VMCની સામાન્ય સભામાં પઠાણના પ્લોટની દરખાસ્ત બહુમતીથી મંજૂર:વિપક્ષનો ભારે હોબાળો, કહ્યું- 'પઠાણ NDAના સમર્થનમાં આવતા જ ભાજપને રાતોરાત પ્રેમ જાગ્યો'
વડોદરામાં કરોડો રૂપિયાની કિંમતનો પ્લોટ નિયમોને નેવે મૂકી પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણને અપાઈ રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ વિરોધમાં ઉતરી પરંતુ, બહુમતીના જોરે વડોદરા મનપાની સભામાં યુસુફને પ્લોટ આપવાની દરખાસ્ત મંજૂરી કરી દેવામાં આવી.
યુસુફ પઠાણ NDAના સમર્થનમાં આવતા જ માપદંડો બદલાઈ ચૂક્યા હોવાનો કોંગ્રેસ આક્ષેપ કર્યો છે. સામાન્ય સભામાં અને સભા પહેલા કોંગ્રેસના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ તરફથી વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો.
સત્તાપક્ષના સભ્યોએ 'આશિષ પઠાણ'ના નારા લગાવ્યા ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા અને કોર્પોરેટર તરીકે ચૂંટાયેલા આશિષ જોશીએ સામાન્ય સભામાં કહ્યું કે, યુસુફ પઠાણ માટે સમર્થન કરનારા મારી નજરમાં તમામ પઠાણ છે. જોશીના આ નિવેદનના કારણે ભારે હોબાળો મચી ગયો. ભાજપા કાઉન્સિલર અજય ડાભીએ કોંગ્રેસ કાઉન્સિલરને આશિષ જોષીને બદલે આશિષ પઠાણ કહેતા સત્તા પક્ષના કાઉન્સિલરોએ આશિષ પઠાણની બૂમો મારી સભા ગજવી.
આશિષ જોષીએ જણાવ્યું બોટ કાંડના મૃત્યુ પામેલા 12 બાળકો સહિત 14 ને ભાજપા 25-25 લાખ આપવાની દરખાસ્ત ભાજપાએ નામંજૂર કરી હતી. આજે ભાજપના જ શાસકો દ્વારા રૂપિયા 20 કરોડની જમીન યુસુફ પઠાણને ગિફ્ટમાં આપી છે. યુસુફ પઠાણ NDAના સમર્થનમાં આવતા ભાજપાને રાતોરાત પ્રેમ જાગ્યો છે. પુષ્પાબેન વાઘેલા અને દીપા શ્રીવાસ્તવે પણ યુસુફ પઠાણને પ્લોટ ના આપવા આક્રમક રજૂઆત કરી હતી.
યુસુફ પઠાણને કેટલો ફાયદો નવી દરખાસ્ત મુજબ, આ 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી બે ભાગમાં કરવામાં આવશે. જે પૈકી 500 ચોરસ મીટર જમીન રહેણાંક ઉપયોગ માટે યુસુફ પઠાણને ભેટ અપાશે. એટલે કે, અંદાજે 10.50 કરોડની જમીન ઇનામ સ્વરૂપે મળશે. આ ઉપરાંત 478 ચોરસ મીટર બાકીની જમીન તેના નિર્ધારિત મૂલ્યાંકનના 55 ટકા જેટલા રાહતદારે ટ્રાન્સફર કરાશે, એટલે કે પ્રતિ ચો.મી. 2.10 લાખના ભાવની જમીન 1,15,500ના ભાવે અપાશે. જેમાં ચો.મી.દીઠ 94500નું સીધું ડિસ્કાઉન્ટ મળી જશે. આમ યુસુફને જમીન પેટે 10 કરોડ 3 લાખ 80 હજારના બદલે 5.52 કરોડ ચૂકવવા પડશે. જેનાથી 4.48 કરોડનો સીધો ફાયદો મળશે અને તેમાં 500 મીટર રહેણાક જમીનના 10.50 કરોડ ઉમેરતા 15 કરોડનો કુલ ફાયદો થશે.
2014માં રાજ્ય સરકારે પ્લોટ ફાળવણીની દરખાસ્ત નામંજૂર કરી હતી યુસુફ પઠાણે વર્ષ 2012માં પોતાના મકાનની અડીને આવેલો આ પ્લોટ ખરીદવા માટે મનપા સમક્ષ માંગણી કરી હતી. તે સમયે કોર્પોરેશનની સામાન્ય સભા દ્વારા આ જમીન ફાળવવા માટે સકારાત્મક વલણ દાખવવામાં આવ્યું હતું. પરંતુ, વર્ષ 2014માં ગુજરાત સરકારની નિર્ણય પ્રક્રિયા દરમિયાન આ પ્લોટની ફાળવણી અંગેની દરખાસ્તને કાયદાકીય અને નીતિવિષયક કારણોસર નામંજૂર કરી દેવામાં આવી હતી.
જમીન વિવાદમાં ક્યારે શું થયું? 3 માર્ચ, 2012 : યુસુફ પઠાણે પ્લોટ માગ્યો યુસુફ પઠાણે મ્યુ.કમિશનરને પત્ર લખી પોતાના બંગલાની બાજુના 978 ચો. મીટરના પ્લોટની ફાળવણી કરવા માગ કરી હતી.30 માર્ચ અને 8 જૂન, 2012ના રોજ સભામાં પ્લોટની ફાળવણીની દરખાસ્ત આગળ વધારાઈ હતી. પ્લોટની જાહેર હરાજી વિના 99 વર્ષના ભાડાપટે ફાળવણી કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
9 જૂન, 2014: સરકારે દરખાસ્ત નામંજૂર કરી રાજ્ય સરકારે જાહેર હરાજી વિના પ્લોટની ફાળવણીની દરખાસ્તને મંજૂરી આપી ન હતી. 6 જૂન, 2024: મામલો કોર્ટમાં પહોંચ્યો પાલિકાએ પ્લોટની ફાળવણીની દરખાસ્ત નામંજૂર થયેલી હોવાનો ઉલ્લેખ કરી કથિત દબાણ દૂર કરવા તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. યુસુફ પઠાણે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. 21 ઑગસ્ટ, 2025ના રોજ ગુજરાત હાઇકોર્ટે યુસુફ પઠાણની અરજી ફગાવી દીધી હતી.
4 ફેબ્રુઆરી, 2026: સિંગલ જજના ચુકાદા સામે અપીલ સિંગલ જજના ચુકાદાને પડકારવા યુસુફ પઠાણે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ દાખલ કરી હતી. 8 જૂન, 2026ના રોજ હાઇકોર્ટે જમીનની કાયદેસરની ફાળવણી થઈ ન હોય અને રકમ ચૂકવાઈ ન હોય તો સરકારી જમીન પર કબજો કેવી રીતે મેળવ્યો? કોર્ટે પાલિકાના અધિકારીઓની ભૂમિકા અંગે સવાલ ઉઠાવ્યા હતા.
15 જૂન, 2026: સમય માગવાની કાર્યવાહી પઠાણના વકીલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી અંગેની રાજ્ય સરકારની નીતિનો આધાર લઈને રજૂઆત આગળ વધારવા સમય માગ્યો હતો.
18 જૂન, 2026: પાલિકાએ પ્લોટની હરાજીની તૈયારી કરી પાલિકાએ શહેરના 7 પ્લોટની હરાજી માટેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકી હતી. તેમાં તાંદલજાનો 978 ચો.મીટરનો પ્લોટ પણ સામેલ હતો. આ પ્લોટ માટે અંદાજિત અપસેટ વેલ્યૂ પ્રતિ ચો. મીટર 2.10 લાખ દર્શાવાઈ હતી. આ પ્રમાણે કુલ કિંમત આશરે 20.53 કરોડ થતી હતી.
31 ઑગસ્ટ, 2026: યુસુફ પઠાણે હાઈકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી આ કેસનો સૌથી મહત્ત્વનો વળાંક 31 ઑગસ્ટ, 2026ના રોજ આવ્યો હતો. જેમાં યુસુફ પઠાણે કોર્ટમાં કરેલી અપીલ પાછી ખેંચી હતી. પઠાણે 2012માં પ્લોટ માગ્યો હતો, ઓગસ્ટ-2026માં હાઇકોર્ટમાંથી અપીલ પાછી ખેંચી હતી.
