માઇક્રોસોફ્ટ બાદ હવે ખર્ચમાં ઘટાડાની રાહ પર ગૂગલ:5 દેશોમાં કર્મચારીઓને પૈસા લઈને નોકરી છોડવાની ઓફર; AI પર ભારે ખર્ચથી બજેટ ખોરવાયું
માઈક્રોસોફ્ટ બાદ હવે ગૂગલે 5 દેશોમાં બાયઆઉટની જાહેરાત કરી છે. કંપનીએ ખર્ચમાં ઘટાડો કરવા માટે કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડના કર્મચારીઓને પોતાની ઈચ્છાથી પૈસા લઈને નોકરી છોડવા એટલે કે એક્ઝિટ પેકેજની ઓફર આપી છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર ભારે ખર્ચ અને વધતા વર્કફોર્સ વચ્ચે ગૂગલની પેરેન્ટ કંપની અલ્ફાબેટે પોતાની AI સ્ટ્રેટેજી પર ધ્યાન કેન્દ્રિત કરવા અને પ્રાથમિકતા અનુસાર સંસાધનોને સ્થાનાંતરિત કરવા માટે આ નિર્ણય લીધો છે.
એક્ઝિટ પ્રોગ્રામમાં ભારતના કર્મચારીઓ સામેલ નથી
ગૂગલના પ્રવક્તાએ રોઇટર્સને જણાવ્યું કે કંપનીએ જૂનથી કેનેડા, ફ્રાન્સ, જર્મની, જાપાન અને સ્વિટ્ઝર્લૅન્ડમાં કેટલાક કર્મચારીઓ માટે 'વૉલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ' શરૂ કર્યો છે. ગૂગલે હાલ આ એક્ઝિટ પેકેજમાં ભારતના કર્મચારીઓને સામેલ કર્યા નથી.
ટેક કંપની ગૂગલ ગયા વર્ષથી અમેરિકા અને બ્રિટનના કેટલાક વિભાગોમાં આ એક્ઝિટ પ્રોગ્રામ ચલાવી રહી છે. કંપનીનું કહેવું છે કે આ પ્રોગ્રામ એવા કર્મચારીઓ માટેનો વિકલ્પ છે, જેઓ હવે ગૂગલની નવી વિચારસરણી અને દિશા સાથે પોતાને જોડાયેલા અનુભવતા નથી.
કંપનીનું AI અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પર ફોકસ
સુંદર પિચાઈના નેતૃત્વ હેઠળની કંપની હવે પોતાના સંસાધનોને એવા ક્ષેત્રોમાં સ્થાનાંતરિત કરવા માગે છે, જે તેની પ્રાથમિકતા યાદીમાં ટોચ પર છે. કંપનીનું સંપૂર્ણ ધ્યાન હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ક્લાઉડ કમ્પ્યુટિંગ પર છે, તેથી ગૂગલની ભરતીની પ્રાથમિકતામાં પણ આ ક્ષેત્રો સૌથી આગળ છે.
આ જ કારણ છે કે છેલ્લી વખત જ્યારે બાયઆઉટ ઑફર આપવામાં આવ્યા હતા, ત્યારે 'ગૂગલ ક્લાઉડ' અને AI યુનિટ 'ડીપમાઇન્ડ'ના કર્મચારીઓને તેનાથી દૂર રાખવામાં આવ્યા હતા.
સ્વિટ્ઝર્લૅન્ડમાં ગૂગલનો શું પ્લાન છે?
સ્વિટ્ઝર્લૅન્ડના ઝ્યુરિખમાં ગૂગલનું એક મોટું એન્જિનિયરિંગ હબ છે, જ્યાં લગભગ 5,000 કર્મચારીઓ કામ કરે છે. કંપનીએ અહીં જૂનમાં કર્મચારીઓને એક્ઝિટ પેકેજની ઓફર કરી હતી અને અરજી કરવા માટે જુલાઈ સુધીનો સમય આપ્યો હતો.
જેમણે આ ઓફર સ્વીકારી, તેમને દરેક એક વર્ષની સેવા બદલ એક મહિનાનો પગાર (મહત્તમ 12 મહિનાના પગાર સુધી) આપવામાં આવશે.
AI પર ભારે ખર્ચથી વૉલ સ્ટ્રીટ ચિંતિત
ગૂગલ અને અન્ય મોટી કંપનીઓ AI ટેક્નોલોજી પર પાણીની જેમ પૈસા ખર્ચી રહી છે. આ ભારે ખર્ચથી વૉલ સ્ટ્રીટના રોકાણકારો ચિંતિત છે, જેના કારણે અલ્ફાબેટના શેરોમાં પણ ઘટાડો નોંધાયો છે. તાજેતરમાં ટેક કંપની માઇક્રોસોફ્ટે પણ પોતાના ખર્ચ પર નિયંત્રણ મૂકવા માટે 60,000 કર્મચારીઓને બાયઆઉટ કોન્ટ્રેક્ટની ઓફર કરી હતી.
કંપનીનું વર્કફોર્સ 2.04 લાખને પાર પહોંચ્યું
છેલ્લા કેટલાક સમયથી અલ્ફાબેટની હેડકાઉન્ટમાં સતત વધારો થયો છે. સપ્ટેમ્બર 2026ના અંત સુધીમાં ગૂગલમાં કુલ કર્મચારીઓની સંખ્યા વધીને 2.04 લાખ સુધી પહોંચી ગઈ.
કંપનીએ માત્ર 6 મહિનામાં આશરે 10,000 નવા કર્મચારીઓ ઉમેર્યા છે. આ વધારો એવા સમયે નોંધાયો છે જ્યારે મોટાભાગની અન્ય ટેક કંપનીઓ પોતાની બિઝનેસ સ્ટ્રેટેજી બદલીને કર્મચારીઓની સંખ્યા ઘટાડવામાં વ્યસ્ત હતી.
વિઝને ખરીદવાથી 2,000 કર્મચારીઓ વધ્યા
કર્મચારીઓની સંખ્યામાં થયેલા આ ઉછાળાનું એક મોટું કારણ અધિગ્રહણ પણ રહ્યું છે. આ વર્ષે માર્ચમાં ગૂગલે સાયબર સિક્યુરિટી ફર્મ 'વિઝ' (Wiz)ને ખરીદી હતી. ત્યારબાદ વિઝના 2,000 કર્મચારીઓને ગૂગલમાં સામેલ કરવામાં આવ્યા હતા.
બાયઆઉટ ઑફર શું હોય છે?
જ્યારે કોઈ કંપની કર્મચારીઓને સીધા નોકરીમાંથી કાઢવાને બદલે સ્વેચ્છાએ રાજીનામું આપવાનો વિકલ્પ આપે છે, ત્યારે તેને બાયઆઉટ અથવા વૉલન્ટરી એક્ઝિટ પ્રોગ્રામ કહેવામાં આવે છે.
આ હેઠળ રાજીનામું આપનારા કર્મચારીઓને તેમની સેવા બદલ એકમુશ્ત સેવરન્સ પેકેજ (રકમ) અને વધારાના લાભો આપવામાં આવે છે.
