્તારમાં આરામથી શાંતિમય જીવન વિતાવે છે. IPS ભટ્ટ પહેલેથી જ મીડિયા અને જનતા સાથે આત્મીયતાથી જોડાયેલા રહ્યા છે. અમે મળવાનું કહ્યું એટલે પહેલા જ પ્રયાસે હસીને હા પાડી ને અમે તારીખ નક્કી કરી. સાહેબે ઘરનું લોકેશન મોકલ્યું ને ઘરના ડ્રૉઈંગ રૂમમાં બેસી અમે વાતની શરૂઆત કરી. આજે ‘IPS ડાયરીઝ’ના બીજા એપિસોડમાં રિટા. IPS ઑફિસર જે. કે. ભટ્ટ વાત કરશે એ સમયની… જ્યારે પોલીસ કસ્ટડીમાં રહેલો ગુનેગાર પોલીસનું જ મર્ડર કરી ભાગી ગયો!
પોલીસ ઑફિસરના પુત્ર સવાયા પોલીસ ઑફિસર બન્યા
અમદાવાદના ગોમતીપુર બોમ્બે હાઉસિંગ પોલીસલાઇનમાં 11 જાન્યુઆરી 1959એ જન્મેલા જે. કે. ભટ્ટના પિતા પણ પોલીસ ઇન્સ્પેકટર (PI) એટલે નાનપણથી જ પોલીસમાં જવાનું સપનું. 12મા ધોરણ પછી B.Sc, LLB, LLM (ક્રિમિનોલોજી) કરી પિતાની રાહે ચાલવા DySPની ભરતીથી પોલીસબેડામાં નોકરી મેળવી. જોતજોતાંમાં 1993માં તો IPS તરીકે પ્રમોશન થઈ ગયું અને પછી તો IPS ભટ્ટસાહેબે 9 જેટલા જિલ્લામાં SP તરીકે ફરજ બજાવી, બે રેન્જમાં IG તરીકે અને બાદમાં અમદાવાદ સિટી ક્રાઇમ, CID ક્રાઇમ, IBમાં સર્વિસ કરી 31 જાન્યુઆરી 2019ના દિવસે IPS તરીકે રિટાયર્ડ થયા, પણ સરકારને હજુ આ જાંબાઝ IPSની જરૂર હતી, રિટાયરમેન્ટના બીજા જ દિવસે SHRC (સ્ટેટ હ્યુમન રાઇટ્સ કમિશન)ના ચેરપર્સન તરીકે નિમણૂક કરી અને ચાર વર્ષ ત્યાં સર્વિસ કરી 5 સપ્ટેમ્બર 2023એ પોલીસબેડામાંથી નિવૃત્તિ લીધી.
***
ભટ્ટ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ કયો હતો? IPS જે. કે. ભટ્ટે જાણે અજાણી ક્ષિતિજ તરફ નજર નાખી અને પોતાના આખા કરિયર ફટાફટ રિવાઇન્ડ કરી. ચહેરા પર ગૌરવના ભાવ સાથે તેમણે વાતની શરૂઆત કરી...
20 એપ્રિલ 2016 ગાયકવાડ હવેલી, અમદાવાદ એ ટાઈમે હું અમદાવાદમાં JCP ક્રાઇમની પોસ્ટ પર હતો. એ વખતે અમદાવાદ CP શિવાનંદ ઝા પણ રજા પર હતા, એટલે ઇનચાર્જ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનો ચાર્જ પણ મારી પાસે હતો! નાર્કોટિક્સનો એક કેસ ત્યારે ચાલતો હતો. અમદાવાદમાં આવતાં ડ્રગ્સનું મોટું સ્કેન્ડલ અમારે પકડવાનું હતું, જેમાં અમે એક શંકાસ્પદ વ્યક્તિ મનીષ શ્રવણકુમાર બલાઇની પૂછપરછ કરતા હતા. કેસ નાનો હતો અને આ વ્યક્તિ માત્ર શકમંદ હતી એટલે બીજા દિવસે તપાસ કરવાનું વિચાર્યું, પણ હેડ કોન્સ્ટેબલને કેસમાં થોડો વધુ રસ પડ્યો, મહેનતુ અને કર્મઠ અધિકારી, એટલે મેં હા પાડી કે રાત્રે કરજો ઇન્ટરોગેશન. કેસ તેમને સોંપી બધા ઘરે જવા નીકળ્યા અને બીજા દિવસે એ કેસનું કામ આગળ વધવાનું હતું.
21 એપ્રિલ 2016 12:30 વાગ્યા પછીનો સમય ગાયકવાડ હવેલી, અમદાવાદ મોડીરાતનો સમય થયો. પોલીસ સ્ટેશન ઓલમોસ્ટ ખાલી થઈ ગયું હતું. બહાર એક-બે કોન્સ્ટેબલ ધ્યાન રાખવા બેઠા હતા. હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણા અંદર મનીષનું ઇન્ટરોગેશન કરતા હતા. થોડી વારમાં નાઈટ શિફ્ટના ઇન્ચાર્જ PSI જે. એન. ચાવડા આવ્યા. 12 વાગ્યે તેમણે પણ થોડું ઇન્વેસ્ટિગેશન કર્યું. થોડીવાર ત્યાં બેસી બીજા એક પેટ્રોલિંગ માટે તેઓ નીકળી ગયા. 4 વાગ્યે PSI પરત ફર્યા ને જેવો અંદર પગ મૂક્યો ત્યાં આંખો ચાર! જુએ છે તો સામે પડી હતી એક લાશ. કોની? પોલીસ હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની! ક્રૂર રીતે છૂંદાયેલું લોહીલુહાણ મોઢું અને માથા પર લોખંડની પાઇપના ફટકા. આખા સ્ટેશનમાં લોહીની નદીઓ! એટલું જ નહિ, સાથે સાથે જેનું ઇન્ટરોગેશન ચાલુ હતું એ આરોપી પણ મિસિંગ હતો. બેરેકના દરવાજા ખુલ્લા અને કોન્સ્ટેબલની લાશ! ઈશારો ચોખ્ખો હતો કે કોન્સ્ટેબલનું મર્ડર કરી આરોપી ભાગી ગયો છે. 70 પોલીસ જવાનોથી ભરચક ગાયકવાડ હવેલી (ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ)માંથી મનીષ ભાગ્યો કેવી રીતે?
પોલીસ અધિકારીની હત્યા, એ પણ પોલીસ સ્ટેશનની અંદર!
મનીષ ભલાઈ રાજસ્થાનનો, વર્ષોથી અમદાવાદમાં રહેતો અને નાની-મોટી ક્રિમિનલ હિસ્ટ્રી. મને સવારે જેવો ફોન આવ્યો એટલે વહેલી સવારે જ ભાગીને હું સીધો જ સ્ટેશને પહોંચ્યો, કેમ કે પોલીસ ઓફિસરની સ્ટેશનમાં હત્યા એટલે ગુનો ખૂબ જ ગંભીર હતો. આવીને મેં બધું ચેક કર્યું તો ગઈકાલે લીધેલી અરજીમાં આરોપીનો મોબાઈલ નંબર અમે લઈ રાખ્યો હતો. મેં તરત જ સાયબરની ટીમ બોલાવી એ નંબર અને નંબર પરના આવતા-જતા બધા જ કૉલ ટ્રેક કરાવવાનું ચાલુ કર્યું. એ નંબર પરથી તેનાં સગાં-વહાલાંના નંબર પણ મેળવ્યા અને બધા જ નંબર ઇન્ટરસેપ્શનમાં મૂકી દીધા.
એક બાજુ હેડ કોન્સ્ટેબલની ડેડબોડી, બીજી બાજુ હત્યારાની શોધખોળ
પરિસ્થિતિ એટલી અઘરી સર્જાઈ કે એક બાજુ અમારા પરિવારના સભ્ય જેવા હેડ કોન્સ્ટેબલની ડેડબોડી પડી હતી, એના અગ્નિસંસ્કાર કરવાના હતા, તો સામે આરોપીને પણ જલદીથી જલદી પકડવાનો હતો. જો એમાં થોડું વધારે મોડું કરીએ તો એ વધુ દૂર ભાગી જાય. બીજી બાજુ અમારા માટે અને પૂરા પોલીસબેડા માટે પણ આ શરમજનક બાબત હતી. ઉપરથી આટલો ગંભીર બનાવ એટલે ચારેબાજુથી મીડિયાનો પણ એટેક ચાલુ હતો, કેમ કે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાંથી અમારા જ પોલીસનું કોઈ આરોપી મર્ડર કરી ગયો. એ ટાઈમે મારી પાસે DCP દીપન ભદ્રન હતા અને તેમની નીચેના દરેક ઓફિસરની ટીમ મજબૂત હતી, એટલે કઠણ કાળજું રાખી પીસફુલ નેચરથી આવેશમાં આવ્યા વિના કેસ સોલ્વ કરવા અમે વળગી પડ્યા.
હત્યારો ભાગી છૂટ્યો, પણ એક મોટી ભૂલ કરી બેઠો...
તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અમે કેસની તપાસ ચાલુ કરી. ત્યાં ફોન ટ્રેક કરતી ટીમ તરફથી થોડી માહિતી મળી કે ફોન 3:30 વાગ્યા પછી ચાલુ થયો છે અને પાછળની બાજુથી લોકેશન ઑન થયું છે. મતલબ કે હવેલીની પાછળની દીવાલ કૂદીને મનીષ ભાગ્યો છે, એટલે ઘટના રાત્રે 12 વાગ્યા પછીના સમયમાં જ બની છે. ઘટના કેવી રીતે બની એ પણ અમારા માટે મોટો પ્રશ્ન હતો, કેમ કે અમારા હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંતભાઈ જયંતીભાઈ મકવાણા ઘણા સશક્ત ઓફિસર હતા છતાં કેવી રીતે મોકાનો ફાયદો ઉઠાવી આરોપી મનીષે પાઇપથી મર્ડર કરી નાખ્યું?
આરોપી રાજસ્થાનનો હતો, એટલે મને ખાતરી હતી જ કે એ રેલવેથી જ ભાગવાનો પ્રયત્ન કરશે. ત્યાં સવારથી જ અમે તપાસ ચાલુ કરાવી દીધી હતી. ત્યાં સાયબર ટીમ તરફથી મેસેજ આવ્યો કે મનીષ સવારે રેલવે સ્ટેશને જ ગયો છે. તરત જ ત્યાંનાં લોકેશન ચેક કરાવ્યાં અને મારો શક સાચો પડ્યો. મનીષ કાલુપુર (રેલવે સ્ટેશન) જ ભાગ્યો હતો. મનીષનો ફોન ઇન્ટરસેપ્શનમાં હતો અને ચાલુ હતો એટલે અમને માહિતી મળતી રહી. મનીષે સવારમાં રેલવે સ્ટેશને પહોંચી પહેલાં ચા પીધી અને પછી ટિકિટ લીધા વિના જ સીધો ભરૂચની ટ્રેનમાં બેઠો હતો. ભરૂચથી બીજી ટ્રેન પકડી બાંદ્રા (મુંબઈ) ભાગ્યો હતો અને ત્યાંથી જયપુર-બાંદ્રાની ટ્રેનમાં રાજસ્થાન ભાગવાનો એનો પ્લાન અમને ખબર પડી ગયો હતો.
હજારો લોકોથી ભરચક સ્ટેશન પર આરોપીને પકડવો કેવી રીતે?
હવે આ બધી માહિતી મળી એ ટાઈમે મનીષ ટ્રેનમાં જ હતો. અમારા માટે મોટું ચેલેન્જિંગ એ થયું કે મનીષને પકડવો કઈ રીતે? ક્રાઉડેડ સ્ટેશન પર પકડીએ તો આવતા-જતા પેસેન્જરોને નુકસાન પહોંચી શકે અને જો બધાને ખબર પડે કે અમે આ ક્રિમિનલને પકડવા આવ્યા છીએ, તો માહોલ થોડો વધુ ગરમ પણ થઈ શકે છે. આ સંજોગોમાં જો ફાયરિંગ કરવાની નોબત આવે તો નિર્દોષ માણસોને પણ હાનિ પહોંચી શકે છે.
સાંજે 4 વાગ્યાની બાંદ્રાની ટ્રેન હતી. મનીષ અત્યારે ટ્રેનમાં હતો, એટલે મેં પહેલા તો રેલવે ઓથોરિટીનો સેન્ટ્રલમાં કોન્ટેક્ટ કર્યો અને ત્યાંથી તેમની પાસેથી આ આરોપીને પકડવા જરૂરી પરમિશન અને એ ટ્રેનની બધી જ માહિતી લઈ લીધી. એ ટ્રેનના કેટલા ડબ્બા છે? અંદર કેટલા પેસેન્જર હોઇ શકે? દરવાજા કેટલા છે? કઈ સાઈડ કેટલી સવલતો છે? કયા સ્થળ પર કેટલી સ્પીડમાં ચાલે છે? એ બધી જ માહિતી મેળવી રેલવે પોલીસની મદદ લેવા રેલવે SP શરદ સિંઘલ (હાલ અમદાવાદ JCP ક્રાઇમ)નો સંપર્ક કર્યો. તેમણે પણ પૂરતો સહકાર આપ્યો અને 150-200 રેલવે પોલીસનો સ્ટાફ અમને અલોટ કર્યો.
જ્યાં ટ્રેન ઊભી જ ન રહેતી હોય એવું સ્ટેશન પસંદ કર્યું અને...
હવે ટાસ્ક હતું પેસેન્જર વિનાના લોકેશન પર મનીષને પકડવાનું. એ માટે ટ્રેનનો આખો મેપ જોઈ એવું સ્ટેશન સિલેક્ટ કરવાનું હતું, જ્યાં આ ટ્રેન ઊભી જ ન રહેતી હોય, કારણ કે જો ટ્રેન ત્યાં ઊભી જ ન રહેવાની હોય તો ત્યાંથી ટ્રેનમાં ચડવા કે ઊતરવાવાળું કોઈ નહીં હોય. મનીષ મળી પણ જાય તોપણ એ હત્યા અગાઉ કોઈ વૉન્ટેડ ક્રિમિનલ તો હતો નહીં, એટલે કોઈ પાસે તેનો ફોટો પણ નહોતો. ત્યાં એક PSIને તેનું ફેસબુક એકાઉન્ટ મળી ગયું. ફેસબુક પરથી તેના ફોટોઝ લઈ ઓપરેશનમાં લાગેલા દરેક પોલીસ ઓફિસરના ફોનમાં મોકલી દીધા. આ વ્યક્તિને આપણે પકડવાની છે.
મનીષનું ‘સ્વાગત’ કરવા અમે સ્ટેશન નક્કી કર્યું ‘કરજણ’. આશરે 8:30 વાગ્યા બાજુ ટ્રેન ત્યાં પહોંચવાની હતી. સાંજનો સમય હતો, ત્યાં સ્ટેશન હતું જ નહીં, એટલે પેસેન્જરની ચડ-ઊતરનો પણ કોઈ પ્રશ્ન નહોતો છતાં જો કોઈ ઊતરે તો એ શંકાસ્પદ જ હોવાનો. ટ્રેન આવવાની હતી એ પહેલાં ટ્રેનના દરેક ડબ્બાના બે-બે દરવાજા જ્યાં જ્યાં પાડવાના હોય એ દરેક અંતરે એક-એક પોલીસ જવાનને ઊભા રાખી દીધા. એ લેયરની બહાર પણ થોડા પોલીસ દૂરથી ધ્યાન રાખવા ઊભા જ હતા. અમારો પ્લાન હતો કે થોડીવાર કોઈના ઊતરવાની રાહ જોઈ અંદર જઈ દરેક કોચના એકેએક પેસેન્જરને ચેક કરીશું.
હત્યા કરીને ભાગ્યો એના 24 કલાકથી પણ ઓછા સમયમાં હત્યારો ફરી સળિયા પાછળ હતો!
પરંતુ આવું કશું કરવું જ ન પડ્યું. અમે વિચારેલો આખો પ્લાન એક્ઝિક્યુટ કરવાની નોબત જ ન આવી. સ્ટેશન પર આટલા બધા પોલીસ ઓફિસરને જોયા એટલે મનીષ જાતે જ સમજી ગયો કે તેને પકડવા માટે જ આટલું પબ્લિક એકઠું થયું છે. તરત જ નીચે ઊતરી ભાગવા ગયો ત્યાં જ પોલીસ જવાન ઊભો હતો અને ઝપટ મારી કે તરત જ મનીષ ઝડપાઇ ગયો. આરોપી જેવો પકડાયો એટલે તરત જ તેને અમે અમદાવાદ લઈ આવ્યા. રાત્રે મર્ડર કરીને ભાગ્યો એના એ જ દિવસે 24 કલાક કરતાં પણ ઓછા સમયમાં આરોપીને અમે તેને ફરી પાછો જેલના સળિયા પાછળ ધકેલી મૂક્યો હતો, પણ એ એક દિવસમાં આખા ગુજરાતના 400-500 પોલીસની ટુકડીઓ દોડી હતી. એકેએક ચેકનાકાથી લઈ એક-એક રેલવે સ્ટેશન ફંફોળવાનું ચાલુ હતું. સવારે 7 વાગ્યે અમને ખબર પડી એ જ દિવસે રાતે 9-10 વાગ્યા બાજુ તો અમે આરોપીને પકડી પણ લીધો હતો.
જ્યાં મર્ડર કર્યું હતું ત્યાં થોડાં ફિંગરપ્રિન્ટ્સ અને ફૂટપ્રિન્ટ્સ મળી હતી. એ બધા સાથે મનીષની પ્રિન્ટ્સ મેચ કરી અને બધું મેચ થતાં તેણે કબૂલી પણ લીધું. આરોપી પકડાયા બાદ શરૂઆતની તપાસ ACP સોલંકીને સોંપી હતી અને બાદમાં કારભાર ઝોન-1 DCP બી. એસ. આહીરે સંભાળી લીધો હતો. ત્યારથી 2016થી લઈ છેક 2022 સુધી કેસ ચાલ્યો અને અંતે 2022ના જુલાઇમાં ચુકાદો આવ્યો. આ કેસ સોલ્વ કરવો એ અમારા માટે ખૂબ જ મહત્ત્વનો હતો, કેમ કે ખંતથી કામ કરતા અમારા પરિવાર જેવા સદસ્ય કોઈ આરોપીના હસ્તે શહીદ થયા હતા અને એ પણ પોલીસ સ્ટેશનની અંદર. પૂરા પોલીસબેડામાં સંતોષ હતો અને શહીદના પરિવારને પણ ઘણો સંતોષ થયો હતો.
***
આજે પણ આ કેસ પોલીસ ટ્રેનિંગમાં ભણાવવામાં આવે છે
આગળ ઉમેરતાં ભટ્ટ સાહેબ કહે, આ કેસ જેટલો મહત્ત્વનો હતો એનાથી વધુ એનું ઇન્વેસ્ટિગેશન મહત્ત્વનું હતું. આજે પણ પોલીસબેડાના ભણતર અને ટ્રેનિંગમાં આ કેસનું ઇન્વેસ્ટિગેશન ભણાવવામાં આવે છે. પોલીસ જો સતર્ક રહીને કામ કરે તો કેટલી આસાનીથી આરોપીને પકડી શકાય છે, એ દરેકને શીખવવામાં આવે છે. એક કોચમાં 70-75 લોકો હતા ને એવા 18 કોચની ટ્રેનમાંથી એક વ્યક્તિને શોધી કાઢવી અને એ પણ મિનિટોમાં કામ કરીને, કેમ કે મનીષ ટ્રેનમાં હતો ને એ બધા વચ્ચે બધો જ બંદોબસ્ત કરી ગોઠવણ કરવાની હતી. આ કેસ માટે હોમ મિનિસ્ટર તરફથી પણ અમારી આખી ટીમને પ્રોત્સાહિત કરી ઘણી શાબાશી મળી હતી.
***
હું એવું માનું છું કે જેમ ડૉક્ટર જ્યારે સવારે ઊંઘમાંથી ઊઠે અને કામ પર લાગે ત્યારથી રાત્રે સૂવે ત્યાં સુધી તેમને આખો દિવસ પુણ્ય કમાવાના જ ચાન્સ મળતા હોય છે. હવે એમાંથી તમે કેટલી તક ઝડપો છો, એ મહત્ત્વનું છે. એવી જ રીતે પોલીસમાં કોન્સ્ટેબલથી લઈ DGP સુધી દરેકની પાસે એવી જ તક છે, કેમ કે જે કોઈ માણસ જ્યારે પણ પોલીસ પાસે આવે ત્યારે એ ભગવાનને પ્રાર્થના કરીને આવતો હોય છે કે હું પોલીસ પાસે જઉં છું, મને ન્યાય મળી જશે. હવે એ ભગવાનનું કામ પોલીસે કરવાનું છે. પોતાની જોબને પ્રેમ કરી જો પોલીસ કામ કરે તો પોલીસ ખાતા જેવી સારી કોઈ નોકરી નથી.
પણ અત્યારે ઘટતું હોય તો એ છે સરપ્રાઇઝ ચેકિંગ. પોલીસ ખાતાથી લઈ દરેક સરકારી વિભાગમાં સિનિયર અધિકારીઓએ સરપ્રાઈઝ ચેકિંગ કરતું રહેવું જોઈએ અને જે કોઈની ભૂલ લાગે તેને સજા કરવા કરતાં ભૂલો સુધારવાનું કહેવાય તો ઘણો ફરક પડી શકે છે.
IPS ડાયરીઝ - એપિસોડ 1 : ‘વર્ષો સુધી લાશને ઝાડ પર લટકાવી રાખે’ : ચડોતરું પ્રથાને નામશેષ કરનારા IPS બ્રહ્મભટ્ટ, ‘કબીલાનો બદલો લેવા આખાં ગામ સળગાવી દેતા’
IPS ડાયરીઝ - એપિસોડ 3 : કિડનેપરને પકડવા ગોળીબાર થયો : બે જિલ્લા ફેંદી અઠવાડિયે બાળકને હેમખેમ પાછું લવાયું, પોલીસે ગોળીએ વીંધી કિડનેપરને જીવતો પકડ્યો
IPS ડાયરીઝ - એપિસોડ 4 : ‘બાળકીનો રેપ કરી બે કટકા કરી નાખ્યા’ : હજારોના ટોળાંએ પોલીસને ઘેરી લીધી, IPS મકરંદ ચૌહાણ કહે, ‘મોડો પડ્યો હોત તો પોલીસને જીવતા સળગાવી નાખત’
IPS ડાયરીઝ - એપિસોડ 5 : નિર્ભયાના એક જ મહિનામાં સુરતમાં એવો જ રેપ : IPS વિધિ ચૌધરીએ ત્રણ રાજ્ય ફેંદી 24 કલાકમાં બળાત્કારીને પાંજરામાં પૂર્યો, દ. ગુજરાતની પહેલી ફાંસી
IPS ડાયરીઝ - એપિસોડ 6 : મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીના કરિયરના હચમચાવી દેતા કિસ્સા
