સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યામાં 9.9%નો ઉછાળો:આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ શરૂ કરવા અને BASA કરારમાં સમાવેશ કરવા સરકાર પાસે માગ
સુરત એરપોર્ટ પર મુસાફરોની સતત વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શહેરની હવાઈ કનેક્ટિવિટી વધુ મજબૂત બનાવવાની માગ તેજ બની છે. આંકડા મુજબ, વર્ષ 2024માં 16.47 લાખ મુસાફરોએ મુસાફરી કરી હતી, જે વર્ષ 2025માં 9.9%ના વધારા સાથે 18.10 લાખ પર પહોંચી હતી, જ્યારે વર્ષ 2026ના પ્રથમ 9 મહિનામાં જ 12.50 લાખ મુસાફરોની અવરજવર નોંધાઈ છે.
મુસાફરોના આ વધતા ટ્રાફિક વચ્ચે 'વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત'ના સભ્યોએ રાજ્ય સરકાર સમક્ષ સુરતથી નવી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરવા, હાલના રૂટ પર ફ્લાઈટની સંખ્યા વધારવા તેમજ અગાઉ બંધ થયેલી હવાઈ સેવાઓ પુનઃ શરૂ કરવા ઉગ્ર માંગણી કરી છે.
હબ એન્ડ સ્પોક યોજનાથી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીનો માર્ગ મોકળો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે તબક્કાવાર અમલમાં મૂકાનારી 'હબ એન્ડ સ્પોક ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઓપરેશન્સ' પહેલ હેઠળ આગામી 22 એરપોર્ટમાં સુરતનો સમાવેશ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. આ મોડલ હેઠળ મોટા એરપોર્ટને મુખ્ય કેન્દ્ર (હબ) તરીકે વિકસાવી અન્ય શહેરોના એરપોર્ટને તેની સાથે જોડવામાં આવે છે, જેનાથી મુસાફરોને વધુ સ્થળોએ જવા માટે ફ્લાઈટના વિકલ્પો ઉપલબ્ધ બને છે.
BASA કરારમાં સમાવેશ અને બંને સરકાર વચ્ચે સંકલનની જરૂરિયાત સુરતને આ યોજનાનો મહત્તમ લાભ મળે તે માટે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંકલન વધારવાની તાતી જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે. દ્વિપક્ષીય હવાઈ સેવા કરાર (BASA) અને પોઈન્ટ્સ ઓફ કોલની ચર્ચામાં સુરતનો સમાવેશ કરાવવાથી વિદેશી ફ્લાઈટના નવા વિકલ્પો ઊભા થઈ શકે છે. હીરા, ટેક્સટાઈલ અને વેપારનું મોટું કેન્દ્ર હોવાથી સુરતની હવાઈ કનેક્ટિવિટી વધવાથી વેપાર, ઉદ્યોગ, પ્રવાસન અને આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક સંબંધોને મોટો વેગ મળશે.
