સોનિયાજી કેટલાં ફંડ કેટલાં ટ્રસ્ટ?
-રાજીવના નામની સ્કીમો કે ઇન્દિરાના નામની સ્કીમો કુલ બાવન છે. તમામ સ્કીમો મળીને કુલ્લે રાજીવના નામના ૪૪પ પ્રોજેક્ટો,સ્કીમો, સ્પોર્ટસ ટ્રોફીઓ, બંદરો, સ્ટેડિયમો, એરપોર્ટો. યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ છે.
શેક્સપિયરની ન ભુલાય તેવી પંક્તિ તમને પણ યાદ હશે. સમ આર બોર્ન ગ્રેટ, સમ એચિવ ગ્રેટનેસ એન્ડ સમ હેવ ગ્રેટનેસ થસ્ર્ટ અપોન ધેમ. એક છેડે મોદી છે. નરેન્દ્ર મોદીએ યેનકેન પ્રકારણે ગ્રેટનેસ મેળવી. પણ સોનિયા ગાંધી ઉપર ગ્રેટનેસ ઠોકી બેસાડાઇ છે.
ગ્રીસ કવિ હોમરના મહાકાવ્યમાં એક સૂત્ર છે. નથિંગ ઇન ધ વર્લ્ડ ઇઝ સો ઇનકેન્ટીનેન્ટ એઝ એ મેન્સ એપીટાઇટ ફોર વેલ્થ, ફેઇમ એન્ડ પાવર અર્થાત્ માનવીના જીવનમાં સંપત્તિ, કીર્તિ અને સત્તાની વણબુજી પ્યાસ કે અસંયત, કામાતૂર કે અસંયમી ભૂખ જેવી કોઇ જ ભૂખ નથી. આ ભૂખ એક શાપિત ભૂખ છે.
આવી શાપિત ભૂખનાં સ્વામિની સોનિયા ગાંધી છે? એ ખરેખર સ્ફીન્સ્ક-મૂંગી પૂતળી છે ? અગર બીજાને ધન- સત્તાના મોહથી બચાવનારી માનુની છે ? જેસન ઓવર ર્ડોફ નામના પત્રકારે લખ્યું છે કે ભારતીય રાજકારણમાં જો 'મોસ્ટ ઇન્ટ્રીગીંગ’ પાત્ર હોય તો સોનિયા છે.
આ એક જવાબદાર પત્રકારે આપેલું કનિષ્ઠ વિશેષણ છે. ઇન્ટ્રીગીંગ એટલે શું ? ઉપજાપક ષડ યંત્રકારી, કપટ સંબંધી, સાજીશ કરનાર અને મનોહર આ મારા શબ્દો નથી. તમે તમારી રીતે તેનું અર્થઘટન કરી શકો છો. ૧૯૯૧માં રાજીવની હત્યા પછી સોનિયા માથે સત્તા આવી પડી અને માથે ઠોકેલી સત્તાને બરાબર જળોની જેમ વળગી રહેવાના પાઠ સાસુ પાસેથી આબાદ ભણેલા.
છતાંય કોંગ્રેસીઓના કાવાદાવા માટે થોડીક નવી સોનિયાને સત્તા લાલચુ કોંગ્રેસીઓ નીઓફાઇટ માનતા હતા એટલે કે નવદીક્ષિત અગર શીખાઉ સ્ત્રી માનતા હતા, પણ કોંગ્રેસીઓ બીજા કોંગીઓ કરતાં સોનિયા ઘણું શીખી ગઇ હતી. તેને ચારેકોરથી સત્તા મળતી હતી. કેટલી સત્તા ઇનફ છે તેનું માપ નહોતું. વળી સત્તા માટેનું હુકમનું પાનું ઉર્ફે ધનના તેની પાસે આડકતરા ઢગલા હતા. આજે પણ મુલાયમસિંઘ, બિહારના નીતિશકુમાર અને જનતા દળના નેતાઓ સોનિયાને વહાલા થવાની હરીફાઇ કરે છે.
ઊડતી નજરે તો રાજીવ ગાંધીના નામના જે જે સેંકડો અગર ગણ્યા ગણાય નહીં એટલા ફંડો કે ટ્રસ્ટો હતાં તે તમામના સોનિયા ઓટોમેટિક મહારાણી બની ગયાં છે. નેહરુ મેમોરિયલ ફંડ, ઇન્દિરા ગાંધી મેમોરિયલ ફંડ, કમલા નેહરુ ટ્રસ્ટ, સ્વરાજભવન ટ્રસ્ટ, રાજીવ ગાંધી ફેમિલી ટ્રસ્ટ વગેરે વગેરે ટ્રસ્ટોનાં તે અધ્યક્ષા બની ગયાં છે. તમને હસવું કે રડવું કે તેની સૂઝ ન પડે તેટલી રાજીવ ગાંધીના નામની સ્કીમો અને પ્રોજેક્ટો હતા-છે.
પૂરું લિસ્ટ લખું તો 'દિવ્ય ભાસ્કર’ આખું ભરાઇ જાય. રાજીવના નામનાં તમામ ટ્ર્સ્ટો, ફંડો કે પ્રોજેક્ટમાં દરેક કેન્દ્રીય બજેટમાં સત્તાવાર ફાળવણી થાય છે અને ભાજપના જડસુ કે અજ્ઞાની સભ્યો ચૂપ બેસે છે. તમને થોડાક જ દાખલા આપું. આમ તો રાજીવ, ઇન્દિરા વગેરે નામની સ્કીમ અને પ્રોજેક્ટો એક ડઝન છે. રાજ્ય સરકારોની રાજીવના નામની સ્કીમો કે ઇન્દિરાના નામની સ્કીમો કુલ બાવન છે. તમામ સ્કીમો મળીને કુલ્લે રાજીવના નામના ૪૪પ પ્રોજેક્ટો, સ્કીમો, સ્પોર્ટસ ટ્રોફીઓ, બંદરો, સ્ટેડિયમો, એરપોર્ટો. યુનિવર્સિટીઓ અને શિક્ષણ સંસ્થાઓ છે.
રાજીવના નામનાં એર્વોડો, સ્કોલરશિપો, ફેલોશિપો, નેશનલપાર્કો અને વાઇલ્ડ લાઇફ સેંકચ્યુ અરીબો, હોસ્પિટલો, મેડિકલ સંસ્થાઓ, રાજીવનાં નામનાં ફેસ્ટિવલો અને ફાલતુમાં ફાલતુ ચીજો સાથે રાજીવના અને નેહરુનાં નામો જોડાયાં છે. દિલ્હીમાં રાજીવચોક, સફદરજંગમાં રાજીવ ભવન, રાજીવ હેન્ડીક્રાફટ ભવન, રાજીવપાર્ક, ઇન્દિરાચોક, નેહરુ પ્લેનેટેરિયા, જવાહર નેહરુ ગવર્નમેન્ટ હાઉસ, મુંબઇમાં અંધેરીમાં રાજીવચોક, મુંબઇમાં ઇન્દિરાનગર, નેહરુનગર, ચેન્નઇમાં રાજીવ મેમોરિયલ હોલ, હરિયાણામાં રાજીવ એજ્યુકેશન સિટી અરે કોંગ્રેસીઓએ સોનિયાને માખણ મારવા હિમાલયના એક શિખરનું નામ 'માઉન્ટ રાજીવ’ રાખ્યું છે ગોવામાં ઇન્ફોટેક સિટી રાજીવના નામે છે. ચેન્નાઇમાં રાજીવનગર છે. કોઇમ્બતૂરમાં છે, ત્રિચીમાં છે. પુણેમાં રાજીવ ગાંધી ઇન્ફોટેક પાર્ક છે. બનાસકાંઠામાં, પાલનપુર ખાતે રાજીવ પંચાયત ભવન છે બેશરમી જોઇ લો કે કોંગી નાણાપ્રધાને રાજીવ ફંડમાં નાણાં ફાળવનારને આવકવેરામાં પ૦ ટકા છૂટ આપી છે.
'દિવ્ય ભાસ્કર’ના કંપોઝીટરોનાં આંગળાં થાકે એટલા આ રાજીવ, ઇન્દિરા, નેહરુ વગેરેના નામનાં પ્રોજેક્ટો છે. ફરી મને અમેરિકન લેખક રોબર્ટ સ્કીડેલસીના પુસ્તકનું મથાળું 'હાઉ મસ ઇઝ ઇનફ’ યાદ આવે છે. અરે, સોનિયાજી કેટલાં ટ્રસ્ટો કેટલાં ફંડો અને કેટલાં સ્મારકો? હવે તો દિલ્હીમાં રાજીવ ટોઇલેટ હાઉસ કે રાજીવ મૂતરડી જ બાકી રહ્યાં છે, પણ વાતને મજાકમાં ઉડાડવા જેવી નથી.
રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનામાં બજેટ દ્વારા રૂ. ૨૮૦૦૦ કરોડ અને તે પછી ૨૦૦૯માં રૂ. પપ૦૦ કરોડ મંજૂર થયેલા રાજીવ નેશનલ ડ્રિકિંગ વોટર મિશન માટે વાર્ષિક રૂ. ૭પ૦૦ કરોડ એનાયત થાય છે. બજેટ દ્વારા જ ઇન્દિરા આવાસયોજનામાં આ જ સુધી કરોડો એનાયત થયા છે. ઇન્દિરા ગાંધીના નામની ઓલ્ડ એજ પેન્શન સ્કીમ અને બીજી અડધોડઝન સ્કીમમાં અબજો રૂપિયા બજેટમાં ફાળવાય છે.
તમને નવાઈ લાગે એટલાં ટ્રસ્ટો અને ફંડોનાં સોનિયાજી અધ્યક્ષા છે. સોનિયાને વહાલા થવા માટે મને યાદ છે કે ૧૯૯૧માં ભારતનાં રૂ. ૭૭૦૦ કરોડના ખાદ્યવાળા બજેટમાં અને રૂ. ૨૩૦૦ કરોડના નવા કરવેરાવાળા બજેટમાં કોંગ્રેસ સરકારે એક ઝાટકે રૂ. ૧૦૦ કરોડ રાજીવ ગાંધીના નામના ફેમિલી ટ્રસ્ટમાં બેશરમ બનીને ફાળ્યા.
ત્યારે નસીબ જોગે ફાળવણી જનતાની નજરે ચઢતાં સોનિયાએ મોડે મોડે નાછૂટકે કેન્સલ કરાવી પરંતુ 'કર્મ છૂપે નહીં ભભૂત લગાયો’ એ આપણી ઉક્તિ અનેક રીતે સોનિયા અને કોંગ્રેસને લાગુ પડે છે, પરંતુ ક્યારે ઇનફ ઇઝ ઇનફ ?
- કાન્તિ ભટ્ટ
Related Articles:
PHOTOS: સોનિયા ગાંધીની લેટેસ્ટ સ્ટાઈલએ મચાવી હલચલ
શક્તિશાળી માતાઓની યાદીમાં સોનિયા ગાંધી, ઇન્દ્રા નૂયી
સોનિયા ગાંધી ભાવિ યોજનાની રૂપરેખા ઘડશે
