Mon, Nov 16, 2026Updated 02:36 PM IST
Google Preferred Source CTA

IPS ડાયરીઝ-1
'વર્ષો સુધી લાશને ઝાડ પર લટકાવી રાખે’:ચડોતરું પ્રથાને નામશેષ કરનારા IPS બ્રહ્મભટ્ટ, 'કબીલાનો બદલો લેવા આખા ગામ સળગાવી દેતા’

અમદાવાદ1 વર્ષ પેહલાલેખક: ધ્રુવ સંચાણિયા
Loading advertisement...

'મોત બાદ તેના અગ્નિસંસ્કાર કરવાને બદલે લાશને ગામના પાદરે જઈ દોરડે ખાટલો બાંધી ઝાડ પર લટકાવી દે અને વેરની વસૂલાત શરૂ થાય. બાદમાં બીજા કબીલાના જે આરોપીઓ છે અથવા તો કોઈના પર ફક્ત શંકા છે તો તેમની સાથે પહેલા સમાધાન કરવાનો પ્રયત્ન કરશે. જો ફક્ત એક માગણી પણ પૂરી ન થઈ તો બદલો લેવા મૃતકના પરિવારનો કબીલો, જે આરોપી પર શંકા છે તેના ઘરે જશે અને આખું ગામ સળગાવશે. એ સળગેલા ગામનાં ઘરોમાંથી જ લાકડાં લઈ તેમના જ ગામના ચોકમાં પોતાના સ્વજનની લાશના અંતિમસંસ્કાર કરશે.'

Loading advertisement...

આ શબ્દો છે રાજેન્દ્ર બી. બ્રહ્મભટ્ટના. ગુજરાતના રિટાયર્ડ એડિશનલ DGP (ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ). આજથી આપણે વાંચીશું દિવ્ય ભાસ્કરની નવી સિરીઝ, ‘IPS ડાયરીઝ’. જેવું નામ એવું જ કામ, એવી જ સિરીઝ. આજથી છ દિવસ રોજેરોજ ગુજરાતના છ અલગ અલગ જાંબાઝ સિનિયર IPS ઓફિસરને આપણે મળીશું અને તેમની પાસેથી તેમના જ કરિયરના મોસ્ટ થ્રિલિંગ અને ચેલેન્જિંગ કેસ વિશે જાણીશું. એ સમય, એ પ્રદેશ, એ કેસ, એ ચેલેન્જ, એ ઇન્વેસ્ટિગેશન અને એ કેસ સોલ્વ કરવાની મેથડ; દરેક IPS એમના દરેક અનુભવ તેમના જ શબ્દોમાં આપણને કહેશે. આજે પહેલા એપિસોડમાં વાત છે, ગુજરાતના મોસ્ટ રિસ્પેકટેડ IPS ઑફિસર આર. બી. બ્રહ્મભટ્ટની… જેઓ યાદ કરે છે એ સમય, જ્યારે 6-6 મહિના સુધી લાશ ઝાડવા પર લટકતી રહેતી!

રાષ્ટ્રપતિના હસ્તે ગેલેન્ટરી એવોર્ડ મળ્યો

Loading advertisement...

1964માં મહેસાણામાં જન્મેલા રાજેન્દ્ર બ્રહ્મભટ્ટ 1990ના માર્ચમાં DySPની સીધી ભારતીથી પોલીસ ફોર્સમાં જોડાયા હતા. શરૂઆતમાં મહેસાણાથી જ ટ્રેનિંગ લઈ, SDPO (Sub-Divisional Police Officer - નાયબ પોલીસ અધીક્ષક) તરીકે પાલનપુર, અમદાવાદ સિટી - D ડિવિઝન, જામનગર ગ્રામ્ય અને થરાદમાં ફરજ બજાવી. થોડાં વર્ષોની સર્વિસમાં જ DySP તરીકે જોડાયેલા આર. બી. બ્રહ્મભટ્ટનું IPS તરીકે પ્રમોશન થયું અને SP તરીકે પહેલું પોસ્ટિંગ મળ્યું અમરેલીમાં, બાદમાં SP બનાસકાંઠા, SP CID ક્રાઇમ, SP અમદાવાદ ગ્રામ્ય, SP ગાંધીનગર, SP રાજકોટ ગ્રામ્ય અને SP સાબરકાંઠા તરીકે ફરજ બજાવી.

પોતાના ધારદાર કરિયરના કારણે બાદમાં DIG અને IG તરીકે પણ પ્રમોશન થયું, જેમાં ઇન્ટેલિજન્સ બ્યૂરો અમદાવાદ રેન્જ IG તથા ગાંધીનગર રેન્જ IG તરીકે પણ સર્વિસ આપી. કોવિડ વખતે સુરત CP તરીકે, બાદમાં વડોદરા CP તરીકે ફરજ બજાવી આખરી વર્ષોમાં ADGP તરીકે ઇન્ક્વાયરી અને CID ક્રાઇમ તરીકે ફરજ બજાવી અને ગયા વર્ષે જુલાઇ 2024માં તેમણે CID IB (ઇન્ટેલિજિન્સ બ્યૂરો)ના ADGP તરીકે નિવૃત્તિ લીધી. બ્રહ્મભટ્ટ સાહેબને અક્ષરધામ હુમલા વખતે રાષ્ટ્રપતિ તરફથી ગેલેન્ટરી એવોર્ડ પણ મળ્યો હતો અને બાદમાં પણ ઘણા એવોર્ડ મળ્યા. પૂરા કરિયરમાં પોલીસ વિભાગના લગભગ બધાં જ મેડલો તેમને મળી ચૂક્યાં છે. અક્ષરધામ હુમલા વખતે તેમણે પોતાના શરીર પર આતંકવાદીઓની ગોળી પણ ખાધી હતી.

***

બ્રહ્મભટ્ટ સર, તમારા કરિયરનો મોસ્ટ ચેલેન્જિંગ અને થ્રિલિંગ કેસ ક્યો હતો?

નિવૃત્ત IPS આર. બી. બ્રહ્મભટ્ટે પોતાની આખી કરિયરને આંખ સામેથી પસાર થતી જોતા હોય એ રીતે ઊંચે જોઈને વાતની શરૂઆત કરીઃ

‘અક્ષરધામ હુમલા વખતે આતંકીની ગોળી વાગી, ટાંકા લઇને ફરી હાજર થઇ ગયો’

‘જ્યારે પણ મારા કરિયરની વાત કરું ત્યારે સૌથી વધુ ચેલેન્જિંગ અને સેન્સિટિવ કેસ હર હંમેશ માટે અક્ષરધામ હુમલો જ રહ્યો છે. 24 સપ્ટેમ્બર 2002નો એ દિવસ ક્યારેય નહીં ભુલાય. એ સમયે હું ગાંધીનગર ઇનચાર્જ SP હતો. એ સમયે આખું ઓપરેશન અમે જ હેન્ડલ કર્યું હતું અને એ બધામાં આતંકીઓની AK-47ની ગોળી મેં પણ ખાધી હતી. ગંભીર રીતે ઘાયલ થઈને હોસ્પિટલમાં એડમિટ થવું પડ્યું હતું, પણ ગોળી હાથમાં વાગી હતી એટલે હું બચી ગયો. મારા જીવને ખતરો નહોતો થયો અને આતંકીઓને પકડવાના હતા એટલે સ્ટિચીસ લઈ ફરી પાછો ફરજ પર ભાગ્યો અને આખું ઓપરેશન પાર પાડ્યું. પરંતુ આ કેસ વિશે હું ઘણી વાર ઘણી જગ્યાએ બોલી ચૂક્યો છું, ઘણા મીડિયામાં, ઘણાં પુસ્તકોમાં ઘણા TV ઇન્ટરવ્યૂઝમાં બહુ બધી જ જગ્યાએ એટલું લખાઈ/બોલાઈ ચૂક્યું છે. તો આજે આપણે એ વિશે વાત કરવાનું ટાળીએ અને તમને બીજા એક હચમચાવી દેતા કેસ વિશે વાત કરું.’

બાજુના ગામમાં ઝાડ પર એક લાશ લટકે છે...

આજથી 27-28 વર્ષ પહેલાંની વાત છે. ઓક્ટોબર 2007માં મારું પોસ્ટિંગ બનાસકાંઠા SP તરીકે થયું જ હતું. ત્યાં એકાદ મહિનામાં મારી સામે ત્યાંની એક પ્રથા આવી, ચડોતરાની પ્રથા. હું એક ક્રાઇમ સીન પર જતો હતો ત્યાં મારી પાસે બાતમી આવી કે અહીં બાજુના ગામમાં એક ઝાડ પર લાશ લટકી રહી છે. હું જ્યારે પોશીના બાજુ SDPO હતો ત્યારે મેં આ પ્રથા વિશે સાંભળ્યું હતું, એટલે સમજી ગયો કે અહીં ચડોતરુંની પ્રથા ચાલુ છે. ચડોતરું એટલે આદિવાસી પ્રજાની એક જૂની પણ ક્રૂર અને અમાનવીય પરંપરા! જેમાં એ લોકો પોતાના જ પરિવારના કોઈ સભ્યની લાશ ઝાડ પર લટકાવી રાખે છે. આ પ્રથા કંઈક એવી છે…

***

ગામમાં કોઈ વ્યક્તિની હત્યા થાય કે ઇવન હત્યાની શંકા હોય તો તે મૃતકના અંતિમસંસ્કાર ન કરે. બદલો લેવા મૃતકના પરિવારનો કબીલો, જે આરોપી પર શંકા હોય, તેના ઘરે જાય, જેમાં ફક્ત એ આરોપી જ નહીં, પણ તેના આખા પરિવારને અને ઘણા કિસ્સાઓમાં તો એ પૂરા ગામના બધાં જ ઘર સાથે લડશે અને આખું ગામ સળગાવશે. આખું ગામ સળગાવી બાદમાં તેમનાં જ ઘરોમાંથી લાકડાં લઈ, તેમના જ ગામના ચોકમાં પોતાના સ્વજનની લાશના અંતિમસંસ્કાર કરશે. ત્યારે જઇને તેમને સંતોષ થશે કે અમે અમારા પરિવારના સદસ્યનો બદલો લીધો. આ પ્રથામાં ઘણી વાર તો જે આખો કબીલો સળગાવ્યો હોય એમાંથી કોઈ એકનો પણ વાંક નથી હોતો, ખોટી શંકાને આધારે કેટલાય પરિવારોને ઉઝાડી મૂકવામાં આવતા. બદલો લેવામાં ભલે અઠવાડિયાં કે મહિનાઓ વીતી જાય, પરંતુ મૃતકની લાશ એક ખાટલા પર સુવડાવીને ગામના ઝાડ પર લટકાવી રાખે.

***

ચડોતરું પ્રથાઃ વેરનાં વળામણાંની સૈકાઓ જૂની લોહિયાળ પ્રથા

આદિવાસી પ્રજાની ચડોતરુંની પ્રથા સદીઓ પહેલાં ન્યાય માટે શરૂ કરવામાં આવી હતી, પણ બાદમાં ધીમે ધીમે વર્ષો વીતતાં ‘ચડોતરું’ વેરની વસૂલાતની પ્રથા બની ગઈ. આદિવાસીઓ ગ્રુપમાં રહેવા ટેવાયેલા છે, જે મોટેભાગે કબીલાઓ તરીકે ઓળખાય છે. જ્યારે કોઈ એક ગ્રુપમાં એક સભ્યનું મર્ડર અથવા તો કોઈ રીતે એક્સિડેન્ટલ મોત થાય, એટલે ચડોતરું શરૂ થાય.

પોતાના સદસ્યના મોત બાદ તેમના અગ્નિસંસ્કાર કરવાને બદલે પોતાના જ માણસની લાશને ગામના પાદરે જઈ ઝાડ પર લટકાવી દે અને વેરની વસૂલાત શરૂ થાય. બાદમાં બીજા કબીલાના જે આરોપીઓ છે અથવા તો કોઈ પર ફક્ત શંકા છે તો તેમની સાથે પહેલાં સમાધાન કરવાનો પ્રયત્ન કરશે, જેમાં પંચને હાજર રાખી બંને પક્ષ પોતપોતાની વાત મૂકશે અને માગણીઓ કહેશે. જો માગણીઓ સંતોષાઇ જાય તો લાશ ઊતરી જશે અને અગ્નિસંસ્કાર કરી વાત પૂરી થશે, પણ જો સમાધાન ન થયું અથવા ફક્ત એક માગણી પણ પૂરી ન થઈ તો મુશ્કેલી વધે.

ઝાડ પર લટકતી લાશ એટલે ‘મુદ્દો’, 5 મહિનાથી લટકતો ‘મુદ્દો’

મૃતકની લાશને ગામના પાદરે લટકાવી રાખી હોય એ લાશને એ લોકો ‘મુદ્દો’ કહે. પોલીસને કે કોઈને પણ એ મુદ્દાનો નિકાલ ન કરવા દે. તેમનું માનવું હોય છે કે જો આ મુદ્દાનો નિકાલ થઈ ગયો તો અમારું વેર ફોગટ જશે, એટલે મુદ્દાનો નિકાલ નહીં થાય.

હવે મારું જ્યારે પોસ્ટિંગ થયું ત્યારે પોશીનાના એક ગામમાં પાંચ મહિનાથી એક લાશ લટકતી હતી. હું સમજી ગયો કે અહીં ચડોતરું ચાલુ છે. મેં તરત જ DySP અને PSIને બોલાવીને રિપોર્ટ મગાવ્યા કે પોલીસે અત્યારસુધી આ લાશ બાબતે શું એક્શન લીધી છે? મને જવાબ મળ્યો કે એ ગામલોકોની પ્રથા છે, એટલે એ લોકો નિકાલ નહીં કરવા દે.

મને ગુસ્સો આવ્યો કે 5 મહિનાથી લાશ લટકે છે અને નિકાલ કરશે પણ નહીં અને કરવા પણ નહીં દે? હું ખિજાયો કે નહીં કેમ કરવા દે? કાયદાનું શાસન છે, જે કંઈ વિધિ કરવાની થશે એ વિધિ સાથે લાશ ઉતારી પોસ્ટમોર્ટમ કરાવો અને લાશનો નિકાલ કરો. બીજા જ દિવસે જિલ્લાનું પૂરતું પોલીસદળ એકઠું કર્યું, કલેક્ટરને પણ ત્યાં સ્થળ પર બોલાવ્યા, તેમની મંજૂરીની જ્યાં જ્યાં જરૂર હતી એ મંજૂરી લીધી, લાશ ઉતારી અને પોસ્ટમોર્ટમ કરી અગ્નિસંસ્કાર કરાવ્યા.

ડોશીમાનું ઘર પડ્યું ને આખું ગામ સળગાવવાની વાત આવી

થોડાં જ મહિનામાં ત્યાં ફરી આવી ઘટના બની. પોશીના પાસે ત્યાં બાજુના જ એક ગામમાં 70 વર્ષનાં ડોશીમા રહેતાં. રાત્રે ધોધમાર વરસાદ પડ્યો એમાં એ માજીનું માટીનું કાચું મકાન પડી ગયું અને તેમનું મોત થયું. માજી મૂળ રાજસ્થાનનાં, એટલે રાજસ્થાનથી તેમના ઘરેથી 60-70 લોકોનું ટોળું અહીં ગામડે ધસી આવ્યું અને માજીના પરિવારને ધમકાવવાનું શરૂ કર્યું કે ‘તમે જો પાકું મકાન બનાવ્યું હોત તો અમારાં માજીનું મોત ન થાત. તમે કાચું મકાન રાખ્યું એમાં માજીનું મોત થયું.’ હવે કાચું મકાન કે પાકું મકાન એ તો દરેકની આર્થિક પરિસ્થિતિની વાત છે, પણ આ પરિસ્થિતિમાં પણ તેમણે ચડોતરું કર્યું.

આ બધામાં તેમનો મૂળ આશય પૈસા પડાવવાનો જ હોય. ઘણીવાર તો મૃતકનો પરિવાર પણ અગ્નિસંસ્કાર માટે માની જાય, પણ તેના આગેવાનો ઉશ્કેરે કે આપણે ચડોતરું કરવું જ જોઈએ. લાશને દોરડાથી બાંધી ઝાડ પર 15-20 ફૂટ ઊંચે લટકાવી દે. ઘણા કિસ્સાઓમાં એ લોકો લાશ ઉતારવાની ના પાડી દે અથવા તો લાશ સ્વીકારવાની ના પાડી દે, જ્યાં સુધી અમારી માગનો સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અમે ચડોતરું રાખીશું જ. એક વ્યક્તિનો બદલો લેવા ઘર સળગાવ્યાં હોય, એમાં થયેલાં મોતનો બદલો લેવા ફરી તેમનું ચડોતરું થાય અને પ્રથા ચાલુ ને ચાલુ રહે, આ તો કેમ ચલાવી લેવું?

‘તમે કાયદો હાથમાં લેશો તો અમે હાથમાં દંડો લઈશું’

મેં કડકાઇથી કહી દીધું કે આમાં કોઈ જ વાત માનવામાં નહીં આવે. કાયદો કાયદાનું કામ કરશે, તમારે જો કોઈ ફરિયાદ હોય તો ફરિયાદ આપો, બાકી આ રીતે તો લાશ લટકાવવા નહીં જ દઈએ. તમારી ફરિયાદ આવશે તો અમે એક્શન લઈશું અને જે કોઈપણ કસૂરવાર હશે એ દરેકને અમે સજા પણ કરાવીશું, પણ તમે આ પ્રથા ચાલુ નહીં રાખી શકો, પરંતુ એ લોકો કોઈ કાળે માનવા તૈયાર નહોતા. અંતે, અમે સ્ટ્રિક્ટ પગલાં લેવાની શરૂઆત કરી. જરૂર પડ્યે બળપ્રયોગ પણ કર્યો. જ્યાં લાશ દેખાય એટલે ઉતારી અમે જ અગ્નિસંસ્કાર કરી નાખીએ. કોઈ જો ઘર સળગાવે તો તેની સામે IPCની ગંભીર કલમોથી ગુનો દાખલ કરીએ. ગુનેગારો હોય તેને જેલમાં નાખી કડક સજા પણ અપાવીએ. અંતે, એ પ્રથા બંધ થઈ. ક્યાંય કોઈનો અંદરોઅંદર ડિસ્પ્યુટ (ડખો) હોય તો સામેથી અમારી પાસે આવતા થયા કે ‘સાહેબ, આ માટે અમે પંચ કરી ભેગા થઈએ છીએ. અમે કાયદા વિરુદ્ધ કોઈ કૃત્ય નહીં કરીએ અને જલદીથી જલદી આ સમસ્યાનો ઉકેલ આવે એનું પૂરતું ધ્યાન પણ રાખીશું. અમે ભેગા થઈએ તો અમારી સામે કોઈ એક્શન ન લેતા. મેં કહ્યું કે જો તમે સામાજિક અને શાંતિમય રીતે પ્રશ્નોનો ઉકેલ લાવતા હોય તો અમને શો વાંધો હોય? પણ કાયદો હાથમાં લેશો તો અમે દંડા હાથમાં લઈશું.

બે ટેકરી પર સેંકડોનાં ટોળાં એકઠાં થાય, ત્રીજી ટેકરી પર પોલીસ ધ્યાન રાખે

સમાધાન કરવાની પણ એમની આખી અલગ પ્રથા હતી. ત્યાં ટેકરી વિસ્તાર વધુ. એટલે એ બંને ટોળાં સામસામે બે ટેકરીઓ પર ભેગા થાય. એક ટેકરી પર 50-100 લોકોનું એક ટોળું અને બીજી ટેકરી પર બીજું ટોળું. આ બધામાં કોઈ કાયદો ન ખોરવાય એ માટે બંને બાજુ ધ્યાન રાખવા ત્રીજી ટેકરી પર પોલીસ પણ બેસે. 20-25 દિવસ સુધી આખો આખો દિવસ એ લોકોની વાટાઘાટો ચાલે અને છેલ્લે જો સમાધાન ન થાય તો અલગ પડે અને પૈસા મળવાની રાહ જુએ અને છેલ્લે વર્ષોના અંતે ઘર સળગાવવા પર આવી જાય.

આ કેસમાં મહત્ત્વનું એ જ હતું કે, મેં એક્શન લઈ ગુના દાખલ કર્યા અને કાયદાનું ભાન કરાવ્યું. મારી પહેલાં પણ ત્યાં આ પ્રથા ચાલુ જ હતી, પણ જેમ મને મારી નીચેના ઓફિસરોએ કહ્યું કે, ‘એ લોકોની પ્રથા છે, એ માનતા નથી.’ આગળનાં વર્ષોમાં બધા એવું જ માનતા કે, જો આમને આપણે એમની પ્રથાનું પાલન કરતાં રોકીશું તો કાયદો અને વ્યવસ્થા જોખમાશે, આપણા માણસો (પોલીસમેન)ને પણ નુકસાન થશે અને ઉપર જવાબ પણ આપવો પડશે, એના કરતાં જે ચાલે છે એ ચાલવા દઈએ. એવું સમજીને કોઈ એક્શન જ નહોતું લેતું. મેં એક્શન લેવાની શરૂઆત કરી અને એ પ્રથા બંધ થઈ. કોઈ જ રિએક્શન નહોતું આવ્યું, કોઈ જ ઉશ્કેરાયું નહોતું, ઊલટાનું એમના આગેવાનો તરફથી ભલામણો આવવાની શરૂઆત થઈ કે અમે રજૂ થઈ જઈશું, કોઈ એક્શન ન લેતા. ઘણા આરોપીઓને તો એ લોકો સામેથી જ સરન્ડર કરાવી ગયા ને અંતે એ પ્રથા સાવ બંધ થઈ. ઘણી વાર કોઈ પણ પૂર્વ વિચારધારણા બાંધવા કરતાં માન્યતા ભૂલી પ્રેક્ટિકલ કરી લેવું જોઈએ. જો સાચા છીએ, તો જે થશે એ જોયું જશે. ને આમ 100-150 વર્ષથી ચાલતી પ્રથાનો 6-8 મહિનામાં અંત આવ્યો.’

***

પોલીસની એક્શન ચપળતાથી કેવી રીતે મોટો કેસ સોલ્વ થઈ શકે છે, એ વાત કરતાં કરતાં IPS આર. બી. બ્રહ્મભટ્ટે બીજો કેસ ઊખેળ્યો ગાંધીનગરનો. સાહેબે વાત ચાલુ કરી...

***

સરકારી કચેરીઓમાંથી કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ચોરાવા લાગી

વાત છે 2003ની, એ ટાઈમે હું ગાંધીનગર SP હતો. મારું પોસ્ટિંગ હજુ ત્યાં થયું જ હતું. ગાંધીનગરમાં શેરીએ શેરીએ સરકારી ઓફિસો જ છે, અને એ ટાઈમે હજુ કોમ્પ્યુટરની નવી નવી શરૂઆત થતી હતી, તો દરેક સરકારી કચેરીમાં એક કોમ્પ્યુટર રૂમ રહેતો, જ્યાં રોજબરોજનું આખી ઓફિસનું કામ એ એક જ કોમ્પ્યુટરમાં થાય. એ કોમ્પ્યુટર ઓપરેટ કરવા પણ 7-8 જણાની ટીમ હોય. જે બધો જ ડેટા ટાઈપ કરી કરીને કોમ્પ્યુટરમાં એડ કરતા રહેતા હતા.

ત્યાં થોડા દિવસોમાં ગાંધીનગરમાં એક ગેંગ એક્ટિવ થઈ. ગેંગ ન કોઈને લૂંટે કે ન કોઈનું મર્ડર કરે, એ ફક્ત દરેક કચેરીમાં ઘૂસી, એમનાં કોમ્પ્યુટરમાંથી હાર્ડ ડિસ્ક ચોરી જાય. અને એ પણ સેઇમ પેટર્નથી, દર શનિ-રવિમાં કોઈ ને કોઈ સરકારી કચેરીમાંથી હાર્ડ ડિસ્કની ચોરી થાય. હાર્ડ ડિસ્કની ચોરી થાય એટલે કોમ્પ્યુટરમાં રહેલો બધો જ અગત્યનો અને સંવેદનશીલ ડેટાબેઝ જતો રહે, મહિનાઓની મહેનત પાણીમાં જાય અને હાર્ડ ડિસ્ક જતી રહે એટલે કોમ્પ્યુટર પણ નકામું થઈ જાય. ઉપરથી એ ટાઈમે તો હાર્ડ ડિસ્ક કોઈ પાસે મંગાવવી અને મગાવ્યા પછી કમ્પ્યૂટરમાં ઇન્સ્ટોલ કરવા માટે નિષ્ણાત કારીગર શોધવો એ પણ માથાનો દુખાવો. બે-ત્રણ મહિનામાં તો આઠથી દસ આવા બનાવો બની ગયા.

ગાંધીનગરની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો બધો ડેટા ચોરાઈ ગયો!

અમે નાઈટ પેટ્રોલિંગ વધાર્યું, તપાસ તેજ કરી, પણ ક્યાંય કોઈ ખૂણેખાંચરે પણ એક ક્લુ ન મળે. કેમ કે એ ટાઈમે તો સિટીમાંય ક્યાંય CCTV કેમેરા નહોતા. સરકારી કચેરીઓમાં પણ ક્યાંય નહીં અને કોઈનાં ઘરે પણ નહીં. હજુ તો આ બધી ટેક્નોલોજી વિશે બધાને માહિતી મળતી થઈ હતી. સિક્યોરિટી ગાર્ડ મોટે ભાગે બધી જગ્યાએ હતા જ, પણ એ લોકોનો એ જ ટિપિકલ જવાબ રહેતો કે, ‘સાહેબ, 12 વાગ્યા પછી અમને થોડું ઝોંકું આવી ગયું હતું.’ સરકારી કચેરીઓની હાર્ડ ડિસ્ક ચોરવાના બનાવો દિવસે ને દિવસે વધતા ગયા.

આ બધાની વચ્ચે એક દિવસ એ લોકોએ ધાડ પાડી FSLની લેબોરેટરીમાં. ફોરેન્સિકમાં એ વખતે બધા ગુનેગારોનો ફિંગરપ્રિન્ટથી લઈને જે મળે એ બધો જ ડેટા સ્ટોરેજ કરવાનું કામ ચાલુ હતું. 8-10 લોકો મળી 6-7 મહિનાઓથી રાત-દિવસ જાગી બધો ડેટા ડિજિટલ કરવા મંડી પડ્યા હતા. ને એક રવિવારે આ ગેંગે ત્યાં ત્યાંથી બધાં જ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ચોરી લીધી.

સોમવાર સવાર પડતાંની સાથે જ તત્કાલીન FSL ડાયરેક્ટર વ્યાસ સર (હાલ NFSUIના ડાયરેક્ટર) દોડતાં દોડતાં મારી પાસે આવ્યા ને ખૂબ જ ટેન્શનમાં, ‘સર, મહિનાઓની મહેનત પાણીમાં ગઈ છે.’ આ વખતે ફક્ત ડેટા કે પૈસાની ચિંતા નહોતી, પણ ચિંતા હતી ડેડલાઇન અને માણસોની મહેનતની. મહિનાઓથી આખા FSLના બધા જ જાણકારો જે ડેટા સ્ટોર કરતા હતા, એ દરેક પાસે બધી જ મજૂરી ફરી કરાવવી પડશે, જેથી આ આખો પ્રોજેક્ટ મહિનાઓ સુધી ખોરંભે ચડી થશે. અમારું પણ ટેન્શન વધ્યું. મેં સ્પેશિયલી આ કેસ માટે એક SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) બનાવી અને મારા બેસ્ટ ઓફિસરોને આ કેસ પાછળ લગાવ્યા.

છાપાના એક સમાચાર પર ધ્યાન ગયું

આ બધાની વચ્ચે મારા ટેબલ પર મને એક જૂનું અખબાર દેખાયું. નાસ્તો કરતાં કરતાં મારું ધ્યાન ત્યાં પડ્યું અને મારો અડધો કેસ સોલ્વ થઈ ગયો. છાપામાં સમાચાર હતા કે મહેસાણાની ગણપત વિદ્યામંદિરની એક કોમ્પ્યુટર લેબના બધાં જ કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક ચોરાઇ ગઈ હતી. હું સમજી ગયો કે આ એ ગેંગનું જ કામ છે. એ ટાઈમે મારી સાથે LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ના PI બી. એન. બારોટ હતા. મેં તેમને તાત્કાલિક ધોરણે મહેસાણા મોકલ્યા, ‘જાઓ, અને પૂરી તપાસ કરીને આવો, આપણા કામનું કશુંક મળી જાય તો...’ બારોટ હોશિયાર અને ચપળ PI. તેમને કામ સોંપ્યું હોય એટલે જ્યાં સુધી એ પૂરું ન થાય ત્યાં સુધી તેમને ધરપત ન થાય. ચતુર, સચેત અને ચાલાક.

STD-PCOની નાનકડી ચબરખીએ કેસ સોલ્વ કરી આપ્યો

PI બારોટ મહેસાણા ગયા અને તપાસ ચાલુ કરી, કેસ ફાઈલ તપાસવાની શરૂઆત કરી. એ કેસને લગતા બધા જ ડોક્યુમેન્ટ અને ક્રાઇમ સીન પરથી મળેલી તમામ વસ્તુઓ તપાસી. એમાં તેમને ધ્યાને એક STD ફોનબૂથની ચબરખી મળી. એ ટાઈમે મોબાઈલ તો હતા નહીં, એટલે જ્યાં જ્યાં STD બૂથ હોય ત્યાંથી જ ફોન કરવા પડતા અને એ બૂથ પર વાત કરી લો એટલે બિલ જેવી એક ચબરખી નીકળતી. આપણને અત્યારે પેટ્રોલ પંપ પર બિલ આપે એવી જ સેમ ટુ સેમ. એ ફોનની ચબરખી વિશે બારોટે પૂછ્યું કે, આ શું છે અને ક્યાંથી મળી? તો ત્યાંના PI કહે, ‘ખબર નહીં, રાઇટરે મૂક્યું છે, શું હોય તે ખ્યાલ નથી.’ બારોટે રાઇટરને બોલાવ્યા. તો રાઇટરનો પણ સેમ જવાબ, ‘ખબર નહીં સાહેબ, ત્યાં પડ્યું હતું તો મેં ફાઇલમાં મૂકી દીધું.’

‘ખબર નહીં સાહેબ, તેને કોઈ લોટરી લાગી હોય એવું લાગે છે’

બારોટને એમાં રસ પડ્યો. તેમણે એ ચિઠ્ઠી ઉપાડી લીધી અને એ લઈને મારી પાસે ગાંધીનગર આવી ગયા. એ બિલમાં ક્યાં ફોન કર્યો એ નંબર અને કેટલી વાર વાત થઈ એ બધું લખેલું હોય. મને એ નંબર પર થોડી શંકા ગઈ. BSNLમાં મારા સોર્સ લગાવી ત્યાંથી એ નંબરનું લોકેશન કઢાવ્યું અને ત્યાં PI બારોટની ટીમને વૉચ પર લગાવી. એક જ માળનું અગાશીવાળું એક સાધારણ ઘર હતું. ઘરે કોઈ જાહોજલાલી નહીં, સાધારણ પરિસ્થિતિ, પણ ઘરનો જુવાન છોકરો રોજ બુલેટ પર ફરે, આખો દિવસ ફુલ જલસાવાળી લાઈફ જીવે. એના પર અમને થોડો ડાઉટ ગયો, તો આજુબાજુવાળાને પૂછ્યું કે, આ શું કામધંધો કરે છે? તો જવાબ મળ્યો કે, ‘કંઈ કામધંધો નથી કરતો, પણ ખબર નહીં, છેલ્લા છએક મહિનાથી જલસા છે, કંઈક લોટરી-વોટરી લાગી હોય એવું લાગે છે.’ PI બારોટે એ જ દિવસે એ છોકરાને ઉઠાવી લીધો અને પોલીસ સ્ટેશન લાવી ઇન્ટ્રોગેશન ચાલુ કર્યું.

છોકરાએ પોલીસ સ્ટેશનની ખુરશી પર બેસતાંવેંત જ કબુલી લીધું કે, ‘હા, ગાંધીનગરની બધી જ ચોરી મેં જ કરી છે. અમારી કોઈ ગેંગ નથી. અમે બે મિત્રો મળી, હાર્ડડિસ્ક ચોરીએ છીએ અને ભંગારમાં વેચી દઈએ છીએ. અમારા માટે તો ખાલી એ ભંગાર જ હતું, પણ અમને એવું કે, કોમ્પ્યુટરની અંદરથી આટલુંઅમથું ચોરીએ તો કોઈને ધ્યાન પણ નહીં જાય.’ આટલી મહત્ત્વની વસ્તુ એના માટે સાવ ભંગાર જ હતો! બસ, ત્યારથી એ હાર્ડ ડિસ્ક ચોરાતી બંધ થઈ ગઈ.

કહેવાનો આશય એ છે કે જો પોલીસ ઇન્સ્પેક્ટર જો પોતાની સૂઝબૂઝથી કામ કરે તો કેસ સોલ્વ કરવા બહુ જ સહેલા છે. ટેબલ પર પડેલા એક જૂના ન્યૂઝપેપર અને એક કચરા જેવી નાનકડી ચબરખીએ આખો કેસ સોલ્વ કરી નાખ્યો, પણ હાલ દરેક કેસ પર પોલીસનું એટલું ધ્યાન જ નથી હોતું, જેના કારણે કેસ સોલ્વ કરવામાં દિવસો ને મહિનાઓ નીકળી જાય છે.

***

સવાલ : તમે DySPથી લઈ DGP સુધીના દરેક રેન્ક પર રહી મોટા ભાગની પોસ્ટ પર કામ કરી ચૂક્યા છો. તમારા મત મુજબ, પોલીસ ડિપાર્ટમેન્ટમાં અત્યારે શું ઘટે છે?

IPS બ્રહ્મભટ્ટ : ખાસ તો ઇન્વેસ્ટિગેશન પાર્ટ. અત્યારે જે યુવાન ઓફિસર્સ આવે છે, ઇન્વેસ્ટિગેશનમાં તેમને એટલો રસ જ નથી હોતો. જૂના સમયમાં ખૂબ જ સારા રાઇટર્સ હતા, ખૂબ સારા અધિકારીઓ હતા, જે ગુનાની જડ સુધી ગમે તે રીતે જલદીથી જલદી પહોંચી જતા. પણ અત્યારે મને પર્સનલી ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે ગુના શોધવાની ગંભીરતા થોડી ઓછી થઈ ગઈ છે.

સવાલ : એની પાછળનું કારણ શું?

IPS બ્રહ્મભટ્ટ : કારણ એ જ કે અત્યારે પોલીસ પાસે મલ્ટીટાસ્કિંગ કામની અપેક્ષા વધી ગઈ છે. અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં બંદોબસ્તમાં લગાવી દેવામાં આવે છે. પછી એ ધાર્મિક બંદોબસ્ત હોય કે રાજકીય. વસતિ વધે એમ ગુનાઓની સંખ્યા પણ અઢળક વધતી રહે છે. ગુનાખોરીની પેટર્ન પણ અત્યારે ઘણી બદલાઈ ગઈ છે. સાયબર ક્રાઇમનો વ્યાપ એટલો વધી ગયો છે કે કલ્પના બહાર છે. હવે એ માટે તમારું ટેક્નિકલ જ્ઞાન હોવું પણ ખૂબ જ જરૂરી છે. હવે જો અધિકારીને જ એટલું ટેક્નિકલ જ્ઞાન નહીં હોય તો એ કેવી રીતે ગુના ડિટેક્ટ કરાવશે?

સવાલ : પર્વત પર ઊભાં ઊભાં નીચેનું ગામ જોતા હોઈએ, એ રીતે અત્યારે તમારા કરિયર પર નજર કરો તો શું દેખાય છે?

IPS બ્રહ્મભટ્ટ : ખૂબ જ સંતોષ! મને જેટલું કામ સોંપ્યું એમાં મેં મારી પોતાની રીતે જે જે નવીનતા લાવીને મારી રીતે કામ કર્યું અને એટલી રોકટોક ન નડી, એ બદલ પૂરતો સંતોષ છે. મારી સમગ્ર કારકિર્દી દરમિયાન મારા પર ક્યારેય કોઈ ડાઘ નથી લાગ્યો અને સમાજ પ્રત્યેની મારી જવાબદારી સારી રીતે વહન કરી. કામ લીધું પણ એટલું અને કર્યું પણ એટલું. એટલે પૂરતા સંતોષ સાથે ખુશ છું.

IPS ડાયરીઝ - એપિસોડ 2 : સ્ટેશનના સળિયાથી જ પોલીસનું માથું છૂંદી નાખ્યું : આરોપીએ કોન્સ્ટેબલને પતાવી દીધો, 14 કલાકમાં ગુજરાત ફંફોળી ચાલુ ટ્રેન ઊભી રખાવી

IPS ડાયરીઝ - એપિસોડ 3 : કિડનેપરને પકડવા ગોળીબાર થયો : બે જિલ્લા ફેંદી અઠવાડિયે બાળકને હેમખેમ પાછું લવાયું, પોલીસે ગોળીએ વીંધી કિડનેપરને જીવતો પકડ્યો

IPS ડાયરીઝ - એપિસોડ 4 : ‘બાળકીનો રેપ કરી બે કટકા કરી નાખ્યા’ : હજારોના ટોળાંએ પોલીસને ઘેરી લીધી, IPS મકરંદ ચૌહાણ કહે, ‘મોડો પડ્યો હોત તો પોલીસને જીવતા સળગાવી નાખત’

IPS ડાયરીઝ - એપિસોડ 5 : નિર્ભયાના એક જ મહિનામાં સુરતમાં એવો જ રેપ : IPS વિધિ ચૌધરીએ ત્રણ રાજ્ય ફેંદી 24 કલાકમાં બળાત્કારીને પાંજરામાં પૂર્યો, દ. ગુજરાતની પહેલી ફાંસી

IPS ડાયરીઝ - એપિસોડ 6 : મામા-ફોઇના પોરિયાએ મળી ₹88 લાખ ગપચાવ્યા:‘ધૂમ’ જેવા કીમિયાથી ચહેરો બદલાવ્યો; IPS રૂપલ સોલંકીના કરિયરના હચમચાવી દેતા કિસ્સા

.

LockIcon

અધૂરું નહીં! વાંચો પૂરું! વાંચો પૂરા સમાચાર દિવ્ય ભાસ્કર એપ પર

પૂરા સમાચાર વાંચો એપ પરપ્રીમિયમ મેમ્બરશિપ હોય, તો લોગિન કરો