સાવધાન:તાઉ-તે વાવાઝોડાથી 242 ગામ એલર્ટ, વીજપુરવઠો ન ખોરવાય તે માટે PGVCLની 585 ટીમ તૈનાત, ઊર્જામંત્રી રાજકોટમાં બેસી કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે
- સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ આપી દેવામાં આવ્યું
તાઉ-તે વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાવવાની દહેશતના પગલે દરિયાઇ વિસ્તારના 242 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે રીતે ચક્રવાત ધીમે ધીમે સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે તેમ તેમ તંત્ર એક્શન મોડમાં આવી રહ્યું છે. હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખી તકેદારીના ભાગરૂપે સમુદ્ર કિનારેથી નજીકના અને નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વીજપુરવઠો ખોરવાય નહીં તે માટે PGVCLની 585 ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. તેમજ ઊર્જામંત્રી સૌરભ પટેલ રાજકોટમાં આવી ચૂક્યા છે અને અહીંથી જ PGVCL કંટ્રોલરૂમનું મોનિટરિંગ કરશે.
સૌરાષ્ટ્રમાં 391 કોવિડ હોસ્પિટલમાં બેકઅપ આપવામાં આવ્યો- સૌરભ પટેલ રાજકોટમાં ઊર્જામંત્રી સૌરભ પટેલે સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં એન્જિનિયરો સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી. 12 જિલ્લામાં અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવી હતી. બાદમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરોની ટીમ, જેટકો અને પીજીવીસીએલની ટીમ તૈનાત કરવામાં આવી છે. 291 PGVCLની અને 294 કોન્ટ્રાક્ટરોની ટીમના 2 હજારથી વધુ કર્મચારીઓ સૌરાષ્ટ્રમાં તૈનાત કરાયા છે. વીજપોલ, કેબલ અને ટ્રાન્સફોર્મર જરૂરિયાત મુજબ તમામ સ્ટોર સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે. કોવિડ હોસ્પિટલ અને ઓક્સિજન પ્લાન્ટમાં બેકઅપ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં 391 કોવિડ હોસ્પિટલ છે. આ તમામમાં બેકઅપ આપી દેવામાં આવ્યું છે.
પરિસ્થિતિ વણસશે તો વીજ પુરવઠો બંધ કરાશે
વધુમાં જણાવ્યું હતું કે, હોસ્પિટલોમાં વીજળીની કોઇ તકલીફ ન પડે તે માટે ખાસ ટીમ બનાવી જવાબદારી સોંપવામાં આવી છે. 1 લાખ વીજપોલ, કંડક્ટર 25 હજાર, ટ્રાન્સફોર્મર 20 હજાર નંગ, LT કેબલ 400 કિમી સૌરાષ્ટ્રના સ્ટોરમાં પહોંચાડવામાં આવ્યા છે. તમામ સર્કલ ઓફિસર સાથે સતત સંપર્કમાં રહી કામગીરી કરવામાં આવી છે. ડેન્જર પરિસ્થિતિ થશે તો જ વીજ પુરવઠો બંધ કરવામાં આવશે. અન્યથા કોઇ જગ્યા પર વીજ પુરવઠો બંધ કરવામાં નહિ આવે. સૌરાષ્ટ્રમાં કોઇ કોવિડ હોસ્પિટલમાં મુશ્કેલી ન સર્જાય તેની કાળજી રાખવામાં આવશે.
24 કલાક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ચાલુ કરી દેવામાં આવ્યું
ઉર્જા વિભાગ હેઠળની દરેક તમામ વીજ વિતરણ કંપનીની કોર્પોરેટ કચેરી તેમજ વર્તુળ કચેરીઓ ખાતે 24 કલાક આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ચાલુ કરી દેવામાં આવ્યું છે અને તમામ વર્તુળ કચેરીઓ ખાતે નોડલ અધિકારીઓની નિમણૂંક પણ કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ ઈમરજન્સી ઓપેરશન સેન્ટર્સમાં ફરજ બજાવી રહેલા નોડલ ઓફિર્સને તેમના નિયંત્રણ હેઠળના કંટ્રોલ રૂમ્સમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર રાઉન્ડ-ધ-ક્લોક ચાંપતી નજર રાખવા તેમજ કોઇ પણ પ્રકારની કટોકટીને પહોચી વળવા જિલ્લા અને તાલુકા સ્તરના અધિકારીઓ સાથે સંકલન સાધી રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે.
જેટકો કંપનીએ એક્શન પ્લાન તૈયાર કરાયો
વીજ ટ્રાન્સમિશનનું કાર્ય સંભાળતી ઊર્જા વિભાગની કંપની જેટકો (GETCO) દ્વારા પણ વીજવિક્ષેપ અટકાવવા માટે એક્શન પ્લાન તૈયાર કરાયો છે. જેમાં સાયક્લોન માટે કમિટીની રચના, વીજ લાઈનો માટેની મટીરીયલની તૈયારી, ડી.જી. સેટ, પાણી ભરાતા સબ-સ્ટેશનોમાં વોટર પમ્પ તૈયાર રાખવા, વીજવિક્ષેપ અટકાવવા માટે ટ્રાન્સફોર્મરનું વોટર પ્રૂફિંગની કામગીરી, વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે લાઇનની એજન્સી તૈયાર રાખવી, કોવિડ હોસ્પિટલ તેમજ ઓક્સિજન પ્લાન્ટને વીજ પુરવઠો પૂરો પડતાં સબ-સ્ટેશન માટે દ્વિતીય સ્ત્રોત, પાણી ભરાતા સબ-સ્ટેશન માટે રેક્ટીફીકેશન પ્લાન, વીજ વિભાગ હેઠળની દરેક વીજ વિતરણ કંપનીની દરેક વર્તુળ કચેરીમાં વીજ પુરવઠાનું મોનિટરિંગ કરવા માટે નોડલ ઓફિસરની નિમણુક કરવામાં આવી છે.
ફાયર અને વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં
સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તારમાં NDRFની ટીમ, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ અને ફાયર તેમજ વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. દરિયાઇ વિસ્તારના 242 ગામોને એલર્ટ કરી દરિયાઇ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા અને બોટ લઇ પરત કિનારે આવી જવા સૂચના આપી દેવામાં આવી છે. અને તમામ જગ્યા પર તંત્ર અને સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરી રાહત અને બચાવ માટે જરૂરી કામગીરી માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
PGVCLની 280 ટીમને ફિલ્ડમાં રહેવા સૂચના
વાવાઝોડા દરમિયાન વીજ પુરવઠો ન ખોરવાય તે માટે PGVCLની 550 ટીમ રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથ સહિતના વિસ્તારમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ સાથે એક ખાસ કંટ્રોલરૂમ તૈનાત કરવામાં આવ્યો છે જેનું મોનિટરિંગ ખુદ ઊર્જામંત્રી સૌરભ પટેલ દ્વારા કરવામાં આવશે. PGVCLની 270 ટીમ અને આ ઉપરાંત કોન્ટ્રાક્ટ પર કામ કરતી 280 ટીમને તૈનાત કરી ફિલ્ડમાં રહેવા સૂચના આપવામાં આવી છે. જેમાં એક ટીમની અંદર એક ડેપ્યુટી એન્જિનિયર અને 3 લાઇનમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આવશ્યક પગલાંઓ લેવા શહેરીજનોને રાજકોટ મહાનગરપાલિકાની અપીલ
- વૃક્ષની નીચે વાહનો ન રાખવા, અગાસીની કિનારી પર રાખવામાં આવેલ કુંડા વગેરે નીચેના ભાગે ધાબા પર રાખી દેવા.
- શક્ય હોય ત્યાં સુધી અગાસી પર રાખેલા પ્લાસ્ટિક સીટ કે પતરા સુવ્યવસ્થિત કરી દેવા જેથી અકસ્માતે પવનથી ઉડતા જાનહાનિ નિવારી શકાય.
- ચાલુ વાહન હોય તો ગાડીના કાચ બંધ રાખવા. આવા સમયે બે પૈડાવાળા વાહન લઈને બહાર ન જવું
- ઘરનો વીજ પુરવઠો ખોરવાય જવાની દહેશત હોય તો મીણબત્તી–ટોર્ચ હાથવગા રાખવા, તંત્ર સામે બિનજરૂરી ફરિયાદ ન કરવી.
- અતિ આવશ્યક હોય તો જ ઘરની બહાર જવું, રેગ્યુલર દવા લેતા દર્દીઓએ દવા ખૂટે નહીં તે માટે આગોતરી જરૂરી દવાઓ ઘરમાં લઇ લેવી.
- પીવાના પાણીનો પુરવઠો વ્યવસ્થિત કરી લેવો, બિનજરૂરી બહાર ન જવું અને સતર્કતા દાખવવી જરૂરી છે.
- વિશેષમાં અનેક લોકોએ પોતાના મકાનો ઉપર સોલાર પેનલ રાખેલી હોય છે જે ભારે પવનમાં ઉડે નહીં તે માટે થોડો સમય ઉતારી લેવી.
- અગાસી પર રહેલી પાણીની ટાંકી ભરેલી જ રાખવી જોઈએ કારણ કે ખાલી ટાંકી ભારે પવનમાં ઉડવાની શક્યતા રહે છે.