મોડી રાતે ચા-પાનના ગલ્લાઓએ સર્જેલું ન્યુસન્સ હવે ચાલશે નહીં:પાલિકાની નાઈટ રેડમાં 440 લારીઓની તપાસ, નિયમભંગ કરનારા 70 વેપારીઓને નોટિસ
સુરતના વિવિધ વિસ્તારોમાં મોડી રાત સુધી ચાલતા ચા-પાનના ગલ્લાઓ અને લારીઓ હવે જો જાહેરમાં કચરો ફેંકશે તો એ માટે કડક કાર્યવાહી થઈ રહી છે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ન્યુસન્સ ડીટેકશન સામે રાત્રિ સ્ક્વોડ ઉભું કરી દંડ અને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. વિવિધ ઝોનમાં આરોગ્ય અધિકારીઓના નેતૃત્વમાં દરરોજ રાત્રિના ચેકિંગ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં શહેરના રેલવે સ્ટેશન, સિનેમા રોડ, સૈયદપુરા, કૈલાસ ચોકડી, સીમાડા નાકા, વેલકમ ગેટ, ડીંડોલી, કતારગામ, પીપલોદ, ઉન અને ભીંડી બજાર સહિતના વિસ્તારોમાં 440 લારીઓની તપાસ કરવામાં આવી હતી.
ઝુંબેશ દરમિયાન કુલ રૂ. 1,05,100નો વહીવટી દંડ વસૂલાયો આ તપાસ દરમિયાન આરોગ્ય વિભાગે 100 કિલોગ્રામ અખાદ્ય ખાદ્ય પદાર્થોનો નાશ કર્યો હતો. ઉપરાંત 46 કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી, નિયમભંગ કરનારા 70 વેપારીઓને નોટિસ ફટકારી હતી. સમગ્ર ઝુંબેશ દરમિયાન કુલ રૂ. 1,05,100નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
આકસ્મિક નાઈટ વિઝિટ અને કડક કાર્યવાહી શનિવારની રાતે આરોગ્ય અધિકારી ડો. પ્રદીપ ઉમરીગરે વિવિધ વિસ્તારોમાં અચાનક નાઈટ વિઝિટ કરી હતી. દરમ્યાન પણ ચાલ્યું કે ઘણા ચા-પાનના ગલ્લાઓ અને હાટડીઓ મોટાપાયે કચરો રસ્તા પર ફેંકી જાહેરમાં ન્યુસન્સ ઉભું કરી રહ્યાં છે. જેના પગલે તરત જ તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓને આદેશ આપી આ લારીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ વિસ્તારોમાં લારીઓ અને પાનના ગલ્લાઓ સીલ પાલિકા દ્વારા આ ઝુંબેશમાં ઉધના ઝોન-એમાં દેવકી નંદન રોડ પર આવેલા પાનના એક ગલ્લાને સીલ કરાયો હતો તેમજ વરાછા ઝોન-એમાં સહારા દરવાજાથી કાંગારૂ સર્કલ સુધીની ત્રણ ચાની લારીઓ પણ બંધ કરાવી દેવામાં આવી હતી. આરોગ્ય વિભાગની ટીમે ચેતવણી આપી છે કે, જો કોઈ વ્યાપારી ફરીથી ન્યુસન્સ સર્જશે તો વધુ કડક પગલાં લેવામાં આવશે.
