રાહતના સમાચાર:‘તૌકતે’ વાવાઝોડાએ પોતાની દિશા બદલી, હવે વાવાઝોડું ગુજરાતમાં નહિ ટકરાય, કેરળ દરિયાકાંઠા તરફ વળવાનાં એંધાણ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતમાં વાવાઝોડું નહીં ટકરાય એવો ખાનગી હવામાન વિભાગની વેબસાઇટ સ્કાયમેટનો દાવો છે
  • ગઈકાલે ભારત હવામાન વિભાગે 17મી મેના રોજ વાવાઝોડું ગુજરાતમાં ટકરાય એવી આગાહી કરી છે

ખાનગી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે તૌકતે વાવાઝોડાએ પોતાની દિશા બદલી છે. હવે વાવાઝોડું કેરળ દરિયાકાંઠે વળવાનાં એંધાણ જોવા મળી રહ્યાં છે, સાથે જ હવામાન વિભાગની વેબસાઈટ સ્કાયમેટનો દાવો છે કે હવે ગુજરાતમાં વાવઝોડાનો કોઈ ખતરો નથી. બીજી તરફ ગઈકાલે ભારત હવામાન વિભાગે આગાહી કરી છે કે તૌકતે વાવાઝોડું આગામી 17મી મેના રોજ ગુજરાતના દરિયા કિનારે પહોંચે એવી સંભાવના છે.

સૌરાષ્ટ્ર ઝોનના 14 જેટલા જિલ્લાઓને આ વાવાઝોડાની અસર થાય એવી શક્યતાને ધ્યાને રાખીને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં કોઈ પ્રકારની જાન કે માલહાનિ ન થાય કે કોઈ નુકસાન ન થાય એ માટે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના વહીવટીતંત્રને સતર્ક રહેવા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે. રાજ્યનું વહીવટી તંત્ર આ વાવાઝોડા સામે સંપૂર્ણ રીતે સજ્જ છે તેમ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે.

140થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડું ફૂંકાશે
મંત્રી જાડેજાએ ઉમેર્યુ હતું કે “તૌકતે” અનુસંધાને ભારતના હવામાન ખાતાની આગાહી મુજબ અરબી સમુદ્રનું ડિપ્રેશન છે, એ તા.15મી મેના રોજ સાઇકલોનમાં પરિણમે એવી પૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓનાં કેટલાંક ગામોમાં આ વાવાઝોડાની અસર થાય એવી સંભાવના છે. જો આ વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારે અથડાશે તો હાલના અનુમાન મુજબ 140થી 150 કિમી/કલાકની ગતિથી વાવાઝોડાનો પવન રહેશે એવું આઈ.એમ.ડી. વિભાગનું અનુમાન છે. એટલું જ નહીં, સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના વહીવટી તંત્ર દ્વારા દરિયો ખેડવા ગયેલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત આવવાનો સંદેશો પણ પહોંચાડી દઇ તેઓ પરત આવે ત્યાં સુધીની ફોલોઅપ કામગીરી પણ ચાલી રહી છે.

લોકોને સલામત સ્થળે લઈ જવા માટે પ્લાન ઘડાયો
મંત્રી જાડેજાએ કહ્યું હતું કે દરિયા કિનારાના વિસ્તારોના લોકોને જરૂરિયાતના સમયે સ્થળાંતર કરાવવા તથા કોવિડ પ્રોટોકોલ સાથે સલામત સ્થળે લઈ જવા માટે તથા આશ્રય સ્થાનો પરની સુવિધા, વીજળી, પાણી, સલામતી સહિતની તમામ પ્રાથમિક સુવિધાઓ અગોતરી સુનિશ્વિત કરવા માટે આજે 4.30 કલાકે મુખ્ય સચિવ અનિલ મુકીમની અધ્યક્ષતામાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્યના પોલીસ વડા સહિતના તાત્કાલિક સેવાના રાજ્યક્ષાના અધિકારીઓ સાથે તથા સંભવિત અસરગ્રસ્ત 14 જિલ્લાના કલેક્ટરો, મ્યુ. કોર્પોરેશનના કમિશનરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાઓ સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વીડિયો-કોન્ફરન્સથી બેઠક યોજીને તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

વાવાઝોડાને પગલે ઉનાળુ વાવેતરની લણણી પુરજોશમાં
સૌરાષ્ટ્ર અને કચ્છ પર તૌકતે વાવાઝોડાની આગાહીને પગલે સોરઠ પંથકના ખેડૂતોએ પોતાના ઉનાળુ પાકની લણણીની શરૂ કરી દીધી છે. કોરોનાને કારણે અત્યારે મજૂરોની પણ ખૂબ જ અછત વર્તાઈ રહી છે, ત્યારે ખેડૂતોએ કોઇપણ રીતે વાવાઝોડા પહેલાં પોતાના તૈયાર થયેલો પાક બગડે નહીં એ માટે લણણી પુરજોશમાં શરૂ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...