સિટી એન્કર:સોલાર પ્રોજેક્ટ્સ પર 2019 પહેલા લાગતો જૂનો 5 % GST જ લાગશે, હાલ 8.9% ટેક્સ હતો, ઇન્ડસ્ટ્રી-ગ્રાહકોને મોટી રાહત
રિન્યુએબલ એનર્જી સેક્ટર માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. ખંડપીઠે સ્પષ્ટ કર્યું છે કે 1 જુલાઈ, 2017થી 31 ડિસેમ્બર, 2018 દરમિયાન થયેલા સોલાર પાવર જનરેટિંગ (SPG) સિસ્ટમના સપ્લાય અને ઇન્સ્ટોલેશન પર માત્ર 5 ટકા GST જ લાગુ પડશે.
1 જાન્યુઆરી, 2019થી અમલમાં આવેલો 70:30 રેશિયોનો (અસરકારક 8.9% ટેક્સ) નવો નિયમ જૂના વ્યવહારો પર ફરજિયાતપણે થોપી શકાય નહીં. આ સાથે જ કોર્ટે એક પ્રા. લિ. વિરુદ્ધ થાણે CGST કમિશનરેટ દ્વારા કાઢવામાં આવેલો રૂ. 53 કરોડનો ટેક્સ અને પેનલ્ટીનો આદેશ રદ કરી દીધો છે.
રેવન્યુ વિભાગે સોલાર પેનલનું ઇન્સ્ટોલેશન ‘વર્ક્સ કોન્ટ્રાક્ટ’ ગણાવી વધુ ટેક્સ માગ્યો
પ્રા. લિ. EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટ હેઠળ સોલાર પાવર સિસ્ટમ લગાવવાનું કામ કરે છે. કંપનીએ 1 જુલાઈ, 2017થી 31 ડિસેમ્બર, 2018 દરમિયાન નોટિફિકેશન હેઠળ સોલાર સિસ્ટમને ‘ગુડ્સ’ ગણીને 5% (2.5% CGST + 2.5% SGST) ટેક્સ ચૂકવ્યો હતો.
અરજદારના વકીલની દલીલો : નિયમ મુજબ ટેક્સ ભર્યો: 1 જુલાઈ, 2017થી 31 ડિસેમ્બર, 2018 દરમિયાન નોટિફિકેશન નં. 1/2017 મુજબ સોલાર સિસ્ટમને ‘ગુડ્સ’ ગણીને નિયમિતપણે GST ચૂકવ્યો છે.
રેવન્યુ વિભાગના વકીલની દલીલો : વર્ક્સ કોન્ટ્રાક્ટ ગણાય: સોલાર સિસ્ટમનો સપ્લાય અને ઇન્સ્ટોલેશન એ કમ્પોઝિટ સપ્લાય છે, જે CGST એક્ટની કલમ 2(119) હેઠળ ‘વર્ક્સ કોન્ટ્રાક્ટ’ તરીકે ગણાવવો જોઈએ. સ્ટ્રક્ચર ફાઉન્ડેશન, કેબલ ટ્રેન્ચ અને કંટ્રોલ રૂમ જેવું સિવિલ વર્ક સામેલ હોવાથી તે સ્થાવર મિલકત બની જાય છે.
સુપ્રીમ કોર્ટનું નિરીક્ષણ અને ચુકાદો વૈકલ્પિક ઉપાયનો નિયમ જડ નથી, બોમ્બે હાઈકોર્ટનો આદેશ યોગ્ય નહોતો, વૈકલ્પિક ઉપાય હોવો એ કોઈ કડક સૂત્ર નથી અને કાયદાકીય મુદ્દાઓ સામેલ હોવાથી હાઈકોર્ટે ગુણદોષ પર સુનાવણી કરવી જોઈતી હતી. અધિકારીઓની મનમાની પર રોક લાગશે. સર્ક્યુલરમાં આપેલા ‘વૈકલ્પિક’ નિયમોને ટેક્સ અધિકારીઓ દ્વારા બળજબરીપૂર્વક પાછલી અસરથી લાગુ કરવાની પ્રવૃત્તિ પર સુપ્રીમ કોર્ટે લગામ કસી છે.
