પિઝા-બર્ગર ખાવાની આદત કેવી રીતે છોડાવવી?:તમારા બાળકને નાની ઉંમરે માયકાંગલું કરી દેશે; જંક ફૂડના 10 હેલ્ધી ઓપ્શન ને હેલ્ધી ઈટિંગની 13 ટિપ્સ
બાળકને ભૂખ લાગી અને તેણે ખાવાની જગ્યાએ ચિપ્સનું પેકેટ માંગી લીધું. ક્યારેક પિઝ્ઝા ખાવાની જીદ, તો ક્યારેક ટિફિનમાં દરરોજ કંઈક નવું અને ચટપટું રાખવાની ફરમાઈશ. માતા-પિતા બાળકની જીદ સામે ઝૂકી જાય છે. ધીમે-ધીમે બાળકોને તેની લત લાગી જાય છે.
આખરે બાળકોને જંક ફૂડ એટલું શા માટે પસંદ આવે છે? તેનું એક કારણ તેનો સ્વાદ છે. ચિપ્સ, પિઝ્ઝા, બર્ગર અને ચોકલેટમાં ખાંડ અને ફેટનું એવું સંયોજન હોય છે, જે ખોરાકને સ્વાદિષ્ટ હોવાની સાથે એડિક્ટિવ પણ બનાવે છે. પરંતુ જંક ફૂડ ખૂબ જ નુકસાનકારક પણ છે. તેના કારણે નાની ઉંમરે જ બાળકોને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવા લાગે છે.
આવામાં સૌથી મહત્વનો સવાલ એ છે કે બાળકોને જંક ફૂડથી કેવી રીતે બચાવવાં. તેથી આજે 'કામના સમાચાર'માં વાત કરીશું જંક ફૂડના વ્યસન વિશે. સાથે જ જાણીશું કે-
- બાળક જંક ફૂડ માટે જીદ કરે તો માતા-પિતાએ શું કરવું?
- બાળકની જંક ફૂડ ખાવાની આદત કેવી રીતે છોડાવવી?
નિષ્ણાત- ડૉ. બિલાલ ખાન, સિનિયર કન્સલ્ટન્ટ, પીડિયાટ્રિક મેડિસિન અને પીઆઈસીયુ, નારાયણા હોસ્પિટલ, ગુરુગ્રામ અને દિલ્હી
સવાલ- બાળકો જંક ફૂડ તરફ એટલા આકર્ષિત કેમ થાય છે?
જવાબ- તેની પાછળ અનેક કારણો હોય છે. તેને મુદ્દાઓ દ્વારા સમજો-
- પહેલું કારણ તેનો સ્વાદ છે. ચિપ્સ, પિઝા, બર્ગર અને પેકેજ્ડ નાસ્તામાં મીઠું અને ચરબીનું પ્રમાણ વધુ હોઈ શકે છે. તેનો સ્વાદ બાળકોને ઝડપથી ગમવા લાગે છે અને તેઓ તેને વારંવાર ખાવા માંગે છે.
- રંગીન પેકેજિંગ, કાર્ટૂન પાત્રો અને આકર્ષક જાહેરાતો પણ બાળકોનું ધ્યાન ખેંચે છે.
- શાળાની આસપાસની દુકાનો, મિત્રો સાથે બહાર ખાવું અને ઑનલાઇન ફૂડ ડિલિવરીની સરળતા પણ આ આકર્ષણમાં વધારો કરે છે.
- ઘરનું વાતાવરણ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. જો માતા-પિતા પોતે વારંવાર ચિપ્સ, બિસ્કિટ અથવા ખાંડવાળાં પીણાં લેતા હોય, તો બાળકો પણ તેને સામાન્ય ખોરાકનો ભાગ માનવા લાગે છે.
સવાલ- માતા-પિતાની કઈ ભૂલોને કારણે બાળકો જંક ફૂડ તરફ વધુ આકર્ષાય છે?
જવાબ- બાળકોની ખાવાની પસંદગી મોટાભાગે ઘરના વાતાવરણ અને માતા-પિતાની આદતોથી બને છે. તેઓ મોટાઓને જોઈને શીખે છે અને ધીમે-ધીમે એ જ આદતો અપનાવવા લાગે છે. આવી સ્થિતિમાં પેરેન્ટ્સની કેટલીક નાની-નાની ભૂલો બાળકોને જંક ફૂડના આદી બનાવી શકે છે. જેમ કે, વારંવાર જંક ફૂડ આપવું, દરેક જીદ પૂરી કરવી અથવા સારા વર્તનના બદલામાં ચોકલેટ આપવી. આવી ભૂલોથી બચવું જરૂરી છે.
સવાલ- જંક ફૂડથી બાળકોના સ્વાસ્થ્ય પર શું અસર થાય છે?
જવાબ- જંક ફૂડમાં સામાન્ય રીતે મીઠું, ખાંડ અને અનહેલ્ધી ફેટનું પ્રમાણ વધારે હોય છે, જ્યારે જરૂરી પોષક તત્ત્વો નહિવત્ હોય છે. તેનું નિયમિત અને વધુ પડતું સેવન બાળકોના વજન, દાંત, પાચન અને મેટાબોલિક હેલ્થ પર અસર કરી શકે છે. તેના તમામ નુકસાન ગ્રાફિકમાં જુઓ-
સવાલ- બાળક જંક ફૂડ ખાવા માટે જીદ કરે તો શું કરવું?
જવાબ- આવી સ્થિતિમાં ગુસ્સો કરવાને બદલે અથવા તરત જ તેની માંગણી સ્વીકારવાને બદલે ધીરજથી કામ લો. બાળકને પ્રેમથી સમજાવો કે દરરોજ જંક ફૂડ ખાવું યોગ્ય નથી. તેની પસંદગીને સંપૂર્ણપણે નકારવાને બદલે અન્ય વિકલ્પો આપો.
શું કરવું?
- શાંત રહો, ગુસ્સો ન કરો.
- બાળકની વાત સાંભળો અને કારણ સમજો.
- જંક ફૂડની જગ્યાએ બાળકને ગમતો હેલ્ધી નાસ્તો આપો.
- ધ્યાન રમતગમત અથવા બીજી પ્રવૃત્તિમાં વાળો.
- જંક ફૂડ ખાવાની માત્રા અને સમય નક્કી કરો.
શું ન કરવું?
- જીદ કરે ત્યારે બૂમો પાડશો નહીં કે ઠપકો આપશો નહીં.
- દર વખતે તેની માંગ પૂરી કરશો નહીં.
- જંક ફૂડને ઇનામ તરીકે આપશો નહીં.
- હેલ્ધી ખાવાનું જબરદસ્તીથી ખવડાવશો નહીં.
- ખાવા-પીવાની બાબતે ધમકી આપશો નહીં.
સવાલ- બાળકોને જંક ફૂડથી દૂર કેવી રીતે રાખવા?
જવાબ- માત્ર બાળકને સમજાવવાથી જંક ફૂડ ખાવાની આદત બદલાશે નહીં. તેના માટે ઘરમાં પણ કેટલાક ફેરફાર કરવા પડશે. જંક ફૂડની ઉપલબ્ધતા ઓછી કરો અને બાળકો સામે હેલ્ધી વિકલ્પો રાખો. તેના માટે-
- ઘરમાં ચિપ્સ, કુરકુરે અને સોફ્ટ ડ્રિંકનો સ્ટોક ન રાખો.
- બજારમાંથી જંકફૂડ ખરીદવાની આવૃત્તિ ઓછી કરો.
- ટિફિનમાં દરરોજ અલગ-અલગ હેલ્ધી વિકલ્પો આપો.
- ભોજન વચ્ચે વારંવાર પેકેટવાળા નાસ્તા ન આપો.
- ટીવી અને મોબાઇલ પર આવતી ફૂડ જાહેરાતોના પ્રભાવથી બાળકોને બચાવો.
- જંકફૂડને દરરોજ આપવાને બદલે ક્યારેક મળતી ટ્રીટ તરીકે રાખો.
સવાલ- બાળકોને હેલ્ધી ફૂડ હેબિટ્સ કેવી રીતે શીખવવી?
જવાબ- બાળકોમાં હેલ્ધી ફૂડ હેબિટ્સ વિકસાવવા માટે તેમને નાની ઉંમરથી જ ખાવાની યોગ્ય રીતો શીખવવી જરૂરી છે. આ માટે માતા-પિતા પોતે ઉદાહરણ બને અને બાળકોને ખાવા સાથે જોડાયેલી નાની-નાની પ્રવૃત્તિઓમાં સામેલ કરે.
સવાલ- ખાવા-પીવાને લઈને કોઈ ઇનામ કે સજા રાખવી કેટલી યોગ્ય છે?
જવાબ- ખાવા-પીવાને ઇનામ કે સજા બનાવવું યોગ્ય નથી, કારણ કે તેનાથી બાળકોનો ભોજન સાથેનો સ્વસ્થ સંબંધ પ્રભાવિત થઈ શકે છે.
તેના નુકસાન
- જંક ફૂડનું આકર્ષણ વધે છે.
- હેલ્ધી ભોજન મજબૂરી જેવું લાગવા લાગે છે.
- ભોજન પ્રત્યે ભય અથવા નકારાત્મક ભાવનાઓ વિકસી શકે છે.
- કેટલાક ફૂડ આઇટમ્સ પ્રત્યે અણગમો વધી શકે છે.
- આગળ જતાં ઇમોશનલ ઈટિંગની આદત બની શકે છે.
શું કરવું?
- ઇનામ તરીકે સ્ટિકર, રમત, વાર્તા અથવા બહાર ફરવા જવાની તક આપો.
- દબાણ કર્યા વિના વારંવાર હેલ્ધી ભોજન આપો.
સવાલ- શું બાળકોને શોપિંગ અને કિચન પ્રવૃત્તિઓમાં સામેલ કરવાથી મદદ મળે છે?
જવાબ- હા, બિલકુલ. બાળકોને કરિયાણાની ખરીદી અને રસોડાની પ્રવૃત્તિઓમાં સામેલ કરવું સ્વસ્થ ખાવાની આદતો વિકસાવવાનો એક અસરકારક માર્ગ માનવામાં આવે છે.
ખરીદીના ફાયદા
- બાળકો ફળો, શાકભાજી અને પૌષ્ટિક ખાદ્ય પદાર્થોને ઓળખતા શીખે છે.
- તંદુરસ્ત અને બિનતંદુરસ્ત વિકલ્પો વચ્ચેનો તફાવત સમજે છે.
- પોતે પસંદ કરેલી વસ્તુઓ ખાવામાં વધુ રસ બતાવે છે.
રસોડાની પ્રવૃત્તિઓના ફાયદા
- ભોજન પ્રત્યે રસ અને જવાબદારી વધે છે.
- નવા ખાદ્ય પદાર્થો ચાખવા માટે તૈયાર રહે છે.
- જરૂરી જીવન કૌશલ્યો શીખે છે.
ઉંમર અનુસાર જવાબદારીઓ આપો
- નાના બાળકો: ફળ-શાકભાજી ધોવા, સલાડ સજાવવું.
- મોટા બાળકો: સેન્ડવિચ બનાવવું, સામગ્રી માપવી અને સરળ રેસિપી તૈયાર કરવી.
સવાલ- ઘરમાં કઈ હેલ્ધી વસ્તુઓ હંમેશાં ઉપલબ્ધ રાખવી જોઈએ?
જવાબ- જ્યારે ઘરમાં પૌષ્ટિક વસ્તુઓ સરળતાથી ઉપલબ્ધ હશે, ત્યારે બાળકોને જંક ફૂડની જગ્યાએ હેલ્ધી નાસ્તો આપવાનું સરળ બનશે. આ માટે કિચનમાં આ વસ્તુઓ હંમેશાં રાખો-
સવાલ- બાળકો માટે જંક ફૂડના હેલ્ધી વિકલ્પો શું હોઈ શકે?
જવાબ- બાળકોને જંક ફૂડથી દૂર રાખવા માટે તેમની પસંદનો સ્વાદ સંપૂર્ણપણે છીનવી લેવાની જરૂર નથી. બસ, ખોરાકમાં થોડા ફેરફાર કરીને એ જ વસ્તુઓના પૌષ્ટિક વિકલ્પો આપી શકાય છે. તેનાથી બાળકોને પસંદનો સ્વાદ પણ મળશે અને શરીરને જરૂરી પોષક તત્ત્વો પણ મળશે, જેમ કે-
- ચિપ્સ: શેકેલા ચણા, મખાણા અથવા મગફળી.
- બર્ગર: ઘરે બનાવેલું વેજ અથવા પનીરવાળું.
- પિઝા: હોલ-વ્હીટ બેઝ પર બનાવેલો ઘરનો વેજ પિઝ્ઝા.
- ઇન્સ્ટન્ટ નૂડલ્સ: શાકભાજીવાળી અથવા હોલ-વ્હીટ નૂડલ્સ.
- ક્રીમ બિસ્કિટ: ઓટ્સ કૂકીઝ અથવા સૂકો મેવો.
- ચોકલેટ: ફળો, ખજૂર અથવા ડ્રાય ફ્રૂટ્સ.
- સોફ્ટ ડ્રિંક: લીંબુ પાણી, છાશ અથવા નાળિયેર પાણી.
- આઇસક્રીમ: ફ્રોઝન ફ્રૂટ યોગર્ટ અથવા ઘરે બનાવેલી ફ્રૂટ કુલ્ફી.
- કૅન્ડી: તાજાં ફળો અથવા સૂકા મેવા.
- પૅકેટ કેક: ઓછી ખાંડવાળો ઘરનો બનાવેલો કેક અથવા મફિન.
………………………
ગ્રાફિક- અજીત સિંહ
