ડાયમંડ સિટીમાં બાઇકસવાર લૂંટારુઓનો આતંક, CCTV:વરાછા-મહિધરપુરા અને કતારગામને બાનમાં લીધા, સવારના 5 વાગ્યામાં એક પછી એક પાંચ લૂંટને અંજામ આપ્યો
ડાયમંડ સિટી સુરતમાં વહેલી સવારે બાઈક પર નીકળેલા બે લૂંટારુઓએ આતંક મચાવીને પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે. સવારે 5 વાગ્યાના અરસામાં આ બંને બદમાશોએ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગણતરીની મિનિટોમાં એક બાદ એક 5 લૂંટની ઘટનાઓને અંજામ આપ્યો છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે, જેના આધારે સ્થાનિક પોલીસની સાથે હવે સુરત ક્રાઈમ બ્રાન્ચ પણ આરોપીઓને દબોચી લેવા માટે મેદાનમાં ઉતરી છે.
ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 સ્થળે ત્રાટક્યા લૂંટારુઓ વહેલી સવારે જ્યારે લોકો કામધંધા અર્થે કે મોર્નિંગ વોક માટે ઘરની બહાર નીકળ્યા હતા, ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ એકલા જતા રાહદારીઓ અને વાહનચાલકોને નિશાન બનાવ્યા હતા. લૂંટારુઓએ શહેરના ત્રણ અલગ-અલગ પોલીસ સ્ટેશનની હદમાં તરખાટ મચાવ્યો હતો. જેમાં વરાછા વિસ્તારમાં શિવપાર્ક અને લાભેશ્વર ચોક ખાતે બે લૂંટ, મહિધરપુરા વિસ્તારમાં આયુર્વેદિક કોલેજ પાસે અને સુમુલ ડેરી રોડ પર બે લૂંટ તેમજ કતારગામ વિસ્તારમાં ગજેરા સર્કલ પાસે એક લૂંટ મળીને કુલ પાંચ સ્થળોએ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
પ્રતિકાર કરનાર 3 લોકો પર ચાકુ વડે જીવલેણ હુમલો બાઈક પર સવાર બંને લૂંટારુઓની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતક હતી. રસ્તા પર જે પણ વ્યક્તિ એકલો દેખાય તેને આંતરીને ચપ્પુની અણીએ મોબાઈલ ફોન અને રોકડ રકમની લૂંટ ચલાવતા હતા. આ દરમિયાન જે લોકોએ લૂંટનો પ્રતિકાર કરવાની હિંમત બતાવી, તેમના પર લૂંટારુઓએ ચાકુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ પાંચ લૂંટની ઘટનાઓમાં મહેશ મગન ડામોર, હેમંતભાઈ સેવકભાઈ નાયક અને લક્ષ્મણભાઈ વાળાભાઈ દરબાર નામના ત્રણ વ્યક્તિઓને ચાકુના ઘા વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.
કતારગામ ગજેરા સર્કલની લૂંટના CCTV સામે આવ્યા કતારગામ વિસ્તારના ગજેરા સર્કલ પાસે બનેલી લૂંટની ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક વ્યક્તિ રસ્તા પર એકલો ચાલતો જઈ રહ્યો છે, ત્યારે બાઈક પર બે શખ્સો ત્યાં ધસી આવે છે અને ચપ્પુ બતાવી લૂંટનો પ્રયાસ કરે છે. ભોગ બનનાર વ્યક્તિ હિંમત દાખવીને પ્રતિકાર કરે છે અને બંને લૂંટારુઓને પકડવા માટે ઝપાઝપી કરે છે. આ દરમિયાન બાઈક પર બેઠેલો લૂંટારો સંતુલન ગુમાવતા બાઈક સાથે નીચે પટકાય છે, પરંતુ બીજો લૂંટારો ચાકુ વડે હુમલો કરતા અંતે તે વ્યક્તિ લાચાર બની જાય છે અને બંને લૂંટારુઓ બાઈક લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે.
ઈજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડાયા, સમગ્ર શહેરમાં નાકાબંધી એક જ સવારમાં પાંચ-પાંચ લૂંટ અને ચાકુબાજીની ઘટનાઓ બનતા સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે. ચાકુના હુમલામાં ઘાયલ થયેલા ત્રણેય ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતા જ વરાછા, મહિધરપુરા અને કતારગામ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરીને તપાસ શરૂ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો આરોપીઓની શોધખોળમાં ઘટનાની ગંભીરતાને જોતા સુરત પોલીસ કમિશનર દ્વારા તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસની સાથે હવે સુરત ક્રાઈમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો પણ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કામે લાગી છે. પોલીસે તમામ પાંચેય ઘટનાસ્થળો અને આસપાસના રૂટના CCTV ફૂટેજ કબજે કરીને બાઈકના નંબર અને આરોપીઓના ચહેરાની ઓળખ કરવાની કવાયત હાથ ધરી છે. પોલીસનું માનવું છે કે આરોપીઓ રીઢા ગુનેગાર હોઈ શકે છે અને ટૂંક સમયમાં જ તેમને ઝડપી પાડવામાં આવશે.
