એક સમયે ભાજપથી નારાજ રાજભા ઝાલા આપમાં જોડાશે, કોંગ્રેસના પૂર્વ MLA ઇન્દ્રનીલની ઘરવાપસીની શક્યતા
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કાવાદાવા શરૂ, રાજકીય પાર્ટીમાં ગતિવિધિ પણ તેજ થઇ
- હું કોંગ્રેસની સામે નહીં સાથે જ છું, કોંગ્રેસમાં જોડાવાની હાલ કોઇ વાત નથી: ઇન્દ્રનીલ
- આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ રાજકોટમાં પણ કામની રાજનીતિ કરશે: રાજભા ઝાલા
રાજકોટ: સ્થાનિક સ્વરાજની ચૂંટણી એટલે કે રાજકોટ કોર્પોરેશનની ચૂંટણીને આડે થોડા મહિના બાકી છે. રાજકોટની રાજકીય પાર્ટીઓમાં ગતિવિધિ પણ તેજ થઇ છે. રાજકોટ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા અને મહાનગરપાલિકા પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવા રાજભા ઝાલા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતા છે. એક સમયે રાજભા ભાજપથી નારાજ થયા હતા અને રાજીનામું ધરી દીધું હતું. ગત અઠવાડિયે અમદાવાદ ખાતે રાજભા ઝાલાએ આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આગામી સમયમાં દિલ્હી ખાતે પણ તેમને બોલાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પણ ઘર વાપસી કરે તેવી શક્યતા છે.
ભાજપથી લોકો થાકી ગયા: ઇન્દ્રનીલ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસની સામે નહીં સાથે જ છુ, કોંગ્રેસમાં જોડાવાની હાલ કોઇ વાત નથી. પરંતુ કોંગ્રેસ સારી જ પાર્ટી છે. લોકોની લાગણી સાથે રહેવું જોઇએ. આજે પણ હું કોંગ્રેસી જ છું. પરંતુ કોંગ્રેસમાં નથી. હાલ કોઇ જોડાવાની વાત નથી. ભાજપથી લોકો થાકી ગયા છે
થોડા દિવસોમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાઇશ: રાજભા રાજભા ઝાલાએ જણાવ્યું હતું કે, ગઇકાલે આમ આદમી પાર્ટીની બેઠક મળી હતી. હું મારી સમિતિ સાથે વાતચીત કર્યા બાદ નિર્ણય લઇશ. મેં નાગરિક હિત રક્ષક સમિતિ બનાવી છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ગોપાલરાય સાથે પણ ચર્ચા કરવામાં આવશે. વધુમાં વધુ બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દિલ્હીની જેમ રાજકોટમાં પણ કામની રાજનીતિ કરશે. થોડા દિવસોમાં હું આમ આદમી પાર્ટીમાં જોડાઇશ.
કેશુભાઇ પટેલે પણ ત્રીજો પક્ષ રચ્યો હતો: રાજુ ધ્રુવ ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને આવતીકાલે પણ રહેવાનો છે. ત્રીજા પક્ષનો કોઇ સવાલ જ નથી. કેશુભાઇ પટેલે પણ ત્રીજો પક્ષ રચ્યો હતો. વિધાનસભા અને લોકસભામાં રાજકોટની તમામ બેઠક પર ભાજપનો વિજય થયો છે. ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસ જાય તો ભારતીય જનતા પાર્ટીને કોઇ પણ ફેર નહીં પડે.
પાર્ટીના એક જૂથે ઇન્દ્રનીલને ઘરવાપસી માટે રજૂઆત કરી હતી બીજી તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરૂની ઘર વાપસીના એંધાણ પણ મળી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુને ગત અઠવાડિયે જ પાર્ટીના એક જૂથે વાપસી અંગે રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ઇન્દ્રનીલ રાજ્યગુરૂ ન હોવાના કારણે લોકસભામાં કોંગ્રેસનો રાજકોટ બેઠક પર નબળો દેખાવ રહ્યો હતો. ત્યારે કોંગ્રેસનું એક જૂથ પાર્ટીને ઇન્દ્રનીલની ઘરવાપસી કરાવવા માટે રજૂઆત કરી રહ્યું છે, તો બીજી ઇન્દ્રનીલની ઘરવાપસી ન થાય તે માટે પણ રજૂઆત કરી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં રાજકોટ શહેર કોંગ્રેસમાં ઇન્દ્રનીલની વાપસી થાય છે કે કેમ તે જોવાનું રહેશે.
