વલસાડ જિલ્લા પંચાયતમાં પોષણયુક્ત વાનગી સ્પર્ધા યોજાઈ:આંગણવાડી કાર્યકરોએ મિલેટ્સ અને વનસ્પતિમાંથી વાનગીઓ બનાવી; સુપોષિત સમાજ માટે આંગણવાડી બહેનોએ લીધા શપથ
વલસાડ જિલ્લા પંચાયતના સભાગૃહમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ (ICDS) દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હેતાલબેન પટેલના અધ્યક્ષ સ્થાને પોષણયુક્ત વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાનો મુખ્ય હેતુ બાળકો અને મહિલાઓમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો તેમજ સ્થાનિક પૌષ્ટિક ધાન્ય અને લીલા શાકભાજીના ઉપયોગથી સ્વાસ્થ્યવર્ધક આહાર બનાવવાનો હતો.
મિલેટ્સ અને તૃણ ધાન્યનું પ્રદર્શન
સ્પર્ધા દરમિયાન બહેનોએ નાગલી, બાજરી, જુવાર તેમજ સ્થાનિક વનસ્પતિઓનો ઉપયોગ કરીને વિવિધ પૌષ્ટિક વાનગીઓ તૈયાર કરી પ્રદર્શનમાં મૂકી હતી. જિલ્લા પંચાયત પ્રમુખે પ્રદર્શન નિહાળી બહેનોની સર્જનાત્મકતાને બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે સુપોષિત સમાજના નિર્માણમાં આંગણવાડી બહેનોની ભૂમિકા મહત્ત્વની છે. બાળપણથી જ પરંપરાગત અને પૌષ્ટિક આહારની ટેવ પાડવાથી કુપોષણ સામેની લડાઈ સરળ બને છે.
શ્રેષ્ઠ વાનગીઓનું સન્માન અને શપથ ગ્રહણ
કાર્યક્રમમાં ઉપસ્થિત નિર્ણાયકોએ વાનગીઓની ગોઠવણી, શણગાર અને પોષણમૂલ્યની ચકાસણી કરીને વિજેતા બહેનોને ઇનામો તથા પ્રમાણપત્રો આપી સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા પ્રોગ્રામ ઓફિસર અને ICDS સુપરવાઈઝર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ બહેનોએ પોતાના વિસ્તારને કુપોષણ મુક્ત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.
