સુરત સિવિલમાં ‘ગોલ્ડન અવર’ની સંજીવની:12 બેડના અત્યાધુનિક બ્રેઈન સ્ટ્રોક ICUનો પ્રારંભ, ગંભીર બીમારીમાં 24x7 એક્સપર્ટ ડોક્ટરોની ટીમ ખડેપગે રહેશે
સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાતના ગરીબ અને મધ્યમવર્ગીય દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહતરૂપ સુવિધાનો ઉમેરો થયો છે. બ્રેઈન સ્ટ્રોક (લકવો), ખેંચ/વાય, માનસિક ચિંતા અને શ્વાસની ગંભીર તકલીફો જેવી કટોકટીભરી બીમારીઓમાં દર્દીઓને વિના વિલંબે અને સચોટ સારવાર મળી રહે તે હેતુથી સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ 12 બેડના નવા બ્રેઈન સ્ટ્રોક ICUનો શુભારંભ કરવામાં આવ્યો છે.
‘ગોલ્ડન અવર’માં સારવાર મળતા બચશે અમૂલ્ય જિંદગીઓ તબીબી નિષ્ણાતોના મતે, બ્રેઈન સ્ટ્રોક અને ખેંચ જેવી બીમારીઓમાં સારવાર માટેની દરેક મિનિટ ખૂબ જ કિંમતી હોય છે, જેને તબીબી ભાષામાં ‘ગોલ્ડન અવર’ કહેવામાં આવે છે. જો સ્ટ્રોક આવ્યાના પહેલા 4થી 5 કલાકની અંદર દર્દીને યોગ્ય અને અદ્યતન સારવાર મળી જાય તો દર્દીને કાયમી ખોડખાંપણ કે જીવનું જોખમ ટાળી શકાય છે. અત્યાર સુધી ખાનગી હોસ્પિટલોમાં આવી સારવાર અત્યંત ખર્ચાળ સાબિત થતી હતી પરંતુ, હવે સિવિલ હોસ્પિટલમાં આ ડેડિકેટેડ યુનિટ શરૂ થવાથી સામાન્ય વર્ગના દર્દીઓને સમયસર અને નિષ્ણાત સારવાર ઉપલબ્ધ બનશે.
પુરુષ અને મહિલા વોર્ડમાં અલગ-અલગ વ્યવસ્થા દર્દીઓની સુવિધા અને પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને આ નવા બ્રેઈન સ્ટ્રોક યુનિટમાં પુરુષો અને મહિલાઓ માટે 6-6 બેડના અલગ-અલગ ICU વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સમગ્ર યુનિટમાં અનુભવી ન્યુરોલોજીસ્ટ અને ન્યુરોસર્જનની સ્પેશિયાલિસ્ટ ટીમ 24x7 રાઉન્ડ-ધ-ક્લોક ખડેપગે તૈનાત રહેશે, જેથી ગમે તે સમયે આવતા ઈમરજન્સી કેસમાં તાત્કાલિક નિદાન શરૂ કરી શકાય.
એક જ છત નીચે અદ્યતન નિદાન અને હાઈ-ટેક મશીનરી નવા શરૂ કરાયેલા આ ICUમાં વિશ્વસ્તરીય મેડિકલ ટેકનોલોજીનો સમન્વય કરવામાં આવ્યો છે. અહીં દર્દીઓના મગજના દબાણ, ઓક્સિજન લેવલ અને અન્ય મહત્વપૂર્ણ પરિબળો પર સતત નજર રાખવા માટે હાઈ-ટેક મોનિટરિંગ અને વેન્ટિલેટર સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત, એક જ છત નીચે વિશિષ્ટ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. જેમાં થ્રોમ્બોલાયસિસ (Thrombolysis): બ્રેઈન સ્ટ્રોક વખતે મગજમાં જામી ગયેલી લોહીની ગાંઠ ઓગાળવાની અત્યંત આધુનિક સારવાર, EEG ટેસ્ટ: ખેંચ અને વાયની તકલીફોના સચોટ નિદાન માટેની સુવિધા, EMG-NCV ટેસ્ટ: હાથ-પગની નસોની નબળાઈની તપાસ માટેની અદ્યતન પ્રણાલી અને સ્લીપ સ્ટડી: ખેંચ, માનસિક ચિંતા અને ઊંઘ દરમિયાન થતી શ્વાસની તકલીફોના સંપૂર્ણ રિપોર્ટ માટેની સુવિધાનો સમાવેશ થાય છે.
તબીબી ટીમના સંયુક્ત પ્રયાસોથી સપનું સાકાર સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. પારુલ વડગામાના માર્ગદર્શન હેઠળ આ પ્રોજેક્ટને સફળતાપૂર્વક કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. આ યુનિટને કાર્યરત કરવામાં ન્યુરોસર્જરી વિભાગના ડો. મેહુલ મોદી, ન્યુરોલોજી વિભાગના ડો. હરેશ પારેખ, ઈ.આર.એમ.ઓ. ડો. ભરત પટેલ, કિડની બિલ્ડીંગના નોડલ ઓફિસર ડો. ભરત ચાવડા અને નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ ભાવીની પટેલ સહિત છેલ્લા બે વર્ષથી બંને વિભાગમાં સેવા આપતા રેસીડેન્ટ ડોક્ટરોની ટીમનો મહત્વનો સહયોગ રહ્યો છે. આ નવું યુનિટ સુરતવાસીઓને સરકારી હોસ્પિટલમાં જ વિશ્વસ્તરીય ન્યુરો-ક્રિટિકલ કેર પૂરી પાડવા માટે કટિબદ્ધ બન્યું છે.
