'કોઈ મારી પર સતત નજર રાખી રહ્યું છેઃ સોઢી':27 ઇ-મેઇલ, 10 બેંક એકાઉન્ટ, ગુમ થતાં પહેલાં બેસ્ટ ફ્રેન્ડ સાથે કરી વાત; એક્ટરના ગાયબ થવાનું રહસ્ય વધુ ઘેરાયું
ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં રોશન સિંહ સોઢીનો રોલ એક્ટર ગુરુચરણ સિંહના ગુમ થવાનું રહસ્ય વધુ ઘેરાયું છે. દિલ્હી પોલીસને જાણવા મળ્યું કે એક્ટર કોઈના "સર્વેઈલ" થવાના ડરને કારણે 27 જુદા જુદા ઈમેલ એકાઉન્ટનો ઉપયોગ કરી રહ્યો હતો. તપાસ સાથે સંકળાયેલા એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, અભિનેતાને શંકા છે કે તેના પર નજર રાખવામાં આવી રહી છે. જેના કારણે તે વારંવાર તેના ઇમેઇલ એકાઉન્ટ્સ બદલતો હતો.
લોકેશન ટ્રેસ કરવાનું કામ સોંપ્યું અધિકારીએ કહ્યું કે પોલીસ ટીમને એક્ટરના મોબાઈલ ફોન પરથી તેનું લોકેશન ટ્રેસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે સિંહનો મોબાઈલ ફોન 22 એપ્રિલે રાત્રે 9.22 વાગ્યાથી બંધ હતો. સીસીટીવી ફૂટેજના આધારે તેનું છેલ્લું લોકેશન દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના ડાબરી ખાતે ટ્રેસ કરવામાં આવ્યું હતું, જ્યાં તે IGI એરપોર્ટ નજીકથી ભાડે લીધેલી ઈ-રિક્ષામાં પહોંચ્યો હતો. એક્ટર પાસે બે મોબાઈલ ફોન હતા પરંતુ તેમાંથી એકને દિલ્હીમાં તેના ઘરે છોડી દીધો હતો. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, તેનો છેલ્લો કોલ તેના મિત્રનો હતો, જે તેને મુંબઈ એરપોર્ટ પર લેવાનો હતો.
પોલીસની ટીમોએ તેમના બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરી છે. તેઓ દર્શાવે છે કે છેલ્લું ટ્રાન્ઝેક્શન રૂ. 14,000નું હતું. ગુમ થયાના દિવસે તેમણે તેમના એક બેંક ખાતામાંથી આ રકમ ઉપાડી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે સિંહની આર્થિક સ્થિતિ સારી ન હતી કારણ કે તેની પાસે ઘણી લોન અને બાકી લેણાં હતાં.
ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ સેલ સહિત ઓછામાં ઓછી એક ડઝન પોલીસ ટીમો તેને શોધવા માટે કામ કરી રહી છે, અન્ય અધિકારીએ જણાવ્યું કે સિંહ એક સંપ્રદાયનો અનુયાયી હતો જેના માટે તે દિલ્હીના છત્તરપુરમાં રહેતો હતો. પોલીસે તેમને ઓળખતા સંપ્રદાયના અનુયાયીઓનાં નિવેદન લીધાં છે. અધિકારીએ કહ્યું કે પોલીસની ટીમોએ કેસ અંગે કોઈ લીડ મેળવવા માટે હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ જેવા કેટલાક રાજ્યોની પણ મુલાકાત લીધી છે.
એવી ઘણી માહિતી મળી રહી છે જેમાં ગુરુચરણના જીવન વિશે વિવિધ બાબતો બતાવવામાં આવી રહી છે, જેમાં તેઓ આર્થિક સંકટનો સામનો કરવાથી લઈને તેમના લગ્ન સુધી. હવે ગુમ કેસની તપાસ માટે દિલ્હીથી એક ટીમ મુંબઈ પહોંચી છે. સૂત્રએ એ પણ ખુલાસો કર્યો કે પોલીસ અધિકારીઓ ગુરુચરણની માનસિક સ્થિતિ જાણવા માટે TMKOC કલાકારોની પૂછપરછ કરશે. શરૂઆતના સમયથી કેસ સાથે સંકળાયેલા લોકો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકારો, તેમના મિત્રો અને પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની માનસિક સ્થિતિ કેવી છે એના વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે. તપાસમાં મહત્ત્વની બાબત સાબિત થઇ શકે છે.
ઈ-રિક્ષામાં બેઠેલા જોવા મળ્યા સોઢી આ સિવાય પોલીસને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીસીટીવી ફૂટેજમાં એક અટપટી મોમેન્ટ પણ જોવા મળી છે. ફૂટેજમાં બતાવવામાં આવ્યું છે કે તેઓ પહેલા ઈ-રિક્ષામાં બેઠેલા અને પછી બીજી ઈ-રિક્ષામાં બેઠેલા જોવા મળે છે. હવે આ વીડિયોને જોઈને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સોઢી પોતે જ બધું પ્લાન કરીને દિલ્હીની બહાર ગયા હશે.
ઈન્ડિયા ટુડેના અહેવાલો અનુસાર, અસિત મોદીએ કહ્યું, 'મારા માટે આ ખૂબ જ આઘાતજનક સમાચાર છે. ગુરુચરણ તેના પરિવારને ખૂબ પ્રેમ કરે છે, તેમણે તેમનાં માતા-પિતા પ્રત્યેની સંપૂર્ણ જવાબદારી નિભાવી. જોકે અમારી વચ્ચે કોઈ પર્સનલ બોન્ડિંગ નહોતું, પરંતુ જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી તેઓ ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે. તેમણે કોવિડ દરમિયાન 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો છોડી દીધો, પરંતુ એ પછી પણ અમારા સંબંધો સારા રહ્યા.'
ગુરુચરણ સિંહ માટે ચિંતા વ્યક્ત કરતાં અસિતે કહ્યું, 'ગુરુચરણ હંમેશાં હસતાં હસતાં મને મળતા હતા. તેમનું ગાયબ થવું ખરેખર આશ્ચર્યજનક છે. મને ખબર નથી કે આ કેવી રીતે થયું. હાલમાં આ મામલાની તપાસ ચાલી રહી છે, તેથી મને આશા છે કે અમને ચોક્કસ કોઈ સારા સમાચાર મળશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ સુરક્ષિત રહે અને જલદીથી તેમના ફોન કોલ્સ લેવાનું શરૂ કરે.'
આવો... જાણીએ શું હતી સમગ્ર ઘટના ગુરુચરણ સિંહ 22 એપ્રિલે દિલ્હીથી મુંબઈ આવવા નીકળ્યા હતા. દીકરો મુંબઈ ના પહોંચતાં અંતે ગુરુચરણના પિતાએ પોલીસ ફરિયાદ કરી હતી. આ કેસમાં ગુરુચરણના પિતા હરગીત સિંહે 25 એપ્રિલે બપોરે 3 વાગ્યે દિલ્હીના પાલમ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદ પ્રમાણે, 'મારો દીકરો ગુરુચરણ સિંહ 50 વર્ષનો છે અને તે 22 એપ્રિલ, સવારે સાડાઆઠ વાગ્યે મુંબઈ જવા રવાના થયો. તે મુંબઈ પહોંચ્યો નથી કે ઘરે પણ આવ્યો નથી. તેનો ફોન પણ લાગતો નથી. તેની માનસિક સ્થિતિ સારી છે. અમે તેની શોધખોળ કરી, પરંતુ હવે તે મિસિંગ છે.'
ATMમાંથી 7 હજાર ઉપાડી લીધા અને પછી ફોન સ્વિચ ઓફ કરી દીધો પોલીસે જણાવ્યું હતું કે ગુરુચરણે 22 એપ્રિલના રોજ એટીએમમાંથી 7,000 રૂપિયા ઉપાડી લીધા હતા, ત્યાર પછી તેનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. તેનું છેલ્લું લોકેશન દિલ્હીના પાલમમાં તેના ઘરથી થોડા કિલોમીટર દૂર મળી આવ્યું હતું.
પોલીસ ઘરની આસપાસના સીસીટીવી સ્કેન કરી રહી છે આ સિવાય પોલીસને પાલમ વિસ્તારમાંથી કેટલાક સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે, જેમાં એક્ટર બેગ લઈને રોડ ક્રોસ કરતો જોવા મળે છે.
હવે પોલીસ તેના ઘરની આસપાસના બાકીના સીસીટીવી કેમેરાને પણ સ્કેન કરી રહી છે, એ જાણવા માટે કે તેણે દિલ્હી એરપોર્ટ પહોંચવા માટે કયો રસ્તો અપનાવ્યો હતો.
AICWAએ અપીલ કરી હતી દરમિયાન ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિયેશન (AICWA)ના પ્રમુખ અને સ્થાપક સુરેશ શ્યામલાલ ગુપ્તાએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેનાને આ મામલાને વહેલી તકે ઉકેલવા અપીલ કરી છે. ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ અપીલ કરી હતી અને કહ્યું હતું કે સમગ્ર બોલિવૂડ અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી ગુરુચરણના પરિવારની સાથે છે.
બે-વાર શો છોડ્યો ગુરુચરણ 2008થી આ શો સાથે જોડાયા હતા. 2013માં તેમણે આ શો છોડી દીધો હતો. 2014માં પબ્લિક ડિમાન્ડને કારણે ગુરુચરણ ફરી શોમાં જોડાયા હતા. છ વર્ષ સુધી કામ કર્યા બાદ 2020માં ગુરુચરણે ફરી આ શો છોડી દીધો હતો. હવે તેના સ્થાને બલવિંદર સિંહ સૂરી, રોશન સિંહનું પાત્ર ભજવે છે. શો છોડ્યા બાદ ગુરુચરણ અન્ય કોઈ સિરિયલમાં જોવા મળ્યા નથી. તેમણે કહ્યું હતું, 'જુઓ, મારા પિતાની એ સમયે સર્જરી થવાની હતી અને એ કારણે મેં શો છોડ્યો હતો, અન્ય કેટલીક બાબતો પણ હતી અને મારે એના પર ધ્યાન આપવાનું હતું. જીવનમાં આગળ વધવાનું હતું અને બીજાં કારણો પણ હતાં. જોકે એ આ અંગે વાત કરવા માગતો નથી.'
લોકડાઉન બાદ દિલ્હીમાં માતા-પિતા સાથે હતા પછી 2020માં લોકડાઉન દરમિયાન પિતાની સંભાળ લેવા માટે ફરીથી શો છોડી દીધો. એક્ટિંગથી દૂર રહ્યા બાદ ગુરુચરણ દિલ્હીમાં તેમનાં માતા-પિતા સાથે રહે છે.
જેનિફરના સમર્થનમાં કોર્ટમાં જુબાની આપવાનો હતો જેનિફરે સિરિયલના પ્રોડ્યુસર અસિત મોદી વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ કર્યો હતો. જેનિફરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, 'ગુરુચરણે જ સિંગાપોરમાં અસિત મોદીના ખરાબ વર્તનથી મને બચાવી હતી. અસિત મોદીએ જ્યારે મારી સાથે ફ્લર્ટ ને ટચ કરવાની ટ્રાય કરી ત્યારે ગુરુચરણ જ વચ્ચે આવ્યો હતો અને અસિત મોદીને દૂર રહેવાની ચીમકી આપી હતી. તેને અસિત મોદીની હરકતોની જાણ હતી. મે, 2023માં ગુરુચરણે મને આશ્વાસન આપ્યું હતું કે તે મીડિયામાં કંઈ નહીં બોલે, પરંતુ કોર્ટમાં જરૂરથી જુબાની આપશે.'
'અચાનક પોતાની વાતથી ફરી ગયો' જેનિફરે વધુમાં કહ્યું હતું, 'અચાનક 9 જૂન, 2023માં ગુરુચરણે મને ફોન કરીને મળવા બોલાવી. તેણે મને કહ્યું કે અસિત મોદીએ તેનાં સાડાત્રણ વર્ષના બાકી પૈસા આપી દીધા છે. મને તેની વાત પરથી જ ખ્યાલ આવી ગયો કે હવે તે મારા માટે જુબાની આપશે નહીં. તેણે મને એવું પણ કહ્યું કે તે મારી ને અસિત વચ્ચે સમાધાન કરાવી શકે છે. મને ગુરુચરણની વાતો સાંભળીને આંચકો લાગ્યો, કારણ કે પોલીસે પણ કોઈ એક વ્યક્તિને વચ્ચે રાખીને સમાધાન કરવાની સલાહ આપી હતી.
