ગર્ભ પરીક્ષણ કાયદાના ભંગમાં સજા યથાવત:2011ની તપાસમાં ક્લિનિકમાં રજિસ્ટર અને ચેતવણી બોર્ડ ન મળતા સુરતના ડોક્ટર દંપતીને 3 મહિનાની જેલ
સુરતમાં 15 વર્ષ અગાઉના PC&PNDT એક્ટ ભંગના કેસમાં ટ્રાયલ કોર્ટે ફટકારેલી 3 માસની સજાના હુકમ સામે ડોક્ટર દંપતીએ કરેલી રિવિઝન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી સજા યથાવત રાખી છે. કોર્ટે દંપતીની પ્રોબેશનનો લાભ આપવાની અરજી પણ ફગાવી દઈ બંનેને 15 દિવસમાં ટ્રાયલ કોર્ટ સમક્ષ હાજર થવા આદેશ કર્યો છે. સરકાર પક્ષે એપીપી દિગંત તેવાર અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફે એડવોકેટ મુખ્ત્યાર શેખની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે નોંધ્યું હતું કે, સ્ત્રીઓના રક્ષણ અને સમાજમાં સ્ત્રી-પુરુષનો સમાન રેશિયો જાળવવા આ વિશેષ કાયદો ઘડવામાં આવ્યો છે.
2011ની ઓચિંતી તપાસમાં ક્લિનિકમાં ગંભીર ક્ષતિઓ પકડાઈ હતી આ સમગ્ર મામલે તત્કાલીન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. આર. કે. કંછલે 16 એપ્રિલ, 2011ના રોજ પાર્લે પોઈન્ટ સ્થિત સારથી એપાર્ટમેન્ટમાં રહેતા ડો. શારદાબેન ભારોલીયા (ઉં.વ. 63) અને ડો. જાદવજી ભારોલીયા (ઉં.વ. 65)ના ક્લિનિક પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન કાયદા મુજબ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ ક્લિનિકમાં લગાવવાને બદલે ઘરે રાખ્યું હોવાનું ખૂલ્યું હતું. આ ઉપરાંત ક્લિનિકમાં ગર્ભસ્થ શિશુનું લિંગ પરીક્ષણ ન કરવા અંગેનું ચેતવણી બોર્ડ નહોતું, 2 વર્ષથી સોનોગ્રાફી રજિસ્ટર કે 'ફોર્મ-એફ' નિભાવાયા નહોતા તેમજ રેડિયોલોજિસ્ટ ડો. હિરેન પાઠકની લાયકાતના રેકોર્ડ પણ મળ્યા નહોતા.
