પારડીમાં બોગસ પોલીસ બની તોડ કરવાનો પ્રયાસ કરાયો:શંકા જતાં બૂમાબૂમ કરતાં આરોપીઓએ કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો;સગીર સહિત 2 ઝડપાયા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના સોઢલવાડા ગામે 18 ઓક્ટોબરની રાત્રે બોગસ પોલીસ બનીને આવેલા શખ્સોએ લતેશ પટેલ પાસેથી નાણાં પડાવવાનો પ્રયાસ કર્યો હતો.સફેદ કલરની નંબર વગરની સ્વીફ્ટ કારમાં આવેલા પાંચ શખ્સોએ પોતાની પોલીસ તરીકે ઓળખ આપી લતેશ પટેલને ધમકાવવાનું શરૂ કર્યું હતું, આવેલા શખ્સોએ લતેશ પટેલને દારૂનો ધંધો કરો છો તેમ કહીને નાણાં માંગ્યા હતા. લતેશ પટેલને શંકા જતાં "ચોર-ચોર"ની બૂમો પાડવાનું શરૂ કરી દીધું હતું બૂમાબૂમ થતાં આરોપીઓએ કાર ચડાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે.
ભાગવા જતાં કાર ચડાવી દીધી પરિવારજનો અને આસપાસના લોકો જાગી જતાં તમામ આરોપીઓ તાત્કાલિક પોતાની કારમાં બેસીને ભાગવા લાગ્યા હતા. લતેશ પટેલે હિંમત દાખવીને કારને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે કાર ચાલકે તેમને જાનથી મારી નાખવાના ઈરાદે તેમના પર કાર ચડાવી દીધી હતી. આ હુમલામાં લતેશ પટેલના ડાબા હાથ ભાગે ઈજા પહોંચી હતી, જે બાદ આરોપીઓ અંધારાનો લાભ ઉઠાવીને કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
પોલીસે બે આરોપી ઝડપી પાડ્યા ઘટના અંગે લતેશ પટેલે પારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. પારડી પોલીસે ગણતરીના કલાકોમાં જ કાર ચાલક સગીર સહિત બે આરોપીઓની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ગુનામાં વપરાયેલી કાર અંગે તપાસ હાથ ધરીને ભાગી છૂટેલા અન્ય સહ-આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને આગળની સઘન તપાસ ચાલુ રાખી છે.
