સુરત મનપા ક્લાર્ક વર્ગ-3ની પરીક્ષા સંપન્ન:ત્રણેય શહેરોમાં સરેરાશ 66.07% હાજરી, GPMC એક્ટ અને GCSRના કાયદાકીય સવાલોમાં પરીક્ષાર્થીઓ અટવાયા
સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત જુનિયર ક્લાર્ક (વર્ગ-3)ની લેખિત પરીક્ષા 11 ઓક્ટોબરે સુરત, અમદાવાદ અને રાજકોટ સહિતના પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા અને સુચારુ વ્યવસ્થા વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. રાજ્યભરમાંથી નોંધાયેલા કુલ 1,14,970 ઉમેદવારો પૈકી 75,963 પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 39,007 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. આમ સમગ્ર રાજ્યમાં સરેરાશ 66.07 ટકા હાજરી નોંધાઈ હતી.
સુરતમાં 54 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી સુરત કેન્દ્ર પર સૌથી વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. સુરતમાં કુલ નોંધાયેલા 76,138 ઉમેદવારોમાંથી 54,817 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા અને 21,321 ગેરહાજર રહ્યા હતા. અમદાવાદ કેન્દ્ર ખાતે 29,563માંથી 16,132 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જ્યારે 13,431 ગેરહાજર રહ્યા હતા. રાજકોટ કેન્દ્ર પર 9,269માંથી 5,014 ઉમેદવારો હાજર અને 4,255 ગેરહાજર નોંધાયા હતા. ત્રણેય શહેરોમાં પરીક્ષા કેન્દ્રો પર સવારથી જ ઉમેદવારોની ભારે ચહલપહલ જોવા મળી હતી.
GPMC એક્ટ અને સરકારી કાર્યપદ્ધતિના પ્રશ્નોનું ભારણ પેપરના સ્વરૂપની વાત કરીએ તો પ્રશ્નપત્ર સરેરાશ મધ્યમથી થોડું લેન્ધી રહ્યું હતું. ખાસ કરીને સુરત મનપાની ભરતી હોવાથી પ્રશ્નપત્રમાં ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન (GPMC) એક્ટ, 1949ને લગતા પ્રશ્નો વિશેષ પૂછાયા હતા. જેમાં પાલિકાની કલમ 457 હેઠળ નિયમો બનાવવાની સત્તા, કલમ 74 મુજબ કરારોના અમલ, કલમ 92(1) હેઠળ મ્યુનિસિપલ ફંડના રોકાણ, કલમ 399 મુજબ સામાન્ય દંડની જોગવાઈઓ તેમજ ટ્રાન્સપોર્ટ અંડરટેકિંગ હેઠળ સત્તાધિકારીઓની નિમણૂક જેવા કાયદાકીય પ્રશ્નોનો સમાવેશ થતો હતો.
આ ઉપરાંત સરકારી વહીવટ અને લેખન-પદ્ધતિને લગતા પ્રશ્નો પણ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા. જેમાં સરકારી પત્રવ્યવહારના નિયમો, ફાઈલિંગ સિસ્ટમ, કચેરીની કાર્યનોંધ, રેકોર્ડ મેનેજમેન્ટ તેમજ ગુજરાત મુલ્કી સેવા (GCSR) હેઠળના પેન્શન, રજા અને લીયન (Lien)ના નિયમોને લગતા સવાલો પૂછાયા હતા.
ગણિત-રીઝનિંગમાં સમય ખૂટ્યો, એકંદરે પેપર સંતુલિત સામાન્ય જ્ઞાન, ગુજરાતી વ્યાકરણ અને કમ્પ્યુટરના પ્રશ્નો પ્રમાણમાં સરળ અને સીધા હતા. જોકે, ગણિત અને રીઝનિંગના પ્રશ્નોમાં ગણતરી કરવી પડે તેવા વ્યવહારુ કૂટપ્રશ્નો હોવાથી ઉમેદવારોને પેપર પૂર્ણ કરવામાં સમય ઓછો પડ્યો હોવાનો સૂર વ્યક્ત થયો હતો. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોએ જણાવ્યું હતું કે જેમણે પાલિકાના નિયમો અને સરકારી કાર્યપદ્ધતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો હશે તેમના માટે પેપર સ્કોરિંગ સાબિત થશે. પાલિકા તંત્ર દ્વારા તમામ કેન્દ્રો પર સીસીટીવી અને પોલીસ બંદોબસ્ત સાથે પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરાવી હતી.
