નાપાસ કે અભ્યાસ અધૂરો રહેલા વિદ્યાર્થીઓ માટે તક:GSOSની ધો.10ની પરીક્ષા સીસીટીવી તળે તો કેન્દ્રની NOIS પુસ્તક સાથે આપવાની છૂટ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગ દ્વારા આગામી 30મી નવેમ્બરથી ધો.10ની પરીક્ષા યોજાવાની છે. રાજ્યભરના સેન્ટરોમાં યોજાનારી આ પરીક્ષા જે વિદ્યાર્થી આપશે તેને સીસીટીવી કેમેરાની નજર હેઠળ પરીક્ષા આપવાની થશે.
આ ઓપન સ્કૂલિંગ ખાસ કરીને અભ્યાસમાં નબળા કે ધો.10ની પરીક્ષામાં અગાઉ નાપાસ થયા હોય કે કોઇ કારણસર અભ્યાસ ન કરી શક્યા હોય અને ધો.10ની પરીક્ષા પાસનું સર્ટિફિકેટ મેળવવાનું હોય તેમના માટે છે.
આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાય તે માટે સ્કૂલોને અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ, કેન્દ્રીય સ્તરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા પણ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષામાં વિદ્યાર્થી ઉમેદવારે પુસ્તક લઇને જ બેસવાનું હોય છે.
આ સ્થિતિમાં એક વિરોધાભાસ સર્જાય છે, તેમ શિક્ષણવિદોનું માનવું છે. આ કારણસર જીએસઓએસ પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઓછા બેસે છે. જોકે, પરીક્ષાની ઓછી ફી વિદ્યાર્થીઓને પોસાય તેવી હોય છે.
30મી નવેમ્બરથી જીએસઓએસની પરીક્ષાનો પ્રારંભ થશે જીએસઓએસની ધો.10ની પરીક્ષા આપવા માટે 1લી જૂન, 2025ના રોજ ઉમેદવારના 14 વર્ષ પૂરા થયેલા હોવા જોઇએ. અધવચ્ચેથી અભ્યાસ અધૂરો છોડ્યો હોય તેઓ પણ આ પરીક્ષા આપી શકે છે.
પરીક્ષા આ વર્ષે 30મી નવેમ્બરે યોજાશે. આ પરીક્ષા રિપિટર વિદ્યાર્થીઓ પણ આપી શકે છે. ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા, ભાષાઓ ઉપરાંત હેલ્થકેર, બ્યુટિ વેલનેસ, ટ્રાવેલ ટુરિઝમ, એગ્રીકલ્ચર, કન્સ્ટ્રક્શન લોજિસ્ટિક જેવા વિષયોમાંથી પણ વિષય પસંદગી ઉમેદવાર કરી શકે છે.
જીએસઓએસની પરીક્ષામાં 3 કલાકમાં 80 ગુણનું પેપર હોય છે જીએસઓએસ પરીક્ષામાં 80 ગુણના પેપર હોય છે. જે માટે વિદ્યાર્થીને 3 કલાક આપવામાં આવે છે. જો બધા જ વિષયોની પરીક્ષા આપવાની હોય તો ફી રૂ.425 છે. જ્યારે એક વિષયની ફી રૂ.155 છે. જોકે વિષયો દીઠ ફી જુદી-જુદી હોય છે. જ્યારે એનઆઇઓએસમાં ફીનું ધોરણ ઊંચું હોય છે. આ પરીક્ષાનું શિડ્યુઅલ જુદું હોય છે અને તેનું ટાઇમ ટેબલ પણ અલગથી જાહેર થાય છે.
આ બંને પરીક્ષાઓનો વિરોધાભાસ દૂર થવો જોઇએ એનઆઇઓએસ પરીક્ષા વર્ષોથી લેવાય છે. પણ ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલિંગની પરીક્ષાને માન્યતા કેટલાક વર્ષોથી જ મળી છે. આ બંને પરીક્ષાઓના ફોર્મેટમાં જે વિરોધાભાસ છે તે દૂર થવો જોઇએ. કારણ કે ગુજરાત ઓપન સ્કૂલિંગની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે અન્યાય થાય છે. - બીએફ રાઠોડ, પ્રવક્તા, શાળા સંચાલક મંડળ.
