કર્મચારીઓની નિવૃત્તિની વય મર્યાદા 60 વર્ષથી 58 વર્ષ કરવામાં આવશે નહીં: કેન્દ્ર સરકાર
- કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં લેખિતમાં માહિતી આપી
- સરકાર કેન્દ્રીય સિવિલ સેવા નિયમો હેઠળ કામની સમીક્ષા કરી શકે છે
- સરકારે 21 ભ્રષ્ટ ટેક્સ અધિકારીઓને બળજબરી નિવૃત્ત કર્યા
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બુધવારે જણાવ્યું કે, સરકારી કર્મચારીઓની નિવૃત્તિની ઉંમર 60થી 58 વર્ષ કરવામાં નહીં આવે. આ વાત કર્મચારી રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે એક સવાલના જવાબમાં લોકસભામાં કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, ‘કેન્દ્રીય સિવીલ સેવા(પેન્શન)ના નિયમ સરકારને સમય સમયે કર્મચારીઓના કામની સમીક્ષા કરવાનો અધિકાર આપે છે. આ હેઠળ જો કોઈ કર્મચારી અક્ષમ હોવાનું સાબિત થશે અથવા તો તેનું આચરણ ભ્રષ્ટ હશે, તો તેને સમય પહેલા જ સેવામાંથી નિવૃત્ત કરી દેવાશે. આવું કરવા માટે ત્રણ મહિના નોટિસ આપવામાં આવે છે અથવા તેના અવેજમાં એટલા મહિનાનો સેલેરી અથવા ભથ્થુ આપવામાં આવશે’
‘આ હેઠળ ગ્રુપ-A અને ગ્રુપ-Bના કર્મચારીઓ આવે છે’
કેન્દ્રીય રાજ્યમંત્રીએ કહ્યું-‘આ જોગવાઈ ગ્રુપ-A અને B સરકારી કર્મચારીઓ પર લાગુ થાય છે. આ હેઠળ અર્ધસરકારી સંસ્થામાં કામ કરનારા એવા કર્મચારીઓ પણ આવશે, જે 35 વર્ષની ઉંમર પુરી કર્યા પહેલા સેવામાં જોડાયા હોય અને જેમની ઉંમર 50 વર્ષ કરતા વધી ગઈ હોય’
અત્યાર સુધી 85 અધિકારીઓને બળજબરી રિટાર્યડ કરી દેવાયા
કેન્દ્રએ સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચાર મામલા પર કડક વલણ અપનાવ્યું છે. મંગળવારે નાણાંમંત્રી મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારે 21 ભ્રષ્ટ ટેક્સ અધિકારીઓને બળજબરી રિટાર્યડ કરી દેવાયા હતા. એવા અધિકારીઓ પર ખોટી રીતે પૈસા કમાવા અને સંપત્તિ ભેગી કરવાના આરોપ હતા. જેમાંથી ઘણા લોકો વિરુદ્ધ સીબીઆઈ તપાસ પણ ચાલી રહી હતી. અધિકારીઓને હટાવવાની કાર્યવાહી જુનમાં શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી 85 ટેક્સ અધિકારીઓએ બળજબરી રિટાર્યડ કરાયા છે, જેમાં 64 વરિષ્ઠ અધિકારી સામેલ છે.