સાયબર ઠગોનો નવો કીમિયો:વિદ્યાર્થીના વેશમાં હોટસ્પોટ માગી APK ઇન્સ્ટોલ કરે છે, OTP સહિતનો ડેટા ચોરી લઈ ખાતું ખાલી કરવાનો ખેલ
સાયબર માફિયાએ ઠગાઈનો નવો કીમિયો અપનાવ્યો છે. રેલવે સ્ટેશન, બસ ડેપો અને બજારોમાં હોટસ્પોટ ગેંગ સક્રિય થઈ છે. વિદ્યાર્થી સહિતના વેશમાં ગઠિયા ઇમર્જન્સીના બહાને 2 મિનિટ માટે હોટસ્પોટ માગે છે. પાસવર્ડ કનેક્ટ ન થવાનું બહાનું કરી 15-20 સેકન્ડ ફોન હાથમાં લઈ સ્પાયવેર એપીકે ઇન્સ્ટોલ કરે છે કે કોલ-SMS ફોરવર્ડિંગ એક્ટિવ કરી દે છે. આનાથી બેંકિંગ OTP, અંગત ડેટા, ફોટો-વીડિયો ચોરાતાં ખાતું ખાલી થાય છે.
આ ઇન્ટરનેટથી ઠગાઈ કરાતાં ટેલિકોમ લોગ્સમાં સિમધારકનું આઈપી એડ્રેસ નોંધાતાં પોલીસ તેના ઘરે પહોંચે છે. આ મેન-ઇન-ધ-મિડલ એટેક અને આઇપી સ્પૂફિંગ/મિસયૂઝ કહેવાય છે. એક વાઇફાઇ નેટવર્ક પર જોડાતાં બંને ડિવાઇસ વચ્ચે સુરક્ષા દીવાલ નબળી પડે છે, જેથી હેકર્સ ડેટા પેકેટ્સ આંતરી શકે છે.
કિસ્સો : 1 | વિદ્યાર્થીના હોટસ્પોટથી વેપારી સાથે 3.20 લાખની ઠગાઈ કરી 1 મહિના પૂર્વે મોલમાં 2 યુવાનોએ વિદ્યાર્થી પાસે હોટસ્પોટ માગતાં તેણે આપ્યું હતું. તેના 10 દિવસ બાદ બીજા રાજ્યની સાયબર પોલીસ તેના ઘરે પહોંચી. હોટસ્પોટ નેટવર્કથી ઠગોએ વેપારી સાથે 3.20 લાખની ઠગાઈ કરી હતી, જેમાં IP એડ્રેસ વિદ્યાર્થીના મોબાઇલનું નોંધાયું હતું. 3 દિવસ બાદ મુંબઈ કોર્ટમાંથી જામીન મળતાં તેનો છૂટકારો થયો હતો.
કિસ્સો : 2 | પાસવર્ડ નાખવાના નામે ફોન લીધો ને 1.45 લાખ ઊપડી ગયા વડોદરા સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા આણંદના ખાનગી કર્મચારી પાસે સુટ-બુટધારી શખ્સે આવી ઇમર્જન્સી ઇ-મેલ મોકલવા હોટસ્પોટ માગ્યું. પાસવર્ડ કનેક્ટ કરવાના બહાને તેણે 20 સેકન્ડ ફોન હાથમાં લઈ સ્પાયવેર ઇન્સ્ટોલ કરી દીધું. રાત્રે તેમના ખાતામાંથી 4 ટ્રાન્ઝેક્શનમાં 1.45 લાખ ઊપડી ગયા અને ફોનમાં એક પણ ઓટીપી દેખાયો ન હતો.
બચવા માટે આટલું કરો
- હોટસ્પોટ ન આપો: અજાણ્યા લોકો ગમે તેવી ઇમર્જન્સી બતાવે, હોટસ્પોટ કે ફોન હાથમાં ન આપો.
- સિક્યોરિટી સેટિંગ્સ: હોટસ્પોટમાં WPA2/WPA3 પાસવર્ડ રાખો, કનેક્શન લિમિટ 1 પર સેટ કરો.
- તરત બંધ કરો: ઉપયોગ પૂરો થતાં જ હોટસ્પોટ અને બ્લુટુથ બંધ કરો.
- ફોન તપાસો: શંકા જાય તો સેટિંગમાં જઈ અજાણી એપ તપાસો. *#21# ડાયલ કરી કોલ-SMS ફોરવર્ડિંગ ચેક કરો. (સાયબર નિષ્ણાત આશિષ પટેલે જણાવ્યા મુજબ)
